વાર્તા શીર્ષક: આકર્ષણ
લેખક: દિયા મોઢ
" ગુલાબ સમજી જેણે સજાવ્યા અમે વાળમાં
એ જ કાંટા બની ઘાવ દઈ ગયા,
પગ દોડ્યા જ્યાં મરહમની શોધમાં આમતેમ
ત્યાં સમજાયું કે અસલ ગુલાબ તો પગમાં જ રહી
ગયા."
એણે કહેલું બહુ તડપીસ તું , બહુ પસ્તાઈશ તું વીણા.એટલી કે રડવા માટે ખભો પણ નહિ હોય તારી પાસે. આ બધું હું તને એટલે નથી કહેતો કે તે મને ઠુકરાવી દીધો, પણ જેના માટે મને ઠુકરાવી રહી છે એ માણસ તારા લાયક નથી . ખેર ..જેવી તારી ઈચ્છા .હું તો હંમેશા તારી ખુશીની કામના કરીશ અને હા , તું ભલે મને પ્રેમ ના કરતી હોય પણ યાદ રાખજે, આ આલોકનો ખભો તારા દુઃખ અને આસુને પોતાની પર ઝીલવા માટે હંમેશા અડગ રહેશે.એક વર્ષ , બે વર્ષ કે દસ વર્ષ ક્યારે પણ તને જરૂર પડે મારી તો ખચકાયા વિના આવી જજે. એક મોટી હાઇ રાઇઝ બિલ્ડિંગના ગેટ આગળ ઉભી વીણા વિચારતી રહી.
સાચું જ તો કહ્યું હતું એણે , કેટલો સાચો હતો એ માણસને પારખવામાં ને હું કેટલી ખોટી હતી એણે પારખવામાં. આટલી ભણેલી ગણેલી થઈને મે એને સાવ કેવી બાબત પર ઠુકરાવી દીધો હતો.માત્ર એનો રંગ કાળો હતો , એ શ્યામ હતો ને હું ગોરી રૂપ સુંદરી . છતાં એણે તો મને રોકી હતી કોઈ સ્વાર્થ વગર કારણકે એ જાણતો હતો કે પિયુષ મારે લાયક ન હતો . એ વખતે મે આલોકની વાત ન માની અને પિયુષ સાથે ઘરેથી ભાગીને લગ્ન કર્યા. એક ગોરા ઘાટીલા ચહેરાની પાછળ આંધળી થઈને મે મારા પરિવારને છોડી દીધો હતો. આ બંને પ્રેમ કરનારાને છોડી છેવટે મને શું મળ્યું?? લગ્ન પછી પિયુષના આલીશાન ઘરમાં એક કેદી જેવું જીવન , એક એવો પતિ જેની પાસે અખૂટ પૈસા છે, પણ જો મારે હજાર રૂપિયા પણ જોઈએ તો એનું કારણ આપવાનું, ઘરની બહાર કોઈને મળવા કે એકલા ફરવા જવું હોય તો ડરતા ડરતા એ પતિની પરવાનગી માગવાની ,જે પરવાનગી આટલા વર્ષોમાં ક્યારેય મને મળી જ નહિ. લગ્ન પછી મને એટલા ઘરેણાં મળ્યા કે કોઈ જ ડ્રોવર ખાલી નથી રહ્યું પણ એ ઘરેણાં મારે શું કામ આવ્યા? ઉલ્ટાનું એ જ ઘરેણાંથી મને સજેલી જોઈને દરેક વખતે પિયુષ મારી પર શંકા કરતો કે હું કોઈ બીજા પુરુષને ફસાવવા આટલી તૈયાર થાઉં છુ ને સમય ..સમયના નામે એણે મને માત્ર બેડરૂમની રાતો આપી જેમાં એ પોતાનું પતિપણું , પતિ હોવાનો હક દર્શાવતો રહ્યો .
વીણા વિચારોમાંથી બહાર આવી. આજે પાંચ વર્ષ પછી વીણા આલોકની ઓફિસના ગેટ પાસે ઉભી રહી પોતાના જીવનની ભૂલો નો હિસાબ માંડી રહી હતી. એક એવો હિસાબ જેમાં એની લાગણીઓના ખાતામાં માત્રને માત્ર ખોટ હતી .આજે આટલા વર્ષે એ આલોક પાસે આવી હતી . આ.લોક એક જાણીતો વકીલ હતો એથીયે વધુ આલોક એક માત્ર એવો વ્યક્તિ હતો જે વીણા ને એની ભૂલ માટે ટોન્ટ મારવા ને બદલે એનો સાથ આપે.ડરતા સંકોચાતા વીણા ગેટની અંદર ગઈ બહાર વોચમેના કહ્યા મુજબ આલોકની ઓફિસ પાંચમા માળે હતી . વીણા ઓફિસના દરવાજાથી અંદર ગઈ . એણે રિસેપ્શનિસ્ટને પોતાનું નામ જણાવ્યું . રિસેપ્શનિસ્ટે આલોકને ફોન લગાવ્યો અને વીણાને કેબિન માં જવાની મંજૂરી આપી. વીણા અંદર ગઈ. આલોક રિવોલવિંગ ચેરમાં બેઠો હતો. આલોક. વીણાએ એણે બોલાવ્યો ત્યારે એણે ઊંચું જોયું. અરે વીણા તું. ઘણા વર્ષે દર્શન આપ્યા પણ આપ્યા ખરા. આલોક થોડું મલકાયો અને વીણાએ પણ સામે એક ખોટું સ્મિત આપ્યું. બેસને આલોકે કહ્યું . વીણા ચેર પર બેઠી . બોલ શું માંગવું તારા માટે ચા, કોફી, કોલ્ડડ્રિંક અને હા તારા ફેવરિટ બટાકા પૌવા તો અહી નથી મળતા યાર પણ કચોરી મસ્ત ચટાકેદાર મળે છે એ માંગવું?આલોક આટલું બોલી વીણાના જવાબની રાહ જોઈ રહ્યો અને વીણા..વીણા આલોકને જોઈ રહી હતી. કેવો માણસ છે આ, બે વર્ષની દોસ્તી પછી મે આના પ્રેમને ન સ્વીકાર્યો એટલું જ નહિ એના દેખાવ , એના શ્યામ હોવાને લીધે કેટલું સંભળાવ્યું હતું મે આને; અને એ જ વ્યક્તિ આજે મારી આવતા સ્વાગતા કરી રહ્યો છે. વીણા કઈ બોલી નહિ એટલે આલોકે બે ત્રણ વાર એનું નામ લીધુ. વીણા..વીણા.. વીણા વિચારોમાંથી બહાર આવી. આલોકે ફરી પૂછ્યું : બોલને શું માંગવું . પછી જાતે જવાબ આપી દિધો . રહેવાદે .તું કઈ બોલીશ નહિ હું ચા અને કચોરી મંગાવી લઉં છું. આલોકે પ્યુન ને બોલાવ્યો અને ઓડર આપ્યો. આલોક આ બધું શું કામ? વીણાથી બોલાઈ ગયું , હું આ બધાને લાયક નથી આલોક . હું તો તારા ગુસ્સા , તારી નફરતને જ લાયક છું તું..વીણા આગળ બોલે એ પહેલા આલોક બોલ્યો: જે થઈ ગયું એ થઈ ગયું વીણા, હું એ વાત ભૂલી ગયો છું અને તું પણ ભૂલી જા. એ ભૂતકાળ હતો અને ભૂતકાળ સારો હોય કે ખરાબ પણ એને ભૂલી જ જવો જોઈએ નહિ તો વર્તમાન પર ખરાબ અસર પડે.
વીણા અને આલોક વાત કરી રહ્યા હતા ત્યાં જ પ્યુને આવીને ચા અને કચોરી ટેબલ પર મૂક્યો અને પછી બહાર નીકળી ગયો. લે પહેલા ચા નાસ્તો કરી લે પછી આરામથી વાતો કરીએ આલોકે વીણા તરફ નાસ્તાની ડિશ સરકાવતા કહ્યું. આરામ જ તો નથી ને મારા જીવનમાં આલોક, વીણાએ આલોક સામે જોતા જવાબ આપ્યો.એટલે ?આલોકને કઈ સમજાયું નહિ . શું કહું તને..વીણા બોલતા અટકી ગઈ. જે કહેવા આવી છે એ બધું જ નિસંકોચ કહી દેજે પણ પહેલા આ ચા પી લે ઠરી જશે તો તું પછી મારા પર ચિડાઈશ કે ઠંડી ચા નું શું કરું . આલોક હળવું હસ્યો.આલોક તું..વીણાને સમજાતું ન હતું કે કઈ રીતે વાતની શરૂઆત કરે. અચ્છા ઓકે.. ચાલ બોલ શું વાત છે.નાસ્તાની ડિશ ટેબલ પર રહેવા દઈ આલોક વીણાની બાજુની ખુરશી પર આવ્યો અને આશ્વાસન આપવા એનો હાથ પોતાના હાથમાં લીધો. વીણાએ હિંમત કરીને વાતની શરૂઆત કરી.
આલોક મારે તારો ખભો જોઈએ છે વીણા બોલી. એટલે ..ખભો જોઈએ છે મતલબ? આલોકને કઈ સમજાયું નહીં એટલે એણે વીણાને સામો પ્રશ્ન કર્યો. કેમ ભૂલી ગયો કોલેજમાં તે જ તો મને કહ્યું હતું કે તારો ખભો હંમેશા મારા આંસુ ઝીલવા અડગ રહેશે ભૂલી ગયો?? વીણાએ સ્પષ્ટતા કરી. અચ્છા એ થેંક ગોડ મને તો એમ કે મારો ખભો આજે દોસ્તીની બલીએ ચડી જશે , આલોકે વીણાની ટીખળ કરતા કહ્યું. અને પછી બોલ્યો: અરે યાર એમાં આટલી ગભરાઈ શું કામ છે ,તું દોસ્ત છે મારી , હા પ્રેમિકા ન બની એનો અફસોસ છે પણ ગુસ્સો જરાય નથી. લે આ બેઠો તારી બાજુમાં ઠાલવી નાખ તારા બધા જ દુઃખો ને મારા ખભે.અને પેલું કહેવાય છે ને કે પ્રેમના બે ટીપા પણ જ્યાંથી મળેને ત્યાં હૈયું આપોઆપ જ ઠલવાઈ જાય . વીણા પણ પ્રેમના બે ટીપાંમાં ભીંજાઈ અને સાચે જ આલોકના ખભે માથું મૂકીને ચોધાર આંસુએ રડવા લાગી, આલોકે પણ એને ચૂપ કરવાની તસ્દી ન લીધી.થોડા સમય બાદ વીણા જાતે જ શાંત થઈ અને આલોક ને કહેવા લાગી: આલોક તું સાચો જ હતો , પિયુષ મારા લાયક જ નથી, મે એણા માટે મારો પરિવાર છોડ્યો અને એને મન ... એને મન તો હું એની ઈચ્છા પૂરી કરતી વૈશ્યાં બરાબર જ છું.
આલોક તને ખબર છે દરેક વ્યક્તિના જીવનમાં એને ગમતી એક એવી વસ્તુ જરૂર હોય છે જેને મેળવવાના સપના એ વ્યક્તિ રાત દિવસ જોતો હોય ને એ વસ્તુ મળી ગયા પછી એને કોઈ કબાટ કે સોકેશમાં સાચવવા માટે મૂકી દે છે. પછી ફરી જ્યારે એ વસ્તુ એણે યાદ આવે ત્યારે કબાટમાંથી કાઢીને એ વસ્તુને કલાક બે કલાક સુધી જોયા કરે એને પંપાળ્યો કરે પણ થોડી વાર પછી શું? એ ગમતી વસ્તુ પાછી કબાટમાં જ મુકાઈ જાય છે. બસ આલોક ..બસ હું પિયુષ માટે એ ગમતી વસ્તુ જેવી જ છું. જેણે એ જ્યારે ઈચ્છા થાય ફરવા લઈ જાય અને જો ગુસ્સો આવે તો થપ્પડ મારી દે, પણ આલોક હું વસ્તુ નથી, હું વ્યક્તિ છું, જીવતી જાગતી , લાગણીઓને અનુભવનારી , એક માણસ અને એમાં પણ હું તો સ્ત્રી છું આલોક; એક પુરુષની ઈચ્છાઓ કદાચ ત્રણ ટંક સારું ભોજન , થોડીક કાળજી અને શરીરસુખ મળવાથી સંતોષાઈ જતી હશે, પરંતુ એક સ્ત્રી .. અરે સ્ત્રી તો પ્રેમ અને વહાલને ઝંખનારી હોય છે , એણે શરીરની સાથોસાથ મન ની પણ જરૂર હોય છે. પછી વીણાને પોતાની ભૂતકાળમાં કરેલી ભૂલ યાદ આવી એટલે એ બોલી: માનુ છુ કે ભૂતકાળમાં મે જ તને તારા દેખાવ પરથી જજ કર્યો હતો. અરે યાર કહ્યુંને તને કે ભૂલી જા એ વાત આલોક વચ્ચે જ બોલી ઉઠ્યો. વીણાએ પોતાની વાત ચાલુ જ રાખી: આલોક એ સમય હું કોલેજમાં હતી આસપાસ બધા બ્યુટીફુલ કપલ ને જોઇને મને એ હતું કે હું આટલી ગોરી ને તું આટલો શ્યામ આપણી જોડી જરાય સારી નહિ લાગે પણ, હું નાદાન હતી આલોક એક સારી જોડી બનવા માત્ર બે ગોરા , ઘાટીલા ચેહેરાની જ જરૂર નથી હોતી , પણ બે એક જ જેવા સમજદાર , લાગણીશીલ મનની પણ જરૂર હોય છે. આલોક ને આ વાત મને પિયુષ સાથે લગ્ન કર્યા પછી સમજાઈ છે. આટલું બોલતા રડમસ થઇ ગઇ પણ એણે પોતાની જાતને સંભાળી લીધી, આલોકે ચૂપચાપ વીણાના હાથમાં પાણીનો ગ્લાસ પકડાવી દીધો અને વીણા પાણી પી ને સ્વસ્થ થઈ. પિયુષ હમણાં આ શહેરમાં નથી એટલે હું તારી પાસે આવી છું , મારે તારી મદદ જોઈએ છે. વીણાએ પોતાની વાત પૂરી કરી.બોલ હું શું કરી શકું તારા માટે આલોકે તરત જ પૂછ્યું.તારે મારા ડિવોર્સ કરાવાના છે વીણાએ જવાબ આપ્યો.ઓકે હું લડીશ તારો કેસ પણ એના માટે તારે મને બધું વિગતવાર કેહવુ પડશે જેથી હું એક સારો કેસ તૈયાર કરી શકું આલોકે કહ્યું.વીણાએ પોતાની આખેઆખી આપવીતી સંભળાવી. આલોકે એક આસિસ્ટન્ટ ને પિયુષ વિશે માહિતી નીકળવા લગાવી દીધો .
હવે વાત હતી કે ડિવોર્સની નોટિસ મોકલતી વખતે વીણાને પિયુષથી અલગ રહેવું પડે અને વીણા પાસે કોઈ એવું ઘર હતું નહિ જ્યાં એ જઈ શકે. આલોક વીણા માટે કોઈ રિસ્ક લેવા નહતો ઈચ્છતો એટલે એણે તરત જ પોતાની ઓળખાણના નારી કેન્દ્રમાં રહેવાની વ્યવસ્થા કરાવી આપી. આલોકે ડિવોર્સ નોટિસ તૈયાર કરીને પિયુષના ઘરે મોકલાવી . બે દિવસે પિયુષ ઘરે આવ્યો ત્યારે એ નોટિસ જોઇને રઘવાયો થઈ ઊઠ્યો. વીણાને ફોન કરવા લાગ્યો , આખા શહેરમાં એને શોધવા લાગ્યો. છેવટે વીણા ક્યાંય મળી નહિ એટલે એ પોતાના વકીલને લઈને આલોકની ઓફિસે પહોંચી ગયો.આલોકે વકીલ સાથે વાત કરી. પિયુષના વકીલે પતાવટ કરવાની કોશિશ કરી પરંતુ સાવ નિષ્ફળ.બધી વાતો પછી આખરે કોર્ટમાં હિયરિંગનો દિવસ આવી જ ગયો. સામે પક્ષે સાવ ખોટી દલીલોની વચ્ચે વીણા અને આલોકની સાચી દલીલોનો છેવટે વિજય થઈ જ ગયો . બંને જણ કોર્ટની બહાર નીકળ્યા. વીણાએ દિલથી આલોકનો આભાર માન્યો. આલોક વીણાને નારી કેન્દ્ર પાસે ઉતરી પાછો જ વાળતો હતો કે ત્યાં જ વીણાએ પ્રશ્ન પૂછ્યો. આલોક એક વાત પૂછું વીણા બોલી. હા પૂછને આલોકે સહજતાથી કહ્યું.તું મને આજે પણ પ્રેમ કરે છે?? પ્રશ્ન પૂછયા બાદ જવાબ હકારમાં સાંભળવાની આતુરતા વીણાની આંખોમાં દેખાઈ રહી હતી.
થોડી પળોના મૌન બાદ આલોકે જવાબ આપ્યો: વીણા પ્રેમ એક શાશ્વત લાગણી છે, અને શાશ્વત ક્યારે મરે નહી, હા બદલાઈ શકે , એવું બની શકે કે જેને પ્રેમ કરતા હોય કોઈ કારણસર એને નફરત કરવા લાગીએ અથવા અતિશય ગુસ્સો કરવા લાગીએ પરંતુ, જેના માટે મનમાં એકવાર લાગણી ઉદ્દભવી જાય એનાથી હંમેશા જોડાઈને જ રહીએ છીએ. મારો પ્રેમ પણ શાશ્વત છે વીણા હા, ફરક બસ એટલો કે પહેલા તારી સાથે જીવવાની ઈચછા હતી અને હવે..હવે માત્ર તને ચાહવાનું મન કરે છે. વીણા સમજી ગઈ કે એણે ચળકતા પથ્થરને પામવામાં એક સાચા હીરા ને પણ ગુમાવ્યો છે અને બાય કહી ને અંદર જતી રહી.
Wriiten by: diya modh
Insta: મનમોજી_શાયર😍
.