આશાવાદી બા Dr Hiral Brahmkshatriya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

આશાવાદી બા

કોરોના કાળમાં આશા અને આશાવાદ પર જ કદાચ હું અને તમે જીવી રહ્યા છીએ નહિ તો અન્ય અસંખ્ય જાણીતા અજાણ્યા લોકોની માફક આપણે કયાંંક છાપે તો કયાંક કોઈની સ્ટોરીમાં ઓમ શાંતિ સાથે ટિંગાયેલા હોત.. કોઈ એક ઉમ્મીદ કદાચ આપણેને રોજ જીવાડે છે,કાં પછી આપણી આસપાસ જેમ કાળાબજારી ચાલે છે તેમ યમપુરીમાં પણ આવી કોઈ ઘાલમેલ કરીને ઉપર પહોંચેલા આપણા સ્વજનોએ થોડા વધારે શ્વાસની વ્યવસ્થા આપણા માટે કરી હશે..નીચે શું ચાલે છે એ નથ સમજાતું ત્યાં ઉપર સાટું શું વલોપાત આદરવો..! ચલો ત્યારે મુદાની વાત પર આવીએ..

છેલ્લા થોડા દિવસો પહેલાની વાત... મારા પરિવારના ત્રણેક સભ્યોને કોરોના પોઝીટીવ આવ્યો અને ઘરના બધા સભ્યો નેગેટીવ થઈ ગયા..એક ઘેઘુર સન્નાટો મનની અંદર છાવાયેલો પણ પછી સાલુ પ્રોફેશન યાદ આવી જાય કે આપણે ગામને મનદુરસ્ત રહેવાનું કહીએ ને આપણે આમ ઢીલા પડીએ કંંઈ ભેગુ ના થાય હો..બાપુ રોજ સવારે ઉકાળા સાથે થોડુ આવું જ્ઞાન પણ ચુલે ઉકાળી લેતી અને હેમખેમ બધુ ચાલે રાખ્યુ હોમ આઈસોલેશનથી ત્રણેય સભ્યોની તબિયત સુધારા પર હતી એમની સુધરેલી તબિયત મને હકારની ઉર્જા આપતી. પણ ડર તો અંદર પેઠેલો જ રહે એ ક્યાં જવાનો ?

દસ દિવસે બાનો ફરી રિપોર્ટ કરવાનો વારો આવ્યો આર.ટી.પી.સી.આર.માં લાંબુ વેઈટિંગ હતુ અને સી.ટી.સ્કેનના ક્ષ-કિરણોને બને ત્યાં સુધી ટાળવા હતા એટલે નક્કી કર્યુ કે લોહી પરિક્ષણથી સી.આર.પી. લેવલ જોઇ લઈએ ઇંફેક્શનનો વધારો ઘટાડો જાણી લઈએ..હોસ્પિટલ પહોંચ્યા, રાશનની દુકાનની જેમ લાઈન લાગી હતી ફર્ક એટલો હતો કે આ લાઇનમાં ભુખ નહિ પણ લોકોનું દુ:ખ ઉભુ હતુ. બિમારી એ લાચારીને ચુંધવાનો એક મોકો છોડયો ન્હોતો...રાહ જોવાની હતી, ખાલી પડેલા બાંકડાઓ પર આશ અને ડિશટન્સ બન્ને રાખીને બેઠા..કેસ નોંધાવ્યો અને રિપોર્ટ કરાવા માટેની વિધિ શરુ કરી થોડા સમયની રાહ પછી બાનું થોડુ લોહી લઈ લેબ ટેકનિશયન પરિક્ષણ માટે ગયો...આ દરમ્યાન હું અને બા થોડી ઘણી વાતોએ વળગ્યા..ઉંમરના ઘસારા એમના કાનને પણ લાગ્યા હતા..એમની સાથે વાત કરવા થોડુ ઊંચુ બોલવું પડતું..પણ એમની વાતો અને એમની આંખોને સાંભળવુ સતત ગમતુંં..

કેટલોય સમય વિતી ગયો ખબર જ ના પડી..લેબમાંથી બાનો રિપોર્ટ આવી ગયો..વોર્ડબોયના હાથમાંથી લઈ મેં રિપોર્ટ જોયો..જ્યારે તમે છેક ડુંગરે પહોંચવા આવ્યા હો અને તમને ઠેસ લાગતા તમે ગબડી પડો એવી રીતે સાજા સારા બાનો ગડમથલ વાળો રિપોર્ટ જોઈ હું ગબડી પડી..બાનું જે સી.આર.પી. દસ દિવસ પહેલા ૪૨ હતુ એ આજે ૩૯૮ થઇ ગયો હતો..મનમાં કેટલાય ઉંધાચતા વિચારો આવી ગયા એ ડર અને ડરમાં બે વાર મેં એમનુ ઓક્સિજન લેવલ પણ ચેક કરી લીધુ..બા અને એમનું ઓક્સિજન લેવલ તો લેવલમાં જ હતું..પણ મારી મનોસ્થિતિ વધેલા સી.આર.પી.ને જોઈને પડી ભાંગી હતી. ડોકટર રાઉન્ડમાંથી આવે પછી આગળ શું કરવાનું તેની ખબર પડે, પણ ત્યાં સુધી શું ? મનમાં ઘણા પ્રશ્નો ઉભા થયા અને એ પ્રશ્નનો જવાબ હાથવગા તબીબ નિષ્ણાંત પાસે શોધવાનો પ્રયત્ન કર્યો..એમને રિપોર્ટ ફોરર્વડ કર્યો ફોનમાં એમના સુચન અનુસાર બાને દાખલ કરવાની, તેમના માટેના ઓક્સિજન સિલિન્ડરની અને બીજી ઘણી બધી વ્યવસ્થા મનોમન કરી રાખી..આ આખી ઘટનામાં બા તો મસ્ત જ હતા..એમના ચહેરાની રેખાઓ પર લગીરે ચિંતા ન્હોતી એ તો શાંતિ બેસીને આસપાસના દર્દીઓની પિડાને અનુભવતા હતા અને એમના માટે પ્રાર્થના કરતા હતા..આ એમનો આશાવાદ હતો.ક્યારેક ઓછું સંભળાવુ અને ઓછું સમજાવુ બહુ લાભદાયી હોય છે.

મનમાં ચિંંતા અને ઘડિયાળના કાંટા બન્ને આગળ વધતા જતા હતા..રાઉન્ડમાંથી ડોક્ટર ઓ.પી.ડી.માં પ્રવેશ્યા એક પછી એક બધા દર્દીઓનો ક્રમ શરુ કરીને એમણે એમનું કર્મ શરુ કર્યુ. બાની ફાઈલ અને આજના રિપોર્ટ બાની પહેલા જ ડોકટર પાસે નર્સ દ્વારા પહોંચી ગયા..અને પછી હું અને બા ડોકટર પાસે ગયા..ડોકટરને બાની હાલત અને રિપોર્ટ જોઇને નવાઇ લાગી એમણે લેબમાં તપાસ કરાવી અને લેબમાંથી જવાબ આવ્યો કે પ્રિંન્ટ મિસ્ટેક છે..એ રિપોર્ટનો સાચો સી.આર.પી. ૬.૮ છે મારા મનને એક્કોર હાશ અને બીજીકોરે ગુસ્સા એ દ્વંદ્ર કરી મુકયો..ડોકટર અને સ્ટાફને થોડો ઠપકો પણ દઈ દીધો પણ આ બધી ઘટનામાં બા તો સ્થિતપ્રજ્ઞ જ હતા..ડોકટરે એમની તપાસ કરીને પુછયુ કે કેવું છે તો કે " સાહેબ, મને કાંઇ થતુ નથી, પેલા છાતીમાં ચુ..ચુ.. બોલતુ હતુ પણ હવે એવુય કંઈ નથી થતુ એટલે તમે મને ટિકડા ઓછા આપજો." આ આખી વાત સાંંભળીને મારી આંખો રોઈ પડીને હોઠ હસી પડયા.

સૌથી ગંભીર સ્થિતી બાની હતી પણ સૌની પહેલા સાજા એ થઇ ગયા કારણ એમને જાણકારી ઓછી હતી..એમની અપેક્ષઓ ઓછી હતી..એમની પાસે હતો તો નર્યો આશાવાદ..સંધુય સારુ થૈ જાહે..નો જુસ્સો.

આસપાસ પિડાઓ જ પિડાઓ છે ત્યારે આ પ્રકારની વૃતિ આપણામાં આવે..આપણી અંંદરની પ્રકૃતિ પણ આશાવાદી થઈ જાય તેવી જ અભિલાશા.

તમે તમને અને તમારા સ્વજનોને સાચવજો.

H - Hold

O - On

P - Pain

E - End