મર્મ jigar bundela દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મર્મ

Disclaimer : આ વાર્તાને કોઈ જીવીત કે મૃત વ્યક્તિ સાથે કોઈ સંબંધ નથી, જો એમ જણાય તો એ એકમાત્ર સંયોગ છે એમ સમજવું. આભાર.


Warning : Pls. Do not use this story in any Audio Visual form. Writer is Member of SWA. Membership No: 32928. If it is so writer will take legal action against you. Thank you.


પહાડોમાંથી સૂરજ બહાર નીકળ્યો ને શિયાળાની ઠંડી સવારે કૂણો તડકો વહાલો લાગ્યો. ભાભા પોતાની પથારીમાંથી બેઠા થયા ને સામે જોયું તો ધૈવત બેઠો હતો એણે ભાભા સામે જોયું અને પછી ધીરે રહીને નજર ફેરવી લીધી. ભાભાને નવાઈ લાગી કે ધૈવત એમની પાસે કેમ ના ગયો? રોજની જેમ ? છેલ્લા ત્રણ દિવસથી જે ચાલતું હતું કે ધૈવત ભાભા ઊઠે એટલે એમને દાતણ માટે પાણી આપતો, દાતણ થઈ જાય પછી અમને ચા આપતો, એ ભાભાનું માટલું પણ ભરી આપતો પણ આજે એમની તરફ જોયું ને પછી નજર ફેરવીને બેસી ગયો, કેમ ? ભાભાને ખબર ના પડી, પણ ધૈવતે નજર ફેરવી ત્યાં દૂર ખેતરમાં કામ કરી રહેલા શહેરા તરફ જોયું ને શહેરાના મોં પર એક સ્મિત આવી ગયું.

ભાભા ધીમે પગલે ઊભા થયા ને એમણે એમની દૈનિક ક્રિયાઓ પતાવી. ચા પીધો (પીધી) ને પછી માટલું ભરી અને પોતાની જગ્યાએ જઈને બેસી ગયા, પણ ભાભાના મનમાં એ સવાલ ઘુમરાયા કરતો હતો કે ધૈવતે આવું કેમ કર્યું? મનમાં ભાભાએ કદાચ બોલી પણ દીધું હશે "શે'રવાળા બે દી મદદ કરે અને પછી કામચોરી કરે ",પણ ભાભાના મનમાં ઊઠેલા સવાલનો જવાબ ગઈકાલે રાત્રે શહેરા અને ધૈવત વચ્ચે થયેલી વાતચીતમાં હતો.

ધૈવત ઘણીવાર એના મિત્ર શહેરાના ગામડે વીરપુર આવતો અને એના ઘેર રહેતો. એને ગામડાનું કલ્ચર, ત્યાંની ચોખ્ખી હવા ને પાણી ખૂબ ગમતા, ને કેમ ના ગમે? વીરપુર હતું જ રળિયામણું. ગામમાં ગણીને 30 ઘર અને ઘર પૂરા થાય અને તરત જ ઘરને અડીને આવેલા લહેરાતા ખેતરો અને ખેતરોની સામે મસ્ત મજાના પર્વતો. પર્વતોની વચ્ચે સરસ મજાનું, તમારા સપનામાં હોય એવું, એક નાનકડું ગામ એટલે વિરપુર. આ વખતે પણ દિવાળી પછી ધૈવત શહેરાને ત્યાં રહેવા ગયો હતો,ગામના બધા એને ઓળખતા એટલે બધાની સાથે વાતો કરતો અને સ્વભાવ મુજબ ભાભાને મદદ કરવા લાગ્યો.

થોડા સમય પહેલા જ્યારે આવ્યો હતો ત્યારે ભાભા થોડા મજબૂત હતા પણ આ વખતે ભાભા થોડા ઢીલા પડ્યા હોય એવું લાગતું હતું. ધૈવતે પહેલા દિવસે જોયું કે શહેરો અને એની પત્ની ભાભાને ચા આપવા ના જતાં. પાણીની માટલી ખુદ ભાભા ભરતા અને દાતણ પાણીનું પાણી પણ જાતે જ ભરતા. ધૈવતને ના ગમ્યું. એણે ભાભાને મદદ કરવાનું શરૂ કર્યું. એ ચા આપવા લાગ્યો, માટલી ભરી આપવા લાગ્યો અને બીજી નાની મોટી મદદ કરવા લાગ્યો. ભાભાને તો જાણે ભગવાન મળ્યા હોય ને એવું લાગ્યું, પણ કાલે રાત્રે શહેરાએ ધૈવતને જે વાત કરી એ વાત સાંભળીને ધૈવતે આજથી જ બધું જ કરવાનું બંધ કરી દીધું . એવું તો શહેરાએ શું કહ્યું હતું?

શહેરાએ ધૈવતને કાલે રાત્રે જમ્યા પછી કહ્યું હતું, " ધૈવતભાઇ આપણે ગામમાં આંટો મારી આવીએ, ને એ ધૈવતને લઈને ગામને પાદરે આવેલા મંદિરે ગયો , ત્યાં જઈને ધૈવતને કહ્યું , " ધૈવતભાઈ તમે ભાભાને એમના કામમાં મદદ ના કરશો. ધૈવતને આ વાતની નવાઈ લાગી , એ કાંઈ પૂછે, કે કેમ? એ પહેલા શહેરાએ કહ્યું, " જુઓ તમે મદદ કરીને બે દાડામાં જતા રેવાના પસ ભાભા અમારી પાંહે એવી આશ રાખશે કે અમુ પણ તમારી જેમ ઈમને મદદ કરી. અમે કરી પણ હકીએ, પણ કરતા નહીં, અથવા કરવા મોંગતા નહીં કારણકે ભાભા પોણી લેવા, ચા પીવા કે માટલી ભરવા જાતે જાય છે, તે એ બહાને ઈમના હાથ પગ હાલતા ચાલતા રે'શે પણ જો તમારી ગોડ અમે ઈમને આ બધું જ કરી આલશું તો એ તો ખાટલામાંથી ઉભા જ નહીં થાય અને ઊભા નહીં થાય તો એમના હાડકા હાલશે નહીં તો વહેલા મસાણ ભેગા થઈ જશે .

જો એ ચાલતા રહેશે તો જીવતા રહેશે નહીંતો મસાણ ભેગા થશે.

અમે ગામડાના માણસ છીએ, અમારે પોતાને ઘણા કામ હોય છે, મારે ખેતરે જવાનું અને પાછું મજૂરીએ જવાનું, તમાર ભાભીએ ચાર લેવા જવાનું, એંધણા વીણવા જવાનું અને ઢોરોનું કામ એ કરવાનું તો ઈનુંય ધ્યાન ના રે, પણ જો એ પોતે કામ કરતા રહેશે તો, ઈમને જ તકલીફ નહીં પડે એટલે હું તમને હાથ જોડીને વિનંતી કરું છું કે તમે ઈમને એમનું કોમ જાતે કરવા દો, તમે જતા રેહો પછી અમે તમારી જેમ નહીં કરી હકીએ.

ધૈવતને શહેરાની આ વાત સાચી લાગી એને એની વાતનો મર્મ સમજાયો . એને થયું કે હા શહેરમાં એ લોકો પણ પોતાના વડીલોનું ધ્યાન નથી જ રાખી શકતાં. એમાં પણ જ્યારે કોઈ દોસ્ત આવે અને મા બાપને કે વડીલોને થોડું સારું કહીને જાય કે થોડું એમનું કામ કરીને જાય પછી મા બાપ ને વડીલોની એમના તરફની એક્સપેક્ટેશન વધી જાય છે.સરખામણી કરતાં થઇ જાય છે. એ લોકો એમની સામે બીજાના વખાણ કરે તો કેવું લાગે ? એમને પણ નથી જ ગમતું ને? અને બીજું,

"સત્ય જે સાથે રહે છે એ જ જાણે છે, બે-ચાર દિવસના મહેમાન નહીં ",

એટલે જ શહેરાને ડોકી હલાવીને ધૈવતે હા પાડી અને એ વાતનું રિએક્શન આજે સવારે ભાભાને જોવા મળ્યું.

ભાભા ધીરે ધીરે ઉભા થયા પોતાનું માટલું ભરવા નીકળ્યા.

"ચાલતા રહેશે તો જીવતા રહેશે નહીંતો મસાણ ભેગા થશે."

એ વાક્યનો મર્મ ધૈવતના કાનમાં ગુંજવા લાગ્યો.
એને ગામડાવાળા શહેરાની આ નાની પણ મર્મ ભરેલી વાત પર ખુશી થઈ.

જીગર બુંદેલા