ફરેબ - ભાગ 14 H N Golibar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

  • સોલમેટસ - 3

    આરવ રુશીના હાથમાં અદિતિની ડાયરી જુએ છે અને એને એની અદિતિ સાથ...

શ્રેણી
શેયર કરો

ફરેબ - ભાગ 14

( પ્રકરણ : 14 )

મુંબઈથી ઊપડેલી ટ્રેન દિલ્હી તરફ દોડી જઈ રહી હતી. ટ્રેનની એક બૉગીમાંના કૂપેમાં ખૂની ખેલ ખેલાઈ રહ્યો હતો.

અભિનવે નિશાંતના પેટમાં ચપ્પુ હુલાવ્યું અને ફેરવ્યું, એટલે નિશાંતના ચહેરા પર પીડા આવવાની સાથે જ નિશાંતનો જીવ ગળે આવી ગયો હતો. અત્યારે નિશાંતે અભિનવની પકડમાંથી છુટવા-છટકવાનો પ્રયત્ન કર્યો, પણ પેટમાં ખુંપેલા ચપ્પુએ લોહીના રેલા સાથે તેના શરીરની મોટાભાગની શક્તિ પણ બહાર રેલાવી દીધી હતી.

અભિનવે નિશાંતના મોઢા પર હાથ દબાવેલો ને પેટમાં ચપ્પુ ખુપાડેલું રાખતાં તેેને સીટ પર બેસાડયો : ‘મારી સાથે બિઝનેસ કરવા આવ્યો હતો ને,’ અભિનવે દાંત કચકચાવતાં કહ્યું ંઃ ‘મારી સાથેના આ સોદો કેવો રહ્યો ?’

‘અં..અં..!’ નિશાંતના મોઢેથી ઊંહકારા નીકળી રહ્યા હતા, પણ તેના મોઢે અભિનવનો હાથ દબાયેલો હતો એટલે તે બોલી શકતો નહોતો.

અભિનવે નિશાંતના પેટમાં ચપ્પુ ખુંપેલું રહેવા દેતાં ચપ્પુના હાથા પરથી પોતાનો હાથ હટાવ્યોે અને નિશાંતના મોઢે દબાવેલો ડાબો હાથ પણ ખસેડી લીધો.

‘તેં ભલે મને માર્યો, પણ..’ સખત પીડાને લીધે નિશાંતને બોલવામાં તકલીફ પડતી હતી, છતાં તે બોલ્યો : ‘તું.., તું હારી ગયો...’ અને તેણે જાકિટના ખિસ્સામાંથી નાની કાગળની કાપલી કાઢીને અભિનવ તરફ ધરી.

અભિનવે કાપલી હાથમાં લીધી ને જોઈ. એ કુરિયરની-આંગડિયાની પહોંચ હતી. નિશાંત તરફથી કશીશના નામે એક પાર્સલ મોકલવામાં આવ્યું હતું.

‘એ પાર્સલમાં..,’ નિશાંત પરાણે બોલ્યો : ‘...કશીશના ખૂનના પ્લાનિંગવાળી તારી અને મારી વાતચીતની સી. ડી. છે !’

અભિનવે તેના ચહેરા પર મુકકો ઝીંકી દીધો.

‘ઓહ...!’ નિશાંતના મોઢેથી પીડાભર્યો ઊંહકારો નીકળ્યો : ‘એ પાર્સલ...’ તે જાંઉં-જાંઉં થતા શ્વાસે બોલ્યો : ‘એ સી. ડી. અત્યાર સુધી કશીશના હાથમાં પહોંચી..’ અને નિશાંત ચુપ થઈ ગયો. તેનો જીવ નીકળી ગયો.

અભિનવ ધૂંધવાયેલી નજરે નિશાંતની લાશ તરફ જોઈ રહ્યો. પછી તેણે સામેની સીટ પર પડેલો કશીશનો ફોટો લઈને ખિસ્સામાં મૂકયો. તેણે નિશાંતને આપેલી એંસી લાખ રૂપિયાથી ભરાયેલી પોતાની બેગ લીધી અને ધીરેથી કૂપેનો દરવાજો ખોલ્યો. તેણે બહાર નજર નાંખી. કોઈ નહોતું.

ટ્રેન ધીરી પડી રહી હતી. આગલું સ્ટેશન આવી રહ્યું હતું.

તે કૂપેની બહાર નીકળ્યો. ટ્રેન ઊભી રહી. તેની સાથે બૉગીમાંથી ઊતરનારું કોઈ નહોતું. તે ટ્રેનમાંથી ઊતર્યોે. તેણે ટૅકસી પકડી અને પાછલા સ્ટેશન પર જ્યાં પોતાની કાર પાર્ક કરી હતી ત્યાં પહોંચ્યો અને કારમાં બેઠો. તેણે કાર ઘર તરફ દોડાવી મૂકી.

નિશાંતે આંગડિયામાં તેના ઘરે મોકલેલી તેની અસલિયત બયાન કરતી સી. ડી. કશીશના હાથમાં ન જાય એ તેના ભવિષ્ય માટે જરૂરી, ખૂબ જ જરૂરી હતું !

૦ ૦ ૦

અભિનવે પોતાના બંગલાના કમ્પાઉન્ડમાં કાર લીધી ત્યારે તેની નજર કશીશની મા નિર્મલાબેનની કાર પર પડી. એનો અર્થ કે કશીશ ઘરે આવી ચૂકી હતી.

તે કારમાંથી ઉતરીને મુખ્ય દરવાજા પાસે પહોંચ્યો. તેણે મુખ્ય દરવાજાની બાજુની દીવાલમાં લગાવેલું પોસ્ટબૉકસ ખોલ્યું. એમાં કેટલીક ટપાલોની સાથે એક પાર્સલ પણ પડયું હતું. તેણે એ પાર્સલ કાઢયું. પાર્સલ પર કશીશનું નામ લખાયેલું હતું. પાર્સલ પૅક હતું.

અભિનવે પાર્સલ ખોલ્યું. એમાં કશીશના ફોટાવાળું સી. ડી.નું કવર હતું અને એમાં સી. ડી. મુકાયેલી હતી. સી. ડી. કશીશના હાથમાં પહોંચી નહોતી એની રાહત અનુભવતાં અભિનવે સી. ડી. પાછી કવરમાં મૂકી ને પાર્સલ વાળીને કૉટના ખિસ્સામાં મૂકયું.

તેણે મુખ્ય દરવાજાના લૉકમાં પોતાની ચાવી લગાવી અનેે દરવાજો ધીરેથી ધકેલીને ખોલ્યો અને અંદર દાખલ થયો. તેણે ધીરેથી દરવાજો બંધ કર્યો અને સ્ટડી રૂમ તરફ આગળ વધ્યો.

ત્યારે કશીશ બેડરૂમમાંના બાથરૂમમાં નાહી રહી હતી.

અભિનવ સ્ટડી રૂમમાં પહોંચ્યો. તેણે સ્ટડી રૂમમાંની દીવાલમાં લાગેલી તિજોરીમાં સી. ડી.વાળું પાર્સલ મૂકયું અને બેડરૂમ તરફ આગળ વધી ગયો.

તે બેડરૂમમાં દાખલ થયો ત્યાં જ કશીશ બાથરૂમમાંથી નીકળી.

‘વેલકમ હોમ !’ કહેતાં અભિનવ કશીશ પાસે પહોંચ્યો.

કશીશ મલકી.

અભિનવે ખિસ્સામાંથી મંગળસૂત્ર કાઢયું ને કશીશ તરફ ધર્યું : ‘હું નિશાંત પાસેથી લઈ આવ્યો.’

કશીશ મંગળસૂત્ર તરફ ભીની આંખે જોઈ રહી.

અભિનવે કશીશના ગળામાં મંગળસૂત્ર પહેરાવ્યું એ સાથે જ કશીશ એક ધ્રુસકું મૂકતાં રડી પડી ને અભિનવને વળગી પડી.

અભિનવ તેની પીઠ પર હાથ ફેરવ્યો, ‘રડ નહિ, કશીશ.’

‘મેં...મેં તારી સાથે બેવફાઈ કરી અને સામે તું...’

‘...હું તને મારી જિંદગીથી પણ વધુ ચાહું છું, કશીશ !’ કહેતાં અભિનવે કશીશના આંસુ લુંછયા, ‘તું હવે બધું ભૂલી જા. હું પણ ભૂલી ગયો છું. તું હવે એક જ વાત યાદ રાખ કે, હું તારો પતિ છું અને તું મારી પત્ની ! અને આજે જ આપણાં લગ્ન થયાં છે.’

કશીશ મલકી.

‘આપણે કાલે ફરી ખંડાલાના આપણાં બંગલે હનીમૂન મનાવવા જઈશું. પણ અત્યારે આપણે જે હોટલમાં લગ્નનું રિસેપ્શન રાખ્યું હતું, એ હોટલમાં જમવા જઈશું.’

કશીશ અભિનવને જોઈ રહી.

‘....જવું છે ને ? !’

‘હા !’ કશીશ બોલી.

‘બસ તો પાંચ મિનિટ !’ અભિનવ બોલ્યો : ‘હું નાહીને તૈયાર થઈ જાઉં.’ અને અભિનવ બાથરૂમ તરફ આગળ વધી ગયો.

કશીશ પલંગ પર બેઠી.

અભિનવે બાથરૂમનો દરવાજો બંધ કર્યો, એની થોડીક પળો પછી કશીશે બાથરૂમના બંધ દરવાજા તરફ જોતાં કહ્યું : ‘અભિનવ ! તું કહેતો હોય તો આપણે ઘરે જ રહીએ ! હું બહારથી જમવાનું લઈ આવું અને આપણે અહીં જ જમી લઈએ તો !’

‘ભલે, જા.’ બાથરૂમમાંથી અભિનવનો જવાબ સંભળાયો : ‘પણ જલદી પાછી આવજે !’

‘તું નાહીશ એટલી વારમાં તો હું આવી જઈશ.’

‘ઓ. કે.’ અભિનવે જવાબ આપ્યો, એટલે કશીશે કહ્યું : ‘અને હા, અભિનવ ! હું ભૂલી જાઉં એ પહેલાં તને કહી દઉં. આપણે મેઈન દરવાજાનું લૉક બદલાવી નાંખવું પડશે.’

‘કેમ ? !’ અભિનવનો સવાલ સંભળાયો.

‘મને હજુ મારી ખોવાયેલી ચાવી મળી નથી.’

‘....તો-તો આપણે લૉક બદલાવી જ નંખાવવું જોઈએ.’ બાથરૂમમાંથી અભિનવનો જવાબ મળ્યો : ‘...પછીથી પસ્તાવા કરતાં સાવચેતી સારી.’

‘થૅન્કયૂ !’ કશીશે કહ્યું : ‘હું નીકળું છું. તુરત પાછી આવું છું.’ અને કશીશ પર્સ લઈને મુખ્ય દરવાજાની બહાર નીકળી. કારમાં બેસીને તેણે કાર કમ્પાઉન્ડના ઝાંપાની બહાર કાઢીને જમણી બાજુ વળાવી,

બરાબર એ જ વખતે ઘરની અંદર અભિનવે બાથરૂમનો દરવાજો ખોલ્યો ને રૂમમાં આવ્યો. તે મુખ્ય દરવાજા તરફ સરકયો. તેણે મુખ્ય દરવાજો ખોલ્યો ને બહાર નજર નાખી. કશીશની કાર નહોતી. તે મુખ્ય દરવાજાની બહાર નીકળ્યો અને ઓટલાના પગથિયા ઊતર્યો. તેણે ઓટલાના છેલ્લા પગથિયા પાસે પડેલા ગુલાબના છોડના કૂંડામાં હાથ ફેરવ્યો. તેના હાથમાં પ્લાસ્ટિકની ડબી આવી. તેણે એ ડબી ખોલી. ડબીમાં ચાવી પડી હતી.

‘આ ચાવી કશીશની જ હતી, જે તેણે હુમલાની રાતના કશીશની કી-ચેઈનમાંથી કાઢીને ડબીમાં મૂકીને અહીં આ કૂંડામાં નિશાંત માટે મૂકી હતી. જોકે એ રાતે નિશાંત આવ્યો નહોતો અને એણે પોતાના દોસ્ત બાદલને મોકલ્યો હતો અને બાદલે આ ચાવીથી દરવાજો ખોલ્યા પછી, અંદર દાખલ થતાં પહેલાં પાછી ચાવી અહીં મૂકી દીધી હતી.’ આ વિચાર સાથે અભિનવ ઓટલાના પગથિયા ચઢીને મુખ્ય દરવાજા પાસે પહોંચ્યો. મુખ્ય દરવાજો ખોલીને તે અંદર દાખલ થયો અને દરવાજો બંધ કરીને તે સ્ટડી રૂમ તરફ-આ ચાવી તિજોરીમાં મૂકી દેવા માટે આગળ વધ્યો.

તે સ્ટડી રૂમની નજીક પહોંચ્યોે ત્યાં જ દરવાજાનું લૉક ખુલવાનો ખટકો સંભળાયો. અભિનવે મુખ્ય દરવાજા તરફ જોયું તો દરવાજો ખુલ્યો અને કશીશ અંદર આવી.

‘...તું કેમ તુરત જ પાછી આવી ગઈ, કશીશ ? !’ અભિનવે ચાવી ખિસ્સામાં સેરવી.

‘હમણાં તેં ચાવી ખિસ્સામાં મૂકી એ મારી જ ચાવી છે ને !’ કશીશે અભિનવ સામે તાકી રહેતાં કહ્યું : ‘મેં છુપાઈને તને ગુલાબના છોડના કૂંડામાથી એ ચાવી કાઢતાં જોયો !’

‘કશીશ..’ અભિનવ બોલવા ગયો, ત્યાં જ કશીશે કહ્યું : ‘તેં મને ખતમ કરવા માટે જે પ્લાન બનાવ્યો એમાં હુમલાખોરે ચુક કરી ને ! તારા પ્લાનમાં નહોતું છતાં હુમલાખોરે, તેં કૂંડામાં એના માટે મૂકેલી મારી ચાવીથી તાળું ખોલ્યા પછી, અંદર દાખલ થતાં પહેલાં એ ચાવી પાછી કૂંડામાં મૂકી દીધી હતી ને ?’

‘તારી ગેરસમજ થાય છે, કશીશ ! હું તારી ચાવી શોધતો હતો એમાં મને ચાવી મળી ગઈ. બાકી હું હુમલાખોરને ઓળખતો નહોતો.’ કહેતાં અભિનવ કશીશ તરફ આગળ વધ્યો : ‘નિશાંત રીઢો ગુનેગાર છે, તારી પરના હુમલામાં નિશાંતનો હાથ છે.’

‘મને લાગે છે કે હવે નિશાંત અને તારે બન્નેએ જેલની એક જ કોટડીમાં રહેવું પડશે !’

‘મારી વાત માન !’ અભિનવે કશીશ પાસે પહોંચીને ઊભા રહેતાં કહ્યું : ‘હું નિર્દોષ છું.’

‘તું નિર્દોષ છે ? !’ અને કશીશ ફીકકું હસી : ‘તો સાંભળ તારા નિર્દોષ હોવાનો પુરાવો !’ અને કશીશે મોબાઈલનું બટન દબાવ્યું એ સાથે જ એમાં રેકોર્ડ થયેલો અવાજ, અભિનવનો અવાજ ગુંજવા માંડયો : ‘હું બરાબર સાડા દસ વાગ્યે આ નંબર પર ફોન કરીશ. બાથરૂમમાં નાહી રહેલી કશીશ બહાર નીકળીને આવશે, એ પહેલાં તું રસોડામાં આવીને છુપાઈ ચૂકયો હોઈશ. કશીશ ફોન ઉઠાવે એ જ વખતે તું એની પર હુમલો કરજે.’

અને આ સાથે જ કશીશે મોબાઈલનું બટન દબાવ્યું અને અભિનવને કહ્યું : ‘તું આવ્યો એ પહેલાં જ નિશાંતે મોકલેલા પાર્સલમાંથી મેં તારી અસલિયત બયાન કરતી સી. ડી. લઈને, એની કૉપી આ મોબાઈલમાં લઈને એ સી. ડી. ઠેકાણે મૂકી દીધી હતી.’ કશીશે કહ્યું : ‘હવે મને ખતમ કરવા માટેની તારા પ્લાનિંગવાળી આ સી. ડી. હું સબ ઈન્સપેકટર રાવતને સંભળાવીશ એટલે એ તને જેલભેગો કરી દેશે.’ કહેતાં કશીશ દરવાજા તરફ ફરી, ત્યાં જ અભિનવે તેને પકડી લીધી અને કહ્યું : ‘હું તને જીવતી જવા દઈશ તો તું મને જેલભેગો કરી શકીશ ને ? !’

‘હું જઈશ !’ કહેતાં કશીશે અભિનવના મોઢા પર પોતાના હાથમાંનો મોબાઈલ ફટકાર્યો.

અભિનવના હોઠેથી લોહી નીકળી આવ્યું-તેની આંખોમાં લોહી ઊતરી આવ્યું. તેણે કશીશને પકડીને અંદરની તરફ ફેંકી. કશીશ તેનાથી થોડે દૂર જઈને પેટભેર જમીન પર પટકાઈ.

અભિનવ ખૂન્નસભેર કશીશ તરફ આગળ વધવા ગયો, ત્યાં જ કશીશ તેની તરફ ફરી અને તે ચોંકી ઊઠતાં થોભી ગયો.

-કશીશના હાથમાં રિવૉલ્વર હતી.

‘તેં મારી તિજોરીમાંથી મારી રિવૉલ્વર કાઢી લીધી ? !’

‘હા !’ કશીશ અભિનવ તરફ રિવૉલ્વરની અણી તાકેલી રાખતાં બોલી : ‘મને ભય હતો જ કે, નિશાંતના હાથે મને ખતમ કરવામાં નિષ્ફળ નીવડયા પછી તું તારા હાથે મને ખતમ કરવા તૈયાર થઈશ જ !’

‘તારી ગણતરી સાચી જ છે. હવે હું તને મારા હાથે મારીને જ રહીશ.’ કહેતાં અભિનવ કશીશ તરફ આગળ વધ્યો.

‘આગળ ન વધીશ, નહિતર ગોળી છોડી દઈશ.’ કશીશ બોલી, પણ અભિનવ રોકાયો નહિ ને કશીશે ગોળી છોડી દીધી.

અભિનવના હૃદય સોંસરવી ગોળી નીકળી ગઈ. તે કશીશથી થોડેક જ દૂર જમીન પર પટકાયો.

કશીશ અભિનવ તરફ જોઈ રહી. અભિનવ તરફડયો ને પછી શાંત થઈ ગયો. એ મરી ચૂકયો હતો. એની આસપાસ લોહીનું ખાબોચિયું ભરાવા માંડયું હતું.

કશીશ થોડીક પળો સુધી જેમની તેમ ઊભી રહી. પછી તેણે ટેબલ પર પડેલો ફોન ઊઠાવ્યો અને સબ ઈન્સ્પેકટર રાવતનો ફોન નંબર લગાવ્યો.

૦ ૦ ૦

રાતના બાર વાગ્યા હતા. કશીશનો ફોન આવ્યો એ પછી સબ ઈન્સ્પેકટર રાવત, પોતાના સાથી હેડ કૉન્સ્ટેબલ નિગમ તેમજ પોલીસ ફોટોગ્રાફર અને ફોરેન્સિક વિભાગના બીજા અધિકારીઓ સાથે અહીં દોડી આવ્યો હતો. રાવતના સાથીઓએ પોત-પોતાની કામગીરી શરૂ કરી દીધી હતી. જ્યારે રાવતે કશીશને આ બધું કેવી રીતના બન્યું એની પૂછપરછ શરૂ કરી દીધી હતી.

અત્યારે કશીશનો મોબાઈલ ફોન ટેબલ પર પડયો હતો અને એમાંથી અભિનવનો અવાજ ગુજી રહ્યો હતો : ‘...કશીશ ફોન ઉઠાવે એ જ વખતે તું એની પર હુમલો કરજે.’

‘મારે એને કઈ વસ્તુથી મારી નાંખવાની છે ? !’ નિશાંતનો સવાલ સંભળાયો, અને પાછો અભિનવનો અવાજ સંભળાવા માંડયો : ‘અહીં રસોડામાં પડેલી કોઈ પણ વસ્તુથી. કામ પત્યા પછી તું મેઈન દરવાજાને તાળું મારીને ચાવી પાછી પ્લાસ્ટિકની ડબીમાં મૂકીને એને ગુલાબના છોડના કુંડામાં મૂકી દેજે અને બંગલાની પાછળ પડેલી તારી મોટરસાઈકલ પર બેસીને ચાલ્યો જજે.’

‘અને જો આ પ્લાન ચોપટ થઈ જશે તો ? !’ નિશાંતનો સવાલ સંભળાયો.

‘નહિ થાય !’ અભિનવનો અવાજ સંભળાયો : ‘આપણો આ પ્લાન સફળ થશે જ !’

અને આ સાથે જ સબ ઈન્સ્પેકટર રાવતે મોબાઈલ ફોન હાથમાં લઈને એનું બટન દબાવ્યું.

‘આની સી. ડી. કયાં છે ? !’ રાવતે પૂછયું.

કશીશે પર્સમાંથી સી. ડી. કાઢી આપી.

‘હં, તો હવે મારું માઈન્ડ કહે છે કે, તમારો કેસ ઉકેલાઈ ગયો.’ રાવતે કહ્યું : ‘તમારો પતિ અભિનવ પોતાની બિઝનેસની ખોટ પુરવા માટે તમારી માલ-મિલકત હાથવગી કરવા માંગતો હતો. આ માટે તેણે તમને હંમેશ માટે રસ્તામાંથી હટાવવાનો પ્રયત્ન કર્યો પણ એમાં તે સફળ થયો નહિ અને આજે એ જાતે જ તમને મારી નાંખવા ગયો, પણ તમે કરેલા બચાવમાં અભિનવ તમારા હાથે મરી ગયો.’

‘હા, સાહેબ !’ કશીશે કહ્યું : ‘અભિનવે મને કહ્યું કે, એ મને મારી નાંખશે. એટલે ડરી-ગભરાઈને હું ભાગી છુટવા ગઈ. પણ એણે મને પકડી લીધી. અમારી વચ્ચે ઝપાઝપી થઈ, એમાં મારા હાથે અભિનવ મરી...!’ અને કશીશ ધ્રુસકે-ધ્રુસકે રડી પડી.

‘મારું માઈન્ડ કહે છે કે, તમે જે કર્યું એ બરાબર જ કર્યું !’ રાવત કશીશ તરફ જોઈ રહેતાં બોલ્યો : ‘તમે આના સિવાય બીજું કરી પણ શું શકત ? !’ અને રાવત ઊભો થયો : ‘રડો નહિ. જે બનવાનું હતું એ બની ગયું.’

કશીશે આંસુભરી આંખે રાવત તરફ જોયું.

‘હું ભગવાનને પ્રાર્થના કરું છું, અત્યાર સુધી તમારી સાથે જે બન્યું એ બન્યું, પણ તમારું ભવિષ્ય સુખ-શાંતિમાં વીતે.’ અને રાવતે નજીક આવીને ઊભા રહેલા હેડ કૉન્સ્ટેબલ નિગમ સામે જોયું : ‘..બધી વિધિ પતી ગઈ !’

‘હા, સાહેબ !’

‘ચાલો !’ રાવતે કશીશ સામે જોતાં કહ્યું : ‘અમે નીકળીએ.’ કેસ માટે કદાચને કંઈ જરૂર પડશે તો તમને યાદ કરીશ.’

અને રાવત અભિનવનું શબ પોસ્ટમોર્ટમ માટે લઈને પોતાની પલટન સાથે રવાના થઈ ગયો.

કશીશ એકલી પડી. તેણે પોતાના મોબાઈલ ફોન પર એક નંબર લગાવ્યો. સામેથી રિંગ ટોન સંભળાવા લાગ્યો :

‘કભી-કભી મેરે દિલમેં, ખયાલ આતા હૈ,

કે જૈસે તુઝકો, બનાયા ગયા હૈ મેરે લિયે’

અને આ સાથે જ સામેથી એક યુવાનનો અવાજ સંભળાયો : ‘હા, બોલ !’

‘....મેં અભિનવને શૂટ કરી દીધો.’ કશીશ બોલી : ‘...એને હંમેશ માટે આપણાં રસ્તામાંથી હટાવી દીધો.’

‘ગુડ !’ સામેથી એ યુવાનનો અવાજ આવ્યો : ‘બસ તો હું હમણાં જ તારી પાસે પહોંચું છું.’

‘હા, આવી જા !’ કશીશ મલકી, ‘હું તારી વાટ જોઉં છું !’

(ક્રમશઃ)