જરાય સહેલું નથી સ્ટેજ પર ઉભા રહીને હજારોની મેદની સામે પોતાની કૃતિ રજૂ કરવી! જો પહેલી જ વાર સ્ટેજ પર ગયા હોઈએ તો એકાદ ક્ષણ માટે તો આત્મવિશ્વાસ ડગી જ જાય. કોઈક નાટક કરવાનું હોય કે ગીત ગાવાનું હોય કે પછી કોઈક ડાન્સ કરવાનો હોય અથવા શાસ્ત્રીય નૃત્ય કરવાનું હોય - પહેલું પગથિયું આત્મવિશ્વાસ છે. આવડત તો પહેલેથી જ હશે, તો જ સ્ટેજ સુધી પહોંચ્યાં!
આવી જ એક ઘટના ઈશિકાનાં જીવનમાં બની. આજે એનું સ્ટેજ ડાન્સ પરફોર્મન્સ હતું. એણે કુલ છ પ્રકારનાં ભારતીય શાસ્ત્રીય નૃત્યોમાં મહારત હાંસલ કરી હતી, જેનું આજે પ્રદર્શન હતું, દુનિયા સામે. એનાં ઘરનાં તમામ સભ્યોએ આ કાર્યક્રમ માટે ઘણી જહેમત ઉઠાવી હતી. આ કાર્યક્રમનું જીવંત પ્રસારણ આખાય વિશ્વનાં લોકો જોઈ શકે એ માટેની વ્યવસ્થા કરવામાં આવી હતી.
આખોય હૉલ ભરાઈ ગયા બાદ કાર્યક્રમનું સંચાલન કરનાર વ્યક્તિએ કાર્યક્રમની રૂપરેખા સંક્ષિપ્તમાં વર્ણવી. ત્યારબાદ ઈશિકા વિશે જાણકારી આપી. એનાં સંઘર્ષ વિશે પણ જાણકારી આપી. હવે વારો હતો મહેમાનોના સ્વાગતનો. આથી મંચ પર ઉપસ્થિત તમામ મુખ્ય મહેમાનોનું યોગ્ય સન્માન કરવામાં આવ્યું. એમાંથી બે ત્રણ જણાએ પોતાનો પણ અભિપ્રાય આપ્યો. થોડી પ્રેરણાત્મક વાતો કરી અને ફરીથી પોતાનું સ્થાન ગ્રહણ કરી લીધું.
ત્યારબાદ સંચાલકે થોડી પ્રેરણાત્મક વાતો કરી, થોડાં મુદ્દાઓ વર્ણવ્યા અને સ્ટેજ પરથી વિદાય લીધી. એમની વિદાયની થોડી જ ક્ષણોમાં સ્ટેજ પરની લાઈટો બંધ કરી દેવામાં આવી. સ્ટેજ પરનો તમામ સામાન ખસેડી લેવામાં આવ્યો અને આખુંય સ્ટેજ ખાલી કરી દેવામાં આવ્યું. થોડી જ ક્ષણોમાં સૌની આતુરતાનો અંત આવ્યો. ઈશિકા સ્ટેજ પર આવી. સૌએ એને તાળીઓના ગડગડાટથી વધાવી લીધી.
કાર્યક્રમની શરૂઆત ખૂબ જ શાનદાર રહી. ત્યારબાદ ઈશિકાએ પોતાની કળાની રજુઆત કરી. સતત ત્રણ કલાક સુધી છએ છ નૃત્યોનો સમન્વય કરીને એણે અદ્ભૂત નૃત્ય કરી દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધાં. એનાં આ પ્રદર્શનની નોંધ દેશની પ્રખ્યાત રેકૉર્ડ બુકમાં પણ લેવાઈ. આજે એનું આખુંય કુટુંબ અને દેશ એનાં પર ગર્વ લઈ રહ્યો હતો.
ઈશિકા પોતે માની શકતી ન હતી કે એણે આ કાર્યક્રમ સફળતાપૂર્વક કર્યો. બે વર્ષ પહેલાં જ એ એક અકસ્માતમાં પોતાનાં બંને પગ ગુમાવી ચૂકી હતી. નૃત્ય તો એનો ધબકાર હતો. ખૂબ જ નાની વયે એણે નૃત્ય શીખવાનું શરુ કરી દીધું હતું. વીસ વર્ષની ઉંમર સુધીમાં તો એણે છ નૃત્યો શીખી લીધાં. એનાં મતે આ નૃત્યો એને તાકાત આપે છે. એનાથી એનાં મનને, વિચારોને શાંતિ મળે છે.
એણે ક્યારેય કલ્પના જ ન્હોતી કરી કે એ ક્યારેક ગંભીર અકસ્માતનો ભોગ બનશે, અને બંને પગ ગુમાવી બેસશે. પણ ઈશિકા એક બાબતે આજે ગર્વ લઈ રહી હતી કે એની કળા જ એને આટલા મુશ્કેલ સમયમાંથી બહાર લાવવામાં મદદરૂપ બની. બંને પગ ગુમાવીને તમામ પ્રકારની આશાઓ ગુમાવી ચૂકેલી એ પથારીમાં સૂતાં સૂતાં પોતાનાં નૃત્યના વિડીયો જ જોતી રહેતી. એક દિવસ અચાનક જ એણે મનોમન કંઈક નક્કી કર્યું અને પોતાનાં ડૉક્ટરના માર્ગદર્શન હેઠળ એ વિચારને અમલમાં મૂક્યો, જેનું પરિણામ આજનું આ એનું આંતરરાષ્ટ્રીય સ્તરે યોજાયેલું નૃત્ય પ્રદર્શન હતું.
ઈશિકાની જેમ જ જ્યારે જીવનમાં બહુ મોટી તકલીફ આવી પડે ત્યારે હિંમત હારવાને બદલે જો તકલીફનો સામનો કરી લઈએ તો એ તકલીફમાં છુપાયેલી તક આપણને સફળતા તરફ લઈ જાય. બની શકે કે કદાચ તમે જે બનવા માંગતા હો એ ન બની શકો, પણ કંઈક એવું કરવાની તક મળે જેની તમે કલ્પના પણ ન કરી હોય. કદાચ તમને તમારી એ પ્રતિભા તકલીફ દરમિયાન જ ખીલવવાનો મોકો મળે.
ટૂંકમાં, નાસીપાસ ન થવું. પોતાની મદદ પોતે જ જો કરીએ તો ક્યારેય નિરાશ ન થવાય. 'હિંમતે મરદા તો મદદે ખુદા' આ ઉક્તિ ધ્યાનમાં રાખીને શક્ય એટલાં ઝડપથી પરિસ્થિતિમાંથી બહાર આવી જવું.
આભાર.
સ્નેહલ જાની.