ખાલીપો Divya Modh દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ખાલીપો

અર્ચિતાને હવે બહુ એકલું લાગવા લાગ્યું હતું,આમ તો એ પહેલેથી જ એકલી રહેવાવાળી છોકરી હતી પણ પાછલા બે ત્રણ દિવસથી તો એણે પોતાની જાતને રૂમમાં બંધ જ કરી દીધી હતી..અર્ચિતાના દોસ્ત નહોતા એવું નહોતું. સ્કૂલથી લઈને કોલેજ સુધી એને અઢળક દોસ્ત બનાવ્યા હતા પણ ભણવા સિવાયની કોઈપણ વાત એના મોઢે સાંભળવા જ ન મળતી.કોઈપણની સાથે કંઈપણ વાત કરી લેવી,ખોટી ગોસીપ કરવી કે, દોસ્તોના અફેર વિશેની વાતો કર્યા કરવી  આ બધી વાતોમાં અર્ચિતાને સહેજ પણ રસ ન હતો. ન એનામાં હક જતાવી પોતાની વાત શેર કરવાની આવડત હતી.એ પોતાની દુનિયામાં જ રહેતી.હા કોઈની વાતને શાંત મને સાંભળી એને સમજણ મુજબની સલાહ આપવાની અને બીજાના દુઃખે દુઃખી થવાની ગજબની આવડત હતી એનામાં. કોલેજમાં પણ એનામાં કઈ ખાસ બદલાવ આવ્યો ન હતો.હા એક બે સારી બહેનપણી બનાવી હતી પણ એની કઈ શેર ન કરી શકવાની,ખુલીને કઈ કહી ન શકવાની આદત તો અહી પણ એમ જ રહી.કોલેજ પૂરી થયા પછી ધીમે ધીમે બધા જ પોતપોતાના કરિયરમાં વ્યસ્ત રહેવા લાગ્યા, કેટલાક દોસ્ત લગ્ન અને બાળકોમાં વ્યસ્ત રહેતા અર્ચિતા સાથેનું કનેક્શન ઓછું થવા લાગ્યું.અર્ચિતા પણ કરિયરમાં કઈ કરી બતાવવાની લાલસામાં કામમાં જ વ્યસ્ત રહેતી.ઓફિસથી ઘર ને ઘરથી ઓફિસ આ જ એનું રૂટિન રહેતું, વધુમાં વધુ રજાઓમાં એ ક્યાંક ફરવા જતી પણ એ પણ એકલી.જો કે આ દરમિયાન સોશિયલ મીડિયા પર અર્ચિતાના ઘણા દોસ્ત બન્યા હતા.એમાં પણ અભિલાષા અને અમિત એના ખાસ દોસ્ત હતા.બંનેના ફોન એ ગમે તે સમયે ઉપાડી લેતી.બંનેની સારી,ખરાબ ગમે તેવી વાત એ સાંભળી લેતી,અમિતની વાતો તો એ કલાકોના કલાકો સાંભળ્યા કરતી અમિત ઘણીવાર અર્ચિતા ને કહેતો 

"કેવી ગજબ છે તું, છોકરી થઈ ને આટલી ચૂપ ,કઈ રીતે રહી શકે છે તું?"

"તું બોલ ને હું સાંભળું છું ને તને." અર્ચિતા હસીને કહેતી.હા "પણ તારી પાસે બોલવા કઈ હોય જ નહિ એવું કેવી રીતે બને યાર,તારે કશું શેર જ નથી કરવું?"અમિત ફરી પૂછતો.જેટલી વાર બંનેની વાત થતી અમિતના આ પ્રશ્નનો  હંમેશા રહેતા અને અર્ચિતાનો જવાબ પણ એ જ રહેતો.

"મને હક જતાવી ને વાત કહેતા નથી આવડતી અમિત."

"તો શીખી જા હક જતાવી ને કહેતા નહિ તો પછતાઈશ,  પોતાનું દુઃખ સામેથી કહેવા ઘણા લોકો આવશે તારી પાસે,પણ તારું દુઃખ પૂછવા કોઈ નહિ આવે આજની દુનિયામાં."અમિત ગંભીરતાથી કહેતો.

"હા તું છે ને ધીમેધીમે શીખી જઈશ."અર્ચિતા કહેતી.

અમિત પોતાની વાતો કહીને ફોન મૂકી દેતો.અર્ચિતા ધીરે ધીરે અમિત પર પોતાનો હક માની વાત શેર કરવા લાગી.તેમ છતાં એ પૂરી રીતે મન ખોલીને વાત ન્હોતી કરી શકતી.એવું ન હતું કે એણે કઈ છુપાવવું હતું,પણ ખબર નહિ કેમ એને હંમેશા એવું લાગ્યા કરતું કે, એની આસપાસ કોઈ એનું છે જ નહિ,કોઈના પર એનો કોઈ જ હક નથી અને આ જ કારણે અર્ચિતા કોઈ સાથે કંઈપણ શેર નહોતી કરી શકતી 

ધીરેધીરે અમિત અને અર્ચિતાની દોસ્તી ઓછી થતી ગઈ કદાચ અર્ચિતાના ઓછા બોલા સ્વભાવને કારણે જ.અમિત અર્ચિતાનો ગમતો વ્યક્તિ હતો.પ્રેમ ન હતો એની સાથે પણ  પહેલીવાર અર્ચિતા ને લાગ્યું હતું કે એ પણ કોઈ પર હક જતાવી શકે છે.અર્ચિતા થોડી દુઃખી થઈ પણ એને તો એકલા રહેવાની આદત હતી એને ફરી એ જ ઑફિસથી ઘર ને ઘરથી ઓફિસ નું રૂટિન શરૂ કરી દીધું ફરી એ વ્યસ્ત રહેવા લાગી.ક્યારેક અપસેટ થતી તો અભિલાષા ને ફોન કરી એની વાતો સાંભળી લેતી.અર્ચિતાને લાગતું કે એ અભિલાષા ના મનને હળવું કરવામાં મદદરૂપ થઈ રહી છે,પણ એના પોતાના મનમાં ભરેલી ,ક્યાંય ન ઠલવાયેલી વાતોનો એના પોતાના જ મન મગજ પર કેટલો બોજ બની રહ્યો હતો એ જોવાનો,સમજવાનો કે વિચારવાનો એની પાસે સમય જ ન હતો .ધીમે ધીમે આ સામન્ય થતું ગયું.અર્ચિતાના જીવનમા દોસ્ત આવતા પોતની તકલીફ શેર કરતા અને સમય જતાં ગાયબ થઈ જતા.અર્ચિતા અત્યાર સુધી દોસ્તીમાં લાગણીશીલ બની બધાનો સહારો બનતી રહી.પણ પાછલા બે -ત્રણ દિવસથી એણે એક જ વિચાર આવતો હતો કે એ મૂર્ખ બની છે,એનું પોતાનું કહી શકાય એવું કોઈ જ નથી એની પાસે,એ એકલી છે સાવ એકલી અને આ જ વિચારને કારણે એણે પોતાની જાતને રૂમમાં કેદ કરી લીધી હતી. ન તો એ કોઈના ફોન ઉપાડતી ન કોઈને ફોન કરતી હતી.એક જીવતી લાશ ની જેમ અર્ચિતા રૂમના એક ખૂણામાં બેસી રહી હતી.દિવસો વિતતા ગયા.અને એક સાંજે એ જ બંધ રૂમમાંથી કોઈના હસવાનો અવાજ આવ્યો..કોઈ જ મારું નથી ..કોઈ જ મારું નથી બોલતા અર્ચિતા જોરજોરથી હસી રહી હતી.

 

-diyamodh96 (diya's poetry)