HUN ANE AME - 13 books and stories free download online pdf in Gujarati

હું અને અમે - પ્રકરણ 13



વિદાય લઈને રાકેશ પોતાની મિટિંગ માટે નીકળી ગયો. એકલા ફરતા રાકેશના મનમાં ભાઈ અને ભાભીના સ્નેહે નવો ઉત્સાહ અને ઉમંગ ભરી દીધા. તેના ચેહરા પર ખુશી હતી અને એ ખુશી દેખાઈ તેવી હતી. કારમાં બેસતાની સાથે જ અહમ અને ડ્રાઈવર બંને રાકેશના ચેહરાને વાંચી શકતા હતા અને તેને પહેલી વાર આટલો ખુશ જોઈ તે બંને પણ ખુશ થતા અને મનમાં હરખાયા કરતા.

" તમારા ચેહરા પર આટલી ખુશી આજ પહેલીવાર જોઉં છું સર." અહમે કહ્યું.

" હા, ભાઈ અને ભાભીને આટલા સમય પછી મળ્યો છું."

" તમે ક્યારેય તમારા પરિવારથી આટલા દૂર નથી રહ્યા?" અહમે સહજતાથી સવાલ પૂછી લીધો અને તેના મનમાં એકાએક અત્યાર સુધીની તમામ યાદો તાજી થઈ ગઈ. હવે અહમ તો તેની હકીકતથી અજાણ, એને શું કહેવું? રાકેશે શાંત મને એક કોમળ સ્વરમાં ધીમેથી જવાબ આપ્યો, " દૂર તો આથી વધારે સમય પણ વિતાવ્યો છે. વર્ષો કાઢ્યા છે, પણ આ વખતે જે સમય વિતાવ્યો એ મારા માટે દાયકા જેવો હતો." તેના આ જવાબને એક પ્રતિક્રિયા રૂપે અહમ સાંભળતો હતો અને ડ્રાઈવરે કાચમાંથી રાકેશ તરફ ધ્યાન કર્યું. એ બંને રાકેશના ભૂતકાળથી અજાણ હતા અને તે શું બોલે છે તે સમજી ન્હોતા શકતા.

અચાનક રાકેશનું ધ્યાન અરીસા તરફ ગયું અને તેણે ડ્રાઇવરની આશ્વર્ય ભરેલી આંખો જોય. તે સમજી ગયો અને બાજુમાં બેઠેલા અહમ તરફ જોયું તો તે પણ તેવા જ આશ્વર્યમાં હતો. તેણે વાતને બદલતા કહ્યું, "કેટલું દૂર છે?"

" બસ પહોંચી ગયા સાહેબ." ડ્રાઈવરે જવાબ આપ્યો.

રાકેશ પોતાના કપડાં સરખા કરવા લાગ્યો. મોહનશેઠની દીકરીને મળવા માટે અહમ અને તે બન્ને તૈય્યાર થયા. છ માળની કાચની એક મોટી બિલ્ડિંગના મોટા દરવાજા ની નીચેથી ગાડી પસાર થઈ જેની ઉપર લખેલું હતું, ' S. M. Digital '

અંદર પહોંચતાની સાથે જ નવા સી.ઈ.ઓ. નું સ્વાગત કરવા ત્યાંના ઓનર શ્વેતા સોની જે મોહનજી શેઠની દીકરી છે, તથા મેનેજર અને ઉપરની પોસ્ટનો તમામ સ્ટાફ ઊભો હતો. કારનો દરવાજો ખોલી રાકેશ અને અહમ નીચે ઉતર્યા એટલે શ્વેતાએ તેને એક સફેદ ફૂલોનો ગુલદસ્તો આપી આવકારતા કહ્યું, " વેલકમ ટૂ ધી એસ. એમ. ડિજિટલ, મિસ્ટર. રાકેશ"

" થૅન્ક્સ. નાઇસ ફ્લાવર." કહી તેણે ગુલદસ્તાની સુગંધ લીધી અને ડ્રાઈવરને આપી ગાડીમાં મુકવા કહ્યું.

રાકેશ અને તેનો પી.એ. અહમ શ્વેતાની સાથે અંદર જવા લાગ્યા. દરવાજા પર મેનેજર અશ્વિન ઉભો હતો. તેની સામે હાથ ચીંધતા શ્વેતાએ કહ્યું, " આ આપણા મેનેજર છે, અશ્વિન ભટ્ટ."

" વેલકમ સર." કહી તેણે રાકેશ સાથે હાથ મિલાવ્યો.

" અશ્વિન, આમને આપણી ઓફિસ અને વર્કપ્લેસ બતાવી દે અને પછી મારી કેબિનમાં લઈ આવ. હું ત્યાં જ છું." કહી તે ત્યાંથી ચાલી ગઈ.

"જી, મેડમ." કહી તે અંદર ગયો, "આવો સર! આ બાજુ." તેણે એક પછી એક ડીપાર્ટમેન્ટ અને તેની જાણકારી આપી રાકેશ અને અહમને આખી ઓફિસ બતાવી. છેલ્લે તે ત્રીજા માળપર તેને એક કેબિનમાં લઈ ગયો. બે ટેબલ અને બે લોકોને કામ કરવા માટેની સ્પેસ. બેસવા માટેના સોફા અને તેની સામે ફુલદાની વાળી ટિપોઈ. તેનાથી આગળ ચાલતા એક મોટા ટેબલ પર કમ્પ્યુટર અને વર્કિંગ એરિયા અને તેની બાજુમાં અમુક ફાઈલો. તેણે બન્નેને અંદર લઈ જતા કહ્યું, " કમ સર! આ તમારી કેબીન છે. સામે છે તે તમારું ટેબલ છે અને આ બાજુ પર છે, તે અહમ સર તમારું."

ટેબલ જોઈ સામેની ખુરશી પર તે બેઠો અને "નાઈસ" કહ્યું. બાજુમાં પડેલી ફાઈલો જોઈ તેણે પૂછ્યું, "આ?"

" સર આ આપણા વર્કિંગ મેનેજમેન્ટ અને એમ્પ્લોય તથા અહીંના અને મુંબઈના પાર્ટનરોની ડિટેઈલ છે."

" ઠીક છે, હું જોઈ લઈશ. અત્યારની મિટિંગ ક્યાં છે?"

" સર મિટિંગ પોસપોન્ડ કરેલી છે."

રાકેશે આશ્વર્ય સાથે પૂછ્યું, " કેમ?"

" ખબર નઈ સર."

"હમ. શ્વેતા મેડમ ક્યાં છે?"

" તેઓ તેની કેબિનમાં હશે. અહીંથી લેફ્ટ સાઈડ પર."

"ઠીક છે, તમે જઈ શકો છો."

" શ્યોર સર." કહી અશ્વિન ત્યાંથી ચાલ્યો ગયો અને અહમ પોતાના ટેબલ પર. રાકેશ બધી ફાઈલો પર હાથ ફેરવી શ્વેતાને મળવા તેની કેબીનમાં ગયો.

તેણે ગેટ પર પહોંચી ખોંખારો ખાધો, શ્વેતાએ માથું ઊંચું કર્યું અને ફાઈલ બાજુ પર મૂકી અને હસીને કહ્યું, " આવો એક્ઝીક્યુટીવ સર, આવો."

"આજની મિટિંગ હતી આપડી, તે પોસપોન્ડ કરી છે?" તેણે અંદર આવી સામેની ખુરશી પર બેસતા કહ્યું.

"હા "

"કેમ?"

" હું સમજુ છું કે આજે તમારો પહેલો દિવસ છે અને એટલે પહેલા જ દિવસે તમે આપણા પાર્ટનરો સાથે મુલાકાત કરવા માંગતા હતા. પણ અહીં સુરતમાં આપણા બે જ પાર્ટનર છે જેઓની કમ્પની આપણી અન્ડર કામ કરે છે અને તેમાંથી એક જરા કામમાં છે. તો..."

" અચ્છા!"

"હા." તેણે ફોન ઊંચક્યો અને ફોન પર ઓર્ડર આપ્યો, "મારી કેબિનમાં બે કપ કોફી મોકલાવ."

" એવું તે શું કામ છે કે તે મિટિંગ પણ અટેન્ડ ના કરી શકે?"

"પર્સનલ."

"પર્સનલ?"

" તમે જયારે વડોદરા હતા ત્યારે એક રિકવેસ્ટ મંજુર કરી 'તી. યાદ છે?"

યાદ કરતા તે બોલ્યો, "હા.. હા.. પેલા કોઈ લોનના ચક્કરમાં કંપની ડૂબી અને પૈસાના લીધે આપણી સાથે પાર્ટનરશીપ કરી. તે જ ને..?"

"જી, તે જ. તેઓ પહેલા આપણા માટે કામ કરતા હતા. હવે આપણી અન્ડર કામ કરે છે."

"તો શું છે તેમનું પર્સનલ?" તેણે હસીને તેને એક જિજ્ઞાસુ પ્રશ્ન પૂછ્યો.

"આ..." શ્વેતાએ તેના ટેબલ પર પડેલી એક કંકોત્રી રાકેશના હાથમાં આપતા કહ્યું, "...તેમનું કાર્ડ છે, બે દિવસ પહેલા તમારા માટે આપ્યું છે. પણ તમે વડોદરા હતા એટલે તમારા બદલે મને આપીને ગયા છે... તમારા માટે."

"અચ્છા! તો લગ્ન છે તેમના." રાકેશે હસતા હસતા તેના હાથમાંથી કંકોત્રી લીધી અને ઉપર નામ જોયું. ' મયુર વેડ્સ રાધિકા' અને તેના ચેહરા પરની હસી શાંત થઈ ગઈ.

"મયુર!" તેના ચેહરા પર શાંતિ અને ઉદાસી એક સાથે આવી ગયા અને એ બંનેને છુપાવી રહેલો તેમનો ચેહરો શ્વેતાને અજબ લાગ્યો. તેનો એ આશ્રય સ્પષ્ટ દેખાતો હતો. જે વાતને ભૂલી રાકેશ આગળ વધવા માંગતો હતો તે જ વાત ફરી આજે તેની સામે આવી. તેને હિતેશની કરેલી વાત યાદ આવી. તે રાત્રે તેણે હિતેશ પાસેથી મયુર અને રાધિકાનું નામ સાંભળ્યું હતું અને એ જ મયુરની કંપની શ્વેતાની અન્ડર કામ કરતી હતી. તેને દરેક વસ્તુ સ્પષ્ટ થઈ પણ શ્વેતા આ વિષે કશું નહોતી જાણતી.

"હા. મયુર પાનસુરીયા. શું થયું?" તેણે તેના ચેહરા તરફ જોતા પૂછ્યું.

"ના કંઈ નહિ."

" તો આ ..."

" મિટિંગ કેન્સલ છે તો બીજી વાત કરીયે." રાકેશે તેની વાત વચ્ચેથી અટકાવી કહી દીધું.

એટલામાં એક સર્વન્ટ આવીને બે કપ કોફી મૂકી ગયો. શ્વેતાએ એક કપ રાકેશ સામે મુક્યો અને બીજો કપ લઈ કોફીની ચુસ્કી લેતા બોલી, " મને જ્યારે પહેલી વાર મારા પપ્પાએ ફોન કર્યો ત્યારે કહ્યું કે કોઈ છોકરો આવ્યો છે અને તેને કામ સોંપ્યું છે. બીજા દિવસે તમારી મિટિંગ પતિ ત્યારે પણ તેણે મને ફોન કર્યો અને કહ્યું કે તમે રસ્તો શોધ્યો છે, સોફ્ટવેર ને સારું બનાવા માટે. ત્યાર પછી માત્ર પંદર દિવસમાં નવું અપડેટ માર્કેટમાં મૂકી ટોપ રેટેડ બનાવ્યું. હું તો દંગ જ રહી ગઈ."

" થૅન્ક યુ."

" કમાલ છે! વીડિયોગ્રાફી માં શોખ રાખવા છતાં કમ્પ્યુટર સાયન્સમાં અભ્યાસ કર્યો અને એક ડિજિટલ માર્કેટિંગની વેબસાઈડ ચલાવતી નાની કંપનીમાં ઇન્ટર્નશીપ કર્યા પછી આટલી મોટી કંપની સંભાળવી. એ પણ વિના અનુભવે. આઈ એમ ઇમ્પ્રેસ્ડ"

"એ માટે મારા પર પહેલા ટ્રસ્ટ તો તમે જ કર્યો."

શ્વેતાએ નાનકડી હસી આપી કહ્યું, "કારણ કે જ્યારે પપ્પાએ તમારી ડિટેઈલ મોકલી ત્યારે સાજીદે કહ્યું કે તમારી પર આંખો બંદ કરીને પણ વિશ્વાસ કરી શકાય. તમારી ઇન્ટર્નશીપ વખતે જે પ્રોજેક્ટ ડીલે થયો તે પ્રોજેક્ટ અમારો જ હતો અને તે અંગે જ સાજીદ તે કંપનીમાં આવેલો."

"અને આવતા આવતા મને સાથે લાવ્યા." બંને હસ્યાં.

મયુર લોનની જે વાતથી ડરતો હતો અને રાધિકાથી છુપાવ્યું તે તમામ વિગત ની જાણ શ્વેતા અને રાકેશને હતી. જો કે રાકેશને અત્યાર સુધી એ ખબર ન્હોતી કે જે મયુરને તેણે એપ્રુવલ આપ્યું તે મયુર જ રાધિકા સાથે લગ્ન કરી રહ્યો છે. મયુર એક સારો માણસ છે તે રાકેશની ધારણા હતી. તે આજ સુધી ક્યારેય તેને મળ્યો નથી. પહેલાં જ દિવસે તે તેને મળવા માંગતો હતો, પણ તે મળી ના શક્યો. તેને બદલે તેની કંકોત્રી રાકેશને હાથ આવી અને તેને બધી જ માહિતી મળી ગઈ.

કંકોત્રી જોઈ રાકેશની જે દશા થઈ તેનું ચિત્રણ શ્વેતાના મનમાં થઈ ચૂક્યું હતું. એક સ્ત્રીની સમજણ શક્તિ કોઈ પુરુષ કરતા વધારે હોઈ છે. તેની સાથે રહેલા અહમ કે તેનો ડ્રાઈવર કે પછી વડોદરાની ઓફિસમાં તેની સાથે રાત - દિવસ કામ કરતા કોઈ માણસને તેના વિષે કૌતુક ન થયું. પહેલી જ મુલાકાતમાં શ્વેતાએ જ્યારે તેને કંકોત્રી આપી ત્યારે વિચારવા લાગી, " મયુરને તો રાકેશ પહેલેથી ઓળખે છે. ભલે મળ્યા નથી, છતાં જાણ તો છે જ. પણ કાર્ડ પર રાધિકાનું નામ જોતા જ રાકેશનું વલણ અલગ કેમ થયું?" તે સમજી ગઈ કે કઈંક ભૂતકાળ તો છુપાયેલો છે જ.

રાકેશે અચાનક વાત બદલી એટલે શ્વેતાએ વધારે રસ ન લેતા પોતાના વિચારને ટૂંકાવી દીધો અને તેની સાથે બીજી વાતો પર લાગી ગઈ. રાકેશ તેની કેબિનની બહાર ગયો તો પોતાની ખુરશીને આધારે પોતાનું માથું ટેકવી શ્વેતા વિચારતી થઈ ગઈ, " હકીકત છે શું? કેમ કાર્ડ જોતાં જ રાકેશે વાત ફેરવી? શું થયું હશે?" અંતે તે પર વધારે ધ્યાન ન આપી તે સ્વસ્થ થતાં પોતાના કામમાં પરોવાઈ ગઈ.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED