પુસ્તક વાંચન Tr. Mrs. Snehal Jani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પુસ્તક વાંચન

લેખ:- પુસ્તક વાંચન
લેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાની



આજની પેઢી એટલે પિત્ઝા, બર્ગર, સેન્ડવીચ, કોલ્ડડ્રીંક, સોફ્ટડ્રીંક, ફ્રેંકી વગેરે વગેરે ખાનાર પેઢી. હંમેશા વડીલો દ્વારા એમને ટોકવામાં આવે છે આ બાબતે. આ બધી વસ્તુઓ શરીર માટે નુકસાનકારક તો છે જ, પણ અતિશય માત્રામાં લેવામાં આવે તો! પરંતુ ઘણી જગ્યાએ મેં નોંધ્યું છે કે આ પેઢી સ્વાસ્થ્ય બાબતે પણ એટલી જ સજાગ છે. એક બાજુ આ બધું ખાઈ લે છે તો બીજા ત્રણ ચાર દિવસમાં સંયમ રાખી બધું સરભર કરી લે છે.



હમણાંથી એક વાક્ય મને સતત વાંચવા મળી રહ્યું છે, "રેસ્ટોરન્ટ તરફ વધતી ભીડ જ્યારે પુસ્તકાલય તરફ વધશે ને ત્યારે સમજવું કે દેશ સફળતા તરફ ડગ માંડશે." પુસ્તક દિને તો ખાસ આ વાક્ય વાંચવા મળે છે. હું પણ માનું છું કે વાંચનનો શોખ તો હોવો જ જોઈએ. 'ફરે તે ચરે' એ ઉક્તિ જેટલી સાચી છે એટલી જ સાચી એ બાબત છે કે 'જે વાંચે છે તે માનસિક રીતે વધારે મજબૂત બને છે.'



ક્યારેક કટોકટીના સમય દરમિયાન નોંધજો કે જે વ્યક્તિનું વાંચન વધારે હશે એ પરિસ્થિતિ આગળ ભાંગી નહીં પડશે. એ પોતાની જાતને સાચવી લેશે અને પરિસ્થિતિને પહોંચી વળશે. જેનું વાંચન નહિવત છે એ ક્યાં તો કોઈકની મદદથી પરિસ્થિતિમાંથી બહાર આવશે અથવા તો નિરાશામાં ધકેલાઈ જશે. પોતાની જાતને અને કુટુંબને એ પાયમાલ કરી નાંખશે.



પુસ્તકોથી સારો મિત્ર કોઈ હોઈ શકે જ નહીં. એમ જ થોડું કહેવાયું છે, "તુ મુંઝાય છે શાને? ઉકેલ છે ગીતાને પાને પાને." આ એક જ ઉક્તિ માત્ર ભગવદગીતા જ નહીં, પુસ્તક વાંચનનું અનેરું મહત્ત્વ સમજાવી જાય છે. આજની પેઢી વાંચનથી દૂર થતી જાય છે, એવું સૌનું માનવું છે. અમુક અંશે સાચું પણ છે. પરંતુ આ સ્થિતિ માટે જવાબદાર કોણ? આજની પેઢી? ના, બિલકુલ નહીં. એને માટે જવાબદાર માતા પિતા તેમજ ઘરનાં અન્ય સભ્યો છે.



જે અબુધ બાળકને જમવા માટે હાથમાં મોબાઈલ પકડાવી દેવામાં આવતો હોય કે પછી ટીવીમાં કાર્ટૂન ચેનલો ચાલુ કરીને બેસાડી દેવામાં આવે એ બાળક પાસે તમે વાંચનની અપેક્ષા કેવી રીતે રાખી શકો? પોતાનાં નવરાશના સમયમાં માતા પિતા મોબાઈલ પર પોતાનું અગત્યનું કામ કરતાં હોય છે(🙄🙄🙄) જે બાળકે ક્યારેય ઘરનાં કોઈ પણ સભ્યને વાંચતાં જોયા જ ન હોય એને વાંચન કેવી રીતે ગમે?



બાળક અનુકરણ કરીને જ શીખે છે. મને ગમશે જો માતા પિતા પોતાનાં મોબાઈલ પરનાં અગત્યનાં કામને બાજુએ મૂકી દિવસનો અડધો કલાક બાળક પાસે બેસી એકાદ પુસ્તકનાં બે ત્રણ પાનાં વાંચશે. ઉપરાંત, આજની પેઢી ટેક્નોલોજીની પેઢી છે. જો એમને પુસ્તક હાથમાં લઈને વાંચવાનું નથી ગમતું તો એનામાં માત્ર વાંચવા માટેની ભુખ જગાવો. એને વાંચન માટેની વિવિધ વેબસાઈટ જણાવો. મને વિશ્વાસ છે કે એ બાળક ચોક્ક્સ વાંચન પ્રત્યે પ્રેરાશે. એક વાર એને મોબાઈલમાં વાંચવાની આદત પાડી દો, એની મરજીથી કે મરજી વગર નજીકની એક લાયબ્રેરીમાં સભ્ય બનાવી દો. પછી જુઓ! ધીમે ધીમે એ પુસ્તકાલયમાં જશે જ અને પુસ્તક વાંચશે જ!



તમને થશે કે આ તો સ્નેહલે લખવાનું હતું એટલે લખી નાંખ્યું. જીવનમાં એનો અમલ ખૂબ જ મુશ્કેલ છે. જો આવું વિચારતાં હો તો તમે ખોટું વિચારી રહ્યાં છો. મારી દીકરી છ વર્ષની હતી ત્યારથી અમે એને લાયબ્રેરીની સભ્ય બનાવી છે. દરરોજ ઓછામાં ઓછાં બે પાનાં એણે વાંચવાના જ હોય છે. હવે તો એને પોતાને પણ વાંચવાની આદત પડી ગઈ છે. મોબાઈલનો ઉપયોગ એ મોટા ભાગે ડ્રોઈંગ શીખવા માટે અને ડાન્સ શીખવા માટે કરે છે. અથવા તો ક્યારેક રમુજી વિડીયો જોઈ લે છે. મને અને મારા પતિને દર પંદર દિવસમાં બેથી ત્રણ પુસ્તકો વાંચી લેવાની આદત છે. ક્યારેક પરીક્ષા કે પેપર ચેકિંગ હોય ત્યારે આમાં થોડો વિરામ આવે છે, એકદમ વિરામ નહીં, પણ રોજનું માત્ર એક જ પાનું વાંચી શકાય છે.



બાળકોને પુસ્તકો વાંચતાં શીખવો તો એ બીજાની લાગણીઓને વાંચતાં અને સમજતાં શીખી શકશે.



આભાર.

સ્નેહલ જાની