Andhashradhha dur kari books and stories free download online pdf in Gujarati

અંધશ્રધ્ધા દૂર કરી.

રામપર નાનું એવું ગામ.ગામ નાનુ ખરું પરંતુ ખાધેપીધે સુખી.ગામમાં સાત ધોરણ સુધીનો અભ્યાસ. વધારે ભણવાનું હોય તો શહેરમાં જવું પડે.

ગામને પાદર મોટા વડલાનું ઝાડ. ઝાડને ફરતે સીમેંટનો ઓટલો. સાંજ પડે એટલે ‘નિવૃત’ થઈ ગયેલા વૃધ્ધો અહીં આવીને બેસે અને સુખદુ:ખની વાતો કરે. ક્યારેક વળી જુવાનીયાઓની ટીકા પણ કરે. ગામમાં કઈ નવા જુની થાય તો તેની પણ ચર્ચા થાય.કોઈના છોકરાના લગ્ન હોય કે પછી કોઈની દીકરીનું આણું. અહીં બધા સમાચાર જાણવા મળેં.

શહેરની હવા હજુ આ ગામમાં લાગી ન હતી. છોકરીઓને નાનપણથી જ ઘરનું શીખવવામાં આવે. છોકરો પણ મોટો થાય એટલે બાપને કામમાં મદદ કરે. ગામમાં થીયેટર નહિ. ટી.વી. પણ એકાદ-બે મોટા ઘરમાં જોવા મળે. ધાર્મિક સીરીયલ હોય ત્યારે બધા ભેગા થઈને જુએ. ધર્મમાં બધા બહુ માને. સૌ પોતપોતાના ધર્મ પાળે રુઢિચુસ્ત પણ ખરા. બ્રાહ્મણ કોઈના ઘરનું પાણી પણ ન પીવે.

વેલજી બાપાનું ઘર ગામમાં સૌથી મોટુ ગણાય. સુખી ઘર. વેલજી બાપાને સો વીઘા પાણી વાળી જમીન બારેમાસ લીલીછમ હોય, વરસના ત્રણ ત્રણ મોલ થાય. વેલજી બાપાને બે દીકરા.મોટો પરબત અને નાનો ભરત. પરબતને ગામમાં સાત ચોપડી ભણાવીને ઉઠાડી લીધો.ખેતીમાં દેખરેખ રાખે. નાનો ભરત ભણવામાં ખૂબ હોંશિયાર વળી તેની ડોક્ટર બનવાની ઈચ્છા હતી. આથી તેને શહેરમાં ભણવા મોકલવાનું વેલજી બાપાએ વિચાર્યું.

વેલજી બાપાની ઉંમર મોટી પણ ખાધેપીધે સુખી જીવ. આથી ઉંમર વર્તાય નહિ. ચાલીને બે વાર વાડીએ આંટો મારે.પરબતને પણ ખેતી વિશે જણકારી આપે.મજુરને સલાહ સૂચન કરે અને વાડીમાં આંટો મારે. પરબતના બા શરીરે નબળા,સાજા માંદા રહે, બહુ કામ પણ તેનાથી થાય નહિ, આથી પરબતના લગ્ન કરવાનું વારંવાર કહે, વહુ ઘરમાં આવી જાય તો મારે નિરાંત.દેવ દર્શન થાય અને ઘરની જવાબદારીમાંથી મુક્તિ મળે.વેલજી બાપાને પણ વાત ગળે ઉતરી. તેને પણ દીકરાને પરણાવી દેવાની ઉતાવળ જાગી અને આજુબાજુના ગામમાં પરબત માટે કન્યા શોધવાનું શરુ કર્યું. સગા-વહાલામાં પણ વાત કરી. વેલજી બાપાનું ઘર સુખી અને ખાનદાની આથી ઘણા માગા આવે.

પરબતના બાને એક છોકરી બહુ ગમી ગઈ રામપરના બાજુના જ ગામમાં રહેતા અરજણ ભાઇની છોકરી ગીતા. ગીતા પાંચ ચોપડી ભણેલી. અરજણ ભાઈ પણ સામાન્ય માણસ.ખર્ચા પૂરતું કમાય. પરંતુ તેની દીકરી ગીતા ખુબજ સુંદર અને સંસ્કારી હતી. પરબતને પણ છોકરી ગમી ગઈ. ઘર તેની વળનું ન હતું. પરંતુ તેને ક્યા કરિયાવર જોઈતો હતો. તેને તો ઘર ચલાવે તેવી સુશિલ કન્યા જોઈએ. આથી ઘરના બધાને ગીતા ખૂબ ગમી ગઈ. ગોળ-ધાણા ખાઈ સગપણનું નક્કી કર્યું.

પરબતના બા હેમુમા તો વહુને જોઈ હરખઘેલા થઈ જતા. વહુને કંકુ પગલા પાડવા ઘરે તેડી ગયા, એક સરસ મજાની સાડી પણ ગીતાને ભેટ આપી અને અરજણ ભઈને મળી ઝટપટ પરબત અને ગીતાના લગ્નનું પણ નક્કી કરી નાખ્યું અરજણ ભઈ પણ ખુશ હતા. દીકરીને આવુ મઝાનું ઘર મળ્યુ. આથી તેણે પણ પોતાના ગજા પ્રમાણે ગીતાનો કરિયાવર તૈયાર કર્યો અને સારુ મુહર્ત જોવડાવી પરબત અને ગીતાના લગ્ન કરી નાખ્યા. જાન ગામમાં આવી ત્યારે આખા ગામમાં ફટાકડા ફોડ્યા,બેંડવાજા વગડાવ્યા. ચોરે ને ચૌટે નવી વહુને જોવા માણસો પડાપડી કરતા હતા.

ગીતાએ ગ્રુહ પ્રવેશ કર્યો અને ઘરમાં દિવાલ પર કંકુવાળા હાથના થાપા માર્યા. પડોશની બૈરાઓ સાંજે પણ ગીતાનું મોં જોવા ભેગી થઈ. હેમુમા બધાને આવકાર આપી મીઠું મોં કરાવતા હતા. બધા ગીતાના રુપના ખૂબ વખાણ કરતા હતા.ગીતા પણ વડીલોને પગે લાગી આશીષ મેળવતી હતી.નાનો દિયર ભરત પણ ભાભીના આગમનથી ખૂબ ખુશ હતો. ભાભી સાથે મીઠી મશ્કરી પણ કરતો. સમય સરવા લાગ્યો.જોત-જોતામાં પરબત અને ગીતાના લગ્નના બે વર્ષ વીતી ગયા. ગીતા સંસ્કારી હતી. વડીલોની મર્યાદા જાળવતી,ઘર કામમાં પણ તૈયાર.આથી ઘરના બધાના દિલ જીતી લીધા. ભરત શહેરમાં દોક્ટરનું ભણવા ગયો. હેમુમાને પણ ગીતા તરફથી કોઈ ફરિયાદ ન હતી. તે પણ ગીતાને દીકરીની જેમ રાખતા. બે વર્ષ થયા છતા ગીતાનો ખોળો ખાલી હતો. હેમુમા હવે પૌત્રનું મોં જોવા ઉતાવળા થતા. ગીતાને કહેતા બસ હવે એક કાનુડા જેવો દીકરો દઈ દે એટલે મને તો સ્વર્ગ મળી જાય! ગીતાને પણ મા બનવાની ખુબ ઈચ્છા હતી પરંતુ તેનું નસીબ કઈં જુદું જ હતું

હેમુમા હવે તો રોજ કહેતા. ગામમાં પણ વાતો થવા લાગી. ગીતાને છોકરા થતા નથી. જરૂર ગીતામાં કઈંક ખોડ હશે નહિતર બે વર્ષ સુધી ખોળો ખાલી ન રહે. ગીતા આવું સાંભળતી ત્યારે ખુબ જ દુ:ખી થઈ જતી. હવે તો લગ્નના ત્રણ વર્ષ થઈ ગયા.છતાયે તેની ગોદ સુની હતી. મોઢે સારુ બોલનાર પાછળથી તેને વાંઝણી કહેતા અને વિચિત્ર નજરથી જોતા. તેને અપશુકનિયાળ ગણતા. ગીતા મનમાં ને મનમાં સમસમી જતી. તેનુ હ્દય પડપી ઉઠતું અને તે વિચારોમાં ખોવાઈ જતી. પોતાની જાતને પણ વિસરી જતી.કામમાં પણ ચિત્ત ચોંટતું નહિ.રોટલા કરવા બેસે તો રોટલો તાવડીમાં નાખી એવી વિચારોમાં ખોવાઈ જતી કે રોટલો બળી જાય ત્યાં સુધી કંઈ ખબર ન રહે. આવુ વારંવાર થવા લાગ્યું. હેમુમાં હવે મુંઝાયા. તેને થયું જરૂર મારી વહુને કોઈ વળગ્યું છે. નહિતર આવુ થાય નહિ. તે દોરા-ધાગા કરાવવા લાગ્યા. રોજ જુદી જુદી જગ્યાએ લઈ જાય. કોઈ કહે વળગાડ છે તો વળી કોઈ કહે તમારી વહુ છાયામાં આવી ગઈ છે. દોરા બાંધે બાધા રાખે પણ કંઈ ફેર પડે નહિ.

ગામમાં એક માતાજીના ભુવા હતા. ત્યાં ગીતાને લઈ ગયા. જોવડાવ્યું તો કહે વળગાડ છે. હમણા જ તેને કાઢી આપું તેણે તો ગીતાના વાળ છૂટા કર્યાં મંત્ર બોલી પાણી છાંટ્યું અને પૂછવા લાગ્યા બોલ તું કોણ છે? જાય છે કે નહિ? પરંતુ ગીતા પર તેની કોઈ અસર થતી ન હતી. આથી ભુવાએ લોખંડની એક સાંકળ કાઢી અને કહ્યું હવે જૌં છું કેમ નથી જતી બે ત્રણ બૈરાએ તેને પકડી રાખી.ભુવાએ સાંકળ વડે ગીતાના બરડા પર મારવા લાગ્યો. ગીતા ચીસો પાડવા લાગી બચાવો... બચાવો.. પરંતુ માતાજીનો એ ભુવો તો સાંકળથી જોર-જોરથી મારીને રાડો પાડતો જાય નીકળ, ગીતાના શરીરમાંથી નીકળ નહિતર તારી ખેર નથી! ગીતા સાકળના મારથી બેભાન જેવી થઈ ગઈ.

ભરત એ સાંજના જ શહેરમાંથી ઘરે આવ્યો. ભાભીને મળવા તે ઉતાવળો ઘર તરફ દોડ્યો. ઘરમાં જઈને જુએ તો કોઈ ન મળે. બાજુમાંપૂછ્યું તો જાણવા મળ્યું કે રેના ભાભીને માતાજીના કોઈ ભુવા પાસે લઈ ગયા છે. તે દોડતો ત્યાં ગયો. ત્યાંનું દ્રશ્ય જોઈને એ કંપી ઉઠ્યો. તેણે રાડ પાડી બંધ કરો આ બધુ શું છે? મારા ભાભીની આવી હાલત કોણે કરી? તે ત્યાંથી તેના ભાભીને તથા તેના બાને લઈ ઘરે આવ્યો અને બધી વાત જાણી તેને ખુબ દુ:ખ થયું આ માણસો હજુએ આટલી અંધશ્રધ્ધામાં રાચે છે. તેણે ઘ્રમાં બધાને ઠપકો આપ્યો. અને મોટા ભઈને પણ કહ્યું મારા ભાભીની આવી હાલત કરી નાખી અને તમે પણ ચૂપચાપ જોતા રહ્યા?

ઘરમાં બધાને સમજાવી તે તેના ભાભીને લઈ શહેરમાં ગયો અને સારા ગાઈનેક ડોક્ટરને બતાવ્યું. તપાસ બાદ ડોક્ટરે ગીતાને નાના ઓપરેશન બદ બાળક થવાની પૂરી શક્યતા છે એમ જણાવ્યું. આથી ભરતે તેના મોટા ભઈને તેડાવી લીધા અને ગીતાનું ઓપરેશન કરાવ્યું ઓપરેશન નોર્મલ હતું. થોડા સમય બાદ ગીતાને દિવસો ચડ્યા. તેણે સાસુને વાત કરી. હેમુમાં તો આ સાંભળી આનંદ વિભોર બની ગયા. આખા ગામમાં વાત ફેલાઈ ગઈ. ગીતાને અપશુકનિયાળ ગણનારા સૌ ગીતાને સલાહ આપવા લાગ્યા. બહુ ભારે કામ કરતી નહિ, સૌ સારાવાના થશે. ગીતા પણ હવે ખુબ જ આનંદમાં રહેવા લાગી. તેની સઘળી બીમારી દૂર થઈ ગઈ. હવે તે હસતી-બોલતી અને બધા સાથે વાતો કરતી. તેને કોઈજ બીમારી ન હતી,કે ન હતો કોઈ વળગાડ. જીવતા માણસો જ તેને વળગ્યા હતા. લોકોની વાતો સાંભળી ‘વાંઝણી’ શબ્દ સાંભળી તે માનસિક રીતે પડી ભાંગી હતી. આથી ગુમસુમ બની જતી અને પોતાની જાતને વિસરી જતી. પોતે શું કરે છે તનું કંઈ ભાન ન રહેતું. લોકોએ તેને વળગાડનું નામ આપી દીધું હતું.

નવ મહિના બાદ ગીતાએ સુંદર બાબાને જન્મા આપ્યો. હેમુમાએ આખા ગામમાં પતાસા વહેંચ્યા.અને ઘરમાં આનંદ છવાઈ ગયો. ભરત પણ એમ.બી.બી.એસ.પુરુ કરી ડોકટર બની ગયો અને પોતાના ગામમાં જ પ્રઈવેટ પ્રેક્ટીસ ચાલુ કરી,દર્દીની સેવા કરવા લાગ્યો. સાથે સાથે ગામમાંથી અંધશ્રધ્ધા પણ દૂર કરી..


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED