Ami and shivansh books and stories free download online pdf in Gujarati

અમી અને શિવાંશ

"જાણે  રે  સૌ  દુઃખ, વીરમાત તણા,

વ્યથા વીરપિતા તણી સમજે રે હર કોઈ,

બલિદાન વીરવધુ તણા, કેમ નવ સમજે રે

કોઈ"?

 

અમીએ પરિવાર વિરુદ્ધ જઈને શિવાંશ સાથે લગ્ન કર્યા હતા . લગ્નના એક  વર્ષમાં અમી અને શિવાંશ એકબીજાના રંગમાં એવા રંગાઇ ગયા હતા કે ,અમીને તેનો પરિવાર ક્યારેય  યાદ જ ન આવતો પણ, આજે  આરામ ખુરશીમાં બેઠેલી અમીની નજર  તેના મમ્મી પપ્પાના ફોટા પર જતા  જ  તેને પોતાના ભૂતકાળનો એ સમય યાદ આવી ગયો જ્યારે તે તેના પપ્પાને શિવાંશ માટે મનાવવાના પ્રયત્નો કરી રહી હતી.

 

અમી તેના પપ્પાને  વારંવાર એક જ પ્રશ્ન પૂછી રહી હતી કે, તમને વાંધો શું છે મારા અને શિવાંશ ના લગ્ન કરાવવામાં પપ્પા? હું તારા લગ્ન એક ફૌજી સાથે નહિ થવા દઉં બસ. પપ્પા એ ગુસ્સે થતા જવાબ આપ્યો હતો. પણ કેમ પપ્પા આવું  કેમ? બેટા  એક ફૌજી નું જીવન જીવન નહિ પરંતુ બંદૂકની ધારે ચાલતો જીવલેણ ખેલ છે, બસ એક ગોળી વાગી કે રમત પૂરી અમીના પપ્પાએ જવાબ આપ્યો.  અમી એ પપ્પા સામે બહુ દલીલો કરી પણ  તેના પપ્પા માનવા જ તૈયાર ન હતા અંતે અમી એ પરિવાર વિરુદ્ધ જઈને જ લગ્ન કરી લીધા હતા.

 

    લગ્ન બાદ અમી શિવાંશ સાથે શ્રીનગર શિફ્ટ થઈ ગઈ હતી. અહી આવ્યા બાદ લગ્નનું એક વર્ષ હસતા હસતા ક્યારે પૂરું થયું  એની જાણ અમીને  પણ નહિ હોય પણ કહેવાય છે ને કે, કોઈના બોલેલા શબ્દો ક્યારે સાચા પડે એ કહી ન શકાય. અમી સાથે પણ કંઇક આવું જ થયું, એક દિવસ અમી ડયુટી પર ગયેલા  શિવાંશ ને સારા સમાચાર આપવા ફોન  કરી રહી હતી અને એ જ સમયે સામેથી   શિવાંશ નો ફોન આવ્યો.અમી એ ફોન ઉપાડ્યો પણ તે કોઈ ખુશીના સમાચાર આપે તે પહેલાં જ એના જીવનમાંથી બધી ખુશી છીનવાઈ ગઈ હતી. ફોન કરનાર ફૌજી એ અમીને કહ્યું કે તેના પતિ પર કોઈ સરહદ પારથી ઘૂસી આવનાર વ્યક્તિએ ગોળીઓથી હુમલો કર્યો હતો જેથી તેઓ વીરગતિ પામ્યા છે. આ સાંભળતા જ અમી ફસડાઈ પડી તેનો હાથ તેના પેટ પર ગયો જ્યાં તેના ગર્ભમાં શિવાંશ નો અંશ શ્વાસ લઈ રહ્યો હતો.

 

    થોડા સમય બાદ શિવાંશના દેહને તેના ઘરે એટલે કે અમી પાસે લઈ જવામાં આવ્યો કેમ કે શિવાંશના પરિવારમાં અમી સિવાય બીજું કોઈ જ ન હતું. અમી પતિના મૃત શરીર ને જોતી રહી સાવ અવાક્ બનીને એની આંખ માંથી આંસુ ધીમી ધારે વહી રહ્યા હતા, તેને તેના પપ્પાએ કહેલા શબ્દો યાદ આવ્યા પણ એ સાથે જ તેને પોતે તેના પપ્પા ને આપેલો જવાબ પણ યાદ આવ્યો. અમીએ તેના પપ્પાને કહ્યું હતું : પપ્પા તમને તો ગર્વ હોવો જોઈએ કે, "મારો પતિ તમારી અને મારી રક્ષા કરવા સાથે દેશના તમામ માતા પિતાની, તમામ ભાઈ-બહેનની પણ  રક્ષા કરી રહ્યો છે અને જો તેનું મૃત્યુ થયું તો અવસાન થયેલ નહિ પણ વીરગતિ પામેલ ગણાશે, એટલું જ નહિ પપ્પા તેના મૃત્યુ બાદ પણ વર્ષો સુધી આ દેશની માટી તેની સુગંધ સાચવી રાખશે અને લોકો તેને યાદ કરશે. પપ્પા મને ગર્વ છે કે હું  શિવાંશની પત્ની બનવા ઇચ્છું છું અને કાલે સવારે જો હું વિધવા પણ થઈ જાઉં તો મને ગર્વ હશે એક ફૌજીની વીરવધુ બનવાનો."

 

     આ બધી વાતોને યાદ કરી પોતાના આંસુ લૂછી  રહી હતી ત્યારે જ અમીને શિવાંશના સાથીએ એક ચિઠ્ઠી હાથમાં આપી હતી જેમાં રહેલી ખુમારી જોઈને અમીની આંખો ગર્વનાં આંસુથી છલકાઈ ગઈ હતી અને તેણે નક્કી કર્યું હતું કે તેનું બાળક છોકરો હોય કે છોકરી પણ  તે   સેનામાં રહીને દેશ સેવા કરશે.

 

અમીએ ચિઠ્ઠી ખોલીને વાંચી.  ચિઠ્ઠીમાં શિવાંશએ લખ્યું હતું:

 

વ્હાલી અમી,

તું જ્યારે આ ચિઠ્ઠી વાંચતી હોઈશ ત્યારે હું આ દુનિયામાં નહિ જ હોઉં.  એ બધું વિચારવામાં સમય ના બગાડીશ કે મે આ ચિઠ્ઠી ક્યારે લખી,  ફૌજી છું સવલત રાખવી જ પડે ને!તારા પપ્પાએ પણ કહ્યું હતું ને કે અમારું કઈ નક્કી ન કહેવાય. અમી મને નથી ખબર કે જ્યારે તને આ ચિઠ્ઠી મળશે ત્યારે આપણા લગ્નને કેટલા વર્ષો થયા હશે કે બસ મહિનાઓનો જ આપણો સાથ હશે.હું એ પણ નથી જાણતો કે જ્યારે તું આ ચિઠ્ઠી વાંચતી હોઈશ ત્યારે આપણું એક બાળક હશે કે પછી તું હમણાંની જેમ જ મારી રાહ જોતી હોઈશ પણ હું બસ એટલું જ કહીશ કે  મને ગર્વ છે કે હું મારા દેશ માટે કઈક કરી શક્યો. અમી   જેટલો પ્રેમ અને હૂંફ આ માટીએ મને આપ્યાં છે તેટલો જ પ્રેમ મને તારા તરફથી પણ મળ્યો છે  યાદ રાખજે આ માટીમાં અને આ હવામાં હંમેશા મારી સુગંધ અકબંધ રહેશે. આપણે હંમેશા સાથે જ હોઈશું .બસ આ શરીરને મે પહેલા જ મારી ભારત મા ને નામ કર્યું હતું  એટલે ,  તારો દુપટ્ટો જેટલા વહાલથી મને ઓઢાડે છે ને એટલા જ વહાલથી આ  ત્રિરંગો તારા હાથે મને ઓઢાડજે. 

                      લિ.

                     તારો શિવાંશ.

 

આજે શિવાંશના મોતને પાંચ મહિના થયા છે. અમી પોતાના ગર્ભમાં ઉછરી રહેલા બાળકની રાહ જોતાં  જોતાં સૈનિક શાળાના બાળકોને શિક્ષા આપવાનું કામ કરી રહી છે.

 

--divyamodh (diya's poetry)

Insta id: @divyamodh96

 

પ્રતિભાવ જરૂરથી આપજો મિત્રો.

 

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED