HUN ANE AME - 14 books and stories free download online pdf in Gujarati

હું અને અમે - પ્રકરણ 14

હર્ષોલ્લાસ સાથે મયુરની જાન માંડવે આવી પહોંચી અને લગ્નની વિધિ શરૂ થઈ. સૌ કોઈના ચેહરા પર આનંદ હતો. નવીન પદની ખુશી દંપતીને પણ એટલી જ હતી. બેન્ડ અને ફટાકડાનો એવો અવાજ આવતો કે બીજું કશું સંભળાતુ પણ ના હતું. એક મેકના હાથમાં હાથ સોંપી બંને એકબીજાના થવા આતુર હતા. શેરીની ચોમેર લાડકડીના નવા પદની શરણાઈઓ સંભળાતી હતી અને જોત જોતામાં સૌની પ્રિય પારકી બની નવે ઘેર ચાલી. રડતી તેના પરિવારની આંખોમાં હરખ પણ અપાર હતો કે સઘળું કાર્ય સંપન્ન થયુ.

ધીરુભાઈની આંખોમાં દીકરાને પરણાવવાનું અનોખું તેજ પુરાયું હતું. ક્રિશા પોતાના ભાઈ અને આવેલા નવા ભાભીને લઈ ઘરમાં પ્રવેશવા આતુર બની. દરવાજે ઉભેલી રમાએ દીકરા અને વહુની આરતી કરી ગૃહ-પ્રવેશ કરાવ્યો અને હરખ આખા ઘરમાં છવાયો. ધીમે ધીમે આવેલા મહેમાન જવા લાગ્યા. બીજા દિવસે ધીરુભાઈ અને રમા પણ પોતાની દીકરી સાથે જવા નીકળ્યા. તેની દીકરી ક્રિશા પોતાના પતિ સુમિત સાથે પોતાના ઘેર, એટલે ધીરુભાઈને ત્યાંજ રહેતી. બે દિવસમાં તે પણ નવી વહુને ઘર સોંપી ચાલતા થયા. જતા જતા ધીરુભાઈએ પોતાના દીકરાને આવેલી નવી વહુનું ધ્યાન રાખવાની સલાહ આપતા કહ્યું, "મને ખબર છે તું રાધિકાને કાંઈ ઓછું નહિ આવવા દે. છતાં તેના માટે હજુ બધું નવું છે. જે ઘરમાં તે ઉછરી અને મોટી થઈ તેને ભૂલીને એ તારી પાસે આવી છે. જરૂર પડે તો મને અથવા સુમિતને અડધી રાતે પણ ફોન કરી લેજે. પણ એને તું સાચવજે, કોઈ વાતનું દુઃખ ના થવા દેતો."

"તમે અહીંની ચિંતા ના કરો, હું કાલે તેને ફરીથી તેના ઘેર થોડા દિવસ રહેવા માટે જવા દઈશ. એટલે અહીં અને ત્યાં એમ કરી તે ટેવાઈ જશે." કહી મયુરે તેમને રજા આપી. પોતાના આશીર્વાદ પોતાની વહુને આપી સાસુ અને સસરા પોતાને ઘેર ગયા. સ્ટેશને જયારે મયુર તેને છોડવા ગયો તો પાછળથી તેમના ગુણદર્શન કરી રહેલી રાધિકા તેમની માણસાઈ અને આવકાર ને યાદ કરી નવીનપદ ને શુભ ગણવા લાગી. તેણે એક સારા પરિવારનો ભાગ બનવા માટે પોતાના જ નસીબનો આભાર માન્યો.

આવીને મયુરે તેને પૂછ્યું કે, " તે તેના ઘેર જવા માંગે છે કે નહીં?"

તો તેણે જવાબમાં કહ્યું, "ના હું બે દિવસ તમારી સાથે જ રહીશ. પછી જઈશ."

"કાં? આમ કરવાનું કારણ. મને લાગ્યું કે તને ત્યાંની યાદ આવતી હશે."

"ના, એમાં યાદ આવવાનું શું? એ તો પહેલાના જમાનાની વાતો છે. તમારા ગયા પછી મેં મમ્મીને ફોન કરી લીધો. તેણે પણ મને કહ્યું તારે જ્યારે આવવું હોય ત્યારે આવજે. આમેય, ત્યાં જવામાં શું વાર લાગવાની? ક્યાં દૂર છે?"

"હા... એ સાચું." મયુર મનોમન જ ખુશ થયો. એને થયું કે રાધિકા સાથે રહેવાનો સમય મળી ગયો. તેની મનોમન છલકતી આ ખુશી વધારે સમય ચાલે તે પહેલાં જ શ્વેતા મેડમનો ફોન આવી ગયો.

"આજે ક્યારે આવી શકો તેમ છો?" ફોન ઉંચકતા જ શ્વેતાએ સવાલ કર્યો.

હવે બીજું કોઈ બહાનું તો વધ્યું ના હતું. "જી, આજે જ આવી જાવ." કહી તેણે જવાબ આપ્યો.

"એવી કોઈ ઉતાવળ બતાવવાની જરૂર નથી. કાલે સવારમાં આવશો તો ચાલશે. તમે ના મળી શક્યા અને તમારા લગન હતા. એટલે સર મુંબઈ બીજા કામ માટે જતા રહ્યા છે." મેડમે જાણે તેના મનની વાત મૂકી દીધી અને તેના મનની ખુશી પાછી છલકાઈ. શૃંગારમાં વાત જ કોઈ એવી છે કે માણસનું મન નથી ધરાતું. એમાં પણ નવા પરણેલા લોકોના મન તો જાણે ચોથી દુનિયામાં જ રમતા હોય, કોઈ કલ્પનાની દુનિયામાં. નવા બનેલા પતિ-પત્ની જયારે એક બીજાની વાતો કરે એટલે હરખ, પ્રેમ અને માનિતાની સહભાગી એક સાથે હૃદયમાં પ્રસરી જાય. કંઈક એવુ જ આજે આ નવીનપદી પામેલાના મનમાં ચાલતું હતું. ફોન આવ્યો તે સમયે નવવધૂ રસોડામાંથી પોતાના તાજા બનેલા પતિ માટે હરખભેર ચા બનાવી લાવેલી.

"શું થયું? કોનો ફોન હતો?" હાથમાં બંને માટે ચા લઈને આવેલી રાધિકાએ પૂછ્યું.

" કંઈ નહિ, ઑફિસેથી ફોન આવ્યો 'તો." સાંભળતા જ તેને પણ મનમાં ગમગીની લાગી, શું તે મને એકલી છોડીને ઓફિસ જતા રહેશે? પણ બીજા વિચાર આવે તે પહેલા તેણે સ્પષ્ટતા કરી દીધી, " આજે આખો દિવસ હું તારી સાથે જ રહેવાનું છું." અને તેની આશા પણ ના તૂટી. જો કે તેને મનમાં બીજા વિચારો આવવા લાગ્યા.

"શું વિચાર કરો છો?" રાધિકાએ તેના ચેહરા સામે જોતાં જાણે સમજી ગઈ અને સવાલ કર્યો.

"ના કંઈ ખાસ નહિ."

"ભૂલી ગયા?, આપણે નક્કી કર્યું છેને, તમે કે હું એક-બીજાથી કશું નહિ છુપાવીયે. તમારા માથા પરની લકીરો જણાવે છે કે તમે કોઈ વિચારમાં છો."

મયુરે હળવું સ્મિત આપતા કહ્યું, " જે દિવસે આપણા લગન હતા, તે દિવસે અમારી મીટિંગ હતી. પણ આપણા લગન હતા એટલે તે કૅન્સલ થઈ. તને યાદ છે મેં શ્વેતા મેડમ સાથે તારી મુલાકાત કરાવી હતી?"

"હા, યાદ છે."

"એ સિવાય અમારા એક નવા બૉસ છે. આજે તે મુંબઈ ગયા છે. એટલે આજે પણ અમારી મિટિંગ નહિ થાય. બીજા બધા તો આપણા લગ્નમાં આવ્યા પણ ખબર નહિ તે કેમ ના આવી શક્યા?"

" અરે કોઈ કામમાં હશે! આટલું શું વિચારવાનું? લ્યો ચા પીવો અને સ્મિત આપો." બન્ને ચા ની ચુસ્કીઓ સાથે બધું ભૂલી એક-બીજાની પ્રેમ ભરેલી મીઠી મીઠી વાતોમાં લાગી ગયા. રાકેશને પોતાના એ પાર્ટનરને મળવાનું હતું જે તેના બિઝનેસને આગળ લાવે. પણ તેના કરતા મયુરને તેને મળવાની તાલાવેલી વધારે લાગેલી. કારણકે તેને એ માણસને જોવાનો છે જેણે પૈસાના ચક્કરમાં ડૂબતી કમ્પનીને નવો ચાન્સ આપ્યો.

બે દિવસ મયુર સાથે રહેલી રાધિકાના મન મંદિરમાં મયુરની સ્વપ્નશીલતા લાગી ગઈ. કારણ કે તે દોઢ વર્ષથી એકબીજાના સુખ અને દુઃખના સહભાગી બન્યા હતા. હવે તો બન્નેના લગ્ન પણ થઈ ગયા. તેને હવે પોતાના પતિની ઈચ્છાઓ, તેની આકાંશાઓ અને ખુશીનો જ વિચાર આવતો. હાથમાં હાથ સોંપી તેણે એકબીજાને એકબીજાના કરી દીધા. પણ સુખ અને પ્રેમ એટલા તો ન્હોતા જ પ્રસર્યા કે તે એકબીજાને શરીરથી સોંપી દે. મયુરે પોતાના ઓફિસની કે કામની વાતો તેની સાથે ખુબ ઓછી કરેલી. તે બિચારો તો તેના અને રાકેશના ભૂતકાળથી સાવ અજાણ જ હતો. તેને લઈ બે દિવસ પછી તે ફરીથી રામાનંદનમાં આવ્યો. સારા-સમાચાર પૂછી ઘરમાં સૌએ આવકાર્યા. તો તેના આગમનની જાણ થતાં જ સામેથી નંદિની અને રસીલા ઘસી આવ્યા. બે દિવસ સહેલીથી દૂર નંદિની તો જાણે વર્ષો પછી મળતી હોય તેમ જણાતી હતી. તેના ગયા પછી ઘર તો સાવ મુંજાયેલું હતું. માત્ર બે જ દિવસમાં વાતાવરણ ગમગીન થયું અને તેના આવવાથી ઘરમાં જાણે વસંત ખીલી ગઈ. તેને છોડી મયુર થોડી જ વારમાં ત્યાંથી નીકળી ગયો.

શેરીમાં સૌને જાણ થઈ ગઈ. રાત્રે ભેગા થયેલા શેરીના લોકોમાં આ અંગે વાત નીકળી. તેઓએ વિચાર કર્યો કે રાધિકાના તો લગ્ન પણ થઈ ગયા છે અને સાસરે પણ ચાલી ગઈ. હવે લલ્લુકાકાને કહેવા જેવું તો ખરું કે તે રાકેશને પાછો બોલાવે. ત્યાં આગળ લલ્લુકાકાના ઘરનું તો કોઈ નહોતું. મહેશ ત્યાં જરૂર ઉપસ્થિત હતો. તેણે તરત જ વિરોધ્ધ ઉઠાવ્યો. કહ્યું, " રમેશભાઈ, તમારે કે વિનોદકાકાને આમાં ના બોલવા જેવું જ છે. એને જે કરવું હોય તે કરે. બાકી આપણે કોઈને સલાહ નથી આપવી ને આપણે એને કોઈને આ અંગે વાત પણ નથી કરવી. તમારામાંથી કોઈ ના બોલે તો જ સારું છે."

વિનોદને આ વાત ના ગમી. તેણે રમેશને ઈશારો કર્યો અને બોલવા કહ્યું. રમેશ તે સમજી ગયો અને તરત જ બોલ્યો: "રે મહેશ એવું ના હોય. તમારું કામ તો થય જ ગયું છે. હવે શું વાંધો છે?..." તે વધારે બોલે તે પહેલા મહેશે ચિનગારી ઉછાળી, " રમેશભાઈ! બધાં તમને માન આપે છે અને આ આખીય સોસાયટીમાં તમારું ચાલે છે. એટલે એમ નહિ કે તમે બધે તમારું ચલાવો. તમે જો એને કાંઈ કીધું તો મારે પણ હકુકાકાને બોલાવવા રહ્યા." એટલું કહી તેણે બધાને અટકાવી દીધા. તેનો પ્રયાસ એટલો કે કોઈ રાકેશની ભાળ સુદ્ધા ના કરવું જોઈએ. આટલું બોલી તે ત્યાંથી જતો રહ્યો.

તેના ગયા પછી બીજા લોકો પણ ધીમે ધીમે વિખેરાયા. છેલ્લે વિનોદ અને રમેશ બે વધ્યા. મહેશનું વલણ જોઈ બન્નેએ વિચાર કર્યો.

"શું લાગે છે વિનોદકાકા? તમારું શું કે'વું છે?"

"રમેશ, જતી જિંદગીનો વાળ છે. જ્યાં સુધી મારો અનુભવ છે, લલ્લુભાઈના કાને આપણે વાત તો નાખવી જોવે."

"લલ્લુભાઈ માનશે ખરા? એ પણ રાકેશના નામથી આટલો જ ગુસ્સો કરે છે."

"એ તો જોયું જાય. આપણે તો રાકેશનો વિચાર કરવો જોવે. એ ક્યાં સુધી એકલો ભટકશે? નઈ પરિવાર કે ના કોઈ ઠેકાણું. જેમ રાધિકા થાળે પડી, એમ એના ઉપરેય આપણે ધ્યાન તો આપવું જ પડશે."

"વાત તો તમારી સાચી છે, કાકા!" બન્નેએ સહમતી દર્શાવી.

વાસ્તવિક પરિસ્થિતિ ના જાણકાર તો માત્ર રાકેશ અને હિતેશ બે જ હતા. કુદરતના ખેલ અજીબ છે. તેના નિયમો માત્ર તે જ જાણે છે અને પરિસ્થિતિ પણ તે જ નિર્માણ કરે છે. હકીકતના મૂળિયાં તો હજી એટલા ઊંડા હતા કે તેની જડતા બહારથી ના દેખાય. રાધિકાના જીવનમાંથી રાકેશને કાઢી ફેંકવાની વાત કરવાવાળાને એ તો ખબર જ ન હતી કે તે કેટલા વામણા સાબિત થશે.


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED