પરિવર્તન kusum kundaria દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પરિવર્તન

ચાલો આપણે ૨૦૭૧ની સાલમાં પહોંચી જઈએ.

જીયા અને જીહાન અમદાવાદના પોશ વિસ્તારમાં રીલેશનશીપમાં રહે છે. બંને જોબ કરે છે. પોતપોતાની કાર લઈને સવારે નીકળી જાય. અને સાંજના સાત વાગે ઘરે આવે. ઘરમાં બધીજ સુવિધા. મોટા ભાગના કામ મશીનજ કરી દે.! રસોઇની પણ કંઈ જંજટ નહિ. ઓર્ડર મુજબ ટીફીન ઘરે આવી જાય. અનાજ, અથાણા, મસાલા કે કોઈ વસ્તુ સાચવવાની નહિ .બધું પેકેટમાં મળી રહે.! બસ રૂપિયા જોઈએ. અને એ માટે સ્ત્રી-પુરુષ બંનેએ કમાવા જવાનું. અને હા ઘર અને કુટુંબની કોઈજ જવાબદારી નહિ. રીલેશનશીપમાં જેને જ્યાં સુધી અનૂકુળ હોય ત્યાં સુધી સાથે રહે અને પછી છૂટ્ટા.!બાળકની જવાબદારી લેવા પણ કોઈ તૈયાર નહિ. બસ એકલા બેફિકર જીવી લેવાનું.! કોઈ વળી લગ્ન કરી બાળકોને જન્મ આપી કુટુંબ વ્યવસ્થા જાળવે. પણ એ મોર્ડન ન ગણાય.
નાના ગામડા પણ શહેરમાં પલટાઈ ગયેલાંજ જોવા મળે. ગાય-ભેંસના ઘી-દૂધ કે છાશ તો હવે ભૂતકાળની વાત થઈ ગઈ. બસ બધું પેકેટ રૂપે મળી જાય મોલમાંથી.! નાની દુકાનો તો ક્યાંય જોવા ન મળે. બધું જાણે પ્રાઈવેટી કરણ થઈ ગયું હોય એવું લાગે.! ખેતી પણ બીજા માણસોને સોંપી દીધી હોય ભાડે. શિક્ષણનો વ્પાપ વધેલો જોવા મળે. બધા નાની-મોટી નોકરી કરે.
આમ જોઈએતો બધા સુખી દેખાય. પણ શરીર પર ચરબીના થર જામી ગયા હોય. સવારથી સાંજ સુધી દોડવાનું હોય પણ શરીરને શ્રમ પડે એમ નહિ.!આથી પ્રોબલેમ બધા અલગ પ્રકારનાજ દેખાય. કોઈને માનસિક શાંતિ ન હોય. પણ બહારથી ખુશખુશાલ હોય. જીયા પણ સ્વતંત્ર મિજાજની. જીહાન સાથે પાંચેક વર્ષ તો આરામથી નીકળી ગયા. હવે બહેનોના ભાગે ઘરકામ તો હતાજ નહિ અને સ્વતંત્રમાંજ શ્વાસ લેવાના હતા. પણ કુટુંબ વ્વસ્થા સાવ ભાંગી પડી હતી. અને સ્વતંત્રતા સ્વછંદતામાં પલટાઈ ગઈ હતી.! જીયા અને જીહાન એક છત નીચે રહેતાં હતાં છતાં પણ લાગણી જેવું કંઈ ન હતું. એકબીજાની જરૂરિયાત સંતોષાય ત્યાં સુધી કંઈ વાંધો ન આવે. પણ પછી ઝધડા તો થાયજ. જીયા એક વખત બહુ બીમાર પડી. શરીરમાં ખૂબ અશક્તિ. જાતે કંઈ કરી શકે તેમ ન હતી. આથી તેને જીહાન પર નિર્ભર રહેવું પડે તેમ હતું. પણ જીહાન કોઈ જવાબદારી લેવા તૈયારજ ન હતો. એ તો મોજ-મસ્તી અને પાર્ટીમાં જવું અલગ-અલગ સ્ત્રી પાર્ટનર સાથે ડાન્સ કરવા ડ્રીંક લેવું તેમાંજ રચ્યો પચ્યો રહેતો.
જીયાને પહેલાંતો જીંદગી સ્વર્ગ જેવી લાગતી હતી. પણ હવે પહેલી વખત એકલતા તેને કોરી ખાતી લાગી. તેને મમ્મી અને દાદી પાસે સાંભળેલી પરિવારની ભાવના અને એકબીજાની જરૂરિયાત વખતે બધાં સાથે રહેતાં એ વાતો યાદ આવવા લાગી. પહેલાંતો એવી વાતોને એ હસવામાં કાઢી નાખતી. પણ આજે એને એવું લાગ્યું, કે ખરેખર એ બધીજ વાતો સાચી હતી. બધી બાબતમાં બદલાવ સારો નથી હોતો. ભલે એ સમયમાં સ્ત્રી સ્વાતંત્ર્ય આજના કરતાં ઓછું હતું. એના પર ઘરની અને બાળકોની જવાબદારી હતી, પણ લાગણી અને હૂંફ પણ હતીને. આજે તો માણસ એકદમ પ્રેક્ટીકલ માનોને મશીન જેવો જડ થઈ ગયો છે. અને સ્ત્રીઓનું શોષણ તો આજેય થાય છે. બસ જરા જુદી રીતે.!
હવે જીયાને આ આધુનિકતા ખૂંચવા લાગી. તેણે નક્કી કર્યું હું લોકોના વિચારોમાં જાગૃતિ લાવીશ. અને ફરી પરિવાર ભાવના જાગૃત કરીશ. જીંદગીમાં લાગણી અને પોતાના લોકોની અહેમિયત સમજાવીશ. સૌ પ્રથમ તો તેણે જીહાનનું દિલ જીતવાનો પ્રયત્ન કર્યો, તેનામાં લાગણીનો અહેસાસ કરાવ્યો. તે જીહાનની કાળજી રાખવા લાગી. ઘરમાં જાતે રસોઈ પણ બનાવતી. ધીમે-ધીમે જીહાનને પણ લાગણી અને સબંધની જરૂરિયાતનું મહત્વ સમજાવા લાગ્યું. ફક્ત પોતાની પીડા અને મુશ્કેલીજ નહિ પણ બીજાના દુ:ખને સમજી તેને મદદ કરવાની ભાવના વિકસવા લાગી. આ માટે પહેલાં તો બંનેએ કાયદાકીય લગ્ન કર્યાં અને જીવનભર સુખ-દુ:ખમાં સાથ નિભાવવાનું નક્કી કર્યું. અને પછી એક સંસ્થા સ્થાપી જેમાં આજના પ્રશ્નોનું નિરાકરણ લાવવાના પ્રયત્નો કર્યા. ધીમે-ધીમે લોકોને કુટુંબ વ્યવસ્થામાં વિશ્વાસ બેસવા લાગ્યો. જીવનસાથીનું ખરા અર્થમાં મહત્વ સમજાયું,
વધારે પડતી સ્વતંત્રતાથી બધાં કંટાળી ગયાં હતાં. સમાજ વ્યવસ્થા આખી તૂટવાના આરે હતી. એની અસર બાળકો પર ખૂબજ ખરાબ અસર કરી હતી. શારિરીક અને માનસિક રીતે બાળકોમાં વિકૃતી આવવા લાગી હતી. વધુ પડતા ટેક્નોલોજીના ઉપયોગથી શરીર રોગોનું ઘર બની ગયું હતું. અને બાળકોને મા-બાપનો પ્રેમ ન મળતાં બેફામ બનવા લાગ્યા હતા., આ બધાથી નવીજ મુશ્કેલીઓ ઊભી થઈ હતી. આ બધી વાત જીયા અને જીહાન બધાને સમજાવવા લાગ્યા, તેની સંસ્થામાં નવાં-નવાં લોકો જોડાવા લાગ્યા. અને ધીમે-ધીમે લોકોમાં પરિવર્તન આવવાં લાગ્યું. થોડા વર્ષોમાં ફરી કુટુંબ ભાવના અને સામાજીક વ્યવસ્થામાં સુધારો થવાં લાગ્યો. અને લોકોને શ્રમનું મહત્વ પણ સમજાવા લાગ્યું. સમજદારી પૂર્વક ટેક્નોલોજીનો ઉપયોગ શ્રમ અને સમજદારીથી લોકોનું જીવન ફરી આનંદમય બની ગયું. અને આ બદલાવ જીયા જીહાન અને તેની સંસ્થામાં કામ કરતાં લોકોને લીધે હતો.
દરેક યુગમાં સમસ્યાતો રહેવાની. યુગની સાથે સમસ્યાઓ બદલાય છે. અને હર યુગમાં કોઈને કોઈ પરિવર્તન માટે આગળ આવી મસીહા બનતાં રહેશે.!

કુસુમ કુંડારિયા.