HUN ANE AME - 15 books and stories free download online pdf in Gujarati

હું અને અમે - પ્રકરણ 15

પોતાની સહેલી સાથે વાતો કરતી રાધિકાના ફોનમાં રિંગ વાગી અને તેણે ફોન ઊંચક્યો. "હા મયુર, શું થયું?"

"અરે રાધિકા મેં તને જાણ કરવા માટે ફોન કર્યો છે."

"શું જાણ કરવની છે?"

"મારે મુંબઈ જવું પડશે. શું છે કે બૉસે અચાનક ત્યાં મિટિંગ બોલાવી છે અને ત્યાંનું પણ ઘણું કામ મારે કરવાનું થયું છે. એટલે ત્યાં આગળ બધું જાણી કારવી, મિટિંગ પતાવી હું બે દિવસમાં આવી જઈશ."

"ઠીક છે, તો. બીજું શું!" કહી તેણે ફોન મુક્યો. આ બાજુ મયુરે મુંબઈ રાકેશ પાસે જવાની તૈય્યારી કરી અને શ્વેતા સાથે તેની ગાડીમાં ચાલતો થયો.ગાડીમાં બેઠેલાં મયુરના ચેહરાને જોઈ શ્વેતાએ પૂછ્યું; " આશ્વર્ય થાય છે તમને જોઈને. રાકેશને મળવાની ખુશી છે કે પછી ઉત્સાહિત થઈ રહ્યા છો?"

"ઉત્સાહ, આજે ઉત્સાહ છે મનમાં. હું એ માણસને મળવા જઈ રહ્યો છે જેને મળવાનું એટલા સમયથી મન થઈ રહ્યું હતું."

"અચ્છા, એવું તે શું ખાસ છે?"

"બેન્કના નિયમોને લીધે ઉભી કરેલી મારી કંપની લગભગ બંધ જ થઈ જાત. એવા સમયે મેં મારી કંપની વેચવાનું નક્કી કરી લીધું હતું. પણ તમે અને સરે તેને ખરીદવાને બદલે પાર્ટનર તરીકે તમારી કંપનીની અન્ડર જોઈન કરી લીધી અને મારી લોન પણ ભરી દીધી. હું એ માણસને મળવા ઉત્સાહિત છું જેણે બંધ આંખે મારા પર આટલો વિશ્વાસ મુક્યો."

"હા, એ તો છે જ."

રાત્રે મુંબઈ પહોંચીને પણ તેના મનમાં એજ વિચારો અવતા કે ક્યારે તે રાકેશને મળશે? તે સતત ઓફિસેથી કોઈને કોઈના કોંટેક્ટમાં રહેતો અને જાણ્યા કરતો કે નવી અપડેટ શું છે?

આ બાજુ રામાનંદનમાં શાંતિ છવાયેલી હતી. એવામાં રમેશે વિનોદકાકાને ફોન કરીને બહાર બોલાવ્યા. તેની સાથે સાથે જયંતિ પણ બહાર આવ્યો. "શું વાત છે રમેશ?" તેણે આવતાની સાથે જ સવાલ કર્યો.

" અરે કાકા! ચાલો આપણે લલ્લુભાઈના ઘરે જઈયે અને કાલની આપણી વાત એને કરી જોઈયે." સાંભળી જયંતિને થોડું ઢીલા પણું લાગ્યું . તે કહેવા લાગ્યો, "તમે જાણો છોને કે કાલે મહેશે શું વાત કરી છે તે? છતાં તમે આજે ત્યાં જશો?"

"એનાથી ડરવાનું ના હોય જયંતિ. એતો કહેશે જ. પણ આપણે તો આપણું કામ કરવું જોઈ ને!"

"રમેશ સાચું કહે છે જયંતિ. એને જે કરવું હોય તે કરે. આપણે આપણું કામ કરીએ." વિનોદે આટલું કહી રમેશનો પ્રસ્તાવ સ્વીકાર કર્યો અને બન્ને તેની સાથે લલ્લુભાઈના ઘેર આવ્યા. તેઓને જોઈ તેણે હસતા મોઢે સ્વાગત કર્યું. નીરવ અને ગીતા પણ બહાર આવી તેમની સાથે બેઠા.

તેને જોઈ લલ્લુએ કહ્યું, "શું વાત છે?! બહુ જાજા દિવસે અમારે ત્યાં બેસવા આવ્યા છો!" તો વિનોદ કહે, "હા લલ્લુભાઈ, ઘણા દિવસથી મન હતું. આજે ત્રણેય આવી ગયા."

"સારુ કર્યું. ગીતા, ચા બનાવ." કહી તેણે ગીતાને ચા બનાવા કહ્યું. તે રસોડામાં ગઈ અને તે ત્રણેય વાતોમાં લાગી ગયા. ધીમે ધીમે વિનોદે રાધિકાના લગનની વાત કરી અને તેમાંથી તેઓએ રાકેશનું પૂછ્યું. રમેશ કહે, "અરે કાકા, રાકેશ આજ કાલ શું કરે છે? હમણાંથી તો કોઈ સમાચાર જ નથી તેના." અને આ વાત સાંભળી લલ્લુના મનમાં ગુસ્સો ભરાયો. તેનું મોં એકદમ લાલ થઈ ગયું અને કહેવા લાગ્યો, "તમે એની વાત અમારી સામે ન કરો તો વધારે સારુ."

"અરે કાકા હવે તો તમે સમજો. અમે તમને એ જ કહેવા આવ્યા છીએ." જયંતીના આ વાક્યને સાંભળી તેણે રસોડામા રહેલી ગીતાને બૂમ પાડી કહ્યું, " રે'વા દેજે ગીતા. આ લોકો અહિંથી જાય છે. ચા ના બનાવતી. ફરી આવશે ત્યારે ચા પીયને જશે." તો રસોડામાંથી ગીતા અને પોતાના રૂમમાંથી મનાલી બહાર આવ્યા. તે ત્રણેય એકબીજા સામે જોવા લાગ્યા.

"આ શું બોલો છો તમે? આ રીતે વાત કરાય? જરા ભાન તો રાખો. રાકેશના લીધે તમે આની બધા પર મોં કાં બગાડો?"

નીરવ બોલ્યો, "હા પપ્પા, મમ્મી સાચું કે' છે." તેણે રમેશ, જયંતિ અને વિનોદને હાથ જોડતા કહ્યું, "જુઓ તમે પપ્પાની વાતનું ખોટું ના લગાડતા. તે જરા ગુસ્સામાં છે."

રમેશ બોલ્યો, "અમે સમજીયે છીએ નીરવ. હાથ જોડવાની જરૂર નથી. અમને જરાય ખોટું નથી લાગ્યું. જુઓ કાકા, તમારો ગુસ્સો એકદમ અર્થ વગરનો છે. એવું તે શું થઈ ગયું કે તમે રાકેશનું નામ પણ સાંભળવા નથી માંગતા?"

તો વિનોદે સાથ આપતા વાત મૂકી, "લલ્લુભાઈ! અમે તમને એ કહેવા જ આવ્યા છીએ. રાધિકાના લગન થઈ ગયા છે ને સાસરે પણ જતી રહી છે. હવે તમે તમારા મનમાંથી તેની નફરત દૂર કરી નાખો અને તેને અહીં બોલાવી લ્યો. નીરવ તું સમજાવ લલ્લુભાઈને, કે હવે જૂનું ભૂલી જાય અને નવી શરૂઆત કરે."

"વિનોદભાઈ! તમારી વાત સાચી, પણ કિયા મોંએ તેને બોલવું. લોકોને શું કહીશ? તમે એમ સમજો છો કે તેને ઘેર પાછો બોલાવી લઉં એટલે બધું બરોબર થઈ જાય? ના, તમે હજુ સમજતા જ નથી. તમારી સૌ કરતાં તેની મને વધારે પડી છે. નાનો હતો ત્યારે બોર્ડિંગ સ્કૂલમાં મોકલી દીધો, અમે અહીં આવતા રહ્યા અને તે ત્યાં કોલેજમાં ભણતો રહ્યો. તેને અહીં આવી અમારી સાથે રોકાયે માંડ છ મહિના થયા કે... આ બધું. તે તો મારો લાડકવાયો હતો પણ વધારે સમય સાથે ના રહી શક્યો. મને મનમાં ઘણું થાય છે કે તેને પાછો બોલાવી લઉં. પણ એ અહીં આવશે તો શું આ સોસાયટીવાળા તેને એ રીતે જોશે જેમ પહેલા જોતા હતા?" લલ્લુના પ્રશ્નનો જવાબ વધારે મુશ્કિલ હતો. તેનો જવાબ કોઈ પાસે નથી.

છતાં વિનોદે જવાબ આપવાનો એક પ્રયત્ન કર્યો, " તમારી વાત સાચી છે લલ્લુભાઈ. આપણે ગામના મોઢે ગળણા ના બાંધી શકીયે. પણ જુઓ લોકોનો વિચાર કરી આપણે આપણા સંતાનોને આવી જિંદગી તો ના અપાયને!"

"આ મારાથી નૈ થાય, વિનોદભાઈ. હું તો મારા બાપ-દાદા પાસેથી વટનું જીવન જીવતા શીખ્યો છું. કોઈ મેણું મારે એ મારાથી સહન ના થાય. તેણે કરેલા કામની સજા પેઠે જો આખી જિંદગી એકલા ફરવું પડે તો એ ફરશે. પણ આ ઘરમાં નહિ આવે કે ના હું એનો સ્વીકાર કરીશ."

લલ્લુભાઈની સામે પોતાની દલીલો નકામી સાબિત થતાં અને તેને મનાવવામાં હવે કોઈ રસ્તો કામ નહિ આવે એ તેઓને સમજાય ગયું. હવે વધારે બોલવાનો કોઈ અર્થ નથી એમ કહેતા નીરવે તે ત્રણેયની સામે નકારાત્મક માથું ધુણાવ્યું અને નીચે જોઈને બેસી ગયો. થોડીવાર પછી ત્રણેયે પ્રયત્નો કરીને, થાકીને ત્યાંથી જતા રહ્યા. જતા જતાં વિનોદ બોલ્યો, "અમારી વાતનું જો ખોટું લાગ્યું હોય તો માફ કરજો લલ્લુભાઈ. પણ એકવાર ફરીથી વિચાર કરી લેજો. હવે રજા આપો." કહી તે જતા રહ્યા.

મોડી રાત્રે લલ્લુ તેની રૂમમાં એકલો બેઠો હતો. ગીતાએ જોયું કે તે ગમગીન ચેહરો લઈ બેઠો છે. તેણે પોતાના પલંગની નીચેથી એક પેટી કાઢી અને ખોલી જોવા લાગ્યો. તેમાંથી વિવિધ રમકડાં તેણે બહાર કાઢ્યા એટલે ગીતા તેની પાસે આવીને બેસી ગઈ. બન્ને એક પછી એક રમકડુ જોવા લાગ્યા. "તને યાદ છે ગીતા? આ નાની ગાડી તેણે જીદ્દ કરીને આપણી પાસે લેવરાવી 'તી."

"હા, એ આ ગાડી ચલાવે અને રોજે કહેતો, મમ્મી હું મોટો થઈ આવી જ ગાડી લેવાનો. પછી હું, તમે અને ભાઈ આપણે આ ગાડીમાં ફરવા જાશું. ને હું પૂછતી, તો તારા પપ્પાને નથી લઈ જવા? ને એ કહેતો એને તો હું મારી બાજુમાં ડ્રાઇવરની બાજુ વાળી સીટ પર બેસાડીશ." બંને ઉદાસ થઈ ગયેલા ને આંખોમાંથી આંસુની ધાર ચાલી નીકળી. પોતાના રુદનને રોકવા છતાં રોકી ન્હોતા શકતા. પેટીમાંથી ગીતાએ એક બાળકની નાની હાલ્ફ જિન્સ બહાર કાઢી, હાથમાં રાખી જોવા લાગી.

"કેટલી ઉદારતા એના મનમાં હતીને! નાનોએવો હતો. છતાં એક ભિખારીના બાળકને ઉઘાડા શરીરે જોઈ પોતાની નાની ટી-શર્ટ તેને આપી આવેલો."

"હા ગીતા. બહુ ગમતી તેની વ્હાલપ , નાનો છતાં સમજુ હતો. એટલે જ મારો લાડકો હતો."

"અને તમારા લાડકા પર ગુસ્સો પણ તમેજ કર્યોને."

"મેં ગુસ્સો કર્યો, પણ ગુસ્સો મને એ વાતનો જ આવેલો કે તેણે આ શું કર્યું? શું કામ?" તેની આંસુડાંની ધાર વધતી જ જતી હતી. "મેં જ એને ઘરની બહાર કાઢ્યો, હું શું કરું? કે' મને. મન તો મારું પણ એટલું જ દુભાય છે. પસ્તાવો મને પણ એટલો જ થાય છે. પણ શું કરું? તે દિવસે નીરવ અને મનાલી બન્ને એને મળવા ગયા, મને તો એનાથી પણ પહેલા એની પાસે પહોંચી જવાનું મન થતું હતું."

"એટલે તમને ખબર છે કે તે બેઉ રાકેશ પાસે ગયા હતા? કઈ રીતે?"

"ખબર તો હોયજ ને. બાપ છું એનો. નીરવ ભલે મને કહ્યા વગર માનલીને લઈને જતો રહ્યો. પણ હું એની આંખોમાં જોઈને સમજી ગયો કે ક્યાં જાય છે. એ જતા રહ્યા ને હું ખાલી બાલ્કનીમાંથી જોતો રહી ગયો."

"તમે સાંભળ્યુંને રમેશે અને વિનોદભાઈએ જે વાત કરી તે. રાધિકા તો એના સાસરે પણ જતી રહી છે, હવે તો તમે રાકેશને આપણે ઘેર પાછો બોલાવી લ્યો."

"કઈ રીતે બોલાવું ગીતા?"

ગીતાએ એના ખભા પર હાથ મૂકતાં તેને જાણે હિમ્મત આપી, "લોકોનો વિચાર નઈ કરો. સમય બદલાય ગયો છે. આવી બધી વસ્તુતો હવે સામાન્ય થઈ ગઈ છે. નીરવ અને માનલીને સંતાયને પોતાના ભાઈને મળવા જવું પડે અને એના માં-બાપ એને મળવાની આશામાં ખાલી વલખા જ મારી શકે. આ વાત મારાથી સહન નથી થતી. તમે ગમે એમ કરો, પણ એને ઘેર બોલાવી લ્યો. દોઢ વરસથી મળવાનું તો શું, ફોનમાં પણ એની સાથે વાત નથી થઈ."

"તારી વાત સાચી છે. પણ મારુ મન એના પક્ષે જવા તૈય્યાર નથી, ગીતા."

"અરે છોડી દ્યો તમારા મનની. જરાક આ ઘરનો તો વિચાર કરો. બે ભાઈ અલગ થઈ ગયા, ઘરમાં કોઈના ચેહરા પર ખુશી નથી. હવે તો તમારા મનને વાળો. મુરઝાઈ ગયું છે આ ઘર." ગીતા પોતાના દીકરાને મળવા હવે બેચેન બની ગઈ. તેણે પોતાના જ પતિને ઠપકો આપી દીધો અને લલ્લુ ચોધાર આંસુડે રડી પડ્યો. થોડીવાર પછી સ્વસ્થ થયો ને સમય જોયા વગર અડધી રાત્રીએ જ ખિસ્સામાંથી ફોન કાઢી ધ્રુજતા હાથે રાકેશને ફોન લગાવી દીધો.

તેણે ફોન ઊંચક્યો અને તરત જ લલ્લુભાઈના મોંમાંથી તેનું નામ નીકળ્યું, "રાકેશ!..."

રાકેશ ખચકાટ સાથે બોલ્યો "અં... હ.. હા પપ્પા."

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED