ફરેબ - ભાગ 3 H N Golibar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ફરેબ - ભાગ 3

( પ્રકરણ : 3 )

કશીશનો પતિ અભિનવ સામે પડેલા પલંગની ઉપરની દીવાલ પર લાગેલો સિંહનો ફોટો જોઈ રહ્યો હતો,

જ્યારે કશીશના પ્રેમી નિશાંતની નજર પલંગની ડાબી બાજુની ટિપૉય પર પડેલા કશીશના મંગલસૂત્ર પર હતી. જો અભિનવની નજર એ મંગલસૂત્ર પર પડી જાય અને એ મંગલસૂત્ર કશીશનું છે એ જો અભિનવ ઓળખી જાય તો એ ભેદ ખુલી જાય એમ હતો કે, કશીશ અહીં તેની પાસે આવતી હતી !!!

‘આ સિંહનો ફોટો એકદમ નજીકથી લીધો હતો કે...’

‘ના.’ અભિનવ પોતાનો સવાલ પૂરો કરે એ પહેલાં જ નિશાંતે જવાબ આપ્યો : ‘ટેલિ-લેન્સથી લીધો હતો, નજીકથી લઉં તો સિંહ મને ફાડી ન ખાય ? !’ અને નિશાંત હસ્યો. પણ તેના મનમાં તો ફફડાટ હતો જ. હવે અભિનવ સિંહના ફોટા પરથી નજર ખસેડશે, અને નીચે-પલંગની ડાબી બાજુની ટિપૉય પર પડેલા કશીશના મંગલસૂત્ર પર એની નજર પડશે, અને પછી....

‘ખરેખર ! કશીશની વાત સાચી જ છે. તારી ફોટોગ્રાફી અદ્‌ભુત છે.’ અને અભિનવે સિંહના ફોટા પરથી પોતાની નજર હટાવી, અને....

....અને એ જ પળે અભિનવના મોબાઈલ ફોનની રિંગ રણકી ઊઠી. કોટના ખિસ્સામાંથી મોબાઈલ કાઢતાં અભિનવ નિશાંત તરફ ફર્યો. તેણે બટન દબાવ્યું અને મોબાઈલ ફોન કાને ધર્યો : ‘હા, બોલ, જયનીલ,’ અભિનવે કહ્યું, અને પછી મોબાઈલમાં જયનીલની વાત સાંભળીને કહ્યું : ‘બસ, હું હમણાં દસ જ મિનિટમાં ઑફિસે પહોંચું છું.’ અને મોબાઈલ કટ કરીને અભિનવે નિશાંત સામે જોયું : ‘સૉરી, નિશાંત ! મારે તાત્કાલિક ઑફિસે પહોંચવું પડે એમ છે. અત્યારે આપણે આ મુલાકાતને મોકૂફ રાખીને કાલ પરમ દિવસે મળીએ તો..? !’

‘નો પ્રોબ્લેમ !’ નિશાંતે કહ્યું, એટલે, ‘ઓ. કે. પછી મળીએ છીએ.’ કહેતાં અભિનવ ઉતાવળે મુખ્ય દરવાજાની બહાર નીકળી ગયો અને લાંબા પગલાં ભરતો સીડી તરફ આગળ વધી ગયો.

નિશાંતે નિરાંત અનુભવતાં દરવાજો બંધ કર્યો અને સ્ટોપર વાસી. તેણે ખિસ્સામાંથી મોબાઈલ કાઢીને કશીશનો મોબાઈલ ફોન નંબર મિલાવ્યો. સામેથી તુરત જ કશીશનો અધીરો સવાલ સંભળાયો : ‘હેલ્લો, નિશાંત ! શું થયું ? અભિનવ આવ્યો...’

‘....આવ્યો હતો.’ નિશાંતે મોબાઈલમાં કહ્યું : ‘પણ અચાનક કોઈકનો ફોન આવ્યો, એટલે કાલ-પરમ દિવસ પર મુલાકાત ઠેલીને એ ચાલ્યો ગયો.’

‘નિશાંત !’ સામેથી કશીશનો ફફડાટભર્યો સવાલ સંભળાયો : ‘મારાથી ભૂલથી ત્યાંં ટિપૉય પર મારું મંગળસૂત્ર રહી ગયું છું, એની પર તો અભિનવનું ધ્યાન નથી...’

‘....ના, નથી ગયું.’

‘થૅન્ક, ગૉડ !’ સામેથી કશીશનો રાહતભર્યો અવાજ આવ્યો.

‘મેં એને ઠેકાણે મૂકી દીધું છે.’ અને નિશાંતે સહેજ હસતાં કહ્યું : ‘આપણાં લગ્ન વખતે હું તને આ જ મંગળસૂત્ર પહેરાવી દઈશ. ચાલશે ને ? !’

‘છટ !’ કહેતાં સામેથી કશીશે ઉતાવળે વાત પતાવી : ‘અત્યારે હું અનુરાધા સાથે ‘કૉફી ડે’ પર છું. એ અંદર મારી વાટ જુએ છે. પછી વાત કરું છું.’ અને સામેથી કશીશે મોબાઈલ કટ કરી દીધો.

નિશાંતે મોબાઈલ ખિસ્સામાં મૂકયો. તે પલંગની ડાબી બાજુની ટિપૉય પાસે પહોંચ્યો. એની પર પડેલું કશીશનું મંગલસૂત્ર હાથમાં લીધું અને એને ચુમ્યું. પછી તેણે મંગળસુત્ર ગળામાં પહેર્યું અને અરીસામાં પોતાની જાતને જોઈ રહેતાં ખડખડાટ હસી પડયો !

ઑફિસમાં પોતાના બિઝનેસ પાર્ટનર જયનીલ અને ઉદિત સાથે બેઠેલો અભિનવ ટૅન્શનમાં હતો. તેને શેરબજારમાં કરોડો રૂપિયાનું નુકશાન થયું હતું.

‘અભિનવ !’ જયનીલ સાવ ઢીલા અવાજે બોલ્યો : ‘આ ચકકરમાંથી હેમખેમ બહાર નીકળવા માટે કંઈક વિચાર.’

‘હા, અભિનવ !’ ઉદિત પણ નંખાઈ ગયેલા અવાજે બોલ્યો : ‘તું કંઈક કર, નહિતર આપણે ગળે ફાંસો ખાવાનો વારો આવશે.’

‘હિંમત રાખો. હું કંઈક રસ્તો કાઢું છું.’ અભિનવે કહ્યું અને વિચારમાં પડયો. જોકે, તેણે વિચારવામાં વધુ સમય લીધો નહિ. પાંચમી પળે જ તેણે આ મુસીબતમાંથી બહાર નીકળવા માટેનો રસ્તો વિચારી લીધો. છેવટનો નિર્ણય લઈ લીધો. ખતરનાક..., ખૂબ જ ખતરનાક નિર્ણય !

૦ ૦ ૦

રાતના પોણા બાર વાગ્યા હતા.

કશીશ નાહવા-નાઈટી પહેરવા માટે બાથરૂમ તરફ આગળ વધવા ગઈ, ત્યાં જ અભિનવની નજર કશીશના મંગળસૂત્ર વિનાના ગળા પર પડી : ‘કશીશ !’ અભિનવે પૂછયું : ‘તારા ગળામાંનું મંગળસૂત્ર કયાં ગયું ?’

‘એ તો....!’ કશીશે તુરત જ જવાબ આપ્યો : ‘...તૂટી ગયું હતું એટલે રિપૅરિંગ માટે જ્વેલર્સને આપ્યું છે.’ અને અભિનવ આ વિશે વધારે પૂછપરછ ન કરે એ માટે તે બાથરૂમમાં ચાલી ગઈ.

કશીશ નાહીને, લાઈટ વાયોલેટ કલરની લેસવાળી-ડીઝાઈનર નાઈટી પહેરીને બહાર નીકળી, ત્યારે અભિનવ પલંગ પર, પલંગની પીઠને ટેકો દઈને બેઠો હતો અને જાણે તેના મનનો એકસ-રે કાઢી રહ્યો હોય એમ તેને જોઈ રહ્યો હતો.

‘આમ શું જોઈ રહ્યો છે, અભિનવ ?’ પૂછતાં કશીશ અભિનવ તરફ આગળ વધી.

‘કંઈ નહિ.’ અભિનવ બોલ્યો.

કશીશ અભિનવની બાજુમાં પલંગ પર બેઠી. તેણે અભિનવનો હાથ પોતાના હાથમાં લીધો : ‘અભિનવ ! સાચું બોલજે, તું મને કેટલો પ્રેમ કરે છે ? !’

અભિનવ હસ્યો : ‘તારા આ સવાલનો જવાબ હું પછી આપું છું. પહેલાં તું મને એ કહે કે, તું મને કેટલો પ્રેમ કરે છે ? !’

‘હું...’ અને કશીશ અટકી.

‘...જરાય ખોટું નહિ.’ અભિનવ બોલ્યો : ‘સો ટકા સાચું બોલવાનું છે.’

‘હું...!’ અને કશીશ મલકી : ‘હું તને આખી દુનિયાના બધાં જ સાચા પ્રેમીઓનો પ્રેમ ભેગો કરો એટલો બધો પ્રેમ કરું છું. પણ જો તને ખબર પડે કે હું..., કે હું કોઈ બીજાના પ્રેમમાં પડી છું તો..., તો તું શું કરે ? !’

‘તું...તું કોઈ બીજાના પ્રેમમાં પડી હોય તો હું શું કરું ?’ અભિનવ જુસ્સાભેર બોલી ઊઠયો : ‘...કહું હું શું કરું ? !’ અને અભિનવે બાજુની ટિપૉય પર પડેલી ફ્રૂટની પ્લેટમાં પડેલું ચપ્પુ ઉઠાવી લીધું.

‘એટલે...!’ કશીશ એકદમથી ઊભી થઈ ગઈ : ‘..એટલે તું મને મારી નાંખે ? મારું...મારું ખૂન કરી નાંખે ? !’

‘ના !’ અભિનવ સચ્ચાઈના રણકા સાથે બોલી ગયો : ‘હું મારી છાતીમાં ચપ્પુ ખોંપી દઈશ. હું મારી જાતને જ ખતમ કરી દઈશ.’

સાંભળીને કશીશ અભિનવ તરફ જોઈ રહી.

‘તને મારી વાત પર ભરોસો નથી આવતો ને ? !’ અને અભિનવે કશીશની આંખોમાં જોઈ રહેતાં જોશભેર કહ્યું : ‘હું તારે ખાતર મરી શકું એ વાત તારા માનવામાં નથી આવતી ને ? !’ અને અભિનવે પોતાના ડાબો હાથ અધ્ધર કર્યો : ‘બોલ ! તું કહેતી હોય તો હું તારે ખાતર મરી બતાવું. હું મારા કાંડા પર ચપ્પુ ફેરવી દઉં, બોલ !’

‘ના-ના, અભિનવ !’ અને કશીશે અભિનવનો ચપ્પુવાળો હાથ પકડી લીધો ને એના હાથમાંથી ચપ્પુ લઈ લીધું.

‘કશીશ ! હવે ભવિષ્યમાં આવા સવાલો ન પૂછતી.’ અને અભિનવે કશીશની આંખોમાં જોઈ રહેતાં, પ્રેમભીના અવાજે કહ્યું : ‘હું તને મારા જીવથી પણ વધુ ચાહું છું. તારે ખાતર હું કંઈ પણ કરી શકું છું, મરી પણ શકું છું.’ અને અભિનવનું આ વાકય પુરું થયું, ત્યાં જ તેના મોબાઈલ ફોનની ઘંટડી રણકી ઊઠી. તેણે મોબાઈલમાં નંબર જોયો અને પલંગ પરથી ઊભો થઈ ગયો : ‘હા, બોલ !’ અને અભિનવે મોબાઈલમાં સામેવાળાની વાત સાંભળી અને પછી કહ્યું : ‘ઠીક છે, હું હમણાં દસ મિનિટમાં જ ત્યાં પહોંચું છું.’ અને મોબાઈલ કટ કરીને અભિનવે કશીશ સામે જોયું : ‘કશીશ ! હું આવું છું. એક કામ આવી પડયું છે.’

‘અત્યારે રાતના બાર વાગ્યે ?’

‘હા !’ અભિનવે કહ્યું : ‘ખાસ કામ છે. ગયા વિના છુટકો નથી. અડધો-પોણો કલાકમાં જ પાછો આવું છું.’ અને કશીશના બીજા સવાલ-જવાબ સાંભળવા રોકાયા વિના જ અભિનવ બેડરૂમના દરવાજા તરફ આગળ વધી ગયો.

અભિનવ પાસે મુખ્ય દરવાજાના લૅચ-કીવાળા તાળાની ચાવી હતી જ, એટલે કશીશે દરવાજો અંદરથી બંધ કરવા જવાની જરૂર નહોતી.

થોડીક પળો પછી જ, અભિનવની કાર કમ્પાઉન્ડની બહાર નીકળી ગયાનો ધીમો અવાજ કશીશના કાને પડયો એટલે કશીશ પલંગ પર લેટી.

‘અત્યારે અભિનવ સાથે જે રીતની વાતચીત થઈ હતી એના પરથી તો નથી લાગતું કે, અભિનવ મને મારી નાંખવા માંગતો હોય !’ કશીશે વિચાર્યું, ‘પણ હું નિશાંતને ત્યાં હતી, ત્યારે બુકે સાથે જે નનામી ચિઠ્ઠી મળી હતી કે, ‘કોઈ નજીકની વ્યકિત મને મારી નાંખવાની બાજી બિછાવી રહી છે,’ એનું શું ? !’

‘મારી સહુથી નજીકની વ્યકિત અભિનવ જો મને મારી નાંખવા ન માંગતો હોય તો પછી એવું બીજું કોણ છે, જે મારા લોહીનું તરસ્યું બન્યું હોય ? ! આખરે એવું કોણ છે, જે મને મારી નાંખવા માંગતું હોય ? !’

૦ ૦ ૦

કારમાં આગળ વધી રહેલા અભિનવે ડાબી બાજુની ગલીમાં કાર વળાવીને આગળ વધારી. એ સુમસામ ગલીની વચમાં એક મોટરસાઈકલવાળો ઊભો હતો. મોટરસાઈકલવાળાએ હૅલમેટ પહેરેલી હતી.

અભિનવે મોટરસાઈકલવાળાની બિલકુલ નજીક કાર ઊભી રાખી અને કંઈપણ બોલ્યા વિના મોટરસાઈકલવાળા તરફ હાથ લંબાવ્યો. મોટરસાઈકલવાળાએ ચુપચાપ કાગળનું એક મોટું કવર અભિનવે ધરેલા હાથમાં મૂકયું. કવરમાંના વજન પરથી જ જાણે અભિનવે પોતાને જોઈતી વસ્તુ એમાં છે ને, એની ખાતરી કરી લીધી. તેણે એ મોટું કવર બાજુમાં-સીટ પર મૂકયું અને ત્યાં બાજુમાં જ પડેલું પૅકેટ ઉઠાવ્યું. એ પૅકેટમાં સો-સો રૂપિયાની નોટોના બંડલો હતા.

અભિનવે સો-સોની નોટોના બંડલોવાળું એ પૅકેટ મોટર-સાઈકલવાળાના હાથમાં આપ્યું અને પછી એની સાથે કોઈ પણ જાતની વાતચીત કરવા રોકાયા વિના જ ત્યાંથી કાર આગળની તરફ દોડાવી મૂકી.

૦ ૦ ૦

કશીશ પલંગ પર ઘસઘસાટ ઊંઘી રહી હતી.

દીવાલ પરની ઘડિયાળ રાતનો એક વગાડી રહી હતી. બહાર ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો, આવામાં એક મોટર- સાઈકલવાળાએ બંગલાના કમ્પાઉન્ડની અંદર મોટરસાઈકલ લીધી અને મુખ્ય દરવાજા પાસેના ઓટલા પાસે લાવીને ઊભી રાખી.

એ મોટરસાઈકલવાળાએ મોટી ટોપીવાળો-લાંબો રેઈનકોટ પહેર્યો હતો. એણે ટોપી માથા આગળથી વધારે પડતી જ આગળની તરફ ખેંચી રાખી હતી, અને આના કારણે એનો ચહેરો જરાય દેખાતો નહોતો.

એ રેઈનકોટવાળા માણસે આસપાસ જોયું અને પછી મોટરસાઈકલ પરથી ઊતર્યો. તેણે મોટરસાઈકલ સ્ટેન્ડ પર ચઢાવી અને ફરી એકવાર તેણે આસપાસમાં જોયું. કોઈ નહોતું. રાતના આ સન્નાટામાં વરસાદનો અવાજ ભયાનક ભાસતો હતો.

રેઈનકોટવાળો માણસ ઓટલાના પગથિયા ચઢવા માંડયો. વરસાદના અવાજમાં તેના પગલાંનો અવાજ દબાઈ જતો હતો. રેઈનકોટવાળો માણસ ઓટલાના પગથિયા ચઢીને મુખ્ય દરવાજા પાસે પહોંચ્યો. તેણે રેઈનકોટના ખિસ્સામાંથી ચાવી કાઢી અને દરવાજાના લૅચ-કીવાળા તાળામાં લગાવીને ફેરવી. તાળું ખૂલી ગયું.

તેણે હૅન્ડલ ફેરવીને દરવાજાને અંદર ધકેલ્યો, એ જ વખતે ધડ્‌ડ્‌ડ્‌...ડૂમ કરતાં આકાશી વીજળી પડી અને એ સાથે જ ઉપરના માળ પરના પોતાના બેડરૂમમાં ઘસઘસાટ ઊંઘી રહેલી કશીશની આંખો ખુલી ગઈ.

તે પડખું ફરી. બાજુમાં અભિનવ સૂતો નહોતો. તેણે સામે દીવાલ પર લાગેલી ઘડિયાળ તરફ જોયું. રાતના એક વાગ્યા ને ઉપર પાંચ મિનિટ થઈ હતી.

બાર વાગ્યે અભિનવ પર કોઈકનો ફોન આવ્યો હતો અને ‘‘ખાસ કામ છે, હમણાં અડધો-પોણો કલાકમાં જ પાછો આવું છું,’’ એમ કહીને ગયો હતો, પણ હજુ પાછો ફર્યો નહોતો.

‘અભિનવ કયાં ? શું કામમાં રોકાઈ ગયો હશે ?’ સવાલ સાથે તે પાછું પડખું ફરી અને સામેની બંધ બારીના કાચ પરથી રેલાઈ રહેલા વરસાદના રેલાને જોઈ રહી.

ત્યારે અત્યાર સુધીમાં નીચે, મુખ્ય દરવાજાની અંદર દાખલ થઈ ગયેલા રેઈનકોટવાળા માણસે અંદરથી દરવાજો બંધ કરી લીધોે હતો.

અત્યારે હવે એ રેઈનકોટવાળા માણસે પોતાના ખિસ્સામાં હાથ નાંખ્યો અને હાથ બહાર કાઢયો.

-એના એ હાથમાં ખંજર હતું !

-લાલ ડીમલાઈટના ઝાંખા અજવાળમાં એ મોટું, અણીદાર-ધારદાર ખંજર ચમકી ઊઠયું ! !

રેઈનકોટવાળો હાથમાં ખંજર સાથે સામેની સીડી તરફ આગળ વધ્યો. તે સીડીના પગથિયાં ચઢીને ઉપર આવ્યો. તે હાથમાંના ખંજરને મજબૂતાઈ સાથે પકડતાં કશીશના બેડરૂમ તરફ ફર્યો અને એ તરફ આગળ વધ્યો.

ટક-ટક-ટક...! તેના બૂટનો અવાજ આવવા માંડયો.

બેડરૂમમાં પલંગ પર સૂતેલી કશીશના કાને આ અવાજ પડયો. ‘અભિનવ આવી ગયો લાગે છે.’ એવા વિચાર સાથે કશીશે બેડરૂમના દરવાજા તરફ જોયું. એ જ વખતે બેડરૂમનો દરવાજો ખૂલ્યો અને રેઈનકોટવાળો માણસ અંદર આવ્યો.

રેઈનકોટવાળા માણસને જોઈને કશીશ ચોંકી ઊઠી. ટોપીને કારણે રેઈનકોટવાળાનો ચહેરો દેખાતો નહોતો.

‘ક..ક..કોણ અભિનવ ? !’ હાથ પાછળ રાખીને ઊભેલા રેઈનકોટવાળા માણસ તરફ જોઈ રહેતાં કશીશે કંપતાં અવાજે પૂછયું.

‘હા !’ ધીમા અવાજે રેઈનકોટવાળો બોલ્યો, એટલે કશીશનો અધ્ધર થઈ ગયેલો શ્વાસ નીચો બેઠો. ‘ઓહ, તું છે, અભિનવ ! હું તો ડરી જ ગઈ હતી !’ બોલતાં કશીશે એક ઊંડો શ્વાસ ભર્યો : ‘આ રીતના તને આવેલો જોઈને મારો તો જીવ જ નીકળી ગયો !’ અને કશીશ પલંગ પર લેટી.

રેઈનકોટવાળો કશીશ તરફ આગળ વધ્યો.

‘રેઈનકોટ તો ઊતારી નાંખ, અભિનવ !’ કશીશ બોલી, એટલીવારમાં તો રેઈનકોટવાળો માણસ કશીશની એકદમ નજીક પહોંચી ગયો.

‘શું અભિનવ, તું પણ આમ રેઈનકોટ...!’ અને કશીશ પોતાનું વાકય પૂરું કરે એ પહેલાં જ રેઈનકોટવાળા માણસે પાછળ રાખેલો હાથ આગળ લીધો, અને એ સાથે જ તેના હાથમાં રહેલું ખંજર ચમકી ઊઠયું !

ખંજર જોતાં જ કશીશના મોઢામાંથી એક જોરદાર ચીસ નીકળી ગઈ. તે સફાળી બેઠી થઈ ગઈ અનેે રેઈનકોટવાળા માણસને ધકકો મારીને દોડી જવા ગઈ, પણ રેઈનકોટવાળા માણસે તેના વાળ પકડીને જોરથી પલંગ તરફ પાછી ખેંચી. કશીશ પલંગ પર પીઠભેર પટકાઈ.

‘બચા..વ...!’ની ચીસ પાડતાં કશીશ ફરી રેઈનકોટવાળા માણસના હાથમાંથી છુટવા-છટકવા ગઈ, પણ ત્યાં જ રેઈનકોટવાળા માણસે પોતાના હાથમાંનું ખંજર પૂરા જોર અને જોશ સાથે કશીશના પેટમાં ખોંપી દીધું. -ખચ !!!

(ક્રમશઃ)