હું અને અમે - પ્રકરણ 12 Rupesh Sutariya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

હું અને અમે - પ્રકરણ 12

જ્યારે જ્યારે લલ્લુકાકા કે તેના ઘરમાંથી કોઈ બહાર જતું તો મહેશ અને અમિતા બેમાંથી કોઈ પણ તેને સંભળાવ્યા વિના ના રહે. તે કાં તો મયુર અને તેના પરિવાર તથા તે કેટલો મોટો માણસ છે અથવા રાકેશ નું નામ લીધા વિના તેના વિશે ખરાબ બોલે. લલ્લુ કાકા હવે આ બધાથી ત્રાસી ચૂક્યા હતા અને તેના ઘરમાં પણ કોઈ જો તેનું નામ લે તો તે ગુસ્સે ભરાઈ જતા. સામેના મકાનમાં લગ્નની તૈયારી ચાલી રહી હતી. વિવિધ પ્રકારની લાઈટો મૂકવામાં આવી. આખી શેરીને એક દુલ્હનની જેમ શણગારવામાં આવી હતી. મંડપ શણગારવામાં આવી રહ્યો હતો અને એ મંડપની ચારેય બાજુ ગોઠવેલી લાઈટ તે દુલ્હનના ચેહરા પર શોભતા આભૂષણો જેવી લાગતી હતી. લોકોનો શોર એક તહેકા જેવો ગુંજવા લાગ્યો અને સવારના સમયે નીરવ અને લલ્લૂકાકા પોતાની બાલ્કની માંથી આ બધું જોઈ રહ્યા હતા.

નીરવ ને ફોન આવ્યો અને તે એક બાજુ ચાલ્યો ગયો. લલ્લુકાકા આ બધું જોતાં હતાં. થોડીવારમાં નીરવ પાછો આવ્યો અને તેણે લલ્લુ કાકા ને કહ્યું, " પપ્પા હું ને મનાલી બન્ને બહાર જઈએ છીએ હમણાં થોડીવારમાં આવીએ."

લલ્લુ જાણે બધું જાણતો હોય તેમ તેણે હા કહી. અંદર જઈ તેણે માનલીને સમાચાર આપ્યા કે, "સાગરનો ફોન આવ્યો 'તો, રાકેશ કાલે સાંજે અહીં આવી ગયો છે અને અત્યારે ઘરે જ છે. આપણે તેને મળવા જવાનું છે." આટલું કહેતાં જ તે તૈય્યાર થઈ ગઈ અને નીરવ મનાલી ને લઈને જતો રહ્યો. બાલ્કનીમાંથી લલ્લુ તેને જતા જોતો રહ્યો.

તે બંને સાગરના ઘરે આવ્યા. સાગર તેને જોઈ ઊભો થઈ ગયો. " અરે નીરવ ભાઈ, ભાભી! આવો." તે બંને બેસવાને બદલે ઉભા જ હતા. સાગરે ફરી તેને કહ્યું, " બેસોને. ઉભા કેમ છો?"

"ના બેસવું નથી, પહેલા એમ કહે કે રાકેશ ક્યાં છે?"

" તે ઉપરના રૂમમાં છે. મે તેને કહ્યું નથી કે તમે આવવાના છો?" સાગર બીજું કશું બોલે તે પહેલાં બંને એક પછી એક પગથિયાં ચડવા લાગી ગયા. નીરવ, તેની પાછળ મનાલી અને તેની પાછળ સાગર.

પણ ઉપર પહોંચતા પહોંચતા તેના પગ ધીમા પડતાં ગયા. રૂમ સુધી પહોંચી નીરવ એક દમ ઊભો રહી ગયો. તેણે અંદર એક ડોકિયું કર્યું તો દરવાજાની બાજુમાં રાખેલ પવનથી ઉડતા પડદા પાછળ રાકેશ પોતાના લેપટોપ પર કામ કરતો હતો. મનાલી અને નીરવે એક ક્ષણ આ જોયું અને ધીમેથી તેના મોં માંથી રાકેશનું નામ નીકળ્યું. રાકેશે સામે જોયું તો ભાઈ અને ભાભી ઉભા હતા. તે અચાનક ઊભો થઈ ગયો અને બંને ભાઈ ભેટી પડ્યા. દરવાજામાં ઉભા ઉભા સાગર આ દ્રશ્યને જોતો હતો.

" ભાઈ તમે અહીંયા!" તેણે આશ્ચર્ય સાથે પૂછ્યું.

"હા. તને મળવા આવ્યા છીએ."

" કેમ છો તમે લોકો? " તેણે મનાલી તરફ જોતા કહ્યું.

" અમને કોઈ તકલીફ નથી" મનાલી એ જવાબ આપ્યો.

" અને મમ્મી પપ્પા? તેને?" રાકેશના આ સવાલ સાથે જ નીરવ અને મનાલીના ચેહરા પર શાંતિ છવાઈ ગઈ અને એક બીજા સામે જોવા લાગ્યા.

રાકેશને આશ્ચર્ય થયું અને તેણે ફરી પુછ્યું, "શું થયું? બધું બરાબર છેને?"

તો નીરવ બોલ્યો, " હા. બધુ જ બરાબર છે. પણ પપ્પા કદાચ તને જોઈને ખુશ નહિ થાય. તે તો તારા નામથી પણ ગુસ્સે આવી જાય છે."

" મને ખબર છે. હું સમજુ છું. તેનો સ્વભાવ છે અને જો હું હોત તો હું પણ એ જ રીતે વર્તુ." તે પણ થોડો ઉદાસ થઈ ગયો.

નિરવે સવાલ કર્યો, " એ બધું છોડ, મને એમ કહે કે મારી લોન તે ભરી?"

" હા"

" કઈ રીતે? તારી પાસે આટલા બધા પૈસા ક્યાંથી આવ્યા?"

" હું એક કંપની ચલાવું છું."

" શું?"

" હા. મે એક કંપની જોઈન કરી અને તેમાંથી જ હું કમાયો અને હવે એ જ કંપનીમાં અડધા શેર મારા છે. એટલા માટે જ હું અહી આવ્યો છું."

નિરવે ખુશ થતા કહ્યું, " તું તો ઘણો મોટો માણસ બની ગયો, રાકેશ!"

" હા સ્નેહ છે તમારો બધાનો."

નિસાસો નાંખતા મનાલીએ કહ્યું, " દુઃખ માત્ર એટલું જ છે કે અમે તમને ઘરે નઈ લઈ જઈ શકીએ. તમને જોઈ કદાચ મમ્મી ખુશ થશે, એ તમને આવકારશે. પણ પપ્પા ખુશ નહિ થાય."

" જાણું છું ભાભી. પણ તમારે મારી ચિંતા કરવાની જરૂર નથી. હું ખુશ છું ને હવે માણસો પણ ઘણા છે મારી ચિંતા કરવા વાળા."

" હા ને. અમે બધાં છીએ સરની ચિંતા કરવા માટે." કહી અહમ અંદર આવ્યો. " સર, મોડું થાય છે બૉસ રાહ જોતા હશે."

" હા તું જા હું આવું છું." કહી રાકેશે તેના ભાઈ ભાભી સામે જોયું. તેણે અહમની ઓળખાણ કરાવી અને અહમ ત્યાંથી જતો રહ્યો.

" ક્યાં જાય છે?" સાગરે પૂછ્યું.

" એક મિટિંગ છે અહી અને તે પતે એટલે મુંબઈ થોડા કામ માટે જવાનું છે."

નિરવે એક હલકી મુસ્કાન ચેહરા પર બતાવી રાકેશને કહ્યું, " મળતો રહેજે તારા ભાઈ ભાભીને."

" પપ્પાને કહીને આવ્યા છો?"

" ના. એ બાલ્કનીમાં ઉભા હતા, ને અમે અહી આવી ગયા."

" ને જો તેને ખબર પડશે તો?"

" નઈ પડે અને જાણી જશે તો અમે હેન્ડલ કરી લઈશું. તું ચિંતા ના કર અને તારા કામે જા."

વિદાય લઈને રાકેશ પોતાની મિટિંગ માટે નીકળી ગયો. એકલા ફરતા રાકેશના મનમાં ભાઈ અને ભાભીના સ્નેહે નવો ઉત્સાહ અને ઉમંગ ભરી દીધા. પહેલા જયારે કોલેજ માટે અલગ થયો, ત્યારે પણ તે પોતાના પરિવારથી દૂર હતો અને અત્યારે પણ દૂર છે. દોઢ વર્ષ થયું, ના પરિવાર સાથે મુલાકાત કે ના કોઈનો ફોન. પણ આજે અચાનક આવી પહોંચેલા ભાઈ અને ભાભીને જોઈ તેના ચેહરા પર ખુશી હતી અને એ ખુશી દેખાઈ તેવી હતી. કાર માં બેસતાની સાથે જ અહમ અને ડ્રાઈવર બંને રાકેશના ચેહરાને વાંચી શકતા હતા અને તેને પહેલી વાર આટલો ખુશ જોઈ તે બંને પણ ખુશ થતા અને મનમાં હરખાયા કરતા.