બેંકમાં નોકરી કરતી માધવી રોજ બેંકમાં બસમાં જતી હતી. માધવી અને મહેશ લગ્ન પછી દસ વર્ષે અમેરિકા આવ્યા હતા. ભારતમાં હતી ત્યારે મહેશ અને માધવી બા, બાપુ સાથે રહેતા. મુંબઈમાં બેંક ઓફ બરોડામાં નોકરી કરતી હતી. અમેરિકા આવી ત્યારે બાળકો સાત અને પાંચ હતા.. જાન્યુઆરીથી શાળામાં જવાનું ચાલુ થયું.
માધવી બસમાં બેસી ડાઉન ટાઉન ગઈ. મુંબઈનો બેંક નો અનુભવ હતો. તેને ‘બેંક ઓફ અમેરિકા’માં તરત નોકરી મળી ગઈ. બાળકો શાળાએથી છૂટી ‘ડે કેર’માં જતા. મહેશ નોકરીથી આવતા બંનેને લઈ સિધો ઘરે આવતો. જેને કારણે માધવીને ઘરે આવી રાતની રસોઈ કરવાનો સમય મળે.
મહેશનું માનવું હતું કે શા માટે રોજ ડાઉન ટાઉન સુધી ગાડી ચલાવવી. એકલી હોવાને કારણે ઝડપી લેનમાં પણ ન જવાય. સવારનો ડાઉન ટાઉનનો ટ્રાફિક એટલે તોબા.
રોજના ૧૦ ડોલર પાર્કિંગના આપવાના. ઉપરથી ટ્રાફિકમાં ગાડી ચલાવવાની માનસિક તાણ. બસમાં જવાથી અનેક ફાયદા હતા. સવારના પહોરમાં ઈશ્વરનું નામ સ્મરણ કરતા જવાનો લ્હાવો મળે. બેંક તરફથી બસનો પાસ અડધા પૈસામાં મળતો. બધી રીતે જોતા લાગ્યું બસમાં જવું હિતાવહ છે. બસનો પાસ માત્ર ૩૦ ડોલરમાં મળતો હતો.
બસ પણ કેવી ઘર પાસેથી ઉપડે અને બેંકના બારણે ઉતારે. બસના ટાઇમ ખબર હોવાથી કોઈ જાતની અગવડ પડે નહીં. આજે નોકરી પરથી ઘરે આવી ત્યારે મહેશ માથે હાથ દઈને બેઠો હતો.
‘ શું થયું? કેમ આમ?’
માધવી, મમ્મી કાલે ટેબલ પરથી પડી ગઈ. મગજની મોટી નસ ફાટી ગઈ છે. અત્યારે હોસ્પિટલમાં છે. હું આજે રાતના વિમાનમાં બેસી ભારત જાઉં છું. માધવીનો થાક ભાગી ગયો. સીધી મહેશની બેગ ભરવા લાગી. મહેશને એક નાની બહેન હતી જે પાંચ વર્ષ પહેલા પરણી હતી.
બેગ ભરી તરત સેન્ડવીચ બનાવી, મહેશને ચા સાથે આપી. બાજુવાળાને કહી મહેશને એરપોર્ટ મુકવા નીકળી ગઈ. ઘરે પાછી આવી રોનક અને રીંકી સ્કૂલેથી આવી ગયા હતા. પ્રેમથી તેમને જમાડી વાત કરી. બાળકોને ઘરકામ કરવાનું કહી મુંબઈ ફોન જોડ્યો. પપ્પાને કહ્યું,’ મહેશનું વિમાન બે કલાકમાં ઉપડશે, તમે ચિંતા કરતા નહી’. મોનિકા સાથે વાત કરી,’બહેના પપ્પાનું ધ્યાન રાખજે’.
મોનિકાએ કહ્યું, ‘ભાભી તમે ચિંતા નહી કરતા. મમ્મી આઈ સી યુ માં છે’.સ્થિતિ નાજુક હતી. લાગતું હતું, મમ્મીનો જીવ મહેશમાં છે. મહેશ એરપોર્ટથી સીધા હોસ્પિટલ પહોંચ્યો. મમ્મીની હાલત જોઈ ન શક્યો.
જેવો મમ્મીનો હાથ પકડ્યો કે મમ્મીના આંગળામાં સંચાર થયો. જાણે કહી રહી હતી, ;બેટા તું આવી પહોંચ્યો. તમારા પપ્પાનું ધ્યાન રાખજે’. બસ એ અંતિમ ક્ષણ હતી. મમ્મીનું હૃદય ધબકતું બંધ થઈ ગયું.
ત્રણેમાંથી કોઈની મરજી ન હતી મમ્મીને ‘વેંંટીલેટર’ પર મૂકવાની. મહેશ રડી રહ્યો. પણ માના સ્પર્શે તેને સજાગ કર્યો. બધા ઘરે આવ્યા, હોસ્પિટલમાંથી બધી કાર્ય વિધિ પૂરી થઈ એટલે સ્મશાને જઈ અંતિમ, ક્રિયા કરી. મોનિકા અને મહેશે અગ્નિદાહ દીધો. મહેશે કહ્યું, ‘બહેન તારી પણ મમ્મી છે’. આપણે બંને ‘માને વિદાય આપીશું’.
મોનિકા આશ્ચર્યથી ભાઈને નીરખી રહી. મુખ પર સંતોષ પ્રસર્યો હતો. ૧૩મા દિવસની વિધિ પતાવી, મહેશે કહ્યું,’પપ્પા તમે મારી સાથે અમેરિકા ચલો. મમ્મી વગર તમે કદી એકલા રહ્યા નથી. ઘર અને સામાન બધું મોનિકા સંભાળશે. મારા મત પ્રમાણે, જો જીજાજીને વાંધો ન હોય તો અહીં રહેવા આવી જાય. ‘
‘પપ્પાજી તમે આવો ત્યારે તમને ઘર પરાયું ન લાગે. આ ઘર હું મારી નાની બહેનને આપવા ઇચ્છું છું. ‘ મોનિકા ખુશ થઈ પણ તેણે પતિને પૂછવાનું મુનાસિબ માન્યું. તેનો પતિ પણ નવાઈ પામ્યો. તેમના પડોશમાં અને સાગા સંબંધીમાં મિલકત માટે ઝઘડા જોયા હતા. અંહી તો ઉલ્ટી ગંગા વહેતી હતી.
બંને જણા રાજી થયા.’ ભાઈ, તું નિરાંતે પપ્પાને લઈ જા. અહીંની જરા પણ ચિંતા કરીશ નહીં. પપ્પાજી જ્યારે પણ આવે ત્યારે તેમને અજાણ્યું નહી લાગે. તેમેનો અને મમ્મીનો રુમ અકબંધ રહેશે. મહેશને હૈયે શાંતિ થઈ.
અમેરિકા આવીને મહેશ એટલું તો સમજ્યો હતો કે ભારતમાં રહી બહેન, મમ્મી અને પપ્પાનું ધ્યાન રાખે છે. અંહી પૈસા પણ સારા કમાયો હતો. માની છેક અંતિમ સમયે આવી પહોંચ્યો હતો. હવે પપ્પાને સુખ આપવા માગતો હતો. પપ્પાએ કરેલા તનતોડ મહેનત તો ભૂલ્યો ન હતો.
માધવીને સમાચાર આપ્યા. પપ્પાને લઈને આવે છે. માધવીએ પોતાના રોનકનો રુમ ઉપર કર્યો. પપ્પાજી અને રીંકી નીચેના બેડરુમમાં. પપ્પાજીની બધી સવલતો સચવાય તેનું ધ્યાન રહે. રોનક થોડો મોટો પણ હતો. મનમાં બોલ્યો ‘મન થશે ત્યારે દાદાજી સાથે સુવા મળશે’.
મહેશ સવારે પપ્પાને લઈને આવ્યો ત્યારે માધવીની ‘સમજણ’ પર વારી ગયો.