અનિતા Ramesh Desai દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અનિતા

મેકર ભવનની સામે પડતી અડધી ગલી માંડ વટાવી હતી તે જ વખતે શેઠના દિલતોડ શબ્દો શેખર ના કાનો માં ગુંજવા માંડ્યા. હદયમાં ઉપડેલી ટીશ ને દૂર કરવા તેના હોઠો પર એક ગીત આવી ગયું.

' દર્દ હમારા કોઈ ન જાને.
અપની ગરજ કે સભી હૈં દિવાને

ગીત આગળ વધે તે પહેલા જ એક વ્યથાથી ઉભરાતો આક્રોશ શેખર ના કર્ણપટ ને ભેદી ગયો. અને ગીત ટેપ તૂટી જાય તેમ થંભી ગયું.

", કુછ ખિલાઓ ભૂખે કો. દો દિન સે કુછ નહીં ખાયા. "

એક અસહાય લાચાર નારીનું કલ્પાન્ત તેને વિહવળ કરી ગયું. વિચારો ની સાંકળ એકાએક તૂટી ગઈ. દ્રશ્ય જોઈ તેને આંચકો લાગ્યો.

લઘરવઘર નારી હાથ ફેલાવી આવતા જતાં માણસો પાસે કાકલુદી કરી રહી હતી, ભીખ માંગી રહી હતી. જગતની વિકૃતિ નિહાળી શેખર ની આંખો પલળી ગઈ.

પેટની ભૂખે તે નારી આહ ભરી રહી હતી.

નાનકડું બાળક માતાની છાતી ને ફંફોસી ભૂખની ફરિયાદ કરી રહ્યું હતું.

તેની ઉઘાડી છાતી ને જતાં આવતા લોકોની લોલુપ આંખો ઘૂરકતી હતી.

તેની હાલત નિહાળી શેખરે પોતાનો હાથ ખિસ્સામાં નાખી હતું એટલું પરચુરણ તે નારી ને આપી દીધું.

તે જ વખતે ચાર આંખોનો સામનો થયો.

નારીનો ચહેરો નિહાળી શેખર અવાક થઈ ગયો. તેને પોતાની આંખો પર વિશ્વાસ ન આવ્યો

શું આ તેનો ભ્રમ હતો? ચહેરાની સામ્યતા ક્યારેક ભૂલ ભુલામણી ખડી કરતી હોય છે.

તેના લંબાયેલા હાથ માં પૈસા અકબંધ હતા. તે ચહેરો નિહાળી ભાવુક બની ગયો. તેના મોઢામાંથી સવાલ નીકળ્યો..

" કોણ અનિતા? "

શેખરનો સવાલ સુણી તેણે મોઢું ઉપર કર્યું.

અને બીજી જ પળે પોતાના હાથોમાં મસ્તક છુપાવી હિબકા ભરવા માંડી.

તે અનિતા જ હતી. તે વિશે શેખર ને કોઈ શંકા નહોતી.

તેના આવા ભૂંડા હાલ નિહાળી તેનું આંતરમન હચમચી ગયું.

એક સીધી સાદી સરળ ઈમાનદાર તેમ જ પ્રેમાળ નારીનું અધપતન નિહાળી તેનું હૃદય દ્રવી ઊઠ્યું.

તે હજી હિબકા ભરી રહી હતી.

શેખરે તેને શાંત પાડવાની કોશિશ કરી.

તે જ વખતે બે ત્રણ અજાણ્યા શખ્સ બાજુમાં આવી ને ઉભા રહી ગયા.

શેખર તેમની હયાતી માં કોઈ પૃચ્છા ન કરી શક્યો.

થોડી વારે તે લોકો જતાં રહ્યાં.

અને શેખરે ઈશારો કરી તેને પાછળ આવવાનું કહ્યું.

અને ચર્ચ ગેટ સ્ટેશન ભણી આગળ વઘી ગયો.

તે અનિતા જોડે વાત કરવા માંગતો હતો. તેને મદદ કરવા ચાહતો હતો.

અતીતના દ્રશ્યો આંખો સામે તરવરી રહ્યાં હતા

તે અનિતા ને સર્વ પ્રથમ કમાટી પુરાની ચેમ્બર નંબર 36 માં મળ્યો હતો. તે આમ તો એક પત્રકાર હતો. સમાજ સુધારણાની ઝુમ્બેશ ચલાવતો હતો. છતાં દૈહિક ભૂખ તેને અહીં ખેંચી લાવતી હતી.

અનિતા એક દેહ જીવીની હતી. દેહનો વેપલો કરતી હતી. છતાં તેનામાં કોઈ વિશેષ વાત હતી. જેને કારણે તે અનિતા થી ખૂબ પ્રભાવિત થયો હતો. તેના હૈયે કોઈ વિશેષ લાગણી ના તાંતણા ગુંથાયા હતા. તેને જોઈ શેખર ને એક સ્ત્રી સાપ્તાહિકની વાતો યાદ આવી ગઈ હતી.

નારી સૃષ્ટિ ની અનુપમ ભેટ છે. તેની જીભે મીઠાશ નો વાસ હોય છે. તેના હૈયામાં લાગણી નો ભરપૂર ખજાનો ભર્યો પડ્યો છે. તેના પવિત્ર દેહમાં સંસ્કારી આત્મા વસવાટ કરે છે. તેના ગર્ભમાં સોનેરી સોણલાથી મઢેલ ભાવિ સંતાન નો પિંડ આકાર લે છે.

તેને મળી ને શેખર ને લાગ્યું હતું. આ બધી વાતોને અનિતા સાર્થક કરી રહી હતી.

પહેલી જ મુલાકાત માં તેણે એક પત્ર હાથમા થમાવી વિનંતી કરી હતી.

" જરા વાંચો ને. આ માં શું લખ્યું છે? "

શેખરે પત્ર હાથમા લઈ સવાલ કર્યો હતો.

" આ અમર કોણ છે? "

" મારો એક ચાહક છે. મને ખુબ જ પ્રેમ કરે છે. મારી જોડે લગ્ન કરવા માંગે છે. "

તેની વાત સાંભળી શેખરે વધારે પૂછવું મુનાસીબ લેખ્યું નહોતું.

મેં ચુપચાપ પત્ર વાંચી આપ્યો હતો.

સાંભળી એક કુલિન ઘરની કન્યાની માફક તેના ગાલે શરમના શેરડા પડ્યા હતા.

પહેલી વારમાં શેખર તેની જોડે વધારે વાત કરી શક્યો નહોતો. પણ તે અનિતાથી ખૂબ જ પ્રભાવિત થયો હતો.

વેશ્યા વિશે એક સામાન્ય લોક વાયકા પ્રચલિત છે.

તેઓ બિલકુલ વ્યવસાયી, મિકેનિકલ હોય છે. પૈસા લઈને પણ ગ્રાહકો જોડે છેતરામણી કરે છે.

પણ અનિતા ખરેખર એક અપવાદ હતી. તે લીધેલા પૈસા નું પૂરું વળતર ચૂકવતી હતી.

પુરુષ શું ચાહે છે. તે વાત જાણતી સમજતી હતી. તે પોતાના વ્યવસાય ને સંપૂર્ણ વફાદાર હતી. તેથી તે સતત ડિમાન્ડ માં રહેતી હતી. તેની જોડે અડધો કલાક વિતાવવા માટે તેઓ કલાક બે કલાક પણ ઇંતેજાર કરતાં હતા.

અનિતામાં એક મિત્ર બનવાના સઘળાં ગુણ મોજુદ હતા. તે કોઈ પણ સંબંધની લાજ મર્યાદા રાખી શકે તેમ હતી. મેં એક મિત્ર ને નાતે અરજ કરી હતી :

" અનિતા! હું એક વાર તને આ માહોલની બહાર મળવા માંગુ છું. તારા વિશે બધું જ જાણવા માંગુ છું. "

" ઠીક છે આવતી કાલે અગિયાર વાગે મરાઠા મંદિર થિયેટર પાસે મળીશું. "

તે શેખર ને મળવા તૈયાર થઈ ગઈ હતી. આથી શેખર હરખઘેલો બની ગયો હતો. અતિ ઉત્સાહિત થઈ ખુલાસો કરવાનું ભૂલી ગયો હતો.

" અગિયાર સવારના કે રાતના? "

શેખર મળેલી તક છોડવા માંગતો નહોતો. તે ચાન્સ લઈ સવારે અગિયાર વાગે જ મરાઠા મંદિર પહોંચી ગયો હતો
એકાદ કલાક તેની વાટ નિહાળી હતી. પણ તે આવી નહોતી.

આ સ્થિતિ માં તે રાતના અગિયાર વાગે મરાઠા મંદિર પહોંચી ગયો હતો. તેને ફરી નિરાશા નો સામનો કરવો પડ્યો હતો.

શું અનિતા બીમાર પડી ગઈ હશે?

ગમે તે કારણ હોય. શેખર ખુબ જ હતાશ થઈ ગયો હતો.

તે એક વેશ્યા હતી. તેને મળવા માટે સો રૂપિયા ખર્ચવા પડતાં હતા. છતાં પણ તે એક વાર અનિતા ને મળવા ગયો હતો.

તેના સારા નસીબે અનિતા પાસે કોઈ જ ઘરાક નહોતો. તે દાદરા આગળ ઊભી રહીને બીડી ફૂંકી રહી હતી.

શેખરને જોઈ તેના ચહેરા ના ભાવો પલટાઈ ગયા હતા.

તેણે બીડીનું ઠુંઠું ફેંકી તેને સવાલ કર્યો હતો.

" હું ના આવી તો નારાજ નથી ને? "

" બિલકુલ નહીં. "

છતાં અનિતા ને વિશ્વાસ ન આવ્યો. તેણે ફરી સવાલ કર્યો

શેખરે તેને વિશ્વાસ આપતા કહી દીધું.

" હું નારાજ હોત તો આજે તારી પાસે આવ્યો નહોત. "

તે સાંભળી અનિતા એ પોતાનો હાથ શેખરના હાથમા થમાવતા ખુલાસો કર્યો.

" બાબુજી! તમે તો જાણો છો અમર મને ચાહે છે. મારી સાથે લગ્ન કરવા પણ તૈયાર છે. તેણે જ મને ઘરે બોલાવી હતી. મેં તેને રોકાવાની ના પાડી હતી. પણ તેણે જ નહીં પણ તેના પરિવારે પણ મને આગ્રહ કરી રોકી લીધી હતી.

તેની વાતમાં કોઈ બનાવટ કે જૂઠ નો અંદેશો જણાતો નહોતો.

એકાદ ક્ષણ બાદ તેણે કહ્યું હતું :

" હું પરમ દિવસે અગિયાર વાગે તમને મળીશ."

" સવારના કે રાતના? "

" રાતના! હું તમને અડધો કલાક થી વિશેષ નહીં મળું. "

" ઠીક છે ! "

અને શેખર વાયદા પ્રમાણે શેખર અગિયાર વાગે મરાઠા મંદિર આગળ જઈ ને ઊભો રહી ગયો હતો.

પણ અનિતા ફરી આવી નહોતી.

આથી શેખર ઘણો જ હતાશ થઈ ગયો હતો.

આ આલમ વિશે તેણે ઘણી બધી માહિતી એકઠી કરી હતી.

સંચાલકો આ છોકરીઓનું યૌન શોષણ તો કરાવે છે. તેમને કોઈ પ્રકારની આઝાદી આપતા નથી.

હોઈ શકે તેમણે અનિતા ને રોકી હોય. કોઈ ઘરાક આવી ગયો હોય.

શું અમરે મના ફરમાવી હશે?

શેખર ચિત્ર વિચિત્ર અટકળો ના જાળા મા ફસાઈ ગયો.

પૈસા ના અભાવે શેખર મહિનો માસ અનિતા પાસે જઈ શક્યો નહોતો.

એક વાર પૈસા મળતા શેખર તેની પાસે ગયો હતો. પણ તે ક્યાંય નજરે પડી નહોતી.

તેણે સંચાલક ને પૃચ્છા કરી હતી.

" અનિતા ક્યાં છે? "

" તે તો બીમાર છે. "

સાંભળી તેને એક સ્વજનની બીમારી જેવી પીડા થઈ હતી.

તેને વિશે કરેલી ટકોર થી શેખરની પીડા માં ઉમેરો થયો હતો

" અનિતા ફાલતું છોકરી છે. હું તમને વધારે સારી છોકરી આપીશ.."

શું કરવું? શેખર કોઈ નિર્ણય લેવાની સ્થિતિમાં નહોતો.

તેનું એક મન અનિતા ના ખબર પૂછવા બેતાબ થઈ રહ્યું હતું.

તે નહીં મળ્યો તો તે શું માનશે?

તેણે બીજી છોકરી જોડે વાત કરી હતી.

અનિતા ના લગ્ન થવાના છે.

તેણે ન્યુઝ આપ્યા હતા.

તેના લગ્ન થવાના હતા. તે જાણી શેખરને ખુશી નિપજી હતી. સાથોસાથ હવે તે કદી અનિતાને નહીં મળી શકે એનો અફસોસ થતો હતો.

આ વાતને ચાર છ મહિના વીતી ગયા હતા. તે દરમિયાન અનેક વાર શેખરને અનિતા ની યાદ આવી હતી. તેના લગ્ન થઈ ગયા હશે. તેવો ખ્યાલ જાગતા મનોમન વધાઈ પણ આપી હતી.

છોકરાના રડવાના અવાજે શેખરનો અતીત વિખરાઈ ગયો.

તે અનિતા ને લઈ ક્યાંક બેસી નિરાંતે વાતો કરવા માંગતો હતો.

તે હોટલમાં લઈ જવા માંગતો હતો.

પણ એક લઘર વઘર સ્ત્રી ને જોઈ હોટલનો સ્ટાફ તેમ જ અન્ય ઘરાકો શું માનશે? શેખર આ વાતે ચિંતિત હતો.

પણ તેની પરવા કર્યા વિના તે અનિતા અને તેના બાળકને લઈ હોટેલના ફેમિલી રૂમમાં ઘુસી ગયો.

બંને સામસામે ટેબલની અડખેપડખે ગોઠવાયા. બાળક ભૂખને કારણે પુન : રડવા માંડ્યું. શેખરે તરતજ વેઇટર પાસે દૂધ મંગાવ્યું. દૂધ પી બાળક માં ના ખોળામાં જ પોઢી ગયું.

કઈ રીતે વાત શરૂ કરવી? આ અંગે બંને દ્વિઘા ની લાગણી અનુભવી રહ્યાં હતા.

આખરે શેખરે જ શરૂઆત કરી.

" અનિતા! તારા તો લગ્ન થઈ ગયા હતા. તું અત્યારે અમરના ઘરે હોવી જોઈતી હતી. તેને બદલે તારી હાલત આવી કઈ રીતે થઈ ગઈ? "

શેખરનો સવાલ સુણી અનિતાની આંખોમાં આંસૂનો મહાસાગર ઉલેચાઈ ગયો.

શેખરે તેને સાંત્વન આપી શાંત કરી.

થોડી ક્ષણ પછી અનિતા સ્વસ્થ થઇ ગઈ. તેણે માંડીને સઘળી વાત શેખરને કહી દીધી.

" બાબુજી! મારા લગ્ન આડે થોડા જ દિવસ બાકી હતા.
ખૂબ મોટી રકમ આપી ને તેના પરિવારે મને આ દોજખ માંથી છોડાવી હતી. ત્યારે હું મારા તકદીર બદલ ભગવાન નો પાડ માનતી હતી. "

" પણ મારો આનંદ ક્ષણ જીવી નીવડ્યો હતો. "

" અમર સાથે ના સંબંધોથી હું ગર્ભવતી બની હતી. "

" તે વાતનો કોઈ ને સંશય નહોતો. "

" તેના હાથોમાં હું સલામત હતી. "

" પણ થોડા જ દિવસમાં મારી તબિયત બગડી આવી હતી મારી હાલત નિહાળી હર કોઈ ચિંતિત થઈ ગયું હતું . મારી તહેનાતમાં ડોકટરોનો કાફલો જમા કરી દીધો હતો. સંપૂર્ણ ચેકિંગ બાદ નિદાન આવ્યું હતું. "

" તે એઇડ્સ નો શિકાર બની ગઈ હતી. સાંભળી તેની આંખે અંધારા આવી ગયા હતા. અમર પણ ખળભળી ઊઠ્યો હતો. બીમારી નું નામ સુણી તેના પ્રેમનું બાષ્પીભવન થઇ ગયું. તેના પરિવાર નું વલણ બદલાઈ ગયું હતું. જાણે મારા પર કોઈ ઉપકાર કરતા હોય તેમ ફાલતું હોસ્પિટલના ભરોસે છોડી દીધી હતી. મારી પડખે કોઈ જ નહોતું. "

" મને હોસ્પિટલમાં ભર્તી કર્યા બાદ અમર કેવળ એક જ વાર ફ્રૂટ્સ લઈને આવ્યો હતો. ત્યાર બાદ કોઈ મને મળવા આવ્યું નહોતું."

" પ્રસુતિ ટાણે પણ કોઈ મારી પાસે નહોતું. "

" મારા ગજવામાં ફૂટી કોડી પણ બચી નહોતી. "

" આવા સંજોગોમાં હું બાળકને લઈ હોસ્પિટલમાંથી ભાગી આવી હતી. "!

" ત્યારે ઉપર ગગન નીચે ધરતી જેવી હાલત હતી. "

" મને ખબર નહોતી કે મારો માર્ગ કંટકો થી ભર્યો હતો.. બાળક આટલી મોટી દુનિયામાં એક માત્ર મારૂં આધાર હતું. તેને માટે હું કાંઈ પણ કરવા તૈયાર હતી. પણ મને અન્ય કોઈ કામમાં ફાવટ નહોતી... આ સ્થિતિમાં હું પુન : રેડ લાઈટ વિસ્તારમાં જવા પણ તૈયાર થઈ ગઈ હતી. પણ ત્યારે માંયલો જાગી પડ્યો હતો. "

" ધંધો ચાલું કરવાથી મારી બીમારી નો ચેપ અન્યને લાગી શકે તેમ હતો. વળી બાળક ના જન્મ બાદ બીમારી ને કારણે મારૂં શરીર બિલકુલ કંતાઈ ગયું હતું. "

" મારે માટે સઘળા દરવાજા બંધ થઈ ગયા હતા. "

" છતાં મને એક પરિવાર માં દેખભાળ કરવાની નોકરી મળી હતી. થોડા દિવસ તો શાંતિ માં વીતી ગયા. પણ પછી મારી તબિયત બગડવા માંડી હતી. "

" ઘરની માલકણ મને ડોક્ટર પાસે લઈ ગઈ હતી. "

" મારી બીમારી ની જાણ થતાં તેણે મને ઘરમાંથી કાઢી મૂકી હતી. "

",આ સ્થિતિ માં મારી પાસે ભીખ માંગવા સિવાય કોઈ ઉપાય નહોતો બચ્યો નહોતો. "

" મારી બીમારી અંતિમ તબક્કામાં છે. "

સાંભળી શેખરના હૈયે તેને મદદ કરવાની ઈચ્છા જાગી. તે અનિતા ને પોતાના ઘરે લઈ જવા માંગતો હતો. પણ તે એક જમાનામાં વેશ્યા હતી અને એઇડ્સ જેવી ભયંકર બીમારી તેને કોઠે વળગી હતી. આ સ્થિતિ માં તે અનિતા ને પોતાના ઘરે લઈ જઈ શકે તેમ નહોતો.

તેના હાથ હેઠા પડતાં તેણે અનિતા ને સવાલ કર્યો હતો.

" તું કલકત્તા માતા પિતા પાસે કેમ ન જતી રહી ? "

" શું મોઢું લઈને જાઉં? તેમણે તો મારા નામનું નાહી નાખ્યું છે. "

" પણ તેમણે જ તો તને દોજખ માં ધકેલી દીધી હતી?! "

" પણ બાબુજી તેઓ આ સચ્ચાઈ સ્વીકારવા તૈયાર નથી. "
" તો શું કરીશ? "

" કાંઈ સૂઝતું નથી. બસ મારા બાળકનો ક્યાંક પ્રબંધ થઈ જાય તો હું મોતની ચાદર ઓઢી લઉં. "

" એવો વિચાર ન કર. ભગવાન બધાનો છે! "

" ના બાબુજી આ ઠાલુ આશ્વાસન છે. લાગે છે તે પૈસાદાર લોકો માટે જ છે. તેને ગરીબોની કોઈ ચિંતા નથી. "

" એક રસ્તો છે! "

" કયો બાબુજી? "

" કોઈ સ્ત્રી સંસ્થામાં પ્રવેશ મળી જાય તો બધી સમસ્યા દૂર થઈ જાય. "

" તેઓ એક વેશ્યા ને કદાચ આશરો આપી દે. પણ મારા જેવી એઇડ્સ ની બીમારી ધરાવતી સ્ત્રી ને સંસ્થામાં નહીં રાખે. "

" નહીં અનિતા એઇડ્સ માટેની અલગ એવી સંસ્થા છે જ્યાં બધી સવલતો ઉપલબ્ધ છે. "

" તો શું મને જગ્યા મળી જશે? "

" ચોક્કસ. મારી એવી અનેક સંસ્થામાં ઓળખાણ છે.. હું આજે જ તપાસ કરી તારી વ્યવસ્થા થઈ જશે. તું કાલે મને આ જ સમયે અહીં મળજે. "

" બાબુજી! હું તમારો પાડ હું કદી નહીં ભૂલું. "

" એમાં ઉપકાર નો કોઈ સવાલ નથી. આ તો મારી ફરજ નો એક ભાગ છે. મેં ક્યાંક વાંચ્યું હતું. કાદવમાં કમળ ખીલે છે. તેનો મને સાક્ષાત્કાર થયો છે. તારી સાથેની બે ચાર મુલાકાતો એ મને ઘણું બધું સમજાવી દીધું છે. તે મારા જીવનમાં એક આત્મીય જનની ભૂમિકા નિભાવી છે. ઉલટો મારે તારો પાડ માનવો જોઈએ.. આ તો તારી શાલિનતા નો પ્રતાપ છે. બાકી મેં કાંઈ જ કર્યું નથી. "

આટલું કહી તેઓ હોટેલમાં થી બહાર નીકળ્યા હતા.

અનિતા એ ભાવુક બની શેખરને વિદાય આપી.. તેથી તેની આંખો પલળી ગઈ હતી.

બીજે દિવસે વાયદા પ્રમાણે અનિતા ને મળવા શેખર ચર્ચગેટ પહોંચ્યો હતો.

તે જગાએ લોકોનું ટોળું જમા થઈ ગયું હતું.

પળભર શેખરને જોવાની જિજ્ઞાસા જાગી હતી.

તે જ વખતે કોઈના શબ્દો તેના કાને અફળાયા હતા.

" બેચારી મર ગઈ. "

આ સાંભળી તેના બઢતા કદમ થંભી ગયા હતા.

તેણે ભીડ ચીરીને અંદર ડોકિયું કર્યું હતું.

અનિતા મોતની ચાદર ઓઢીને સૂઈ ગઈ હતી. અને તેનું બાળક ખુલ્લી છાતીને ફંફોસી દૂધ તલાશી રહ્યું હતું.

પોલીસ આવી લાગી હતી.

અનિતા ની લાશ મૃત વાહિની માં રાખવામાં આવી હતી.

તે જોઈ શેખર ડુસકુ ખાઈ ગયો હતો.

"કોઈ દિવાનો લાગે છે. "

લોકો ની વાત પર દયાન ન આપતા શેખરે બાળકને હાથમા ઉઠાવી ટેક્સી માં અનાથાશ્રમ ની વાટ પકડી હતી.

00000000