Featured Books
શ્રેણી
શેયર કરો

બર્બરકજિષ્ણુ - જયસિંહ સિદ્ધરાજ - ભાગ 38

૩૮

મુંજાલે શું કહ્યું?

‘મહારાજ! તમને ગાંડી રજપૂતીનો શોખ હશે તો આ ત્રણે જુદ્ધ જે આવી રહ્યા છે તે તમારો, મારો, પાટણનો ને દેશનો નાશ કરશે, નહિતર એમાંથી જ મહારાજ અવંતીનાથ પણ થશે. અને મહારાજનું જે સ્વપ્ન છે  વીર વિક્રમનું – એ પણ સિદ્ધ થશે. જુદ્ધ તો એ જીતે છે, જે જીતવાનો સંકલ્પ કરે છે. સોરઠનું સૈન્ય, પ્રયાણની ઘોષણા પ્રભાતે જ થઇ જાય તે તરત ઊપડે એમાં જ પ્રતિષ્ઠા હતી. આજે કેશવ તો તૈયાર છે જ!’ ઝાંઝણે આપેલા સમાચારે મુંજાલ મહારાજને રાતે જ મળવા આવ્યો હતો. સૈન્યપ્રયાણના ઘોષની વાત આઘી ઠેલાણી હતી. મહારાજનું મન બદલાયું કે શું એવી મુંજાલને શંકા થઇ. તો કેશવને દૂર કરવાની આ તક જાય. પછી તો એ એટલો સમર્થ થાય કે મહારાજના સાંનિધ્યમાંથી ખસે જ નહિ! મહારાજને કેવી રાણી જોઈએ, કેવો કવિ જોઈએ ને કેવો સચિવ જોઈએ ત્યાં સુધીને વાત એણે ને મહાદેવે એક હજાર એકસો ને આઠ વખત ચર્ચી હતી. કેશવને હવે આંહીં રહેવા દેવાય જ નહિ. એ મુંજાલનો નિશ્ચય હતો. મુંજાલ બોલીને મહારાજની સામે જોઈ રહ્યો.

‘સાંતૂ મહેતા ને રાજમાતા બંનેનો મત જુદો છે, મુંજાલ!’

મુંજાલ સમજ્યો: ત્યારે સોરઠી જુદ્ધ જો ટલ્લે ચડે તો હજી અનેક નવાનવા સેનાપતિ ફૂટી નીકળે.

‘પણ તો પછી કેશવને તો મોકલીએ!’

‘ક્યાં?’

‘વર્ધમાનપુર!’

‘તને ઝાંઝણે વાત કરી લાગતી નથી!’

‘શાની? હજી... તો મને એ મળ્યો જ નથી. છુટ્ટો પડ્યો ત્યાર પછી દેખાણો જ નથી.’ 

‘ત્યારે – તારે થોડો ભાર ઉપાડવાનો છે!’

મુંજાલ મૂંગો રહ્યો. તે સમજી ગયો.

‘કેશવ પ્રભાતે આંહીં આવશે. એને માળવા જવાનું છે!’

‘પણ તો પછી સોરઠ – સોરઠનું? સોરઠનું શું જુદ્ધ જંગલનું. કેશવનો અનુભવ પણ જંગલનો. એનો અત્યારે તો આંહીં ખપ!’

‘એ ભલે રહ્યો... પણ આ જુદ્ધમાં એ નહિ...’ કેશવની વાત કહેતાં મહારાજને દુઃખ થતું હતું. કેશવ દૂર ન થાય તો સમર્થ થાય એ મુંજાલે જોઈ લીધું હતું. એને એ જોઈતું હતું. મોઢેથી એ ભળતું જ બોલી રહ્યો:

‘પણ કંઈ કારણ, મહારાજ?’ તે મોટેથી બોલ્યો: ‘કેશવ નાયક વિના સોરઠી જુદ્ધ કેવું? ગફલત તો... થાય. હવે સૌની થાય.’

‘તે તું જાણશે, પણ... પછી. તું તારે હું બોલું તે સાંભળ્યા કરજે!’

મુંજાલે જે ધાર્યું હતું તે આવી રહ્યું હતું. પોતાને શો ભાર ઉપાડવાનો છે, એ પણ એણે પૂછ્યું ન હતું. એણે એ ખબર હતી. કેશવે જે કહેવાનું હતું તે રાજા પોતાને નામે ચડાવવાનો હતો. આ વાત હતી. પણ કેશવ પડે – પછી  ખુલ્લી વાત થાય તોપણ ડરવાનું કાંઈ કારણ રહેતું ન હતું. મુંજાલે રાજાને અત્યારે તો કુનેહથી દોર્યો હતો. પણ હજી એ કમાન ક્યારે છટકે એ વાત કહેવાય તેમ ન હતી.

‘તારે દિવસ ઊગતાં આંહીં આવવું.’

‘ભલે, મહારાજ!’

‘કેશવ માળવા જશે. પરશુરામ સોરઠી સેના દોરશે ને પ્રભાતમાં જ પટ્ટણીઓ જુદ્ધનો ઘોષ સાંભળશે. આપણે એક મહાન આપત્તિમાંથી ઊગરી ગયા છીએ!’

‘આપત્તિમાંથી? શેની આપત્તિ? કેશવની વાત છે? એણે ગફલત મોટી કરી છે, પ્રભુ! પણ એ અનુભવી યોદ્ધો છે. પરશુરામ નવો છે.’

‘તે હશે – આપણે એને દોરીશું!’

મુંજાલ હવેલી તરફ ગયો, ત્યારે એના પગલામાં વીજળીનો વેગ હતો. એણે સોરઠ પૂરતું કેશવનું માનમર્દન કર્યું હતું. એ બધા મહારાજના મહાઅમાત્ય માટે હિમાલયની પેલી મેર દેવભૂમિમાં તપાસ કરવાના મતના હતા.

હમણાં તો એમની એ દેવભૂમિ ઊડી ગઈ હતી.

ભવિષ્યની વાત ભવિષ્યમાં