છેલ્લો પ્રયાસ Trivedi Bhumi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

છેલ્લો પ્રયાસ



કોલેજથી સાંજે આવીને ઇશાને જોયું તો બા ખુરશીમાં એકદમ સૂનમૂન બેઠેલાં. ઈશાન રસોડામાં જઈ જોઈ આવ્યો તો બાએ કશું જ જમ્યું નહોતું. એ તરત જ બાના પગ પાસે આવીને બેસી ગયો. બા, તમે આખો દિવસ જમ્યા નહીં? તમને કેટલી બધી અશકિત આવી જશે. તમે સહેજે ચિંતા ના કરો. મેં આજદિવસ સુધી તમારી કોઇ વાત ઉથાપી નથી. તમે કહેશો એ જ પ્રમાણે કરીશ. મારા પર વિશ્વાસ તો છે ને...
જમુનાબાના ચહેરા પર સ્મિત ફરકી ગયું તેમણે ઇશાનના માથે હાથ ફેરવ્યો. ઇશાને તેનો લન્ચબોક્ષ બતાવ્યો. જો બા, મેં પણ સવારથી કશું જ જમ્યું નથી. ચાલ હવે આપણે બંને સાથે જમી લઇએ. હું ટેબલ પર બધું ગોઠવી દઉં છું. ઇશાને ઝડપથી ટેબલ ગોઠવી દીધું ! એનેય કકડીને ભૂખ લાગી હતી. સવારે કોલેજે જતાં બાને નારાજ કરતાં તેનો જીવ કપાતો હતો પણ એના માથેય સંકટનાં વાદળો ઘેરાયાં હતાં. તે નિ:સહાય, નિરૂપાય બની ગયેલો. તેને લગ્ન કરવા હતા ઇશાની સાથે જેના પ્રેમમાં તે છેલ્લાં પાંચ વર્ષથી ગળાડૂબ હતો. ઇશાની હતી પણ એવી જ એના સૌંદર્યમાં શીલની સુગંધ હતી. હરણ જેવી આંખોમાં સુગંધનો સુરમો હતો. તે બોલતી તો જાણે વીણાના તાર ઝણઝણી ઉઠતા.
ઇશાનનું આ છેલ્લુ વર્ષ હતું ઇન્ટર્નશીપનું ને પછી તે એક કંપનીમાં જોબ માટે જોડાવાનો હતો. ઇશાન હવે તમે બાને સમજાવો મારાં મમ્મી - પાપા રાત દિવસ મારી ચિંતા કર્યાં કરે છે. હવે તો મારું એમ.કોમ પણ પૂરું થઈ ગયું છે. હું ગમે તેમ સમજાવીને મનાવી લઉ છુ. મારાં મમ્મી - પાપા તમને પસંદ કરે છે પણ જયાં સુધી તમારા બા સંમતિ ન આપે ત્યાં સુધી કશું જ શક્ય નથી. કંઈક તો રસ્તો શોધી કાઢો…
બાએ વર્ષો પહેલાં અમારા ગામની એમની બહેનપણીની દીકરી રીવા માટે મારા લગ્નનું વચન આપ્યું એટલે બા એ વચન તોડવા તૈયાર નથી. ઇશાનીએ શંકા વ્યકત કરી. એવું તો નથી ને ઇશાન કે તમે રીવાને જોઈ હોય અને વચન તોડવા તૈયાર નથી.
તું નહીં માને આજથી ચારેક વર્ષ પહેલાં રીવાને એક લગ્ન પ્રસંગમાં જોયેલી ત્યારથી મેં એને જોઈ નથી કે ન એણે મને જોયો છે. બાને પૂછ્યું તો એનેય રીવાનો ચહેરો યાદ નથી છતાં આગ્રહ કરે છે. તને તો ખબર છે. બાએ કેટકેટલાં દુઃઓ વેઠીને મને મોટો કર્યો, મને ભણાવ્યો એને સહેજે દુઃખ થાય તેવું કશું કરી શકું નહીં કે એની વાતને ઉવેખી શકું નહીં... પણ હું કોશીશ ચોકકસ કરીશ... મને પૂરીપૂરી શ્રધ્ધા છે. બાને મનાવી લઈશ.
ઇશાનની મુંઝવણ દિવસે દિવસે વધતી જતી હતી એટલે આજે સવારે કોલેજે જતાં જતાં જમુનાબાને તેણે પોતાની હૈયાવરાળ ઠાલવી હતી. પણ જમુનાબા જીદે ચઢેલાં : શહેરની છોકરીઓનો બેટા ભરોસો નહીં. રીવાને જોયે ભલે ચાર વર્ષ થયાં પણ એ ગામડાની સંસ્કૃતિ છે. ઘણાંના મોઢે એના વખાણ સાંભળ્યાં છે. પણ બા, તમે સમજતાં કેમ નથી મેં ઈશાનીને લગ્નનું વચન આપ્યું છે.
બસ બા એ વાત પર રીસાઇ બેઠેલાં તે આખો દિવસ જમ્યાંય નહી : એ મોડી રાત સુધી બાના પગને રોજની જેમ તેલથી હળવું માલીશ કરતાં કરતાં જાગતો બેસી રહ્યો પણ એ દરમ્યાન એના મગજમાં એક વિચાર આવ્યો અને તેનો અમલ કરવા તે ઉતાવળો થયો. બીજે દિવસે વહેલી સવારે એ ઇશાનીને મળ્યો. બ્લેક જીન્સ અને ગુલાબી ટોપમાં ઇશાની સ્કૂટી લઈને આવી હતી. ઇશાની, એક રસ્તો મને સુઝે છે... બસ તારી સહાયની જરૂર છે. ચાપણું કામ ઇશ્વરને ગમશે તો પાર પડશે.
બોલો ઇશાન. તમે કહો તે કરવા તૈયાર છુ. જો બાએ તને કે રીવા ને હજુ સુધી જોઇ નથી... વળી બાને દેખાય છે ઝાંખુ. કાલે કોલેજમા રજા છે. તું એકલી તારી રીતે મારા ઘરે આવજે. હું બાને કહીશ કે ગામડેથી રીવા આવી છે. તું એમની એવી સેવા કરજ કે તને છોડે જ નહીં... ને રસોઈ પણ તું જ બનાવજે.
પણ ઈશાન, બાને છેલ્લે ખબર પડી જાય તો એમનું દિલ કેટલું દુભાશે તેનો તમને ખ્યાલ છે. આપણે કરેલી છેતરપીડી એ કદી માફ નહી કરે. હું બાને છેતરવા તૈયાર નથી. જો ઈશાની એમાં કોઈ છેતરપીંડી નથી. મારી બાનું હૃદય ખૂબ વિશાળ છે એ હું જાણું છું. એ પછી ના પાડશે તો આગળ વિચારીશું. તેણે છૂટા પડતાં ઇશાનીને માથે હાથ મૂકી એટલું જ કહ્યું, મેં કહ્યું તેમ આપણે છેલ્લો પ્રયાસ કરી જોઇએ સફળ થઈએ તો આપણું નસીબ ઇશાની નહીં તો... ને ભારે હૈયે ઇશાનીને વિદાય આપી ઇશાન ઘરે આવ્યો.
બીજે દિવસે સવારે દસ વાગ્યાની ઇશાન પ્રતિક્ષા કરવા માંડયો ત્યાં તો દસના ટકોરે યેલો સાડીમાં ઇશાની દરવાજે આવી ઊભી રહી. ઇશાને અજાણતા બની બા સાંભળે તેમ પૂછ્યું ! તમને ઓળખ્યા નહી ? હું રીવા રામપુરથી આવું છું... રીવા અને રામપુરનું નામ સાંભળતાં જ જમુના બા નજીક આવી ઇશાનીને હાથ પકડીને ઘરમાં ખેંચી લાવ્યાં. સોફા પર બેસાડી તે ધારી ધારીને ઈશાનીને જોવા લાગ્યાં. પછી ગામમાં બધાની ખબર પૂછી.
બા ઇશાની માટે રસોઈ બનાવવા ઊભા થયા ત્યારે ઇશાનીએ કહ્યું કે બા આજે તમે આરામથી મારી પાસે બેસો રસોઈ હું બનાવીશ. ને ઈશાની રસોડામાં ગઈ ને બા સ્ટોર રૂમમાં કંઈક લેવા ઉપરના માળે ગયાં ને ઇશાન રસોડામાં વ્યસ્ત ઈશાનીને કહ્યું કે યાર તું તો એકસપર્ટ છે. પહેલી નજરમાં જ બા, તારા પર વારી ગયાં એટલામાં બાના પગરવનો અવાજ આવ્યો તો ઇશાન ભડકીને રસોડામાંથી બહાર નીકળી ગયો.
કેમ બેટા, રસોડામાં ભમરાની જેમ આંટા મારે છે. રીવા ગમવા માંડી લાગે છે. જરાય નહીં બા, આ તો તેને માળીએથી ડબ્બો ઉતારવો હતો એટલે મદદમાં આવ્યો. ને બરાબર કલાકે બધી રસોઈ ઇશાનીએ તૈયાર કરી નાંખી, બધા સાડા અગિયારે સાથે જમવા બેઠા ને જમતાં જમતાં બા ઈશાનીને રસોઈનાં વખાણ કરતાં હતા ને ઇશાન જાણી જોઈને બાને હળવેકથી ચીડવતો હતો : રસોઇ ઠીક છે. એનાથી તો બા તમારા હાથની રસોઈ વધારે સારી બને છે. ટેબલ નીચેથી ઈશાનીએ ધીમેથી ઈશાનને લાત મારી.
એમ કરતાં કરતા સાંજના ચાર થવા આવ્યા એટલે ઈશાની તૈયાર થઈને જમુના બા પાસે આવી. બા, હવે હું નીકળું. મારી બા પણ ચિંતા કરતી હશે. બસનો સમય પણ થઈ ગયો છે. દીકરી આવતા રવિવારે પણ ફરી આવજે ને સાથે તારી બાને પણ લેતી આવજે.
એ પછી તો ઇશાની અઠવાડિયામાં તો એકાદવાર ઘરે આવવાનું ચૂકતી જ નહોતી ને જમુનાબા પણ આગ્રહ કરીને તેડાવતાં. પણ એક દિવસે બાની તબીયત રાતથી ખરાબ હતી એટલે ડોક્ટરે લખી આપેલી દવાઓ લઈને ઇશાન ઘરે આવ્યો હતો. ઈશાનીના ઘરે મહેમાનો આવ્યા હતા એટલે તે ન આવી શકી બા પાસે ખબર પુછવા.
ઈશાને બાને ફળ ખવરાવ્યાં ને પછી બાને દવા આપી સુવાડયાં જ હતાં ને ડોરબેલ વાગી. બાની ઊંઘમાં ખલેલ ન પહોંચે એટલે દબાતા પગે જઈ ઇશાને દરવાજો ખોલ્યો તો એક આધેડ વયની સ્ત્રી અને તેની સાથે એક યુવતી ઉભી હતી. જમુના છે... હું એમની બહેનપણી રત્ના અને આ મારી દીકરી રીવા રામપુરથી આવ્યાં છીએ..
રીવાનું નામ સાંભળતાં જ ઇશાનના પેટમાં ધ્રાસકો પડયો. જમુનાબા, રત્નાનું નામ પડતાંજ સફાળા બેઠાં થઈ ગયાં. રત્નાને પાસે બોલાવી ગળે વળગી પડયા. બંનેની આંખોમાં હરખનાં આંસુ સરી પડયાં. ત્યાં તો જમુનાબાની નજર પેલી યુવતી પર પડીને કંઈક દ્વિધા સાથે પૂછી રહ્યાં : આ દીકરી કોણ છે રત્ના ? ઓળખી નહીં રીવા છે રીવા, તમારી ચકુડી..
જમુનાબા ફાટી આંખે ઘડીક રીવા તરફ ને ઘડીક ઇશાન તરફ તાકી રહ્યાં. રીવા કશુંય બોલ્યા વિના ટીવી ચાલુ કરીને સોફા પર ગોઠવાઈ ગઈ. મધ્યમ કદની ને વાને શ્યામ દેખાતી હતી. સોફા પર બેસવાની ને હસવાની અદા સાવ ગમાર જેવી હતી.
ઇશાન ધ્રુજી ઉઠ્યો. બા મહેમાનો માટે રસોઈની તૈયારી કરવા ઉતાવળાં થતાં હતાં. ને ઇશાને તેમને રોક્યાં. બા તમે ઘણા વર્ષે મળ્યાં છો. નિરાંતે વાતો કરો. હું બહારથી જમવાનું લઈ આવુ છું... રત્ના ઈશાન સામે સ્મિત વેરતાં કહે : જમુના તારો દીકરો તો બહુ સમજદાર ને ડાહ્યો છે. હું તો આ બંનેના લગ્નનું ઝડપથી ગોઠવવા માટે જ આવી છું.
કયાં સુધી બેસી રહેવાનું જમુના એ સાંભળીને જમુનાબા ઘડીક ગંભીર બની ગયા. ને ઇશાન ઝડપથી ટીફીન લઈને બહાર જતો રહ્યો. બધા સાથે જમ્યાં ને પછી મહેમાનને બસસ્ટેન્ડ સુધી ઈશાન મૂકી આવ્યો. બાનો ભારેખમ ચહેરો જોઇને ઇશાન ચૂપચાપ ટીવી જોવા બેસી ગયો.
બાએ ગુસ્સામાં ઇશાનને કહયુ, હમણાંજ ઇશાનીને બોલાવ એના મનમાં શું તે મને મૂરખ સમજે છે. હજી તો ઇશાન કઈ કહેવા જાય ત્યાં જ આશ્ચર્ય વચ્ચે ધીમેથી દરવાજો ખોલી ઇશાની આવી ગઈ. બાને પગે લાગી વાતાવરણની ગંભીરતાનો ખ્યાલ ઈશાનીને આવી ગયો.
બા તમારા માટે નવી શાલ લાવી છું. જમુનાબાએ તેની લાવેલી શાલ ફેંકી દીધી. એટલે ઇશાનીને પાક્કી ખાતરી થઈ ગઈ કે કંઇક અજુગતું બન્યું છે. તે ઇશાન સામે જતી હતી ને બાએ હાથ પકડીને તેની પાસે બેસાડી દીધી.
ત્યાં ક્યાં જાય છે તારે મારી પાસે જ હંમેશાં રહેવાનું છે, સમજી તારા બાપુજીને મળવા આપણે બધાં સાથે જ જઈશું. હવેથી બધા નાટકો બંધ પહેલા દિવસથી જ તને હું ઓળખી ગઇ હતી. મારી આંખોનું તેજ હજુયે અકબંધ છે સમજ્યાં. માફ, કરજો બા અમારી પાસે કોઈ રસ્તો નહતો એટલે અમારે આ છેલ્લો પ્રયત્ન કરવાની ફરજ પડી. જમુનાબાએ બંનેના માથે હાથ મૂકી આર્શીવાદ આપ્યા ત્યારે ત્રણેયની આંખમાં હરખના અશ્રુ સરી પડયા.

- ત્રિવેદી ભૂમિકા