આખરે તો એક આશ્રિત Ramesh Desai દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

આખરે તો એક આશ્રિત

માંગને સે જો મૌત મિલ જાતી
કૌન જીતા ઇસ જહાં મેં

છેલ્લાં 72 કલાક થી બોમ્બે હોસ્પિટલ ના ઇન્ટેન્સિવ કેઅર યુનિટ ના બિછાને પડ્યો પડ્યો હું જીવન અને મૃત્યુ સંગાથે આટા પાટા ની રમત ખેલી રહ્યો છું. યમ રાજાનો પડછાયો મારા માથે ઝલુંબી રહ્યો છે.

ચંદ ઘડીનો મહેમાન હોવાની પ્રતીતિથી રાહતની લાગણી જાગે છે. છતાં પામર જીવ જિંદગીની આંગળી છોડવા તૈયાર નથી. હર પળ મરવું તેના કરતાં એક વાર મરી જવું સારૂં. કિંતુ એમ માંગ્યે જો મોત મળી જતું હોય તો શું જોઈએ?

હાર્ટ એટેક મને અહીં ધસડી લાવ્યો છે. ન જાણે બીજી કેટલી બીમારી મને તેમની હથેલીમાં ભીંસી રહી છે.

બરફની લાદી, મરચા ની ભૂકી અને સાકરનું પાણી આ બધા સાથે સંકળાયેલ દ્રશ્યો મારી આંખો સામે તરવરી રહ્યાં હતા.

આદત પ્રમાણે સી બી આઈ ની પલટન સામે જુઠાણું હાંક્યુ હતું. જેની મારે ભારી કિંમત ચૂકવવી પડી હતી. તેમણે સાચી વિગત જણાવવાની સૂચના આપી હતી. પણ હું એકનો બે ન થયો હતો.

પરિણામે મારા બુરા હાલ કરવામાં આવ્યા હતા! જીવ જવાની બીકે મારે સઘળી માહિતી વાઇરલ કરવી પડી હતી. આથી મને જામીન પર રિહા કરવામાં આવ્યો હતો. છતાં મને શહેરની બહાર જવાની પરવાનગી નહોતી.

અને બીજે જ દિવસે નિયત સમયે હું નીચી મૂડી કરી ઓફિસે પહોંચી ગયો હતો.

ત્યારે?

મારી કેબીન બહાર ઝૂલતી નેમ પ્લેટ કાઢી લેવામાં આવી હતી. તેને જોઈ મને ઘ્રાસકો પડ્યો હતો. મારૂં અસ્તિત્વ ખોઈ બેઠાની દહેશત જન્મી હતી.

નાથાલાલના સપુતો એ સી બાઈ સમક્ષ નિવેદન કર્યું હતું :

" મોહન લાલ નામનો કોઈ શખ્સ અમારે ત્યાં કામ કરતો નથી. "

આ જ કારણે નેમ પ્લેટ કાઢી નાખવામાં આવી હતી.

નાથાલાલે પુત્રોની બુદ્ધિમતાની પ્રશંસા કરતાં ખુલાસો કર્યો હતો.

છેલ્લાં છ સાત દિવસની સતત રઝળપાટે મને શારીરિક તેમ જ માનસિક રીતે ભાંગી નાખ્યો હતો. છાતીમાં અસહ્ય પીડા થતી હતી. છતાં હું કંપનીનો એક માત્ર હજુરિયો સેવક કોઈ પણ જાતનો વિચાર કર્યા વિના ઓફિસે પહોંચી ગયો હતો.

નાથાલાલ અને તેમના ચિરંજીવીઓએ મને જોઈ મોઢું મચકોડ્યું હતું!! પૈસા ગુમાવ્યાનો વિષાદ તેમની આંખો માં તરવરી રહ્યો હતો.

નાની નાની વાતો માં અકળાઈ જવાની નાથાલાલનો સ્વભાવ હતો. બાપનો આ ગુણ અદલોઅદલ પુત્રોમાં ઊતરી આવ્યો હતો. તકદીર ના જોરે તેઓ કરોડાધિપતી બન્યા હતા. બાપ દાદા એ કરેલી મહેનતની કમાઈ જ ધંધા ની બુનિયાદ હતી. છતાં તેનો જશ ખોટી રીતે પોતાના નામે નોંધાવતા હતા. તેઓ અત્યંત ગુમાની બની ગયા હતા!

તેમણે જાહેરમાં નિવેદન કર્યું હતું :

" મોહન ગધેડો છે. તેનામાં અક્કલ નો છાંટો નથી. ચાલીસ લાખ પાછા મળતા જ હું તેને કાઢી મુકીશ. "

આટલા વર્ષો ની વફાદારી નો કેવો બદલો વાળ્યો હતો!!

કદાચ તેમણે ધીરજ રાખી હોત તો?

નાથાલાલ ની અધીરાઈએ મને ત્રિશુલ વેદના જગાડી હતી. તેમણે ફોન પર કોઈની જોડે અભદ્ર ભાષામાં વાત કરી હતી.

તેમના શબ્દો પ્રતિપળ મારા કાળજા ને ઇજા પહોંચાડી રહ્યા હતા.

મારી છાતીની વેદના અસહ્ય બની રહી હતી.

મને ઘડી ઘડી બેલ વગાડી સ્ટાફ સભ્યો તેમ જ ચપરાસી ને કેબિનમાં બોલાવવાની આદત હતી. આથી તેઓ પણ મારી બેલની પરવા કરતાં નહોતા.

મેં સતત બેલ વગાડ્યે રાખી. પણ કોઈ ચપરાસી મારી કુમકે ન આવ્યો. આ વાતે મને સતત ખીજ ચઢી.

થોડી ક્ષણો બાદ એક બુઢો ચપરાસી કેબિન નો દરવાજો ખોલી ભીતર આવ્યો. તેને જોઈ મેં ક્રોધાવેશમાં ઝાટકી નાખ્યો :

" કિધર મર ગયા થા સાલ્લા? "

અને હું ખુરશી માં જ ઢગલો થઈ ગયો હતો.

ત્યાર પછી શું બન્યું હતું? તેની મને કોઈ ગતાગમ નહોતી.

ઘર ની ચાર ચાર ગાડી હોવા છતાં મને એમ્બ્યુલન્સમાં હોસ્પિટલ લઈ ગયા હતા!!

માનવી ગમે તેટલો ક્રૂર કેમ ન હોય પણ તેના હ્નદયના ખૂણામાં માનવતા ધબકતી હોય છે. મેં હદયની શક્તિ તેના સ્પંદો અનુભૂતિને બુદ્ધિ ના હાથો લીલામ કર્યા હતા.

જિંદગી નો એક દાયકો મેં ' નાથાલાલ એન્ડ સન્સ 'ને પોતાની કંપની ગણી, લોહી પાણી એક કર્યા હતા. સઘળી જવાબદારી વહન કરી હતી. તેમના ઘર ના ખાનગી પ્રશ્નો ને પણ સૂલટાવ્યા હતા. છતાં તેમણે મને એક સામાન્ય હરોળ ના ચપરાસીની હરોળમાં મૂકી દીધો હતો.

સામાન્ય એમ્બ્યુલન્સ માં હોસ્પિટલ ભેગો કર્યો હતો.

ખબર સુણી મારી પત્ની ઉષ્મા અતીતને વિસરી મારી પાસે દોડી આવી હતી.

તેના મારી સાથેના બીજા લગ્ન હતા.

તેનો પ્રથમ પતિ લંપટ તેમ જ કામી હતો. વિના કારણે તેણે અમીર કુટુંબ ની ઉષ્મા ને રંજાડી તેના પૈસા ઉચાપત કરી ભાગી ગયો હતો.

ત્યારે અસહાય લાચાર ઉષ્મા નો મેં હાથ ઝાલ્યો હતો.

તેને પતિની સમગ્ર કોમ વિશે પૂર્વાગ્રહ બંધાઈ ગયો હતો.

તેણે પોતાનો અનુભવ આ રીતે બયાન કર્યો હતો!!

" સાલ્લાઓનો કોઈ ભરોસો નહીં. વખત આવ્યે સગી જનેતાના લૂગડાં ઉતરાવે! "

દવાની અસર હેઠળ લગભગ બારેક કલાક હું ધોરતો રહ્યો હતો.

આંખો ખુલી ત્યારે છાતીની પીડા થોડી હળવી થઈ ગઈ હતી.

વિચારો નું ધાડું મારા દિલો દિમાગને કેદ કરીને બેઠું હતું.

" મતલબી દુનિયામાં કોઈ કોઈનું નથી. "

આ ખ્યાલ મારા દિમાગની નસો તંગ કરી રહ્યો હતો.

અતીતની પળો મારા દિમાગની પરેશાની વધારી રહી હતી !!

સત્તા ના જોરે જિંદગી આખી મેં નાના માણસોનુ શોષણ જ કર્યું હતું. તેને હું મારી આવડત હોશિયારી સમજીને ચાલતો હતો. પરિણામે કોઈને મારા પ્રતિ સહાનુભૂતિ કે અનુકંપા નહોતી. છતાં તેઓ એક વાર મારી ખબર પૂછી ગયા હતા!!

એક સમયે મારો પોતાનો ખુદનો ઈમ્પોર્ટ એક્સપોર્ટ નો વ્યવસાય હતો. કરોડો રૂપિયાનું ટર્ન ઓવર હતું. સુખ શાંતિનું જીવન હતું. આરામનો રોટલો હતો. હાથ ચાલાકી મારા ડાબા હાથનો ખેલ બની ગયો હતો. તેના થકી જ હું પોતાનો સ્વતંત્ર ધંધો શરું કરી શક્યો હતો. પણ મારી એક નબળાઈ મારા આડે આવી હતી.

નાના મોટા ફાયદા માટે હું ગેર કાનૂની હરકત કરતાં અચકાતો નહોતો. સરકારી પ્રમાણ પત્ર જોડે ચેડાં કરતાં અચકાતો નહોતો. આ ને લઈ ને ક્યાંક ફસાઈ જવાનો ભય સદાય માથે તોળાતો હતો.

મારા સારા નસીબે મારો ધંધો પણ સારો ચાલતો હતો. તેને હું મારી આવડતનું ફળ માનતો હતો. વળી હર કોઈના હસ્તાક્ષરની નકલ કરવી મારે મન રમત વાત હતી. તેનો પણ મેં સતત લાભ ઉઠાવ્યો હતો. તેનાથી હું ઘણું બધું પામ્યો હતો. પણ મારા આ કસબે મને મુશ્કેલીમાં આણી દીધો હતો.

સિંગાપોર થી એક કંસાઈન્મેન્ટ ક્લિયર કરવા માટે ત્યાંની બેંકે અસલ દસ્તાવેજ મોકલી આપ્યા હતા. તે માર્ગમાં ક્યાંક ગુમ થઈ ગયા હતા.

ઇન્દિરા ગોદીમાં સ્ટીમર પણ લાંગરી ચૂકી હતી. બાકીના આયાત કારોએ પોતાનો માલ ક્લિયર કરાવી લીધો હતો. જ્યારે મારો માલ દસ્તાવેજી પુરાવાના અભાવે બોન્ડેડ વેર હાઉસ માં હવા ખાતો હતો.

સ્થાનિક બેંકે સિંગાપોર પાર્ટી નો સંપર્ક કરી ડુપ્લીકેટ દસ્તાવેજ મોકલવાની સૂચના આપી હતી. પણ કોઈ રુકાવટ ખડી થઇ હતી..

બાળપણથી જ મને ધાર્યું કરવાની આદત પડી ગઈ હતી. મારામાં ધીરજનો સતત અભાવ હતો.

એક તરફ ડેમરેજ નો આંકડો વધતો જતો હતો.

માલની કિંમત પણ બજારમાં ઘટી ગઈ હતી.

માલ ઘરમાં રાખવો પાલવે તેમ નહોતો.

ગમે તે ભોગે માલ છોડાવવો જરૂરી હતો.

ત્યારે મારૂં સિકસ્થ સેન્સ મારી કુમકે આવ્યું હતું.

ગેરેન્ટી માર્જિન ની રકમ બચાવવાં મેં સઘળા કાયદા કાનૂન રવાડે ચઢાવી બેંકનો રબર સ્ટેમ્પ બનાવરાવી મેનેજરની સહી પણ કરી નાખી. પણ હું ક્યાંક થાપ ખાઈ ગયો. મારી પોલ પકડાઈ ગઈ. અને ફોજદારી ગુનો કરવા બદલ બેંકે મારી વિરુદ્ધ કેસ દાખલ કર્યો.

મેં મારી જાતને બેન્કરપ્ત જાહેર કરી દીધી.

મારા સારા પૈસા સારી મિલ્કત વિદેશમાં રહેતા nana ભાઈને નામ કરી દીધી.

ત્યારે નાથાલાલે કોલેજ મિત્રના નાતે મને જામીન પર છોડાવ્યો હતો.

મને તેમનામાં ભગવાન ના દર્શન થયા હતા.

પણ હકીકત કાંઈ ઓર હતી.

તેમનો મેનેજર કામ છોડી ને જતો રહ્યો હતો.

આ જ કારણે તેમણે મને તેની જગ્યાએ ગોઠવી દીધો હતો.

મારી વિવશતાનો પૂરતો લાભ ઉઠાવવાની તેમની ગણતરી હતી.

તેમણે મને પોતાની કંપની માં આશરો આપ્યો હતો.

મને કોઈ સિગ્નેટરી પાવર્સ આપ્યા નહોતા.

તેમને મારી નિયત વિશે શંકા હતી.

તેમને પોતાની કંપનીનો વહીવટ ચલાવી શકે તેવા મારા જેવા માણસની જરૂર હતી.

તેમની ભલમનસાઈ મને આશ્રિત હોવાનો અહેસાસ કરાવતી હતી.

તેમની પણ ઈમ્પોર્ટ એક્સપોર્ટની પેઢી હતી. તેઓ બોલવામાં શુરા હતા. વચનો આપતાં હતા. પણ તેનું પાલન કરવું જરૂરી માનતા નહોતા. આ જ કારણે આગળો મેનેજર કામ છોડી જતો રહ્યો હતો. બેંક વ્યાજ સિવાય તેમને કોઈ દિલચસ્પી નહોતી.

ભાઈને મોકલેલા પૈસા તેમ જ સારી મિલ્કત ભાઈ હડપ કરી ગયો હતો. હું તેની સામે કાંઈ જ કરી શકતો નહોતો.

હું મારી રચેલી જાળમાં ખુદ ફસાઈ ગયો હતો.

હું અતિશય વ્યસ્ત રહેતો હતો. આ જ કારણે હું ઉષ્મા ને પૂરતો સમય આપી શક્યો નહોતો. મારા કારણે તે નારાજ જરૂર રહેતી હતી. પણ તેણે કદી કોઈ ફરિયાદ કરી નહોતી. તે મારી સઘળી આદતોથી વાકેફ હતી. શરૂઆતમાં તેણે મને રોક્યો હતો. પણ હું મારી મરજીનો માલિક હતો. તેની કોઈ વાત માનતો નહોતો.

તે કાંઈ બોલે તો હું તેને " સ્ત્રીની બુદ્ધિ પાનીએ " કહી તેની અવહેલના કરતો હતો.

તે સુખ શાંતિનો રોટલો ચાહતી હતી.

મારી આદતો ક્યારેય મને મોટી મુસીબતમાં ધકેલી દેશે તે વાતનો મને ડર લાગતો હતો.

" ભેંસ ના શીંગડા ભેંસ ને ભારી " કહી તેણે મને કાંઈ પણ કહેવાનું છોડી દીધું હતું.

જામીન પર છૂટ્યા બાદ મારો અને ઉષ્મા નો ઝધડો થઈ ગયો હતો. મેં ગુસ્સામાં આવી જઈને ઢીબી નાખી હતી. અને તે રિસાઈને ઘર છોડી ગઈ હતી.

મેં પણ તેને પાછા લાવવાની કોશિશ કરી નહોતી.

વાંદરો ક્યારેય ગુલાંટ ક્યારેય ભૂલતો નહોતો. નાથાલાલ આ વાત જાણતા હતા. તેથી જ મને સિગ્નેટરી પાવર્સ આપ્યા નહોતા. વાસ્તવમાં હું કોઈ કાગળ પર સહી ના કરું તે મારા હિત માં હતું. છતાં એર કન્ડિશન્ડ ઓફિસ માં મોટી ખુરશી પર બેસતા હોવા છતાં મને કોઈ પાવર્સ નહોતા. આ વાત કીડી જેવા ચટકા ભરતી હતી. બાકી સહી બદલવી મારે માટે રમત વાત હતી.

હું પ્રતિષ્ઠિત સ્થાન બદલવા માટે મારૂં નામ પણ બદલવા તૈયાર હતો. પણ નાથાલાલ શું ધારશે?

આ ખ્યાલે હું તેમને કહી શક્યો નહોતો.

ગુનેગાર નું માનસ અત્યંત પોકળ હોય છે. તેનો મેં પ્રતિપળ અહેસાસ કર્યો હતો.

ખુરશી ને કારણે મારી હાથ નીચેના માણસો ને હું ફાવે તેમ નચાવી શકું તેમ નહોતો. સ્ટાફના માણસો સાથે હું જરૂરત પ્રમાણે જ વાતચીત કરતો હતો.

મારે મન અસ્તિત્વ જ મહત્વ ધરાવતું હતું. તેથી હું નાથાલાલ નો ખાંધિયો હજુરિયો બની ને રહી ગયો હતો. ખુરશી એ મારા અહમને પોષવામાં અહમ ભૂમિકા નિભાવી હતી.

સ્ટાફ ના માણસો મારી કેબિન માં પગ દેતા ફફડતા હતા. તેમના શોષણ નો જાણે મને ઓ જી એલ પરવાનો મળી ગયો હતો. લાચાર માણસોને સતાવવામાં મને આનંદ મળતો હતો.

પણ કુમારના આગમને પરિસ્થિતિમાં અણધાર્યો પલટો આવી ગયો હતો. તે મારાથી હોશિયાર હતો. તે વાત હું સ્વીકારવા તૈયાર નહોતો. તેને પછાડવા મથી રહ્યો હતો.
પણ તે મારાથી બે કદમ આગળ હતો.

નીડરતા તેનો સૌથી મોટો ગુણ હતો. તે મને નાથાલાલનો આશ્રિત માનતો હતો. હું પણ જાણતો હતો. મારૂં સ્ટેટ્સ કંપની માં એક આશ્રિત નું જ હતું. છતાં આ વાત હું સ્વીકારી શકતો નહોતો

કુમારની આવી કોઈ ટકોરે હું મૂછમાં મલકાતો હતો.

એક આશ્રિત અન્યની દયા પર જ જીવતો હોય છે. તેને પોતાની કોઈ આઝાદી નથી હોતી. છતાં મેં ધાર્યું હોત તો નાથાલાલ ને મારી અત્યંત ગરજ હતી. હું ધાર્યું કરાવી શક્યો હોત. પણ હું કેવળ મારો જ વિચાર કરતો હતો. હું એકલપેટો હતો.

કુમાર બહું જ સીધો સાદો, સહહૃદયી હતો. પોતાનું કામ બરાબર જાણતો હતો. પોતાની જવાબદારી પ્રત્યે અત્યંત સભાન હતો.

છતાં શરૂઆતમાં કયું કામ તેણે કરવું? કયું મારે?

તે વિશે હું દ્વિઘા અનુભવતો હતો.

કુમાર પણ તેની જવાબદારી વિશે સ્પષ્ટ નહોતો. આ નો ફાયદો ઉઠાવી મેં નાથાલાલ અને તેમના સપુતો ના કાનમાં ઝેર રેડવાની ચેષ્ટા કરી હતી.

તેનામાં મારી જગ્યાએ કામ કરવાની પૂર્ણ ક્ષમતા હતી. આ વાત હું ઝીરવી શકતો નહોતો. તે એક પ્રતિસ્પર્ધીની માફક ખૂંચતો હતો.

હું વાતવાતમાં તેણે નીચું જોવડાવતો હતો.

તે બિલ્કુલ સ્પષ્ટ વક્તા હતો. તેણે એક વાર મારૂં તોડી લીધું હતું.

" તમે ખુદ ગરજ છો. મતલબી છો. માત્ર કામ સાથે જ મતલબ ધરાવો છો. પગાર વધારાના ટાણે મૂડી નીચે કરી દો છો. પણ એક હાથે તાળી પાડી શકાતી નથી. તમારા જેવા અહમવાદી કદાચ પ્રયત્ન કરે. પણ તેથી હાથ ને નુકસાન થાય છે. તેના શબ્દો આ જ દિન લગી મારા કાનમાં હથોડા મારી રહ્યાં છે. "

તલવાર ના ઘા રૂઝાઇ શકે છે. પણ શબ્દનો ઘા રૂઝાતો નથી.

કંપની નો મુખ્ય વહીવટ કર્તા હું જ હતો. તેનું મને અત્યન્ત ગુમાન હતું. મને એકલા ને જ સઘળી ફિકર ચિંતા હોવાનો હું ડોળ કરતો હતો. નાથાલાલ ના સપૂતોના દિમાગમાં આ વાત ઠસાવવા મથતો હતો. પણ તેમને પણ મારા વિરુદ્ધ ફરિયાદ હતી. તેમણે જ કુમારના મોઢે કહ્યું હતું. ત્યારે તેણે સાફ શબ્દોમાં તેમને સુણાવી દીધું હતું.

" મોહનભાઇ મારા દુશ્મન નથી. તમે સઘળી વાતો જાણો છો. તમારે જ તમારા ડેડીને વાત કરવી જોઈએ.. વ્હાય આઈ શૂડ બીકમ એ કોઝ? "

હું આ વાતથી પહેલા અજાણ હતો.

મેં નાથાલાલ ના મગજ માં તેના વિરુદ્ધ ઝેર ભરવાની કોશિશ કરી હતી ત્યારે તેમની ઉપસ્થિતિ માં જ કુમારે મારૂં મોઢું તોડી લીધું હતું.

" યુ કેન નોટ એક્સપેક્ટ એની થીંગ એટ એની ટાઈમ! "

કુમારના શબ્દોએ મારૂં અહમ ખંડિત કરી દીધું હતું.

છતાં હું મારી હાલત કબૂલવા તૈયાર નહોતો. કુમારનો સામનો કરવાની મારામાં ક્ષમતા નહોતી. આથી હું પીઠ પાછળ ઘા કરવાની ઘૃષ્ટતા કરતો હતો.

શરૂઆત ના દિવસોમાં કુમારે મને બરદાસ્ત કરી લીધો હતો. મેં તેનો આત્મ વિશ્વાસ રૂંધવાની દિશામાં કોઈ મણા રહેવા દીધી નહોતી.

પણ બહું જ જલ્દી તે મારો મકસદ પામી ગયો હતો.

હું તેને આગળ વધવાની દિશામાં અંતરાય ખડા કરતો હતો.

તે જાણી કુમારના હૈયે હુતાશન ભડકવા લાગ્યો હતો.

સારો વહીવટ કર્તા કોને કહેવાય? કુમાર તે જાણતો હતો.

જયારે હું અધકચરા જ્ઞાન ને સંપૂર્ણ ગણી વાનર કુદકા મારી રહ્યો હતો.

નસીબ ને કારણે મળેલા સ્થાને મને છકવી દીધો હતો.

સારૂં જગત જાણે મારી મુઠ્ઠીમાં કેદ થઈ ગયું હતું.

કામ કરવાની કોઈ સ્પષ્ટ પોલિસી કે modus operandi નહોતી. આ જ કારણે મારા કામમાં અનેક વિધ્નો ખડા થતાં હતા.

સ્ટાફમાં હર કોઈ મારી કાર્ય પદ્ધતિથી નારાજ હતું. પણ મારી ખુરશી તેમને કાંઈ બોલવા દેતી નહોતી.

પણ કુમાર અલગ માટીનો નીકળ્યો. બહું જલ્દી તેણે સ્ટાફ સભ્યોની લાગણી જીતી લીધી હતી. તેના હૈયે સમગ્ર માનવ જાતિ પ્રતિ લાગણી ધબકતી હતી. તે બોસિંગ માં વિશ્વાસ ધરાવતો હતો. આ જ કારણે સૌ કોઈ તેને માનતું સન્માનતું હતું.

જેને હું વફાદારી માનતો હતો. તે વાસ્તવમાં એક બાહ્ય આડંબર હતો. છતાં હું સખત કામ કરવાનો ડોળ કરતો હતો.

શરૂઆતમાં નાથાલાલ અને તેમના સપૂતોએ કુમાર સમક્ષ મારા ગુણગાન gaya હતા.

નાથાલાલે કુમાર સમક્ષ સલાહ આપી હતી :

" મોહનભાઈ પાસે ઘણું જ કામ છે. તમારે તેમને મદદ કરવી જોઈએ. "

ત્યારે કુમારે રોકડું પરખાવી દીધું હતું :

" જ્યાં સુધી તેઓ પોતાની કાર્ય પદ્ધતિ નહીં બદલે ત્યાં સુધી કોઈ જ તેમને મદદ નહીં કરી શકે. "

કુમારનો ઝડબેશલાક જવાબ સાંભળી નાથાલાલ દિગમૂઢ થઈ ગયા.

કુમારે પરિસ્થિતિ નો સાચો નિચોડ સૂચવ્યો હતો. પણ તેઓ આ વાત માનવા તૈયાર નહોતા. નાથાલાલ અને તેમના સપુતો ની આંખે મેં પાટા બાંધી દીધા હતા. તેઓ હું કહું તે જ માનતા હતા :

હું એકલો જ કામ કરું છું. મને જ સઘળી ફિકર ચિંતા છે. શકટનો ભાર જેમ શ્વાન તાણે તેવી હાલત હતી. આ મનોવૃત્તિ ને કારણે અન્યનો આત્મ વિશ્વાસ રૂંધાઈ જતો હતો. તે જાણવા વિચારવાની મને કોઈ જરૂર કે ફુરસદ નહોતી.

મારા આવા અભિગમ પ્રત્યે કુમારે પડકાર ફેંક્યો હતો. નાથાલાલ અને તેમના સપૂતોને સજાગ કર્યા હતા. કિંતુ તેમને નાની નાની વાતો માં મારી જરૂરત પડતી હતી. આથી તેમણે કુમારની ફરિયાદ ને દયાનમાં લીધી નહોતી. આથી મારા અહમને પોષણ મળતું હતું.

કુમાર ઉતાવળથી કામ બગડે છે. એ વાત માનતો હતો. આથી તે શાંતિથી દરેક કામ નિપટાવતો હતો. જેને મેં ગો સ્લો પોલિસીનું લેબલ ચોટાડ્યું હતું.

કેટલા સમયથી અમારી વચ્ચે કોલ્ડ યુદ્ધ જારી હતું. છતાં બંને વચ્ચે બુનિયાદી તફાવત હતો. કુમાર મોઢેમોઢ કહી શકતો હતો જયારે હું એક આશ્રિત પીઠ પાછળ ઘા કરવામાં માહેર હતો. નાથાલાલની નજરમાં તેને નીચે પાડવાની કોશિશમાં હું ખુદ ઉઘાડો પડતો હતો. તેનાથી અજાણ મેં આગેકૂચ જારી રાખી હતી. પણ કુમાર મારો ગુરુ હતો. વહીવટ કર્તા ના નાતે મળેલા અધિકારોને જાળવવા માટે વ્યક્તિ એ ભોગ આપવો પડે છે. મારૂં સ્વમાન ટકાવી રાખવાની આંધળી દોટ મને જ ભારે પડતી હતી. તે વાત હું મોટી ખુરશી પર બેસી સમજી શક્યો નહોતો.

હું એક તરફી હતો. માત્ર કામ સાથે જ મને નિસ્બ્ત હતી. સ્ટાફના પ્રશ્નોની મને કોઈ જ ફિકર ચિંતા નહોતી. છતાં માણસને પગાર આપીએ છીએ તો તેનો જેટલો કસ કઢાય તેટલો કાઢી લેવો. હું પણ એ જ વિચાર ધારામાં વહ્યો જતો હતો.

નાથાલાલ સમક્ષ મેં કુમારને ભોઠો પાડવાની કોશિશ કરી તો તેણે મારૂં મોઢું તોડી લીધું હતું.

" જે માનવી અન્યના સન્માનનો વિચાર કરતો નથી. તેને સન્માન મેળવવાનો કોઈ જ અધિકાર નથી. "

તેની વાત સાંભળી હું સમસમી ગયો હતો.

તેના જ અનુંસંધાનમાં એક વાર હું કેબિનમાં બેસી ચા નાસ્તો કરી રહ્યો હતો ત્યારે તેણે મને ફટકો માર્યો હતો :

" નાથાલાલના પગના તળિયા ચાટો છો પણ કંપની ના પૈસે ચા પણ પી શકતા નથી. આ તે કેવી વફાદારી? તેનો કેવો બદલો? "

હું કુમારને ભોટ મામો ગણતો હતો.. પણ તેને મારા ગોરખ ધંધાની ભાળ હતી.. પણ નાથાલાલ એન્ડ સન્સમાં એક બે વ્યકિત જ તે વાતના હમરાઝ હતા. તેમની જીભ બંધ રાખવા માટે ગજવા ભરવામાં આવતા હતા.

બાકી ઈમાનદારી કોઈ જ કામની નહોતી!

કંપના આવા વલણ પ્રત્યે કુમાર સદાય ધુંધવાયેલો રહેતો હતો.

કામના ભરના અંચળા હેઠળ મેં ક્યારેય આવી વાતો પ્રત્યે દયાન આપ્યું નહોતું. અને આડકતરી રીતે કુમારની કનડગત જારી રાખી હતી. તેના વિશે નાથાલાલના સપૂતોને ભડકાવવાની કોશિશમાં કોઈ જ મણા રહેવા દીધી નહોતી.

કુમારના પગલે સ્ટાફના મામૂલી કક્ષા ના માણસો પણ મને સાંભળતા નહોતા. હું અંદરથી બિલ્કુલ પોકળ થઈ ગયો હતો.

કુમારે મને ' મેડ મંકી કુંગ ફૂંગ ' નામ બક્ષ્યું હતું.

ઓફિસ ના એક ચપરાસી એ મને 'ખાબોચિયા નો દેડકો ' નામ આપ્યું હતું.

તેની આવી ટકોર સુણી હું મનોમન સળગી ઊઠ્યો હતો.

પૈસા ખાવાની મારી પુરાણી આદત નિશદિન રંગ બદલતી જતી હતી. દરેક સોદામા નાથાલાલ અને તેમના પુત્રોથી અજાણ મારો હિસ્સો રહેતો હતો. તે જ કારણે હું નાના મોટા બધા કામો કરવા ખડે પગ રહેતો હતો. સૌ કોઈ જાણતું હતું. પણ બિલાડી ને ગળે કોણ ઘંટ બાંધે?

કામકાજ ના સમયનો પોણો ભાગ મિટિંગ તેમ જ ફાલતુ ચર્ચા દલીલો માં વીતી જતો હતો. નાથાલાલ ના સપુતો મને પૂછયા વિના પાણી પણ પી શકતાં નહોતા.

Aa કારણે મારા ટેબલ પર કામોનો ઢગ ખડો થઈ જતો હતો. તેને નિપટાવવા મારે મોડી રાત સુધી ઓફિસમાં બેસવું પડતું હતું.

મેઁ નાથાલાલ ના સપુતો ને ધંધા ની આંટીઘૂંટી સમજાવવા ખુબ જ મહેનત કરી હતી. પણ તેઓ સચ્ચાઈ સમજવા જેટલા પરિપક્વ નહોતા.

તેઓ આંખ બંધ કરીને કોઈ પણ પેપરમાં સહી કરતાં હતા. મેં તે અંગે ટકોર કરી હતી :

" આપણે એર કન્ડિશન ઓફિસ માં બેસવા નથી આવતા! સહી કરતાં પહેલા બધા પેપર વાંચવા જોઈએ."

કુમારની હાજરીમાં મેં aa ટકોર કરી હતી. તેથી સપૂતનું અહમ ચકનાચુર થઈ ગયું હતું. તેણે પોતાના પિતા સમક્ષ મારી ફરિયાદ કરી હતી. અને નાથાલાલે મને આકરા શબ્દોમાં ટોક્યો હતો :

" તું મારો આશ્રિત છે. માલિક બનવાની કોશિશ ન કરતો."

ત્યાર બાદ મેં નાથાલાલ ના સપૂતો ને કાંઈ પણ કહેવાનું છોડી દીધું હતું.

કુમારના શબ્દો 'મેડ મંકી કુંગ ફૂં ' મારા કાળજે ભોંકાઈ રહ્યાં હતા. તેણે મને હાર્ટલેસ કહી નવાજયો હતો. તેથી જ મને એટેક આવ્યાની વાત માનવા તૈયાર નહોતો.

જો માણસ પોતાનું અહમ છોડી દે તો? સંસારના કોઈ પણ અદના માણસ પાસેથી ઘણું બધું શીખી શકે છે!! કુમાર અને મારી વચ્ચે સદૈવ અથડામણની સ્થિતિ ઊભી થતી હતી. હું સતત તેના માર્ગમાં અવરોધો ખડા કરતો હતો. છતાં બીમારી ટાણે તે જ સૌથી પહેલો મારા ખબર અંતર પૂછતો હતો.

હું બિલ્કુલ self ચેન્રેડ હતો. અતીત સતત મને પરેશાન કરી રહ્યો હતો. એક વાર કુમાર સાથે ચડભડ થતાં તેણે મારા અતીત ને છંછેડ્યો હતો. તે મારા વિશે બધું જાણતો હતો.

કદાચ મારાથી નાનકડા માણસો જોડે સદ્દભાવ કેળવ્યો હોત તો? તેમના સન્માન ની પરવા કરી હોત તો? કદાચ હું મારા કડવા અતીતની યાદોથી છુટકારો મેળવી શક્યો હોત. પણ ખુરશી નો નશો મને ઉલટી દિશામાં ધકેલી રહ્યો હતો.

કુમારની ભરતી બાદ થોડા જ સમયમાં શિલ્પા નામની એક છોકરીની નાથાલાલે પોતાની અંગત સેક્રેટરી તરીકે નિમણુંક કરી હતી. તેમના સપૂતો બહું જ જલ્દી તેના લટ્ટુ બની ગયા હતા. ખુદ નાથાલાલ પણ તેને શૈયા સંગિની બનાવવા ઉપરતળે થઈ રહ્યા હતા.

હું પણ તેના રૂપનો આશિક બની ગયો હતો.

ઉષ્મા સિવાય મેં અન્ય કોઈ સ્ત્રીને મારી જિંદગીમાં દાખલ થવા દીધી નહોતી. શિલ્પાની જોબનવંતો યૌવન ઉભાર મને લલચાવતો હતો.

હર કોઈ તેને પામવાની રેસમાં અગ્રેસર હતું. પણ શિલ્પા એ કોઈને કોઠું આપ્યું નહોતું.

નાથાલાલે ખુલ્લેઆમ તેને કહ્યું હતું :

" તારી પહેલાની છોકરી તો શોખ થી અમારી ભેગી સૂતી હતી! "

તેમની આવી નફ્ફટાઇ ભરી વાત સુણી તે ભડકી ગઈ હતી.

તે નોકરી છોડી દેવા તૈયાર થઈ ગઈ હતી.

પણ કૌટુંબિક લાચારી એ તેના પગમાં ઝંજીર પહેરાવી દીધી હતી.

કુમાર તેની સાથે હતો.

તે શિલ્પા ની પરિસ્થિતિથી વાકેફ હતો. તેના હૈયે શિલ્પા પ્રતિ કૂણી લાગણી ધબકતી હતી. તેનો નૈતિક સથવારો હતો.

બંને એકમેક ને પસંદ કરવા લાગ્યા હતા.

એક વાર હું કંપની ના કામે બહાર જઈ રહ્યો હતો. ત્યારે વિઝીટર કક્ષમા ટેલિફોન ઓપરેટર પાસે ઊભી રહીને કુમારનો જોક માણી રહી હતી.

એક નોકરિયાત યુવતીએ એક સાથે ત્રણ બાળકોને જન્મ આપ્યો હતો.

તે બદલ કોઈએ ટકોર કરી હતી :

" બહેન ટાઈપિસ્ટ છે અને સદૈવ વન પ્લસ ટુ કોપી કાઢે છે. "
તેમની વચ્ચે ની આત્મીયતા નિહાળી મારા પેટમાં તેલ રેડાયું હતું. અહીં પણ તે મારો પ્રતિસ્પર્ધી બની ગયો હતો.

મારી જોડે ટેક્સી માં બેસવાનો ઇન્કાર કરતી શિલ્પા પગે ચાલીને સ્ટેશન સુધી જતી હતી. તે જોઈ હું અદેખાઈની આગમાં બળી રહ્યો હતો.

તેમની સગાઈ થઈ ગઈ હતી.

એક અઠવાડિયા માં બંનેના લગ્ન પણ થવાના હતા. ત્યારે મારૂં સિકસ્થ સેન્સ મારી કુમકે આવ્યું હતું.

મેં કુમારના પિતાને નનામો પત્ર લખી શિલ્પા ના ચરિત્ર વિશે મનઘડત વાતો લખી હતી.

" શિલ્પા બદચલન છે! "

જાણી કુમારે સગાઈ તોડી નાખી.

આ સ્થિતિ માં શિલ્પા એ મોતને વહાલું કરી લીધું.

કુમારથી અળગી કરી સહાનુભૂતિ નો ડોળ કરી તેને અપનાવી લેવાની મારી યોજના ધૂળમાં મળી ગઈ.

તેના મોત બદલ કુમારને સચ્ચાઈ ની જાણ થઈ. તેના હૈયે મારા પ્રતિ પ્રતિશોધની આગ ભડકી ઊઠી.

તે દેવદાસ બની ગયો હોત.

પણ મારી અસલિયત જાણી તે મને પાઠ ભણાવવાનું નહીં છોડે.

મારી ભીતર એક ભય ઘર કરી ગયો હતો.

કંપની ના be નંબર ના લગભગ 40 લાખ રૂપિયાની વસૂલી માટે હું મદ્રાસ ની જાણીતી પેઢી પાસે ગયો હતો

પાર્ટી પાસે ઊંચા ભાવે ખોટા બિલ્સ બનાવી ચેક દ્વારા ભૂગતાન કરવામાં આવતું હતું. અને પછી સાચા ભાવ ઉપરાંતની રકમ રોકડેથી પાછી લેવામાં આવતી હતી.

આ કારણે ચોપડો સદૈવ ખોટ દેખાડતો હતો. અને be નંબર ના પૈસા તિજોરી માં જમા થતાં હતા!!

નાથાલાલ ના સપૂતો માં સેક્યો પાપડ ભાંગવાની પણ ક્ષમતા નહોતી. ધંધાદારી સૂઝ તેમનાથી કોસો દૂર હતી.

હકીકત કાંઈ ઓર હતી. પુત્રોને ધંધામા કોઈ દિલચસ્પી નહોતી. ઈચ્છા ના હોય તો શું થાય?

તમે ઘોડાને પાણી પીવા નદીએ લઈ જઈ શકો. પણ તેને પાણી જ ના પીવું હોય તો કોઈ શું કરે?

પરાણે ખીલે તો બંધાયા પણ ધંધામાં તેમની ચાંચ ક્યારેય બૂડી નહીં.

આ જ કારણે પૈસાની લેવડદેવડ નો કાર્ય ભાર મારા માથે હતો. મને તેમા મલાઈ ખાવા મળતી હતી

પૈસા મળી ગયાની વાત સુણી કુમારે જ સી બી આઈ પલટણને સાબદા કરી દીધા હતા.

તેઓ મારી પાછળ હતા. આ વાતની નાથાલાલ ને જાણ થઈ ગઈ હતી. છતાં પણ તેઓ પૈસા માટે ઉપરતળે થઈ રહ્યાં હતા.

મને પણ સારી મલાઈ મળતી હતી. આ વાત પણ તેઓ જાણી ગયા હતા. પૈસા ની વસૂલી દ્વારા વર્ષે દહાડે મારી તિજોરી માં જમા થઈ જતાં હતા.

આ જ કારણે હું ' નાથાલાલ એન્ડ સન્સ 'ને વળગી રહ્યો હતો.

નાથાલાલે તાત્કાલિક વિમાન પકડી મુંબઈ પહોચવાનો આદેશ આપ્યો હતો :

તેમની વાતોમાં શક ની દુર્ગંધ આવી રહી હતી.

મારી પાછળ સી બી આઈ ના કૂતરા પડી ગયા હતા. તે જાણવા છતાં તેમણે ઠંડે કલેજે મને સૂચના આપી હતી :

" કૂતરાઓને બટકું રોટલો નાખી આવી જા! "

કંઈ અણધાર્યુ થવાના ખ્યાલે હું ફફડી રહ્યો હતો.

મેં પહેલી વાર ઈશ્વર નું સ્મરણ કર્યું હતું.

ફ્લાઇટ ને બદલે મદ્રાસ થી ટ્રેન માર્ગે ફર્સ્ટ કલાસમાં મારી મુસાફરી નો પ્રારંભ કર્યો હતો.

અને બીજે જ સ્ટેશને સી બી આઈની પલટણ મારા કંપાર્ટમેન્ટ માં ઘૂસી આવી હતી. તે જોઈ મારા મોતિયા મરી ગયા હતા.

મારા હાથમા એક બ્રીફ કેસ હતી. તે જોઈ એક અધિકારી એ સખ્તાઈ થી સવાલ કર્યો.

" આ માં શું છે? "

" રોકડ નાણાં છે! "

" કેટલા છે? " બીજો સવાલ પુછાયો

" 20-25 હજાર હશે! "

જવાબ આપવામાં મારૂં સિક્સઠ સેન્સ માર ખાઈ ગયું.

મારા ટાંટિયા ઢીલા થઈ ગયા.

45 લાખ રૂપિયા અને બે નંબર ના હિસાબના કાગળિયા નિહાળી સી બી આઈ પલટણ ચકિત થઇ ગઈ. તેમણે સીધી રીતે રહસ્યનો તાગ મેળવવાની કોશિશ કરી. મેં દાદ ન આપી તો વોરન્ટ બતાવી મને મદ્રાસ ના પોલીસ થાણે લઈ જવામાં આવ્યો. મારા પર અનેક નુસખાની અજમાયેશ કરવામાં આવી. પણ હું એકનો બે ન થયો. અને મારા પર થર્ડ ડિગ્રી નો ઉપયોગ કરવામાં આવ્યો.

ટોર્ચર ચેમ્બર મારા કપડાં ઉતારી લઈ 24 કલાક બરફની લાદી પર સુવડાવવામાં આવ્યો. મોત આંખ સામે ડોળા કાઢી રહ્યું હતું. ન જાણે કઈ શક્તિ કામ કરી રહી હતી. હું તદ્દન ફ્રિજ થઈ ગયો હતો.

ત્યાર બાદ મારા ગુપ્ત અંગોમાં મરચાની ભૂકી નાખવામાં આવી હતી. એટલુંજ નહીં પણ મારા નગ્ન દેહને સાકરના પાણીથી નવડાવવામાં આવ્યો હતો. પરિણામે સમગ્ર દેહ પર કીડીઓની વણ તૂટી વણઝાર ડિસ્કો ડાન્સ કરવા માંડી હતી.

સહન શક્તિ જવાબ દઈ રહી હતી.

હું રાડ પાડી રહ્યો હતો.

અને તેઓ નિર્દય બની મરચા ની ભૂકીનો પ્રયોગ દોહરાવી રહ્યાં હતા.

તે જ વખતે શિલ્પા નો નિર્દોષ ચહેરો મારી આંખો સામે તરવરી રહ્યો હતો.

" સાલ્લા -લંપટ -બદમાશ એ જ દાવનો છે. "

તેના ચહેરા પર વિજયી સ્મિત ઝળકી રહ્યું હતું.

મારી આ અવદશા નિહાળી કુમાર કેવું feel કરતો હશે?

તેણે જ મારી અવદશા માં અહમ ભૂમિકા નિભાવી હતી.

હું સઘળું જાણી ચુક્યો હતો. કદાચ આ મારી ભ્રમણા હતી યા તો એક રીઢા ગુનેગારના માનસનું પ્રતિબિંબ હતું.

નાથાલાલના પૈસા કુમારની પહોંચને કારણે જ પાછા આવ્યા હતા. તેનું તેને વળતર મળ્યું હતું. નાથાલાલે તેને મારી જગાએ ગોઠવી દીધો હતો.

હું મારી હરકતોથી પસ્તાઈ રહ્યો હતો. મારો પસ્તાવો નિહાળી ઉષ્મા સઘળું વિસરી ગઇ હતી.

મેં એક દાયકાથી પણ અધિક નાથાલાલની કંપની નું એક બાળકની જેમ રખોપુ કર્યું હતું. તેને હર કોઈ આફત યા મુશ્કેલીમાંથી ઉગારી હતી. છતાં સઘળું ભૂલી મારા પેટ પર પાટુ માર્યું હતું.

ત્યારે ઉષ્મા નો પૂર્વાગ્રહ હકીકત બની મારી સામે ઘૂરકી રહ્યો હતો.

" સાલ્લાઓનો કોઈ જ ભરોસો નહીં. ચમડી તૂટે પણ દમડી ન છૂટે.પોતાના કામ માટે હજારો રૂપિયાનું આંધણ કરી નાખે પણ જરૂરત મંદ લોકોને ફૂટી કોડી પણ ન પરખાવે. "

મારી તબિયત ના ખબર સુણી કુમાર ફૂલોનો ગુચ્છો લઈ મારા ખબર અંતર પૂછવા હોસ્પિટલ માં આવ્યો હતો. તેના ચહેરા પર સ્મિત ઝળકી રહ્યું હતું.

મેં તેને પછાડવામાં કોઈ કસર બાકી છોડી નહોતી. હવે વિશેષ કાંઈ કરવાની કોઈ ગુંજાઇશ બચી નહોતી. તેની બોડી લેન્ગવેજે મારા ભીતર સળગી રહેલી પ્રતિશોધની આગ બુઝાવી દીધી.

શિલ્પા ના મોત બાદ તે નાથાલાલની કંપની ને અલવિદા કરવા માંગતો હતો. પણ તે મારી સામે બદલો લેવા કટિબદ્ધ હતો. તે નાથાલાલ અને તેમના સપૂતો સમક્ષ પોતાની કાબેલિયત સાબિત કરવા માંગતો હતો.

આ જ કારણે તેણે ઝેરના અનેક ઘૂંટડા પીધા હતા.

તેણે ઉષ્મા ના હાથો માં બે કાગળ મુક્યા. તે જોઈ મારો શ્વાસ થંભી ગયો.

જરૂર મારા પાણીચાની વધામણી હશે. તે વિચારે હું અસલામતી અનુભવવા માંડ્યો

પણ ઉષ્મા એ કરેલા ઘટસ્ફોટ થી હું ચિંતામુક્ત બની ગયો હતો.

કુમારે નાથાલાલ એન્ડ સન્સ ને ગુડ બાય કરી દીધું હતું.

તેના કાગળની એક નકલ હતી.

અને બીજો એપોઇન્ટમેન્ટ લેટર હતો.

તેને એક પ્રતિષ્ઠિત કંપની માં મારાથી અનેક ગણો જોબ મળી ગયો હતો.

તેને કારણે જ 48 કલાક ની અંદર નાથાલાલ ને પૂરા પૈસા મળી ગયા હતા.

નાથાલાલે તેને મારી જગ્યા સંભાળવાની ઓફર કરી હતી જે તેણે ઠુકરાવી દીધી હતી. તેને મારી ખુરશી નો કોઈ મોહ નહોતો.

નાથાલાલ એન્ડ સન્સ નો કોઈ ભરોસો નહોતો. તેમના સપૂતો ની બિનઆવડત ને કારણે કંપની ને ક્યારે પણ તાળા લાગી શકે તેમ હતા.

આ જ કારણે તેના મિશનની સફળતા બાદ તેણે રાજીનામુ આપી દીધું હતું.

પૈસા મળી ગયા ની વાત સુણી મારા માથે થી મોટો ભાર ઊતરી ગયો હતો.

હું હર્ષોનમન્ત બની કુમાર ને ભેટી પડ્યો.

ત્યારે મોત પણ ભળતે બારણે આવી ગયાનો અફસોસ માણતું દૂર ભાગી ગયું.

0000000000000

આ વાર્તા ના શીર્ષક જોડે પોસ્ટ કરેલ ફોટો માત્ર symbolical છે તેને અને હયાત વ્યકિત જોડે કોઈ જ સંબંધ નથી