Ghost Lake books and stories free download online pdf in Gujarati

ભૂતાવળ તળાવ

હારીજ થી બહુચરાજી જતા માર્ગમાં વચ્ચે વાઘેલ નામનું ગામ આવે છે. ગામના પૂર્વ ભાગે એક મોટું તળાવ છે જેને રોડ પરથી પણ જોઈ શકાય છે. આ તળાવ સિદ્ધરાજ સોલંકી દ્વારા બંધાવવામાં આવ્યું હતું. સિદ્ધરાજ સોલંકીએ તેમના શાસનકાળ દરમિયાન ઘણા તળાવો બંધાવ્યા હતા એ બાબતે તો ઇતિહાસ પણ સાક્ષી પુરે છે. પણ વાઘેલ ગામના આ તળાવ વિશે નવાઈ જેવું કંઈ હોય તો એ છે તળાવનું નામ. ભૂતાવળ તળાવ!


આ ગામનું તોરણ તો વનરાજ ચાવડાના વખતમાં બંધાયું હતું પણ કહેવાય છે કે પાણીની તંગી અને ભૂતના ત્રાસથી ગામ ક્યારેય આબાદ ન થયું. એક વખત ગુર્જર નરેશ સિદ્ધરાજ સોલંકી ફરતા ફરતા આ ગામમાં આવે છે અને ગામલોકોને ખબર અંતર પૂછે છે.


ગામ લોકો કહે છે કે ગામમાં પાણી તો નામ માત્ર નથી, ખારોપાટ છે અને અધૂરામાં પૂરું તે ગામને ઉગમણે ઝાંપે રોજ રાત્રે મસમોટું ભૂતાવળ જાગે છે જે ગામલોકો ને હખ લેવા દેતું નથી. નાનકડા આ ગામના દરેક ઘરમાં એક કે બે વ્યક્તિ વળગાડ થી પીડિત છે. રાજન તમે બાબરા ભૂતને વશ કર્યો એમ આ ભૂતાવળને પણ વશ કે દૂર કરી અમારા ગામને આ પ્રેતપીડામાંથી ઉગારો.


સિદ્ધરાજે કહ્યું ભલે ત્યારે તમારા ગામનું આ ભૂતાવળ દૂર ન કરું ત્યાં સુધી હું પાટણ નહી જાઉં અહી તમારા ગામમાં જ રોકાઈ રહીશ.


એ દિવસે સિદ્ધરાજ વાઘેલ ગામમાં રોકાયા અને રાત પડતાં જ ભૂતપ્રેતને વશ કરવાની સાધન સામગ્રી લઇ ઉગમણે ઝાંપે આવેલા ખારાપાટમાં આસન લગાવી બેસી ગયા. બરાબર મધ્યરાત્રિ જામી અને મોટું ચળીતર એકાએક ખારાપાટમાં ઉભુ થયું. ભૂત, પ્રેત, પલિત, ડાકિની, શાકીની, ખવિસ, ચુડેલ, મામો, નુઘરો (જેના ગુરુ ન હોય) ને નવઘરું (નવ પ્રકારના ભૂતની ટોળી), ગામલોકોના કહ્યા મુજબ લગભગ દરેક પ્રકારના ભૂત પોતપોતાની કળા બતાવી સિદ્ધરાજને ડરાવવાના પ્રયત્નો કરવા લાગ્યા. પણ આ તો બાબરા ભૂતને પણ વશ કરી જાણનાર સિદ્ધરાજ હતો એમ તે કંઈ ડરે!


સિદ્ધરાજે પોતાની મંત્રવિદ્યા અને બાબરા ભૂતની મદદથી બધા જ ભૂતોને પિટવાનું શરૂ કર્યું. માર ખાઈ ખાઈ ને બેહાલ થઈ ગયા પછી કંટાળીને ભૂતો નો આગેવાન સિદ્ધરાજ પાસે આવ્યો અને મંત્રમાર અને બાબરા ભૂતને રોકવા આજીજી કરી.


સિદ્ધરાજ કહે પહેલા હું કહું એટલું કરવું પડશે તો જ રોકાઈશ. પ્રેતના આગેવાને વાત માન્ય રાખી અને જે કહે તે કરવા તૈયાર થયો એટલે સિદ્ધરાજે કહ્યું તમે આ ગામના લોકોને અકારણ વળગીને ખૂબ હેરાન કર્યા છે એટલે આ ગામ છોડી ચાલ્યા જવાનું છે પણ જતા જતા આ ગામ માટે એક સારું કામ કરતા જવાનું છે. આ ગામમાં પાણીની ખૂબ જ તંગી છે તમારે જતા જતા એ દૂર કરતી જવાની છે, એટલે બધા જ પ્રેત મળી અહી તળાવ ખોદી આપો અને ત્યાર બાદ આ ગામ છોડી જતા રહો.


પ્રેત નો આગેવાન કહે ભલે અમે બધા તળાવ ખોદી જતાં રહીશું પણ એક વાત અમારી પણ માન્ય રાખો, અમે જે તળાવ ખોદી આપીએ એ તળાવનું નામ અમારા નામ પરથી ભૂતાવળ તળાવ રાખજો. સિદ્ધરાજે ભૂતોની એ વાત માન્ય રાખી.


પછી તો શું? બધા પ્રેતો મંડી પડ્યા અને પ્હો ફાટે એ પહેલા તળાવ ખોદી હવામાં ઓગળી ગયા.

એ રાત્રીના અંતિમ પહોર બાદના પ્રકાશમાં જ્યાં ખારોપાટ હતો ત્યાં ગામલોકોએ એક તળાવ ખોદેલું જોયું. સિદ્ધરાજે ગામલોકોને એ તળાવના નામથી માહિતગાર કર્યા, પ્રેતના ત્રાસથી મુક્ત કર્યા અને પાટણ તરફ રવાના થયા.

આજે પણ ગૂગલ અર્થ પર વાઘેલ ગામને સર્ચ કરો તો ગામના પૂર્વ ભાગે, ગામથી પણ મોટા ગોળાકારમાં ફેલાયેલું એ ભૂતાવળ તળાવ આંખોને પહેલા આકર્ષિત કરશે.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED