મમ્મી, તું જરાય સાંભળતી નથી. કહી કહીને થાકી , મને ભીંડાનું શાક ભાવતું નથી. પાછું આજે મને ટિફિનમાં મોકલ્યું હતું ‘. નીલિમા આસ્થાની વાત કરવાની રીત જરા પણ ગમતી નહી.
આસ્થા આજે ખૂબ નારાજ હતી. મ્હોં ફુલાવીને બેઠી. પપ્પા આવ્યા ત્યારે દોડીને વહાલ કરવા પણ ન ગઈ.
એકની એક દીકરી. લગ્ન પછી બાર વર્ષે તેણે પધરામણી કરી હતી. મમ્મી અને પપ્પાની આંખનો તારો. ચતુર અને ભણવામાં હોંશિયાર. જો જરાક મનગમતું ન થાય તો પારો સાતમા આસમાને ચડી જાય. મા અને બાપ મોઢા પર ગોદરેજનું તાળું મારીને ચૂપચાપ બેસી રહે. જો હોંકારો પૂરાવે કે બે શબ્દ બોલે તો તૈયારી રાખવાની. ઘરમાં ત્રીજુ વિશ્વ યુદ્ધ ફાટી નીકળે.
આસ્થા જેમ ઉંમર માં મોટી થતી ગઈ એમ ભણવામાં અવ્વલ નંબર લાવી. શાળાના અને ઘરના વર્તનમાં આસમાન અને જમીનનો ફરક જણાતો. શાળામાં બધા શિક્ષક અને શિક્ષિકાની લાડલી તેમજ આજ્ઞા કારી. ્ઘરમાં એકદમ વિરુદ્ધ. બધું તેની મરજી મુજબ જ થવું જોઈએ.
મમ્મીને થતું આ દીકરી હજુ તો સોળની નથી થઈ ,આવા હાલ રહેશે તો ? તેના ભવિષ્યની ચિંતા તેને કોરી ખાતી. રહી રહીને પસ્તાવો કરતી , ‘કેવા સંસ્કાર મેં આપ્યા ?’
ખબર નહીં કેમ નિરવને હૈયે ટાઢક હતી. તેને વિશ્વાસ હતો ,મ્હોં ફાટ, આસ્થા એવું કોઈ કામ નહિ કરે જેનાથી માતા તેમજ પિતાને નીચાજોણું થાય.
કાલની કોને ખબર છે? આજ ,આસ્થાની બેફામ બનતી જતી હતી. તેમાં જ્યારે શાળામાંથી પ્રથમ નંબરે પાસ થઈ તો નમ્રતાને બદલે ઉદ્ધતાઈ એ માઝા મૂકી. મમ્મી તેનાથી સો ગજ દૂર રહેતી હતી. ક્યારે અપમાન કરી બેસે તેનું કોઈ ઠેકાણું નહી.
નીલિમા શાળામાંથી ભણી રહી કે તરત જ નીરવ સાથે તેના લગ્ન લેવાયા હતા. નીલિમાની નાની ,દીકરી પાનેતરમાં જોવાની ઈચ્છા હતી. લગ્ન પછી માત્ર બે અઠવાડિયામાં નાનીનો સ્વર્ગવાસ થયો હતો. દાદા અને દાદીનું મુખ જોવા તેમજ લાડ પામવાનું આસ્થાના નસીબમાં ન હતું. નીરવ વાતો કરી કરીને દીકરીને તેની ઓળખાણ આપતા.
ઝેવિયર્સ કોલેજમાં દાખલો મળ્યો હતો. આસ્થા ઘર બહાર ખૂબ સુંદર વ્યવહારને કારણે મિત્ર મંડળમાં સહુને ગમી જતી. હાથની પણ છૂટી હતી. આખો દિવસ બહાર રખડે, ઘરે આવે એટલે પાછું તેનું પોત પ્રકાશે. ઘરના નોકરો આસ્થાને વતાવે નહીં. ‘બહેનબા’ કહીને નવાજે. તેની બધી માગ પૂરી કરે.
કોલેજમાં ગયેલી આસ્થા સાથે મમ્મીએ બોલવાનું નહિવત કરી નાખ્યું હતું. ઘરના કામકાજ કે રસોઈ બાબતે કોઈ પણ વાત ક્યારેય મા દીકરી વચ્ચે થઈ ન હતી. જ્યારે એન્જિનિયર થઈ અને મૂરતિયા જોવાનું નક્કી કર્યું , ત્યારે એક વખત રાતના જમતી વખતે મમ્મી ,પપ્પાની હાજરીમાં વાત છેડી.
‘ તને કશું ભાન છે’?
મમ્મી સડક થઈ ગઈ. પપ્પા, પણ ન બોલવાનું ઉચિત સમજ્યા.
‘શું તું બતાવે તે છોકરા સાથે પરણવાની’?
મમ્મીએ ‘ના’ દર્શાવવા માથું ધુણાવ્યું.
‘ શું તમારા મોંમાં મગ ભર્યા છે’?
પાછું માથું ધુણાવ્યું.
નિરવ નીચું મોં રાખીને જમવાનો સ્વાદ માણી રહ્યો હતો. ખરેખર તો તેનો ડોળ ચાલુ હતો. દીકરીની આવી વાણી તેના અંતરમાં દઝાડતી હતી. બાપ હતો શું બોલે ? હવે કોલેજમાં આવેલી દીકરીને કશું ન કહેવાય તે જાણતો હતો. કોઈક વાર તેના દિમાગમાં પ્રશ્ન સળવળતો,” આને પરણનારની” કેવી હાલત થશે ?
એવામાં એક દિવસ આસ્થા આવીને એટમબોંબ ફોડ્યો !
‘ મને મારી સાથે એન્જિનિયરિંગનું ભણતા,’ અમર’ સાથે પ્રેમ થઈ ગયો છે’.
રાતનો સમય હતો. મહારાજ વાળુ પીરસી રહ્યા હતા. હજુ તો પહેલો કોળિયો મોંમાં મૂકે તે પહેલા બોમ્બ ફૂટ્યો. નીરવ અને નીલિમાના હાથનો કોળિયો મોઢા સુધી પહોંચી ન શક્યો.
‘તમે બંને કેમ આમ પથ્થરની મૂર્તિ બની ગયા ‘?
આસ્થાએ બીજો પાણો ફેંક્યો.
પપ્પા સ્વસ્થતા ધારણ કરી બોલ્યા, ‘ અરે અમને કઈ રીતે ખુશી પ્રદર્શિત કરવી તેનું ભાન ન રહ્યું.’
ત્યાં સુધીમાં નીલિમાએ પણ હોશ સંભાળ્યા. હસીને બોલી ,’અરે આ તો શુભ સમાચાર છે’.
પછી જાણે સામાન્ય વાત ચાલતી હોય તેમ જમવાના સમયે વાત ચાલી રહી. આસ્થાનો ઉમંગ સમાતો નહતો. નીરવ અને નીલિમા બન્ને જણા મુખ પર કોઈ જાતની ઉત્કંઠા બતાવ્યા વગર પ્રશ્નોત્તરી કરી રહ્યા. નીલિમા બને ત્યાં સુધી, હં, હા, સરસ એવા સામાન્ય ઉત્તર આપતી હતી. તે જાણતી હતી કે જો કોઈ શબ્દ એવો બોલાઈ જાય તો આસ્થાનો ગુસ્સો સાતમે આસમાને પહોંચી જાય. ખૂબ સાવચેતી પૂર્વક બધા સમાચાર સાંભળ્યા.
‘મહારજ ગઈ કાલે આવેલી તાજી મીઠાઈ લાવો અને થોડીવારમાં તાજો કંસાર બનાવી લાવો અમે બધા દીવાનખંડમાં બેઠા છીએ. ‘
પપ્પાની વાત સાંભળી આસ્થા ઉભી થઈ, તેમને ગળે વળગી. મમ્મી એ ઉભી થઈને તેને મસ્તકે વહાલથી હાથ ફેરવ્યો.
મહારાજે બનાવેલો ગરમા ગરમ કંસાર ખાઈ બધા, સુવાની તૈયારી કરી.
“શુભ રાત્રી” બેટા કહીને નિરવ પોતાના સૂવાના રૂમમાં આવ્યો. નીલિમા હાથમાં ગરમ દૂધનો ગ્લાસ લઈને આવી. નિરવને આદત હતી, રાતના સૂતા પહેલા ગરમ દૂધ પીવાની. રોજ કેસર અને ઈલાયચી વાળું હોય . આજે ભારે જમ્યો હતો એટલે નીલિમા સાદુ દૂધ લાવી હતી. આવતાંની સાથે,
” શું આપણે સાચું સાંભળ્યું ” ?
‘કેમ શંકા છે’?
‘મને મારા કાન પર વિશ્વાસ નથી ‘.
‘શાંતી રાખ, ઘીના ઠામમાં ઘી પડી જશે.’
બસ પછી તો ‘અમર’ની અવરજવર વધી ગઈ. આસ્થા બધા સાથે હોય ત્યારે પ્રેમાળ વર્તન કરતી. નીલિમા બને ત્યાં સુધી મૌન પાળે. અમર સાથે ક્યારેક બે ચાર વાક્યની આપલે કરતી. છ મહિનામાં લગ્ન લેવાના હતા. આસ્થા સાથે જતી. આસ્થાને જે જોઈએ તે લેવાનું હતું.
એકની એક દીકરી, જે ગમતું હતું બધું મન ભરીને અપાવ્યું. કોઈ વસ્તુની ના નહી . જે માંગે તેના કરતાં સવાયું અપાવે. આસ્થા ખૂબ ખુશ હતી. ગમતો પ્રેમી પામી હતી.
ઉપરથી ખુશ દેખાતો નિરવ અંદરથી ખળભળી ઉઠ્યો હતો. તેને ‘અમર’ની દયા આવવા લાગી. ખબર નહી આસ્થા ક્યારે અમર સાથે ઝઘડી પડશે અને તેને ટકાનો કરી મૂકશે. આ ભય તેને સદા સતાવતો. અમર સાથે ખૂબ પ્રેમથી વર્તન કરતો.
નિરવ અને નીલિમાએ ખૂબ સાવચેતી પૂર્વક વર્તન કરી પ્રેમથી દીકરી પરણાવી. ગમે તેમ તો આસ્થા પુત્રી હતી. લગ્ન પછી કેટલી ઉપાસના કર્યા બાદ મેળવી હતી. પ્રેમ અને લાડથી મોટી કરી હતી. શા માટે ઘરમાં તેનું વર્તન અસહ્ય રહેતું એ પામવાની શક્તિ બન્નેમાં ન હતી.
હસી ખુશી થી નૈનીતાલ ફરીને નવ પરણિત યુગલ પાછું ફર્યું. અમરના માતા તેમજ પિતા સુરત રહેતા. અમર મુંબઈની આઈ. આઈ. ટી. માંથી ભણીને અંહી રહેવાનો હતો. આસ્થા પણ તેના વર્ગમાં હતી. તેની બુદ્ધિ પ્રતિભાથી અંજાઈને તો આસ્થાએ તેના દિલ પર અડ્ડો જમાવ્યો હતો.
શરૂ શરૂમાં તો આસ્થા કહે તે બધું માનતો. લગ્નના છ મહિના પછી જ્યારે પોતાના વિચારો જણાવે ત્યારે આસ્થા છણકો કરતી. અમર ઝઘડાથી સો જોજન દૂર રહેતો. પસંદ ન હતો. ચૂપ રહી પરિસ્થિતિને કાબૂમાં કરી લેતો. અરે ઘરમાં કામવાળી પણ આસ્થાની બરાબર ઝપટમાં અવતી.. અમરનું જીવન જરા હલબલી ગયું.
એક વખત નીરવ અને નીલિમાને ત્યાં જમવા આવ્યા હતા ત્યારે સમય જોઈને નીરવને વાત કરી. નીરવે અષ્ટ પષ્ટ સમજાવી વાતને વાળી લીધી. રાતના નીરવે નીલિમાને વાત કરી. નીલિમાના પેટમાં તેલ રેડાયું .
ત્યાં તો સમાચાર મળ્યા કે આસ્થાને બાળક આવવાનું છે. પાછા સહુ તેને લાડ કરવા માંડ્યા. આસ્થાને તો ભાવતું તું ને વૈદે કીધું. આસ્થા પાણી માંગે ને દૂધ હાજર. અમરના મમ્મી તેમજ પપ્પા આવ્યા. ખોળો ભરવાનો પ્રસંગ રંગેચંગે ઉજવણી કરી ઘરે પાછા ગયા.
આસ્થાએ કહ્યું, ‘એ પિયર બાળકના જન્મ વખતે નહીં આવે’ !
તેણે મમ્મીને પોતાને ત્યાં બોલાવવાનું નક્કી કર્યું. નીલિમાના હાંજા ગગડી ગયા. તેને જરા પણ મન ન હતું . આસ્થા, જમાઇબાબુ દેખતા પોતાની બેઇજ્જતી કરે, તેને માન્ય ન હતું. નિરવને પણ મન ન હતું. અમરને ના કેવી રીતે પડાય ?
‘બાંધી મુઠ્ઠી લાખની’, જેવી હાલત હતી. મન મક્કમ કરીને નીલિમા ગઈ. પાંચ દિવસ હોસ્પિટલમાં રહીને સુંદર મજાની, ‘ભક્તિ’ને લઈ આસ્થા ઘરે આવી.
આસ્થા તેનું મુખ જોતા ધરાતી નહી. તેને માટે રાતનો ઉજાગરો પોતે કરતી. મમ્મી પાસે ભાવતી રસોઈ બનવડાવી ખુશ થતી. અમર દિવસે તો ઘરમાં હોય નહીં એટલે બધું ચૂપચાપ કરતી. રાતના બન્ને જણા ભક્તિ સાથે સમય ગાળવા મળે એટલે કામ આટોપી સૂવાના કમરામાં જતી રહેતી.
અઠવાડિયા પછી એક દિવસ રાતના નીલિમાના કમરામાં આસ્થા આવી, એક પણ અક્ષર બોલ્યા વગર માને વળગી પડી.
બીજે દિવસે સવારે બધા સુતા હતા ત્યારે નીલિમા ,નીરવને ફોન પર કહી રહી,’આપણી દીકરી મોટી થઈ ગઈ’!