Fareb - 10 books and stories free download online pdf in Gujarati

ફરેબ - ભાગ 10

( પ્રકરણ : 10 )

કશીશ ઘરમાં એકલી હતી, ત્યાં જ તેના કાને કોઈના પગલાંનો અવાજ સંભળાયો, એટલે ચોંકી ઊઠતાં તે સફાળી પલંગ પરથી ઊભી થઈ ગઈ. તેણે નજીકમાં જ ટિપૉય પર પડેલી ફ્રુટની પ્લેટમાંનું ચપ્પુ હાથમાં લઈ લીધું અને દરવાજા તરફ સરકી. તે દરવાજા પાસે પહોંચી, ત્યાં જ તેને લાગ્યું કે તેની સામે મહોરાવાળો માણસ આવ્યો અને તેણે એક ચીસ સાથે હાથમાનું ચપ્પુ અધ્ધર કર્યું, ત્યાં જ તેના કાને અવાજ સંભળાયો : ‘હું છું, કશીશ ! આ તું શું કરી રહી છે, કશીશ !’ અને આ સાંભળતાં જ કશીશ જાણે ભાનમાં આવી. તે ફાટેલી આંખે જોઈ રહી. તેની સામે મહોરાવાળો માણસ નહિ, પણ અભિનવ ઊભો હતો.

‘તું ? !’ કશીશે કંપતાં અવાજે કહ્યું : ‘તેં લૉક ખોલ્યું અને દરવાજો ખોલ્યો, એનો મને અવાજ તો સંભળાયો નહિ !’

‘તું દરવાજો ખુલ્લો છોડીને જ આવી ગઈ હતી.’ કહેતાં અભિનવે કશીશના ચપ્પુવાળા હાથ તરફ જોયું : ‘લાવ, ચપ્પુ નીચે મૂકી દે.’

કશીશ અભિનવ તરફ જોઈ રહી, તેના મગજમાં ઘમસાણ મચ્યું હતું.

અભિનવે કશીશનો ચપ્પુવાળો હાથ કાંડા પાસેથી પકડીને નીચે કર્યો. કશીશના ચપ્પુ પરની હાથની પકડ ઢીલી થઈ ગઈ. અભિનવે ચપ્પુને હાથ લગાવ્યા વિના જ કશીશના હાથમાંનું ચપ્પુ બાજુની ટિપૉય પર મુકાવી દીધું અને કશીશનું કાંડું છોડી દીધું.

‘હે ભગવાન !’ કશીશ બોલી ઊઠી : ‘હું અહીં રહી શકું એમ નથી.’

‘ઠીક છે.’ અભિનવ બોલ્યો : ‘તારા મનમાંથી ચોરની ઘટના ભુલાય નહિ ત્યાં સુધી આપણે આપણાં માથેરાનના બંગલામાં રહેવા ચાલ્યા જઈએ.’

‘ના !’ કશીશ કંપતાં અવાજે બોલી : ‘હું.., હું તારી સાથે રહી શકું એમ નથી, અભિનવ !’

અભિનવ કશીશને તાકી રહ્યો.

‘હું...હું હવે તારી સાથે વધુ સમય રહી શકું એમ નથી. હું..., હું અનુરાધાના ઘરે જાઉં છું.’ કહેતાં કશીશ પોતાના કપડાં વગેરે લેવા રોકાયા વિના બેડરૂમની બહાર નીકળીને મુખ્ય દરવાજા તરફ આગળ વધી ગઈ.

‘હું તારા પાછા ફરવાની વાટ જોઈશ, કશીશ !’ અભિનવ બેડરૂમમાંથી ડ્રોઈંગરૂમમાં આવતાં બોલ્યો : ‘તું કંઈ પણ કહે, કંઈ પણ કરે, પણ તું મને ગમે છે ! દુનિયાની દરેકે દરેક વસ્તુ કરતાં વધુ ગમે છે.’

અભિનવનું આ વાકય પૂરું થયું ત્યાં તો કશીશ મુખ્ય દરવાજાની બહાર નીકળી ગઈ. તે કારમાં બેઠી અને આંસુ સારતી આંખે તેણે કારને કમ્પાઉન્ડના ઝાંપા તરફ હંકારી મૂકી.

બારીમાંથી અભિનવ કશીશની કારને કમ્પાઉન્ડના ઝાંપાની બહાર નીકળી જતી જોઈ રહ્યો. કશીશની કાર દેખાતી બંધ થઈ ગઈ, એટલે તેણે ટિપૉય તરફ જોયું. ટિપૉય પર કશીશે તેની પર હુમલો કરવા માટે અધ્ધર કરેલું ચપ્પુ પડયું હતું. એ ચપ્પુના હાથા પર કશીશના ફિંગરપ્રિન્ટ પડેલાં હતાં.

અભિનવ મુસ્કુરાયો. તેણે ખિસ્સામાંથી રૂમાલ કાઢયો. એ રૂમાલમાં ચપ્પુ લપેટીનેે તે સ્ટડી રૂમ તરફ આગળ વધી ગયો. તેણે સ્ટડી રૂમની તિજોરીમાં કશીશના ફિંગરપ્રિન્ટવાળું એ ચપ્પુ મૂકયું.

તે ખંધું મલકયો. હવે તે કશીશના ફિંગરપ્રિન્ટવાળું આ ચપ્પુ કશીશની વિરૂદ્ધમાં ઉપયોગ કરવાનો હતો !

૦ ૦ ૦

કશીશ અનુરાધા સાથે દરિયા કિનારે વાતો કરતાં આગળ વધી રહી હતી.

અભિનવ પાસેથી નીકળીને તેણે અનુરાધાને મોબાઈલ ફોન કર્યો હતો, તો અનુરાધા બહાર શૉપિંગ માટે નીકળી હતી.

તેણે અનુરાધાને ઘરે જવાને બદલે દરિયા કિનારે જ બોલાવી લીધી હતી. અનુરાધા આવી, એટલે કશીશ તેને લઈને દરિયાના કિનારે-કિનારે ચાલવા માંડી હતી. તે અત્યાર સુધી એક શબ્દ પણ બોલી નહોતી.

‘કશીશ !’ અત્યારે અનુરાધાએ જ વાતની શરૂઆત કરી : ‘પરમિદવસે રાતના તારી સાથે જે કંઈ બન્યું એનેે ભૂલી જા.’

‘મને છેક મોતના મોઢા સુધી લઈ જનારી એ ઘટનાને હું કેવી રીતના ભૂલી શકું, અનુરાધા ? !’ એક નિશ્વાસ નાખીને કહીને કશીશે પૂછયું : ‘હું તને એક સવાલ પૂછવા માંગું છું. તારા મત પ્રમાણે તું મને એ કહે કે, જો અભિનવને ખબર પડે કે, હું નિશાંતના પ્રેમમાં છું, તો એ શું કરે ? !’

‘...બેવફાઈ એ ખૂન માટેનું બીજું કારણ હોઈ શકે !’

‘...અને પહેલું કારણ ? !’ કશીશે પૂછયું.

‘પૈસો !’ અનુરાધાએ કહ્યું : ‘અભિનવે તારા રૂપિયા પોતાની કંપનીમાં લઈ લેવાની વાત કરી હતી ને ?’

‘હા !’ કશીશે કહ્યું.

‘તો આનો મતલબ સાફ છે.’ અનુરાધાએ કહ્યું : ‘એ તારા રૂપિયા મેળવવા માટે તને મોતને ઘાટ ઊતારી શકે.’

‘તો...,’ કશીશે એ જ રીતના ધીમી ચાલે ચાલવાનું ચાલુ રાખતાં પૂછયું : ‘હું અભિનવથી છૂટાછેડા લઈ લઉં તો ?’

‘પણ એ તને છૂટાછેડા આપવા માટે તૈયાર થશે ખરો ?’

અને આના જવાબમાં કશીશ કંઈક કહેવા ગઈ, ત્યાં જ અચાનક તેને પીઠ પાછળથી મોટરસાઈકલનો અવાજ સંભળાયો. તેણે પાછળ ફરીને જોયું, તો હૅલ્મેટ પહેરેલો એક મોટર-સાઈકલવાળો માણસ જાણે તેમની પર મોટરસાઈકલ ફેરવી દેવા માંગતો હોય એમ પૂરપાટ ઝડપે મોટરસાઈકલ સાથે તેમની બિલકુલ નજીક આવી પહોંચ્યો હતો. કશીશ એક ચીસ પાડતાં ડાબી બાજુ ફેંકાઈ તો અનુરાધા જમણી બાજુ કૂદી ગઈ. પળ પહેલાં બન્ને જ્યા ઊભી હતી ત્યાંથી એ મોટરસાઈકલ પસાર થઈ ગઈ. બન્ને સહેજમાં બચી ગઈ હતી !

કશીશ ફફડાટભર્યા ચહેરા સાથે ઊભી થઈ ગઈ, તો અનુરાધા પણ ઊભી થતાં મોટેથી બોલી ગઈ : ‘નાલાયક !’

અને એ મોટરસાઈકલવાળા માણસે તેમનાથી થોડેક દૂર મોટરસાઈકલ ઊભી રાખી દીધી.

કાળું પેન્ટ અને કાળું લૅધરનું જાકિટ પહેરેલા એ માણસે મોટરસાઈકલને તેમની તરફ વળાવી અને તેમની તરફ જોઈ રહેતાં જોર-જોરથી ઍકસીલેટર આપવા માંડયો. મોટરસાઈકલનો અવાજ વાતાવરણને ખતરનાક બનાવવા માંડયો.

અનુરાધા કશીશ પાસે ધસી આવી. અનુરાધા અને કશીશ બન્નેએ એકબીજાનો હાથ પકડી લીધો અને ગભરાટ ને ફફડાટ સાથે એ મોટરસાઈલવાળા તરફ જોઈ રહી. એ મોટર-સાઈકલવાળાએ હૅલ્મેટ પહેરી હતી, અને હૅલમેટનો કાચ આંખ આગળ ઢાળી રાખ્યો હતો, એટલે એનો ચહેરો દેખાતો નહોતો.

મોટરસાઈકલવાળાએ તેમની તરફ મોટરસાઈકલ આગળ વધારી, એટલે કશીશ અને અનુરાધાએ ચીસ પાડતાં આજુબાજુ જોયું, તો તેમની મદદે આવી શકે એવું કોઈ નહોતું.

તેઓ બન્ને પોતાના બચાવ માટે ભાગવા ગઈ, ત્યાં જ એ મોટરસાઈકલવાળાએ તેમનાથી ત્રણેક પગલાં દૂર મોટરસાઈકલ ઊભી રાખી દીધી.

કશીશ અને અનુરાધા બન્ને એકબીજાનો હાથ મજબૂતાઈ સાથે પકડેલો રાખીને, વધુ ઝડપે ધબકવા માંડેલા હૃદય સાથે મોટરસાઈકલવાળા તરફ જોઈ રહી.

મોટરસાઈકલવાળાએ પોતાના હૅલ્મેટનો કાચ અદ્ધર કર્યો.

એ માણસની આંખો મોટી-મોટી, લાલઘૂમ અને કાતિલ હતી. અને એની આ આંખો કશીશના ચહેરા પર તકાયેલી હતી : ‘કશીશ !’ એ માણસ ધારદાર અવાજમાં બોલ્યો : ‘આ રીતે જો કોઈના રસ્તા વચ્ચે આવીશ તો વગર મોતે મરી જઈશ !’

કશીશે અનુરાધા તરફ જોયું. અનુરાધા એ માણસ તરફ જોઈ રહી હતી. કશીશે ફરી એ માણસ તરફ જોયું.

‘...મારી ચેતવણી ભૂલીશ નહિ !’ એ માણસ કશીશ તરફ એ જ રીતના તાકી રહેતાં બોલ્યો, ‘....સાવચેત રહેજે ! !’ અને એ માણસ ત્યાંથી મોટરસાઈકલ દોડાવી ગયો.

‘એણે..એણે..’ તેમની આંખો સામેથી ઓઝલ થઈ જઈ રહેલા એ મોટરસાઈકલવાળા તરફ જોઈ રહેતાં કશીશ અચકાતા અવાજે બોલી : ‘...શું કહ્યું ? ! હું-હું કોઈના રસ્તા વચ્ચે આવી રહી છું ? !’ અને કશીશે અનુરાધા સામે જોયું : ‘હું કોના રસ્તા વચ્ચે આવી રહી છું, અનુરાધા ? !’

અનુરાધાએ કોઈ જવાબ આપ્યો નહિ.

‘શું હું અભિનવના રસ્તામાં આવી રહી છું ?’ કશીશે પૂછયું.

આનો કોઈ જવાબ આપવાને બદલે અનુરાધાએ ગભરાટભર્યા અવાજે કહ્યું : ‘કશીશ ! આપણે નીકળવું જોઈએ. કયાંક એ મોટરસાઈકલવાળો ફરી આવી ન ચઢે.’

‘હા !’ કહેતાં કશીશે જે બાજુ એ મોટરસાઈકલવાળો ગયો હતો એ તરફ જોયું અને અનુરાધા સાથે કાર તરફ આગળ વધી ગઈ.

‘આપણે સીધા મારા ઘરે જવું છે ને !’ કાર નજીક પહોંચીને અનુરાધાએ પૂછયું.

‘ના !’ કશીશ બોલી : ‘હું ઑફિસે જાઉં છું. ઑફિસેથી તારા ઘરે આવવા માટે નીકળીશ તો તને ફોન કરી દઈશ.’

‘ભલે, તો હું પણ મારું એક કામ પતાવી દઉં છું.’ અનુરાધાએ કહ્યું, અને કશીશનો ખભો થપથપાવ્યો : ‘હિંમત રાખજે. હું તારી સાથે જ છું.’

‘હા !’ કશીશ ફિકકું હસી.

અનુરાધા પોતાની કારમાં બેઠી અને કારને ત્યાંથી હંકારી ગઈ.

કશીશ પણ પોતાની કારની ડ્રાઈવિંગ સીટ પર બેઠી અને કારને ત્યાંથી આગળ વધારતાં એક મોબાઈલ નંબર લગાવ્યો. સામેથી રીંગ ટોન સંભળાયો,

‘કભી-કભી મેરે દિલમેં, ખયાલ આતા હૈ,

કે જૈસે તુઝકો બનાયા ગયા હૈ મેરે લિયે

અને આની બીજી જ પળે સામેથી મોબાઈલ લેવામાં આવ્યો, અને સામેથી ‘હેલ્લો !’ સંભળાયું એટલે કશીશે કહ્યું : ‘હું દરિયા કિનારે અનુરાધા સાથે હતી, ત્યાં જ એક મોટરસાઈકલવાળો ધસી આવ્યો અને મને ધમકી આપી ગયો.’ અને કશીશે જે કંઈ બન્યું હતું એ કહી સંભળાવ્યું.

‘તું ચિંતા ન કર !’ સામેની વ્યકિતનો અવાજ સંભળાયો : ‘એ કોણ છે એનો મને ખ્યાલ આવી ચૂકયો છે. બસ ! મારો આ ખ્યાલ સો ટકા સાચો જ છે ને, એ વાતની જ હું ખાતરી કરી રહ્યો છું.’

‘ભલે !’ કશીશે કહ્યું : ‘પણ તું ઉતાવળ કરજે. કયાંક....’

‘....કહ્યું ને તું ચિંતા ન કર.’ અને સામેવાળી વ્યકિતએ અહીં જ વાતને આટોપી લીધી.

કશીશે મોબાઈલ ફોન ડેશબોર્ડ પર મૂકીને ઑફિસને બદલે બૅન્ક તરફ કાર વળાવી.

-કશીશ તેની સાથે બની રહેલી ખતરનાક ઘટનાઓનો ભેદ પામવા માટે અભિનવનું બેન્ક બેલેન્સ જાણવા માંગતી હતી !

૦ ૦ ૦

સબ ઈન્સ્પેકટર રાવત પોલીસ ચોકીમાં બેઠો હતો. તેની સામે ઊભેલો હૅડ કૉન્સ્ટેબલ નિગમ તેને કહી રહ્યો હતો : ‘સાહેબ ! મને તો કશીશ પર થયેલા આ હુમલામાં એના પતિ અભિનવનો જ હાથ લાગે છે.’

‘મારું માઈન્ડ પણ એમ જ કહે છે, નિગમ ! પણ...,’ રાવત બોલ્યો : ‘...હું અભિનવ પર શંકા જાહેર કરીને એને સાવચેત કરી દેવા માંગતો નથી. હું પહેલાં એટલા પુરાવા ભેગા કરવામાં માનું છું કે ગુનેગાર કેમેય કરીને છટકી ન શકે.’ રાવતે આગળ કહ્યું : ‘થોડીક વારમાં આપણને કશીશ પર હુમલો કરનારની માહિતી મળશે એટલે આપણી સામે ચિત્ર સાફ થઈ જશે. કદાચને ચિત્ર સાફ નહિ થાય તોય આપણે ચોકકસ કઈ દિશામાં આગળ વધવું એનો તો જરૂર ખ્યાલ આવી જ જશે.’

‘હા, સાહેબ !’ નિગમે કહ્યું અને પછી પૂછયું : ‘સાહેબ ! તમે તમારી એનિવર્સરીમાં મોડા ઘરે પહોંચ્યા હતા, ત્યારે ભાભીએ તમારું સ્વાગત કેવી રીતના કર્યું હતું ? !’

‘આ વખતે તો ખરેખર ગજબ થઈ ગયો !’ રાવતે કહ્યું : ‘એનિવર્સરીની રાતના મોડા પહોંચવા બદલ, તારી ભાભીએ અમારા લગ્નના નવ વરસની પૂરી નવ વરમાળાઓ મારા ગળામાં પહેરાવી દીધી હતી !’ અને રાવત હો-હો-હો કરતાં હસી પડયો.

નિગમે પણ રાવતના હસવામાં સાથ પુરાવ્યો.

૦ ૦ ૦

કશીશ અભિનવનું જેમાં ખાતું હતું એ બૅન્કમાં, બૅન્ક મેનેજર શાનબાગ સામે બેઠી હતી.

‘કશીશ !’ શાનબાગે કશીશની આખી વાત સાંભળીને કહ્યું : ‘આમ તો તું જે જાણવા માંગે છે, એ જણાવવું એ મારા હોદ્દા અને ફરજની વિરૂદ્ધનું છે, પણ તારા પિતા સાથે મારી દોસ્તી હતી અને આમાં તારી જિંદગીની સલામતીની વાત પણ સંકળાયેલી છે, એટલે હું તને સાચી હકીકત જણાવી દઉં છું.’ અને શાનબાગ શ્વાસ ખાવા માટે રોકાયા.

કશીશ તેમની સામે અધીરાઈભેર તાકી રહી.

‘અભિનવની હાલત ખૂબ જ ખરાબ છે.’ શાનબાગે કહ્યું : ‘અભિનવે આ બૅન્કના ડિરેકટર હોવાનો ખૂબ જ મોટો ગેરલાભ ઉઠાવ્યો છે. એણે શેરબજારમાં પોતાના રૂપિયા લગાવવાની સાથે જ બેન્કના ગ્રાહકોના રૂપિયા પણ શેરબજારમાં લગાવી દીધા છે અને એમાં એણે જબરજસ્ત ખોટ ખાધી છે. અભિનવ આ રૂપિયાની ભરપાઈ કરવાનો પ્રયત્ન કરી રહ્યો છે, પણ જો એ આ રૂપિયા સમયસર ભરપાઈ નહિ કરી શકે તો એ મોટી મુસીબતમાં મુકાઈ જશે. એની આ કરતૂત જાહેર થઈ જશે અને તો એ બદનામ થવાની સાથે જ બરબાદ થઈ જશે. એનું નામ તો ઘૂળધાણી થઈ જ જશે, પણ એના જીવ પર પણ આવી બનશે !’

કશીશ શાનબાગ સામે જોઈ રહી. અભિનવ વિશે જાણવા મળેલી આ માહિતીની સાથે જ તે પોતાની સાથે બનેલી ઘટનાની કડીઓ મેળવવા માંડી.

‘કશીશ !’ શાનબાગે કહ્યું : ‘તું કોઈનેય કહેતી નહિ કે મારી પાસેથી તને આ માહિતી જાણવા મળી છે, નહિંતર મારી સર્વિસ જોખમમાં મુકાઈ જશે.’

‘તમે બેફિકર રહો, અંકલ !’ કશીશે કહ્યુ : ‘હું આ વાતનો ખ્યાલ રાખીશ.’ અને તે શાનબાગનો આભાર માનીને, એમની વિદાય લઈને બૅન્કની બહાર નીકળી અને કારમાં બેઠી.

કશીશ તેને મળેલી માહિતી વિશે વિચારી રહી, ત્યાં જ તેના મોબાઈલ ફોનની રીંગ વાગી ઊઠી. તેણે મોબાઈલના સ્ક્રીન પર નંબર જોયો.

મોબાઈલના સ્ક્રીન પર, કશીશે અનુરાધાથી છુટી પડીને ‘તેને ધમકી આપી ગયેલા મોટરસાઈકલવાળા વિશે’ જે વ્યકિત સાથે મોબાઈલ પર વાત કરી હતી, એ જ વ્યકિતનો મોબાઈલ નંબર ઝળકતો હતો.

કશીશે મોબાઈલ ફોનનું બટન દબાવ્યું અને કહ્યું : ‘હા, બોલ !’

અને સામેની વ્યકિત જે કંઈ બોલી એની પર કશીશને વિશ્વાસ બેઠો ન હોય એમ એના ચહેરા પર આશ્ચર્ય અને આંચકાના ભાવ આવ્યા. ‘ના હોય ! શું વાત કરી રહ્યો છે ?’ કશીશ બોલી ઊઠી : ‘એણે....એણે એ મોટરસાઈકલવાળાને મને આ રીતના ધમકી આપવા માટે મોકલ્યો હતો ? ! ’

અને સામેની વ્યકિત કંઈ બોલી એટલે કશીશે જાણે ખાતરી કરવા માંગતી હોય એમ પૂછયું : ‘...તારાથી કયાંક કંઈ ભૂલ-ચૂક તો નથી થતી ને ? !’

અને સામેની વ્યકિતએ જવાબમાં કંઈક કહ્યું, એટલે કશીશે કહ્યું, ‘ના-ના ! મારા પૂછવાનો મતલબ એ નહોતો. મને તારી પર પૂરો ભરોસો છે. તું કોઈ ભૂલ ન કરી શકે.’ અને તેણે તુરત જ આગળ પૂછયું : ‘પણ તો હવે ? હવે આપણે શું કરીશું ? !’

અને સામેની એ વ્યકિતએ કશીશને સમજાવવા માંડયું.

કશીશ ‘હં !’ ‘હા !’ના હોંકારા સાથે સામેની વ્યકિતની વાત સંભળવાની સાથે જ મગજમાં બરાબર નોંધવા માંડી.

સામેની વ્યકિતએ પોતાની વાત પૂરી કરી, એટલે કશીશે એક ઊંડો શ્વાસ ભરતાં કહ્યું : ‘ભલે, તો આપણે તારા પ્લાન પ્રમાણેની ચાલ ચાલી નાંખીએ છીએ.’

અને સામેની વ્યકિતએ તેને ‘ગુડલક !’ની શુભેચ્છા પાઠવી એટલે તેણે ‘થૅન્કયૂ !’ કહેવાની સાથે જ મોબાઈલ કટ કરી દીધો.

(ક્રમશઃ)

બીજા રસપ્રદ વિકલ્પો