Featured Books
શ્રેણી
શેયર કરો

બર્બરકજિષ્ણુ - જયસિંહ સિદ્ધરાજ - ભાગ 39 - છેલ્લો ભાગ

૩૯

એકાકી કેશવ!

રાતે કેશવને મહારાજે જે કહ્યું તેથી એણે આશ્ચર્ય થયું હતું અને ધ્રાસકો પણ પડ્યો હતો. આશ્ચર્ય એટલા માટે કે હજી દેવડીએ જૂનોગઢનો ગિરનારી દરવાજો પણ જોયો નહિ હોય એટલી વારમાં જુદ્ધ જૂનોગઢ પહોંચી ગયું! એણે મહારાજની કાલની આજ્ઞા સાંભરતી હતી. અત્યારમાં એ મહારાજને મળવા જવાનો હતો. પણ એને લાગ્યું કે મુંજાલ મહેતો આ તક એને મળી છે એનો લાભ ઉઠાવ્યા વિના નહિ રહે. એ એણે મહારાજના સાંનિધ્યમાંથી હવે ચોક્કસ ખસેડવાનો. મહારાજ એને સોરઠી સેનાપતિ નીમે તોય એને સંતોષ થાય. પણ વસ્તુસ્થિતિ એને જુદી જ લાગી. તેણે પોતાના સર્વનાશ માટે તૈયાર થઈને જ રાજદરબારમા જવાનો નિશ્ચય કર્યો. એ ભલે પડ્યો, પણ એણે પાટણના સર્વનાશનું બીજ દૂર કર્યું હતું. એની માન્યતા પ્રમાણે એણે મહારાજને શાશ્વત અશાંતિના પંથેથી વાળી લીધા હતા. એણે વિચાર કર્યો – એને રુદ્રશર્માની વાત યાદ આવી. કદાચ દેવડીની વાત નીકળશે – રુદ્રશર્મા જેવાનો ટેકો હોય તો મહારાજનું મનદુઃખ ઓછું પણ થાય. તેણે જતાંજતાં રુદ્રશર્માની ખડકીમાં દ્રષ્ટિ કરી.

પંડિતજી અત્યારમાં જ ટીપણાં ઉખેળીને ઓટલા પર બેસી ગયા હતા. શુક્ર, ચંદ્ર, મંગળ ને શનિ ત્યાં હાજર થઇ ગયા હતા. પોતે તેમાંના એક હોય તેમ પંડિત તેમની સાથે વાતો કરતા હતા.

‘કેમ, પંડિતજી! આજ તો અત્યારમાં – ’

પંડિતજીને તે દિવસે કેશવ નાયક આવ્યા હતા તે યાદ આવ્યું. પોતાની કસોટીમાં પોતે સો ટચની રેખા મેળવી હતી તે પંડિતને તરત યાદ આવી ગયું: ‘કેમ નાયકજી! હવે તો સોરઠી સેનાપતિ કે? ત્યાં જૂનોગઢમા પણ અમારા એક જ્યોતિષી છે હો! કેમ, અમે કીધું એમ જ થયું નાં? જુદ્ધની રણભેરી વાગી કે નહિ? વાગી નહિ હોય તો વાગશે. પણ એ બધું એનું એ નાં?

‘પણ તમે કહ્યું હતું લક્ષ્મીદેવીનું –’

‘આ રહ્યું!’ પંડિતજીએ ટીપણું આગળ ધર્યું, ‘યશરેખા, કીર્તિરેખા, વૈભવરેખા – એક પણ રેખા મોળી નથી.’

‘ત્યારે ચાલો ને આજ, થાય છે હિંમત? મહારાજે તેડાવ્યો છે ને હું જાઉં છું. અત્યારમાં એકલા હશે. વખત જોઇને વાત મુકાશે. ભગવાન કરે તો સૌ સારાં વાનાં થાશે – વખત છે ને મહારાજને અસર થાય!’

રુદ્રશર્માને તો એ જ જોઈતું હતું. એનો એ રીતે રાજદરબારમા પગપેસારો થતો હતો. રાજમાતાએ તો ક્યારનું કહેવરાવ્યું જ હતું. એમાં આજ જો તક મળી જાય તો પછી પોતે પાલખી વિના ક્યાંય જાય નહિ તો!

રુદ્રશર્મા કેશવની પડખે પાલખીના સ્વપ્નાં રાચતો ચાલ્યો. કેશવના અંત:કરણમા ગ્લાનિ હતી. મહારાજે એને કાલે જે આજ્ઞા આપી હતી, એનો રણકો સ્પષ્ટ હતો. મુંજાલે દાદાક મહેતાને કચ્છમાં રાખ્યા હતા. મહાદેવને કર્ણાવતી કાઢ્યો – એ વાત તો કેશવને હાથે જ થઇ હતી, પણ એ વખતે એ નર્યો યોદ્ધો જ હતો. સાંતૂનું કોઈ મહત્વનું સ્થાન આજે ન હતું. પરશુરામને તેડાવીને સોરઠી સેનાપતિ નીમવાની એણે નેમ રાખી હતી. પોતે એક જ મહારાજના સાંનિધ્યનો – એમના વિશ્વાસુ મિત્ર જેવો હતો. એટલે પોતાના ઉપર એ ઘા કર્યા વિના નહિ રહે. પોતે જે વાત કહેશે તે અત્યારે ઊડી જાશે. મુંજાલની વાત બોરડીના કાંટાની પેઠે વધારે ઊંડો પ્રવેશ કરશે. એ મહારાજ પાસે જઈ રહ્યો હતો – પણ પરિણામની એના મનમાં ઘડભાંજ થતી હતી.

એ રાજદરબારમા ગયો. સાદ થાય કે તરત અવાય એટલે દૂર રુદ્રશર્માને એક જગ્યા ઉપર બેસાર્યા. પોતે મહારાજના ખંડ તરફ ગયો.

ત્યાં દ્વારમાં જ એને કૃપાણ મળ્યો. તેની દ્રષ્ટિમાં કેશવે પોતાનો વિનિપાત વાંચી લીધો. હંમેશ બે હાથ જોડીને નમનારો કૃપાણ આજે એને દેખીને જરાક આઘોપાછો થઇ ગયો. 

ભારે હૈયે અને ભારે પગે કેશવે મહારાજના ખંડમા પ્રવેશ કર્યો.

ને મહારાજને પ્રણામ કરીને આગળ વધ્યો. મહારાજે એને આવતો જોયો. હંમેશની જે ઉષ્મા મહારાજની દ્રષ્ટિમા કેશવ નિહાળતો એ આજે ત્યાં ન હતી. પોતાના રાજઅધિકારી પ્રત્યે હોય એટલી ઠંડી વિવેકભરેલી દ્રષ્ટિ ત્યાં આવી ગઈ હતી. કેશવનું હ્રદય છિન્નભિન્ન થઇ ગયું. એણે રાજ બચાવ્યું હતું, રાજા બચાવ્યો હતો, પણ મૈત્રી ખોઈ હતી.

પણ એ વાત સમજીને શાંત ઊભો હતો. એટલામાં સિદ્ધરાજ બોલ્યો. એનો ઠંડો, વિવેકભરેલો અવાજ કેશવને ઝેરસિંચેલો તીર જેવો લાગ્યો.  

‘કેશવ! મુંજાલે કહું તે સાચી વાત છે? કોઈ નહિ ને તું?’ મહારાજનો અવાજ ધીમો હતો, પણ એમાં એટલી ભાવવિહીનતા હતી કે કેશવને પાછાં પગલે ભાગી જવાનું મન થઇ આયુ.

રાજા શબ્દ તો પૂરા બાર પણ નહોતો બોલ્યો, પણ કેશવને એમાંના એક પણ શબ્દનો અર્થ સમજાયો નહિ. મુંજાલે કહ્યું – પણ શું કહ્યું તે રાજાએ કહ્યું ન હતું. કેશવને પોતાને જ અનુમાન કરવાનું હતું. મુંજાલે વાત કરી હોય તો શી વાત કરી હોય? એણે એમ કહ્યું કે ખેંગારને કેશવ રોકી શક્યો હોત? કેશવને કાંઈ સમજ પડી નહિ. ઊંડા પાણીમાં ઊતરવા જતાં છે એટલે મૈત્રી પણ ગુમાવવાનો ભય દીઠો. તેણે તરત આંધળિયાં કર્યા:

‘મહારાજ! મેં જે કર્યું છે તે મહારાજને વિપત્તિની પરંપરામાંથી ઉગારવા માટે જ કર્યું છે. રાજનો મેં અપરાધ કર્યો હશે – મહારાજની મેં સેવા કરી છે.’

‘મને વિપત્તિની પરંપરામાંથી ઉગારવા માટે, એમ? મને વિશ્વાસ તો તારો હતો જ. તું મને ઉગાર્યા વિના નહિ રહે. પણ આ તે કર્યું એ આપણું ગૌરવ વધારવા માટે કર્યું એમ તું કહે છે. કાં?’ રાજાના શબ્દોમાં કાતિલ ઠંડો ઉપાલંભ હતો. કેશવ એ ગળી ગયો.

‘હા, પ્રભુ!’

‘શી રીતે? મારી બુદ્ધિ જરાક જડ છે, કેશવ!’

કેશવે ધીમેથી તાલી પાડી. કૃપાણે ડોકિયું કર્યું. ‘રુદ્રશર્મા ત્યાં બેઠા છે. એમને જરા મોકલજો, કૃપાણ!’

સિદ્ધરાજને આશ્ચર્ય થયું. આ માણસ ભ્રમણામા છે કે કોઈ યોજનાનું અંગ છે? – તે વિચાર કરી રહ્યો. પોતાનો એ બાલમિત્ર છે – એ ભાવમાં જે ગાંઠ પડી હતી તે કેશવના વર્તનથી ઊલટાની વધારે ગૂંચવાળી થઇ ગઈ.

રુદ્રશર્મા થોડી વારમાં દેખાયો. ‘શર્માજી!’ કેશવે કહ્યું, ‘મહારાજને જરાક દેવડીના ગ્રહ વિશે વાત કરો ને!’

રુદ્રશર્મા તો લક્ષ્મીદેવીના ભાગ્યવાન ગ્રહોની જપમાળા કરતાં હતા. એમના ધ્યાનમાં આથી ભંગ થયો. તેઓ થોડી વાર તો કાંઈ બોલ્યા નહિ. કેશવ મૂંઝાયો.

‘કેમ બોલ્યા નહિ?’

‘રુદ્રશર્માજી! તમે તો મને લાટની રાજકન્યાના ગ્રહો કહ્યા હતા, એ જ કે?’

‘હા... મહારાજ! એ જ હું. હું એ જ રુદ્રશર્મા. મહારાજને નામ ઠીક મારું યાદ રહ્યું છે. પૂરેપૂરી – પળેપળની માહિતી વિના, પ્રભુ! હું બોલતો નથી. ને હું બોલું છું એ વિફળ થતું નથી! દંડનાયકજી તો મને જ બોલાવે છે! મહારાજ ભીમદેવના જન્માક્ષર મારા દાદાએ જોયેલા!’ 

રુદ્રશર્માએ તો પોતાના ગ્રહજ્ઞાન વિષે વાત શરુ કરી. સિદ્ધરાજે તેમને બે હાથ જોડીને પ્રણામ કર્યા: ‘મહારાજજી! રાજમાતાજીને વાત થઇ છે...!’

‘મહારાજ! આમણે – કેશવ નાયકજીએ પણ લક્ષ્મીદેવીના ગ્રહો જોયા છે. પૂછો એમને... રાજ, વૈભવ, યશ, કીર્તિ...’

‘સિદ્ધરાજે બે હાથ જોડીને ફરીથી કહ્યું: ‘આ યુદ્ધકથા પૂરી થાય પછી તમને બોલાવીશું મહારાજ! કેશવ! તેઓ ભલે જતા.’ રુદ્રશર્મા ગયા.

કેશવ તો દિગ્મૂઢ થઇ ગયો. રુદ્રશર્માએ કાચું કાપ્યું હતું. એમણે દેવડી વિશે એક શબ્દ પણ કહ્યો નહિ. એમાંથી ઊલટી ઊંધી અસર થઇ. લાટની કન્યા વિષે સૌ એક થયાં છે એમાં જ આ રુદ્રશર્મા છે એ વિચાર આવતાં મહારાજને પોતાની વાતનું અત્યંત ક્ષુલ્લક સ્વરૂપ જ દેખાવા માંડ્યું. પોતાની ભાવના એને સ્પર્શી જ શકી નહિ. કેશવને પાસા ઊંધા પડતા જણાયા, ત્યાં તો મહારાજ બોલ્યા. એમનો અવાજ ફેરફાર વિનાનો ઠંડો હતો:

‘કેશવ! તું હવે જા. તૈયારી કર – તારે માળવા જવાનું છે!’

‘પ્રભુ! વીરોપાસના – એનો અસહ્ય ભાર મહારાજ ઉપાડે, એ વિચાર પણ મારાથી સહન થઇ શક્યો નહિ!’

ખેંગારની વાતનો આ વાત સાથે જે મેળ કેશવના હ્રદયમા હતો તેની મહારાજને ક્યાંથી ખબર પડે? દેવડી માટે થઈને મહારાજ દોડશે ને વીરોપાસનામાંથી બચી જશે, એ વિચારે કેશવ પ્રેરાયો હતો. પણ સિદ્ધરાજ એ તંતુને એકદમ પકડી શકે તેમ ન હતું. પોતાના મિત્રમાં આટલો ફેરફાર જોઈ કેશવ એક ઘડીભર તો સ્તબ્ધ જેવો ઊભો રહ્યો. 

‘કેશવ નાયક! તું મારો મિત્ર હતો. મેં તને ભાઈ કરતાં અધિક માન્યો હતો. તેં શું કર્યું છે એની તને ખબર નથી. એ તો ઠીક – ’ મહારાજે બે હાથે તાળી પાડી. પાસેથી મુંજાલ નીકળી આવ્યો. કેશવ આભો થઇ ગયો. પોતાનું અનુમાન સાચું પડતું લાગ્યું. તે હવે શાંત જ ઊભો રહ્યો.

‘આ મુંજાલ મહેતા તો કહે છે કે તને રા’એ સોરઠ આવવાનું આમંત્રણ આપ્યું છે, તે સાચું?’

કેશવનું હ્રદય હ્રદયમાં બેસી ગયું. આ ભયંકર હતું અને તે છતાં એક શબ્દ પણ તે બોલી શકે તેમ ન હતો. જે શબ્દ એ બોલે – કે જે પગલું લે – એક નાની સરખી ઈશારત પણ કરે – કે તરત મહારાજની જે ગેરસમજણ હતી, તેમાં વધારો થાય તેમ હતું. મૌન રાખવાથી એ ગેરસમજ પણ દ્રઢ થતી હતી. છતાં મૌન રાખવામાં તેણે વિજય જોયો, પોતાના ઉપર આવનાર ઘાને ઝીલવા એ હ્રદયને કઠણ બનાવી રહ્યો. 

‘સેંકડો ને હજારો પટ્ટણીઓને તારે આધારે હું સોરઠ મોકલું – મારે હવે એ કરવું નથી. તું સોરઠ સૈન્યનો સેનાપતિ નથી. એ સૈન્યના સેનાપતિ તો આવે છે કર્ણાવતીથી – પરશુરામ! તારે, કેશવ, આજે જ માળવા જવાનું છે!’

‘મહારાજ!...’ કેશવને પોતાનો વિનિપાત નહિ, પોતે મિત્રદ્રોહી ગણાતો હતો એ વાત ભયંકર શૂળની માફક ખૂંચી રહી હતી. એને એમાંથી મુક્ત થવું હતું. પણ ગેરસમજ ઘણી આગળ વધી ગઈ હતી.

‘કેશવ નાયક! આ મુંજાલ મહેતા પાટણના વિશ્વાસુ મંત્રી છે. એમને હજારો પટ્ટણીઓને આજે વિનાશમાંથી ઉગાર્યા છે. એમણે હિંમત ન કરી હોત કહેવાની – તું મારો મિત્ર છો એમ ધારીને – તો આજે તું સોરઠી સૈન્ય દોરતો હોત ને સર્વનાશને પંથે સૈન્ય જાત! હું તારી જાહેરમાં અવગણના કરતો નથી, પણ તું હવે જા! ગોધ્રકમંડલમા તું ભીલોની સેના ઊભી કરીને ત્યાં કામ કર, જા, અમે માળવા આવીશું ત્યારે તને મળીશું.’

કેશવને લાગ્યું કે એક પણ વાક્ય બોલવું હવે નકામું છે. તેણે મહારાજને વિનમ્રતાથી પ્રણામ કર્યા. એની આંખમાં ઝળઝળિયાં આવી ગયાં. એણે પોતાનો બાલમિત્ર ખોયો હતો – જાણે જીવનરસ જ ગુમાવ્યો હતો. તે મહારાજને નમીને બહાર નીકળી ગયો. તે થોડે ગયો ને મુંજાલ મહેતાની પાલખી તેની લગોલગ થઇ ગઈ. મુંજાલે હસીને તેની સામે જોયું. પ્રેમભર્યા અવાજે તેઓ બોલ્યો:

‘કેશવ નાયક! આજે મહારાજ જરા કોપમાં છે – અમે ને અમે પાછા તમને આંહીં લાવી શકીશું. મહારાજને પેલા ઝાંઝણે વાત કરી – ને એને ભોટ ભાઈને વાત કરતાં... પણ ન આવડી! તમે તો દેવડીનું ટાળીને ઘર્ષણ ટાળ્યું. સમજવાવાળા તો સમજે! વચ્ચે મારી સ્થિતિ કફોડી થઇ ગઈ.’

કેશવનો પિત્તો ઊછળી આવ્યો. પોતાના અંતરમાં એણે ક્યારની અમૂક ગાંઠ વાળી લીધી હતી. એક પછી એક દરેકને મહારાજ પાસેથી દૂર કરવાનો એનો પ્રયત્ન હતો. કેશવના આકરા અવાજમાં કટુતા ભળી ગઈ: ‘મહેતા! હું બીજી કોઈ રીતે મહારાજનું સાંનિધ્ય નહિ છોડું એમ જાણીને તમે ઓડનું ચોડ કર્યું છે. આજે ભલે તમે ફાવ્યા, પણ, મુંજાલ મહેતા! અમે તો નાગરભાઈ! અમે કાં મિત્ર રહી શકે, કાં દુશ્મન રહી શકીએ; અમારે વચલો મારગ ન મળે. અમારી મૈત્રી પ્રાણન્યોછાવરીની. અમારી દુશ્મનાવટ ભયંકર વિષધરોની, આજ તો હું માળવા જાઉં છું, પણ હવે તમે...’ કેશવ વાક્ય ગળી ગયો – ‘જય સોમનાથ!’ 

મુંજાલ મહેતો એના ઉતાવળા – આકરા સ્વભાવને મુરબ્બીવટ-ભરેલા સ્મિતથી જોઈ રહ્યો. જવાબ આપવા જતો હતો, પણ કેશવનો શ્યામકર્ણ જવાબ પણ સાંભળવા ન થોભતાં આગળ નીકળી ગયો હતો.

મુંજાલ એને ઘણે સુધી જતો જોઈ રહ્યો, પછી ધીમેથી એ હસ્યો: પોતે જ સાંભળે એટલા અવાજે બોલ્યો: ‘નવોસવો જુવાનિયો છે ને! ઉત્સાહી છે. બિચારાને લાગી આવ્યું છે! લાગે જ નાં! પાટણ છોડવું કોને ગમે? આ તે કાંઈ નગર છે? આ તો ઇન્દ્રની નગરી છે!

અને એ જ વખતે પોતે ઇન્દ્રની નગરી જેવી નગરીનું સેનાપતિપદ ત્યજીને ગોધ્રકમંડલના ભયંકર જંગલોમા જઈ રહ્યો છે એ શોકથી તપતો કેશવ આગળ જતાં થંભી ગયો હતો. ડિંડિમીકાનો ઘોષ આવી રહ્યો હતો. ડિંડિમીકાનો ઘોષ સાંભળીને આખું પાટણ ચમકી ગયું. ઓટલે આબાલવૃદ્ધ – જુવાન, બાળકો, સૌ – દોડી આવ્યાં. હજી તો ગઈ રાતના અગ્નિતાંડવનો થાક ઉતારવા આંખો ચોળતા પટ્ટણીઓ પથારીમાંથી બેઠા થયા હતા, ત્યાં ઘોષની સાથોસાથ સેંકડો ઘોડેસવારોની ધમાલ થતી એમણે જોઈ ને ચમકી ઊઠ્યા.

સોરઠના જુદ્ધની રણભેરીનો ડિંડિમીકાઘોષ આકાશમાં, કડાકા કરતી વીજળીની માફક એક છેડેથી ગાજી ઊઠ્યો.

 

***