Kavyani Kavita books and stories free download online pdf in Gujarati

કાવ્યાની કવિતા.

લઘુકથા.
  
  કાવ્યાની કવિતા.  
     
     કાવ્યાને નાનપણથીજ કવિતા બહુ ગમતી. કવિતાના મર્મને તે તરતજ સમજી જતી. અભ્યાસમાં આવતી બધી કવિતાઓ તેને તરતજ યાદ રહી જતી. અને તેમાં આવતા છંદ અને અલંકાર પણ તેને યાદ રહેતા. તે કવિતા લખવાનો પ્રયત્ન કરતી. તેના શિક્ષકને પણ વંચાવતી. ત્યારે તેના શિક્ષક તેને કહેતા હજુ તું બહુ નાની છે. પણ મોટી થતાં તું જરૂર મોટી કવિયત્રી બનીશ. તેની વાણી પણ સરળ, મીઠી અને કાવ્યાત્મક હતી
        કાવ્યા જેમ જેમ મોટી થતી ગઈ તેમ તેમ તેને કવિતામાં ખૂબ રસ પડવા લાગ્યો. તે કવિતા લખવા માંડી. મિત્રવર્તુળમાં પોતાની કવિતા પણ સંભળાવતી. બધાને  તેની કવિતા ખૂબજ પસંદ પડતી. કાવ્યાની કવિતામાં ઝરણા, ડુંગરા અને નદી જેવી પ્રકૃતિનું વર્ણન ખૂબ સુંદર રીતે થતું. બધા તેને કવિયત્રી કાવ્યા કહીનેજ બોલાવતા.
       કાવ્યાની કોલેજ પુરી થતાંજ એક શ્રીમંત કુટુંબમાં લગ્ન કરી દેવામાં આવ્યા. કાવ્યા ક્યારેક ઘરકામમાંથી પરવારી લખવા બેસતી તો તેનો પતિ તેને ટોકતો, કાવ્યા આ કવિતા લખવાનું રહેવા દે, નકામો સમય બર્બાદ કરે છે. ઘરના કામમાં ધ્યાન દે. કાવ્યાને ત્યારે ખૂબ લાગી આવતું. પતિ સાથે ક્યારેય સખ્યભાવે જીવવાનું બન્યુંજ નહિ.! હંમેશા તે બધાં કામની ગોઠવણી પતિના કામને ધ્યાનમાં રાખીનેજ કરતી. છતાંય ઘરમાં કોઈને તેનું લખવાનું પસંદ ન હતું. ઘણીવાર કાવ્યાને થતું પોતાની શોધ કરવી હજુ જાણે બાકી છે. તે બીજા માટે, બીજાની સગવડ સાચવવા માટેજ જાણે ન જીવતી હોય.! પણ પોતાના માટે તો હજી બધુંજ બાકી છે. શું એ પોતાના માટે થોડું જીવી શકશે? ક્યારેક તેને થતું  મારે મારા માટે પણ જીવવું જોઈએ એ મારો પણ અધિકાર છે. હું ક્યાં જવાબદારીમાંથી છટકવા માંગુ છું. બસ થોડો સમય અને પતિ તરફથી પ્રોત્સાહનના બે શબ્દોજ મારા માટે બહુ છે. તે આવું બધુ વિચારતી પણ કંઈ બોલી શકતી નહિ.

 
     કાવ્યા ઉદાસ રહેવા લાગી. ઘરની તમામ જવાબદારી સંભાળતી. સયુંક્ત કુટુંબમાં કામનો બોજ ખૂબ રહેતો છતાંય થોડો સમય મળે ત્યારે તે પોતાનો શોખ પૂરો કરી લેતી. એક ડાયરીમાં કવિતા લખી સંતાડીને રાખી દેતી.
        ઘણા વર્ષો વીતી ગયા. કાવ્યાનો દીકરો પણ હવે કોલેજમાં આવી ગયો હતો. તેને તેની મમ્મીના આ શોખની કંઈ જાણ ન હતી. એક દિવસ તેના મમ્મીની ડાયરી તેના હાથમાં આવી. તેણે ધ્યાનથી બધી કવિતા વાંચી જે ખૂબજ સુંદર અને હદય સ્પર્શી હતી. તેની આંખમાં આંસુ આવી ગયા. મમ્મી રાત-દિવસ બધાનું કેટલું ધ્યાન રાખે છે. પણ એને શું પસંદ છે એ જાણવાની કોઈને ફુરસદ નથી.!
      આજે કાવ્યાનો જન્મદિવસ હતો તેનો પુત્ર અને પતિ તેમજ ઘરના બધા લોકો તેને બહાર લઈ ગયા. એક હોલમાં ઘણા બધાં માણસો એકઠા થયા હતા. જ્યાં પડદા પર મોટા અક્ષરે  લખ્યું હતુ. 'કાવ્યાની કવિતા ગ્રંથનું વિમોચન.
    કાવ્યા તો આ જોઈને અવાચક બની ગઈ. તેને પોતાની આંખ પર વિશ્વાસ નહોતો આવતો. તેના માટે જીવનની આ મહા ક્ષણ હતી.!  વર્ષોના વર્ષો  પોતે આ દિવસની રાહ જોઈ હતી.ઘણા બધા કવિઓની વચ્ચે તેના લખેલા કાવ્યનું પઠન કરવામાં આવ્યું. તેની કવિતામાં દર્દ હતું જે લોકોને હદય સુધી પહોંચી ગયું. સૌએ તેની કવિતાની ખૂબ પ્રશંસા કરી. આજે કાવ્યાને પોતાનું જીવન સાર્થક થતું લાગ્યું. તે ખૂબ ખૂશ હતી. તેની જિંદગીનો અમૂલ્ય દિવસ હતો. જે તેના દીકરા થકી તેને પ્રાપ્ત થયો હતો. હવે તેના પતિને પણ કાવ્યા પ્રત્યે માન થયું. તેણે કાવ્યાને કહ્યું, "કાવ્યા મને માફ કરી દે, હું તને ક્યારેય ન સમજી શક્યો. તે મારી તમામ બાબતોનો ખ્યાલ રાખ્યો. પણ હું સ્વાર્થી નીકળ્યો તારો આનંદ શામાં છે એ જાણતો હોવા છતાં ક્યારેય ધ્યાન ન દીધું. કાવ્યા પ્રેમથી તેને ભેટી પડી. તેની આંખમાં હર્ષના આંસુ આવી ગયા.
        કુસુમ કુંડારિયા. જૂનાગઢ.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED