Error correcting rubber books and stories free download online pdf in Gujarati

ભૂલોને સુધારતુ રબર

વાર્તા:- ભૂલોને સુધારતુ રવર
લેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાની.



"સ્નેહલ, સ્નેહલ, હા તુ જ. હું તને જ બોલાઉં છું."

મેં આમ તેમ જોયું પણ કોઈ દેખાયું નહીં. ફરીથી એ જ અવાજ આવ્યો અને ફરીથી કોઈ દેખાયું નહીં. અચાનક ફરીથી આવક આવ્યો અને મને કહ્યું,

"હું એ જ ભગવાન છું જેની તુ સદાય ભક્તિ કરે છે. તુ હંમેશા મને સાચા હ્રદયથી પૂજે છે. એટલે આજે મારે તને કંઈક આપવું છે. માંગ તુ, તારે જે જોઈએ તે માંગ. તને આપીશ."

"પ્રભુ, તમારો અવાજ સાંભળ્યો એ જ મારે મન તો બહુ મોટી વાત છે. તમારાં દર્શન ન થયાં એનું દુઃખ થયું, પણ મારે માટે તમારી આટલી કૃપા થઈ એમાં જ હું ધન્ય થઈ ગઈ."

"છતાં પણ મારે તો તને કંઈક આપવું જ છે. માંગ તુ. કંઈક તો માંગવું જ પડશે."

"ના, પ્રભુ નથી જોઈતું કશું. તમારી કૃપા જ મારે માટે બધું છે."

"સારું, જેવી તારી મરજી. લે! હું તને આ રબર આપી જાઉં છું. જ્યારે પણ તને ઈચ્છા થાય તારી ભૂતકાળની કોઈ ભૂલ કે બાબત ભૂસવાની તો એ ઘટનાને યાદ કરીને પેપર પર રબર ઘસજ઼ે. એ ઘટના કાયમ માટે જતી રહેશે." કહીને ભગવાનનો અવાજ આવતો બંધ થઈ ગયો.

હવે હું વિચારવા લાગી કે શું કરું? સૌથી પહેલાં કઈ ઘટના મારે ભૂસવી જોઈએ? કઈ ભૂલ મારી મારે બદલવી જોઈએ?" એક પછી એક ભૂલો યાદ આવતી ગઈ, પરંતુ નક્કી ન કરી શકી કે કઈ ભૂલને ભૂંસી નાખું?

પહેલાં તો વિચાર્યું કે બધી જ ભૂલો ભૂંસી નાખું. કોઈ ટેન્શન જ નહીં પછી! બાળપણમાં ઘડિયા બોલતાં ક્યારેક ભૂલ થતી. શું એ ભૂંસી નાખું? ત્યાં જ યાદ આવ્યું કે એ ભૂલ થતી હતી એટલે જ તો સાચો યાદ રહી ગયો, કારણ કે થયેલી ભૂલ તરત કોઈ સુધારે તો એ યાદ જ રહે છે.

પછી થયું કે પહેલી વાર જ્યારે મેં શાક બનાવ્યું હતું ત્યારે એમાં મસાલો બરાબર ન્હોતો પડ્યો. એ ભૂલ સુધારું? તો યાદ આવ્યું કે પપ્પાએ કેટલાં પ્રેમથી ખાધું હતું એને, "મારી દીકરીએ પહેલી વાર બનાવ્યું" એમ કહીને. તો એને તો ભૂંસી શકાય જ નહીં.

પછી થયું કે મમ્મીને તુ કહીને બોલાવતી હતી એ ભૂલને સુધારું. પણ એ મારી ભુલ તો હતી જ નહીં. ઘરમાં જેમ ચાલતું આવતું એ જ અનુસરણ કર્યું હતું. અને મમ્મીને તુ કહેવામાં જે આત્મીયતા મળતી હતી એ તમે કહેવાથી નહીં આવશે. તમે કહેવાથી અમુક બાબતો ચર્ચા કરવામાં સંકોચ અનુભવાય. માટે આ ભૂલને ભૂસવી નથી.

પછી થયું કે સ્કૂલમાં કોઈ ભૂલ થઈ હોય તો એને ભૂંસી નાખું. પણ સ્કૂલમાં તો મારી ભૂલ માત્ર પરીક્ષામાં થતી. બાકી ક્લાસમાં તો હું ખૂબ જ સરસ વિદ્યાર્થીની તરીકેની છાપ ધરાવતી હતી. આવી સરસ છાપ તો ભૂસાય જ નહીં!

તો શું કરું? શું ભૂસવું જોઈએ મારે? ભાઈ બહેન સાથે થયેલો મીઠો ઝગડો? ના હં, ક્યારેય નહીં. એ જ તો બાળપણની મધુર યાદો છે, જે અમે ભાઈ બહેનો ભેગાં થઈએ ત્યારે યાદ કરીને ક્યારેક હસીએ તો ક્યારેક રડીએ છીએ.

તો શું જીવનની તમામ દુઃખભરી પળોને ભૂંસી નાખું? પણ એ પળોએ જ તો મને માનસિક રીતે આટલી મજબૂત બનાવી છે. એમને કેવી રીતે ભૂંસી શકાય? તો શું કરું? ભગવાને આપેલું આ રબર એમનેમ તો મૂકી રખાશે નહીં. ભગવાનને ખોટું લાગી ગયું તો?

અને છેવટે મને મળી ગયું કે મારે શું ભૂંસી નાંખવું જોઈએ. મારે ભૂંસી નાંખવું જોઈએ આ ભૂલો શોધવાનો વિચાર! કારણ કે અંધારું છે તો જ અજવાળાની કિંમત છે, સત્ય છે તો જ જૂઠનો નાશ છે, એવી જ રીતે ભૂલો થશે અને એને સુધારવાની ભાવના હશે તો ચોક્કસથી જ સાચું શીખવા મળશે. ભૂલોને ભૂંસી નથી નાખવાની, એને સુધારવાની છે.

છેવટે ફરીથી પ્રભુને યાદ કરીને બોલાવ્યા અને એમને રબર પાછું આપી દીધું. ભગવાન પાસે માફી માંગી અને કહ્યું, "ભગવાન, તમારે આપવું જ હોય તો મને એટલી શક્તિ આપો કે તમારા સિવાય કોઈની આગળ માથું નમાવી માફી માંગવી પડે એવાં કામો હું ક્યારેય કરું જ નહીં. તમારી ભક્તિ કરતાં ક્યારેય તમરા પર શક નહીં કરું. અને તમારી પાસે એવી કોઈ માંગણી કરવાનું મને મન જ ન થાય જે મારાં માટે કામનું નથી અને મને આપતા તમને પણ સંકોચ થાય. બસ, તમે મને તમારો સાથ આપો. મને સતત ખોટાં કામો કરતાં બચાવો. પછી મારે કોઈ આવા રબરની જરુર નહીં પડે."

"તથાસ્તુ" કહી ભગવાનનો અવાજ આવતો બંધ થયો અને હું અચાનક ઊંઘમાંથી ઉઠી ગઈ. લાગ્યું કે મારો એક નવો જન્મ થયો છે. મને જીવન જીવવાની કોઈ નવી દિશા મળી છે.


આભાર.


સ્નેહલ જાની


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED