Krushnni vedna books and stories free download online pdf in Gujarati

કૃષ્ણની વેદના.

કૃષ્ણની વેદના...

એક વખત ભગવાન શ્રી કૃષ્ણને થયું,ચાલ પૃથ્વી લોકની મુલાકાત લઉં. મારા બાળ ગોપાલો, મારી વ્હાલી ગાયો,પક્ષીઓનો કલરવ,ઝરણાનું ગાન, સરિતાનો સંગીતમય પ્રવાહ, ગોપીઓ વનરાઈઓ અને મારું પ્રિય માખણ આ બધુ ખૂબજ યાદ આવે છે. બાળ ગોપાલો અને મારા ભક્તો પણ મને બહુ યાદ કરતા હશે.

આમ વિચારી કૃષ્ણએ તો પોતાની પ્યારી બંસી લીધી અને પૃથ્વીલોક પર આવી ગયા. એ તો ફરવા લાગ્યા. એક નગરમાં ગોવાળીયાના રૂપે હાથમાં બંસરી લઈ પાદરમાં ઝાડ અને વનરાઈને શોધવા લાગ્યા પણ આ શું? અહીં તો ઝાડનું નામોનિશાન નથી.મોટા મોટા સિમેંટના બિલ્ડીંગો જોવા મળ્યા. એ તો હાથમાં વાંસળી લઈ નગરમાં બાળ-ગોપાળોને મળવા આતુરતાથી શેરીઓમાં જઈ વાંસળીના સૂર વહેતા મૂક્યાં. તેને થયું હમણાં જ મારા ગોઠિયા, મારી પ્રિય ગોપીઓ દોડીને મારી વાંસળીના સૂર સાંભળવા આવશે. તેણે તો મધુર સૂરે વાંસળી વગાડવાનું શરૂ કર્યું. ઘણીવાર સુધી વાંસળી વગાડી પણ કોઈ ન દેખાયું. કૃષ્ણને નવાઈ લાગી આ શું થઈ રહ્યું છે? જે વાંસળીના સૂરે ગોપીઓ શાન-ભાન ભૂલી દોડી આવતી તેને શું થઈ ગયું છે? ચાલ જઈને જોવા તો દે નથી શેરીમાં ગિલ્લી-દંડા કે દડાથી રમતા બાળ-ગોપાળો, નથી લહેરાતા વૃક્ષો કે નથી મારી ગોપીઓ! તેણે તો એક મોટા બિલ્ડીંગમાં જઈ ઘરનો દરવાજો ખખડાવ્યો. એક બહેને દરવાજો ખોલ્યો અને બોલ્યા,'એ ય છોકરા તું કોણ છે? કોનું કામ છે?' કૃષ્ણ બોલ્યા,'એ તો હું કનૈયો, પણ ઘરમાં આશું છે? આટલો ધમાલીયો અવાજ, કાન ફાડી નાખે તેવા ગીતો, આ પેટીમાં દેખાતા ચિત્રો આ બધુ શું છે?' પેલા બહેને કહ્યું,'જા જા તારે શી પંચાત, આ તો ટેલિવિઝ્ન છે.તેમાં ગીત, ચિત્ર, ફિલ્મ, કાર્ટુન બધું આવે, ચલ ભાગ અહીંથી'. પણ,સાંભળો, શેરીમાં કોઈ બાળકો કેમ નથી? તું જોતો નથી બાળકો ટી.વી. જુએ છે. વીડીઓ ગેઇઁમ્સ રમે છે.તો શેરીમાં શું કામ નીકળે? ચલ ભાગ અહીંથી. કૃષ્ણ તો ત્યાંથી નીકળે છે. ભૂખ પણ લાગી છે.

એક સરસ મજાનું મંદિર દેખાય છે. એ તો ત્યાં જાય છે. માણસોની ભીડ જામી છે. દર્શન માટે પડાપડી થાય છે. ભક્તો હાથમાં થાળ લઈ ભગવાનને પ્રસાદ ધરવા ઉતાવળા થઈ રહ્યાં છે. કૃષ્ણ તો ભીડમાંથી આગળ વધતા મંદિર સુધી પહોંચી જાય છે. જુએ છે તો તેની જ સુંદર મૂર્તિ છે. સોના, ચાંદીના શણગાર કર્યા છે. ભક્તો હાથમાં વીંઝણો લઈ પવન નાખે છે. છપ્પન ભોગનો પ્રસાદ ચઢાવે છે. તેને તો ભૂખ લાગી હતી દોડીને થાળમાંથી મીઠાઈ લેવા જાય છે. ત્યાં તો એક ભક્ત હાથ પકડીને તેને બહાર કાઢે છે. અરે! મૂર્ખ છોકરા આ ભગવાનનો પ્રસાદ છે. તને અહીં કોણે આવવા દીધો? હમણાં જ થાળ અભડાવી દેત. ચાલ ભાગ અહીંથી. ધક્કા-મુક્કીમાંથી તે માંડ માંડ બહાર નીકળે છે. વાંસળી હાથમાં પકડી રાખે છે. ફરી રસ્તા પર આવે છે. ત્યાં મોટી બજાર છે. તેની નજર એક દૂધની ડેરી પર પડે છે. કનૈયા ડેરી. ચોખ્ખું દૂધ,દહીં, માખણ, ઘી અહીં મળશે.કૃષ્ણના મોઢામાં પાણી આવી જાય છે. અરે વાહ, મારું પ્રિય માખણ ખાવા મળશે. એ તો ઝડપથી દોડીને દુકાને પહોંચે છે. પણ આ શું? દુકાનવાળો માખણમાં કંઈક સફેદ પાઉડર,લોટ જેવું ભેળવે છે, દૂધમાં પાણી નાખીને કેન ભરે છે. ડેરીમાંથી ગંદી વાસ આવે છે. તે નિરાશ થઈ ત્યાંથી ભાગે છે. ખૂબ થાકી ગયા છે. તેને થયું ચાલ અહીં આવ્યો છું તો મારી પ્રિય ગાયોને મળતો જાઉં. એ તો વાંસળી વગાડતા નીકળે છે. ત્યાં થોડીક ગાયો દેખાય છે. રસ્તા પર મૂકેલા કચરાના ડબ્બામાં મોઢું નાખી ગંદવાડ ખાય છે! કૃષ્ણતો દોડીને ગાય પાસે જાય છે. જુએ છે તો ગાયના શરીરના હાડકા દેખાય છે.આંચળમાં દૂધ નથી. પ્લાસ્ટીકની થેલીઓમાં ભરેલો એંઠવાડ અને સડેલા શાકભાજી ખાવા કચરાના ડબ્બામાં વારંવાર મોઢું નાખે છે. કૃષ્ણની આંખમાંથી આંસુઓની ધાર થાય છે. અરે રે! મારી પ્રિય ગાયોની આવી દશા? એ તો દુ;ખી થતા નદી કિનારે આવે છે. છૂટા છવાયા બે-ચાર વૃક્ષો છે. એક વૃક્ષ પર બેસી વાંસળી વગાડે છે. પણ આ શું? વાંસળીમાંથી વેદનાના સૂર નીકળે છે. કોઈ પંખી પણ દેખાતા નથી. સરિતાના જળમાં ગટરોના પાણી ઠલવાતા અશુધ્ધ પાણી વહી રહ્યાં છે, અને રેતીને બદલે મોટા-મોટા ખાડા દેખાય છે. રેતી તો ટ્રેક્ટરો ભરાઈને સિમેંટના જંગલો ઊભા કરવામાં ખાલી થવા આવી છે.

કૃષ્ણ તો ચારેબાજુ જુએ છે કોઈ દેખાતું નથી. નથી પક્ષીઓનો કલરવ,નથી ઝરણાઓનું ગાન, નથી બાળ ગોપાળોની નિર્દોષ રમતો કે નથી શુધ્ધ ભોજન! તેને થયું અરે, હું કોઈ બીજા દેશમાં નથી આવી ગયોને? મારું ગોકુળ,મથુરા, વૃંદાવન દ્વારિકા ક્યાં ગયું? ફરીથી બ્રહ્માંડમાં જુએ છે. નહિ, હું નથી ભૂલો પડ્યો, પણ આ માણસ ભૂલો પડ્યો છે. તેના હાથમાંથી વાંસળી નીચે પડી જાયછે. તે દુ;ખી હદયે ફરી પોતાના સ્વર્ગલોકમાં જાય છે. અને ફરી ક્યારેય પૃથ્વીલોક પર આવવાની હિંમત કરતા નથી!

હવે વાંસળીના સૂર સંભળાતા નથી. ગાયો લાચાર છે. બાળકો ટી.વી. અને મોબાઈલમાં રમમાણ છે. સરિતાના નીર પ્રદુષિત થતા જાય છે. પંખીઓનો કલરવ બંધ થઈ રહ્યો છે. ખોરાકમાં ભેળસેળ વધતી જાય છે. માણસો રોજ પ્રસાદનો થાળ લઈ મંદિરમાં ભગવાનને વિનંતી કરે છે. મારો પ્રસાદ આરોગો પ્રભુ! એકવાર પૃથ્વી પર આવી દર્શન આપો. અમારા દુ;ખ દૂર કરો.

પરંતુ જો આપણે પૃથ્વીને ઈશ્વરને આવવા યોગ્ય બનાવીશું તો જરૂરથી આવશે. આપણે પ્રકૃતિને બચાવવી પડશે. પર્યાવરણને જાળવવું પડશે. ગાયોની સાચા અર્થમાં સેવા કરવી પડશે. એક દિવસ પૂજવાથી પુણ્ય નથી મળી જતું. બાળકોને સારા સંસ્કાર આપી માનવધર્મને, સંસ્કૃતિને ટકાવવી પડશે. તો જ બંસીધર,ચંદ્રધર,કૃષ્ણ આપણી સહાય કરશે. કૃષ્ણ તો ભારતીય પ્રજાનો આત્મા છે. જન્માષ્ટમી પુરાતન છે. સનાતન છે.અને નિત્યનૂતન છે!
                     કુસુમ કુંડિરિયા.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED