પિતાની લાડકી હોય છે એક સ્ત્રી,
જ્યારે દીકરી હોય છે.
પ્રેમથી છલકતી પ્યાલી હોય છે એક સ્ત્રી
જ્યારે પત્ની હોય છે.
મમતા અને શકિત ની બેવડી નિશાની
હોય છે એક સ્ત્રી
જ્યારે જનની હોય છે
મંજુ શર્મા બાવીસ વર્ષની ની એક સુંદર યુવતી હતી. એક સામાન્ય પરિવારમાં ઉછરેલી મંજુ દેખાવે જેટલી સુંદર હતી ભણવામાં પણ એટલી જ હોશિયાર અને જો એણે ઘરકામ હાથમાં આપો તો એવું ઝપાટાબંધ કરે કે વાત ન પૂછો . મંજુ નાની હતી ત્યારથી એક જ સપનું જોતી આવી કે પોતે મોટી થઇને એક સારી પોલીસ ઓફિસર બનશે . મંજુના માતા પિતા પણ એને ભણાવવામાં કોઈ કચાશ રાખવા માંગતા ન હતા ,પણ કહેવાય છે ને કે ધાર્યું ધણીનું થાય . મંજુંની સુંદરતાને નજર લાગી અને એની કોલેજ બહાર જ કોઈ મવાલી એ એના પર એસિડ ફેંક્યું. આસપાસના લોકોએ મંજુને દવાખાને પહોંચાડી અને પરિવારને જાણ કરી.
એક બે મહીનાની સારવાર પછી મંજુ ઘરે આવી અને અચાનક જ એની નજર દર્પણમાં દેખાતા પોતાના ચેહરા પર પડી. રોજ જે ચહેરાને નિહાળતા એ થાકતી ન હતી એ જ ચહેરો જોઈને મંજુ આજે ડરી ગઈ હતી. થોડીકવાર સુધી એને પોતાના ચહેરા પર પોતાના નખ માર્યે રાખ્યા જાણે કે પોતાના મુખ પરના ડાઘ એના નખથી ઉખડી જવાના ન હોય. અને પછી ધ્રુસકે ધ્રુસકે રડી પડી . એસિડનો એ ડાઘ માત્ર ડાઘ ન હતો પણ એના આત્મવિશ્વાસ , એના સપના પર છવાયેલો એક વિશાળ અંધકાર હતો, જેણે મંજુને અંદરથી પૂરેપૂરી વિખેરી નાખી હતી એટલું ઓછું હોય એમ મંજુની આસપાસના લોકોની એના તરફની વર્તણુક સાવ જ બદલાઈ ગઈ હતી , મોટા લોકો એના પર દયા ખાતા, બિચારી , બિચારી કરીને વાત કરતા અને નાના બાળકો એનાથી ડરીને દૂર ભાગી જતાં.આ વાતથી મંજુને દુઃખ લાગતું એટલે હવે એણે બહાર નીકળવાનું બંધ કરી ને પોતાને રૂમમાં જ બંધ કરી રાખી હતી.
આમ ને આમ એક વર્ષ વિતી ગયું પણ મંજુનું દુઃખ એની હતાશા જરાય દૂર નહોતા થયા, હજી પણ એ પોતાની જાતને એ નાનકડા રૂમમાં જ પૂરીને રાખતી હતી એણે હવે ભણવાનું પણ છોડી દીધું હતું અને સાથોસાથ લોકોને મળવાનું પણ. પરંતુ કેહવાય છે ને કે એક સ્ત્રી ભલે પછી એ દીકરી હોય , પત્ની હોય કે માં પણ જ્યારે એના પરિવારની વાત આવે તો પોતાની સો તકલીફ ભૂલી , સો દુઃખ સહીને પણ એ પરિવારની સંભાળ લેવામાં પાછી પાની ન જ કરે. બસ મંજુના જીવનમાં પણ એવું જ કઈ ઘટયું જેને એણે પોતાના દુઃખ ભૂલીને આગળ વધવા મજબૂર કરી દીધી. એ ઘટના હતી એના પિતાને અચાનક આવેલો પેરાલિસિસનો એટેક . હા એકદિવસ અચાનક જ મંજુના પિતાને પેરાલિસિસનો એટેક આવ્યો જેના પગલે એમનું એકબાજુનું અંગ કામ કરતું જ બંધ થઈ ગયું . અચાનક જ ઘરના એક માત્ર કમાઉ માણસ પર આવી બીમારી આવતા પરિવાર બહુ જ મોટી ચિંતામાં સપડાઈ ગયો. આગળ શું કરવું એ કોઈને સમજ ન્હોતી પડી રહી. મંજુની માં વીણા બહેનને તો ઘરના ખર્ચા, પતિની દવા અને પોતાની બંને દીકરીઓ મંજુ અને માનસીની ચિંતા અંદરથી કોરી ખાતી હતી . થોડા અઠવાડિયા તો બચત કરેલા પૈસાથી નીકળી ગયા પણ બચત કેટલી ચાલે? પૈસા પૂરા થવા આવ્યા એટલે વીણા બહેનને કોઇ કામ શોધવાનું નક્કી કર્યું પણ અત્યારના સમયમાં જ્યાં સારા ભણેલા ને નોકરી નથી મળતી ત્યાં વીણા બહેન જેવા સાવ સાત ચોપડી ભણેલાને નોકરી ક્યાંથી મળે? ઘણુ રખડવા , ભટકવા છતાં જ્યારે નોકરી ન મળી તો ન છૂટકે વીણા બહેનને લોકોના ઘરકામ કરવા જવું પડ્યું. રોજ ત્રણ ચાર ઘરના કપડાં વાસણ કરવા છતાં માત્ર ઘર ખર્ચ નીકળે એટલા જ પૈસા ઘરમાં આવતા હતા અને વીણા બહેન આ ઉંમરે ઘરના કામ કરી કરી ને થાકી જતા તે અલગ.
ઘરના પૈસાની તંગી વધતી જતી હતી હવે શું કરવું એ વીણા બહેનને સમજાયું નહિ એવામાં એમણે મંજુ ને પાકીટ લઈને બહાર જતા જોઈ એટલે પૂછ્યું : ક્યાં જાય છે બેટા? નોકરી શોધવા મમ્મી તને આમ કામ કરીને થાકી જતી હું નથી જોઈ શકતી મમ્મી અને માનસીનું ભણતર બગડે એ પણ હું નથી જોઈ શકતી.મંજુ એ જવાબ આપ્યો. વીણા બહેન વિચારમાં પાડી ગયા . એમને આમ વિચારતા જોઈ મંજુ બોલી: જાણું છું મમ્મી લોકોનો સામનો કરવો અઘરો છે, એમની વાતો સહન કરવી પણ . હું જાણું છું મમ્મી કે આવા ચહેરા સાથે નોકરી મળવી પણ બહુ જ અઘરી છે, જે લોકો મારી સામે જોતા ગભરાય છે એવા લોકો મને નોકરી પણ નહિ જ આપે આ બધું જ હું જાણું છું છતાં, કામ તો કરવું જ પડશેને ? તારી એકલીની કમાણી ક્યાં સુધી ચાલશે. આટલું બોલી મંજુ ઘરની બહાર તો નીકળી પણ જવું ક્યાં એ તો એ પોતે પણ નહોતી જાણતી , કોણ આપશે મને નોકરી?? આ ચહેરા સાથે. મનમાં વિચારોના વમળ લઈને મંજુ ટ્યુશન ક્લાસ, નાની નાની દુકાનો, ઑફિસો જ્યાં પણ એણે નોકરીની આશા દેખાતી ત્યાં જઈને વાત કરવા કોશિશ કરતી પણ કોઈ એની વાતનો સરખો જવાબ આપવા તૈયાર જ ન હતું. કેટલીક જગ્યાએ એ તો એવું કહીને ના પાડી દેતાં કે તમને કામ આપીએ તો ઘરાક દુકાને આવતા જ બંધ થઈ જશે. છેવટે મંજુ એક કોલ સેન્ટરમાં નોકરી માંગવા ગઈ અને સદનસીબે એણે ત્યાં જોબ મળી પણ ગઈ કારણકે ફોન પર ચેહરા નથી જોઈ શકાતા.હવે બંને માં દીકરી મળીને ઘર ચલાવતા હતા. ત્રણ ચાર વર્ષ આમ જ મહેનત કરતા કરતા નીકળી ગયા. હવે મંજુ પણ પોતાનો આત્મવિશ્વાસ પાછો મેળવવા લાગી હતી. જીવનની ગાડી ધીરે ધીરે પાટા પર આવી રહી હતી. એવામાં એક દિવસ અચાનક જ મંજુના હાથમાં નાની બહેન માનસીની કોલેજની બુક્સ આવી ગઈ અને અમસ્તાં જ એ ચોપડીના પાના ફેરવીને જોવા લાગી . આ પાના ફેરવતા ફેરવતા મંજુના મનમાં દુઃખો નીચે દબાઈ ગયેલું સપનું ફરી તાજુ થઈ ગયું પોલીસ ઓફિસર બનવાનું સપનું. મંજુ એ વિચારી લીધું કે એ ઘર બેઠા કોલેજ પૂરી કરશે . મંજુએ કોલેજ નું ફોર્મ ભર્યું અને સાથોસાથ પોલીસ ની એક્ઝામ માટે તૈયારી પણ ચાલુ કરી દીધી. ત્રણ વર્ષમા મંજુની કોલેજ પૂરી થઈ ગઈ અને એણે એક્ઝામ આપવાની શરૂઆત કરી . મંજુ બીજા જ પ્રયત્ન એક્ઝામમા પાસ તો થઈ ગઈ પણ ટ્રેનિંગ સમયે અવનવા બહાના બતાવી એની ટ્રેનિંગ રોકી દેવામાં આવી. ઘણી અરજીઓ, ઘણા પ્રયત્નો કર્યા કે મંજુંએ અને એના પરિવારે કે ટ્રેનિંગ લઈ શકાય છતાં નિષ્ફળ રહ્યા અંતે હારીને મંજુએ આ વાત પડતી મૂકી અને એની રોજીંદી નોકરીમાં ખુશ રહેવા લાગી.
એક દિવસ અચાનક જ એણે વિચાર આવ્યો કે શું એ એકલી જ છે આ દુનિયામાં જે એસિડ એટેકનો ભોગ બની હોય? શું એ એક જ હતી જેના સપના અધૂરા રહી ગયા હોય? શું એ એક જ હતી જેણે લોકોનો તિરસ્કાર સહન કરવો પડ્યો હોય? અંતે આ બધા પ્રશ્નોનો એણે એક જ જવાબ મળ્યો : ના. મંજુ એક માત્ર એવી છોકરી ન હતી જેણે આ બધું ભોગવવું પડ્યું હોય આવી બીજી લાખો કરોડો છોકરીઓ હતી જેણે કોઈને કોઈ ખામીને લીધે લોકોના તિરસ્કાર નો ભોગવ બનવું પડ્યું છે.
મંજુએ પોતાનો મોબાઈલ હાથમાં લીધો અને ગૂગલ પર આ વિશે માહિતી શોધી ત્યારે જે આંકડા સામે આવ્યા એ એના વિશ્વાસ બહાર હતા. કોઈ જગ્યા એ સ્ત્રીના રંગ તો કોઈ જગ્યાએ એના શરીરના શેપ ,ક્યારેક વજન વધારે એવા બહાના આપી આપીને નોકરી અને સમાજમાં હક લેતા અટકાવી દેવાયના અનેક કિસ્સા જોયા . આ બધું જોઈ મંજુએ આ બાબતો પ્રત્યે લોકોમાં જાગૃતિ આવે એવું કઈ કરવા નિર્ણય લીધો . મંજુઍ પહેલા બોડીશેપિંગ પર પછી એસિડ એટેક પર પોતાના વિચારો રજૂ કરતાં વિડિયો બ્લોગ્સ બનાવ્યા . જોતજોતામાં મંજુ સારી એવી વક્તા બની ગઈ અને બીજી છોકરીઓ , સ્ત્રીઓને માટે હિંમતનું એક ઉદાહરણ પણ .
લેખક : દિવ્યા મોઢ