'સફળતાની ચાવી.'
સમીર પથારીમાં સૂતો સૂતો વિચારવા લાગ્યો, આ શું થઈ ગયું? હે ઈશ્વર આ કેવી કસોટી કરે છે તું? ઘરના દરેક સભ્યના મનમાં પણ વગર બોલ્યે ઘણાં સવાલો પડઘાતા હતાં. થાકીને લોથ થઈ ગયેલા ચરણોને મંજિલ નજીક લાગતી હોય ત્યાંજ અચાનક હિમાલય આડો આવીને ઊભો હોય એવું બધાને લાગતું હતું.
અછત અને અભાવ માણસને સમયથી વહેલા સમજણા બનાવી દે છે.! સમીર પણ આવીજ પરિસ્થિતિમાં મોટો થયો હતો. માતા-પિતાની સખત મજૂરી અને કારમી ગરીબાઈ વચ્ચે એ ઉછર્યો હતો. ઘરમાં એક સાંધે ત્યાં તેર તૂટે એવી હાલત હતી. સમીર ભણવામાં ખૂબ તેજસ્વી હતો. મહેનત પણ ખૂબ કરતો. હંમેશા વર્ગમાં પ્રથમ આવતો. વળી ક્રિકેટ રમવાનો પણ ગજબનો શોખ. શાળામાં દર વર્ષે ખેલ મહાકુંભમાં પણ ભાગ લેતો અને જીતીને શાળાને પણ ગૌરવ અપાવતો. શિક્ષકો પણ તેને ખૂબ માન આપતા. અને બનતી મદદ કરતા.
ધીમે ધીમે તેનો ક્રિકેટ પ્રત્યેનો લગાવ ખૂબ વધવા લાગ્યો. હવે તે કોલેજમાં આવી ગયો હતો. અહીં ક્રિકેટની રમતમાં તેની કુશળતા જોઈને તેને ક્રિકેટ ટીમના કેપ્ટન તરીકે પસંદ કરવામાં આવ્યો. તેની ટીમ રાજ્ય કક્ષાએ પ્રથમ આવી. જેમાં સમીરનો ખૂબ મોટો ફાળો હતો. કેપ્ટન તરીકેની કુશળતા પણ દાદ માગી લે એવી હતી. અને વળી સમીર બોલીંગ અને બેટીંગ બંનેમાં નીપુણ હતો. બધે તેની વાહ વાહ થવા લાગી.
એક દિવસ તેને ઈન્ડીયન ક્રિકેટ એશોસીયનમાંથી ઈન્ડીયાની ક્રિકેટ ટીમમાં તેને પસંદ કર્યાનો લેટર મળ્યો. એ ખુશીથી ઝુમી ઊઠ્યો. તેને પોતાનું સ્વપ્ન સાકાર થતું લાગ્યું. તેના માતા-પિતા અને નાની બહેન શ્વેતા પણ બહુ ખુશ થયાં.
પરંતુ કાળની ગતિ ન્યારી છે. એને કોઈ રોકી શકતુ નથી. સમીર તેના મિત્રોને આ ખુશીના સમાચાર આપવા સાઈકલ પર જઈ રહ્યો હતો ત્યાં અચાનક એક માતેલા સાંઢ જેવા ટ્રકે પાછળથી ધક્કો મારી દીધો. તે ટ્રકના વ્હીલ નીચે આવી ગયો. તેના બંને પગના કટકા થઈ ગયા.લોકો ભેગા થઈ ગયા. ટ્રકવાળાને પકડી પોલીસને સોંપી દીધો. અને સમીરને હોસ્પિટલમાં પહોંચાડી તેના ઘરે જાણ કરી. પળવારમાં જાણે ઘરના સભ્યો પર વીજળી ત્રાટકી.! બધાં સૂનમૂન થઈ ગયાં.
સમીરને ઓપરેશન થિયેટરમાં લઈ ગયા. ત્યાં બંને પગમાં ઓપરેશન કરી પ્લેટ બેસાડી સળિયા નાખવામાં આવ્યા. ઓપરેશન ખૂબ લાંબુ ચાલ્યું. ઓપરેશન બાદ ડોક્ટરે ચાર મહિના સુધી બેડ રેસ્ટ લેવાનું કહ્યું. અને ઘણી સાવધાની પણ વર્તવાની હતી. ભવિષ્યમાં હવે તે ક્રિકેટ નહિ રમી શકે તેવું પણ સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું. સમીરને જાણે બધા સ્વપ્ન રોળાઈ જતાં લાગ્યાં. હાથમાં આવેલી તક ગુમાવવી પડશે તેનો પારાવાર અફસોસ થયો. તેના માતા-પિતા અને નાની બહેનના ઉદાસીથી ઘેરાયેલા ચહેરા જોઈ તે વધારે દુ:ખી થઈ જતો. પથારીમાં સૂતા-સૂતા એ નિરાશાની અંધારી ખાઈમાં ગરક થતો જતો હતો. ડોક્ટરે પણ કહી દીધું હતું હવે તમે ક્યારેય ક્રિકેટ નહિ રમી શકો. આ શબ્દોજ તેના માટે બાણવેધ સમાન હતા.
સમીર આમજ એક દિવસ વિચારોમાં ખોવાયેલો બેઠો હતો. ત્યારે પ્રાથમિક શાળામાં તેને ભણાવતા એક શિક્ષક તેને મળવા અને ખબર પૂછવા આવ્યા. સમીરને હતોત્સાહ જોઈને એણે કહ્યું, '' અરે સમીર આટલો દુ:ખી કેમ છે? હું જાણુ છું એ સમીર તો બહુ હિંમત વાળો છે. અને હા, જો મન મક્કમ રાખીશ તો તું જરૂર સફળતા પ્રાપ્ત કરીશ. કેમકે અડગ મનના મુસાફરને હિમાલય પણ નડતો નથી એ વાત તું ભૂલી ગયો? પાંચમાં ધોરણમાં આવતો પાઠ 'અપંગના ઓજસ' તો યાદ છે ને? જેમાં લકવાગ્રસ્ત વોલ્ટર કઈ રીતે ઊંચા કૂદકાની સ્પર્ધામાં વિક્રમ સ્થાપી સુવર્ણચંદ્રક મેળવ્યો હતો.''
સમીરને તેના શિક્ષકના પ્રોત્સાહન ભર્યા શબ્દોથી ખૂબ રાહત થઈ. તેને આખો પાઠ યાદ આવી ગયો. નાનકડા અપંગ કિશોર વોલ્ટરના લકવાની અસરવાળા પગ સારા થવાની આશા દાક્તરોએ છોડી દીધી હતી. છતાં વોલ્ટરે સતત પ્રયત્ન અને મક્કમ નિર્ધારથી ઊંચા કૂદકાનો વિશ્વ વિક્રમ કેવી રીતે સ્થાપ્યો હતો. તેને આ પાઠમાં વોલ્ટરે બોલેલા શબ્દો યાદ આવી ગયાં. વોલ્ટર પોતાના નિશ્ચેતન પગ પર હળવેથી ટપલી મારી અને બોલ્યો હતો: '' મારા, શાંત મૂંગા દોસ્તો! એ વિશ્વાસ રાખજો કે એક દિવસ ચાલી શકશો, દોડી શકશો જાત-જાતના કૂદકાય લગાવી શકશો. અરે! આકાશને આંબી જઈએ એવા ઊંચામાં ઊંચા કૂદકા પણ મારી શકશો. પણ મારા મિત્રો ત્યાં સુધી તમે હિંમત હારશો નહિ. હુંય હિંમત નહિ હારું.''
સમીરના ચહેરા પર ખૂશીની ચમક આવી ગઈ. આ વોલ્ટરનું પાત્ર કંઈ કાલ્પનિક ન હતું. પણ વાસ્તવિક હતું. અને એણે એ ચમત્કાર કરી બતાવ્યો હતો.! સમીરે પોતાના પાટા બાંધેલા સળિયાવાળા પગ તરફ જોયું અને પગ પર પ્રેમથી હાથ ફેરવ્યો અને મનોમન મક્કમતાથી બોલ્યો, ''દોસ્ત હું પણ હિંમત નહિ હારું તમે મને સાથ આપશોને?
સમીર હવે નિરાશાને ખંખેરી ધીમે ધીમે મક્કમ થવા લાગ્યો. પગની કસરત કરતો. તેનામાં ગજબનો આત્મવિશ્વાસ છલકાવા લાગ્યો. તેના મિત્રો તેને મળવા આવતા ત્યારે તે મિત્રોને કહેતો, ''જો જો હું એક દિવસ ક્રિકેટમાં મારું નામ કરીનેજ રહીશ. લોકો સચીન તેંડુલકરની સાથે સમીરનું નામ પણ ખૂબ આદરથી લેશે.'' તેના મિત્રો ત્યારે તેને કહેતા ''યાર, તું સારી નોકરી શોધવાનું વિચાર. આ ક્રિકેટનો મોહ છોડી દે, તારું આ સ્વપ્ન છોડી દે. તારા માટે હવે ક્રિકેટર થવું એ, કાગળની નાવડીથી સમુદ્ર પાર કરવા જેવી વાત છે. અને હા,'કાગળની નાવડીથી સમુદ્ર પાર ન થઈ શકે.'' ત્યારે સમીર હસીને કહેવા લાગ્યો, ''યારો' હું કાગળની નાવડીથી સમુદ્ર પાર કરીને બતાવીશ. દ્રઢ મનોબળ અને મક્કમ ઈરાદો સફળતાની ચાવી છે. દુનિયામાં કોઈ વસ્તુ અશક્ય નથી. એ હું સાબિત કરીને રહીશ.!
સમીરને તેના માતા-પિતા અને નાની બહેને પણ ખૂબ પ્રોત્સાહન આપ્યું તે મક્કમતાથી આગળ વધવા લાગ્યો. ધીમે ધીમે ચાલવાથી લઈને દોડવા લાગ્યો. ડોક્ટર પણ આટલા ઝડપી સુધારાથી આશ્વર્ય ચકિત થઈ ગયાં.
સમીરને ઘણી તકલીફ પડતી હતી. પગમાં દુખાવો પણ થતો. ક્યારેક નિરાશ પણ થઈ જતો. છતાં હિંમત હાર્યા વગર ક્રિકેટની પ્રેક્ટિસ કરવા લાગ્યો. ફરી કાબેલિયત પ્રાપ્ત કરી. પગમાંથી સળિયા અને બેસાડેલ પ્લેટ પણ હવે કાઢી નાખવામાં આવી હતી. ખૂબ પ્રેક્ટિસ અને ડાયેટમાં નિયમિતતા તેમજ અડગ આત્મવિશ્વાસથી ફરી તે સફળતા તરફ આગળ વધવા લાગ્યો. અને ઈન્ડીયા ક્રિકેટ ટીમમાં સિલેક્ટ થઈ ગયો. અને ક્રિકેટની દુનિયામાં પોતાનું નામ રોશન કર્યું.! કેટલા સુર્વણ ચંદ્રકો પ્રાપ્ત કર્યા અને સૌથી વધુ રન બનાવીને વિશ્વ વિક્રમ પણ સ્થાપ્યો.!
આ બધો ચમત્કાર તેના શિક્ષકને આભારી હતો. દરેક જીતનો યશ એ પોતાના ગુરુને પણ આપતો.
હવે તેના મિત્રો કહેવા લાગ્યા હા, યાર ભલે વાસ્તવિક રીતે કાગળની નાવડીથી સમુદ્ર પાર ન થઈ શકતો હોય પણ અડગ મનોબળથી તો સાત સાગર પાર કરી શકાય છે. એ તે સાબિત કરી બતાવ્યું છે. ડૂબતા માણસે છેલ્લાં શ્વાસ સુધી પ્રયત્નો ન છોડવા જોઈએ. એ તારી પાસેથી અમને શીખવા મળ્યું દોસ્ત. ખૂબ ખૂબ અભિનંદન.
કુસુમ કુંડારિયા. રાજકોટ