Life after limit books and stories free download online pdf in Gujarati

એક હદ પછી

"એય સોડી, આ ચોપડિયું મેલ ને આયા આવ!"

 

"હવે હું થ્યું માં! તું સે ને બે ઘડી ઝપીને વાંચવાય નથ દેતી."

 

બૂમ પડતાં નજીક આવેલી રંજુને દેવકીએ કહ્યું.

 

"હા, હવે બઉ મોટી ભણેસરી ન ભાળી હોય તો લે ઝટ આ ભાથું પકડ ને તારા બાપા ને આલી આય!"

 

"પણ મા!"

 

"જો સોડી, તારી જિદ્દ પર જઈ મેં અને તારા બાપાએ તને બારમા હુધી ભણવા દીધી સે, પણ હવે તારી જીદ નહિ હાલે હમજી ને, રંજુ કઈ બોલે એ પહેલા જ  દેવકીએ એને ચૂપ કરી દીધી ને પછી દીકરી ને સમજવતાં બોલ્યાં. "સોડી સ્ત્રીઓની હાચી કદર તો રસોઈમાં જ સે, એટલે આ ચોપડીયું મેલી ને ઘરકામમાં ધ્યાન દેહે ને તો કોક હારો વર મળહે, ને તને સુખી ઘેર વળાવી અમેય સુખી થાહું!"

 

"પણ માં બધી જૂની વાતો સે, અત્યારની છોકરીયું તો મોકો મળે તો ક્યાયની ક્યાંય પહોંચી હકે સે."

 

માં ના આપેલા જ્ઞાન સામે રંજુ એ દલીલ કરી.

 

"ઇ બધી શે'રની સોડિયું જાય, આપણે ગામડાના ખેડૂત માણહ રી'યાં, આપણાથી આવા સપના ન જોવાય. તુંય તારા ભેજામાં ઝટ આ વાત ઉતારી લેજે કે આ વખતે કોઈ હારું માંગુ આવે એટલે તારે પરણી જાવાનું સે. હાલ હવે ઝટ ખેતરે જા, બાપાને ભૂખ લાગી હશે."

 

'મા'ની વાત સાંભળી ઢીલા મોંએ રંજુ ખેતર તરફ ઉપડી. બહુ શોખ હતો એને ભણવાનો અને જીદ કરી ને બારમા ધોરણમાં કોમર્સમાં એડમીશને લીધું હતું.  એ પણ એકસ્ટર્નલમાં. પણ હવે એની પાસે કોઈ આરો નહોતો. હવે તો  દેવકીબેન અને વિજુ ભાઈ બસ ઇ જ વાટ જોતા હતા કે  કે'દી કોક હારો મુરતિયો મળેને છોકરીને પરણાઈ દે. વાંક એમનોય નહોતો.  સમાજના છોકરા ખેતી કરતા એટલે ભણેલી છોકરીને કોઈ લેતું નહીં.

 

આજે છેલ્લું પેપર હતું પરિક્ષા ખંડમાં બધા ખુશ હતા રંજુ ઉદાસ હતી. હોય પણ કેમ નહિ સપના ઊંચા હતા એના. આગળ ભણવું હતું એને. પોતાની ઓળખ બનાવવી હતી. પણ આ બધું હવે અટકી જવાનું હતું. એક મહિનો વીતી જવા આવ્યો. ટેવાઈ ગયેલી  રંજુએ હવે ઘરકામ, રસોઈ બધું હોંશે હોંશે સંભાળી લીધું હતું.  એને હવે દેવકીબેન ખેતરમાં જ રહેતાં રાત્રે એ ને વીજુભાઈ સાથે જ ઘરે આવતાં. આમ ને આમ દિવસો  વીતતા ગયા. અને એ દિવસ આવી જ ગયો જેની દેવકી બેન રાહ જોતાં હતાં. રંજુ માટે માંગુ આવ્યું હતું. છોકરાંવાળા આજે જોવાય આવાનાં હતાં.

 

"હાંભાળ સોડી! સોકરાવાળા જેટલું પૂછે ઇટલું જ બોલજે, ને હા, તારા શે'ર જેવા વિચારો ઇમની હામે બક્યા નો કરતી. સોકરાના બાપા પાહે બહું મિલકત સે, લગન થઇ ગયું તો લે'ર કરહે!" દેવકીબેન રંજુને સમજાવી રહ્યા હતાં ને રંજુ  બિચારી લટકતા ઉદાસ મોઢે બધું સાંભળી રહી હતી. થોડીવાર બાદ બંને પરિવારની મુલાકાત લગ્ન નક્કી થઈ. એક મહિનાની અંદર અંદર રંજુના લગ્ન પણ કરાવી દેવામાં આવ્યાં.

 

લગ્નના એક મહિના સુધી બધું બરાબર ચાલ્યું. રંજુએ પણ પોતાની નવી જિંદગીને અને પરિવારને સ્વીકારી લીધો પણ એ બિચારીને ક્યાં ખબર હતી કે જે જિંદગીને એ સ્વીકારી ચૂકી હતી એમાં હજુ એણે કેટલી વેદનાઓ ભોગવવાની હતી. સોમવારની સાંજ હતી. રંજુના પતિ દીપકે ઘરમાં દાખલ થતાં જ બૂમો પાડવાનું અને ગાળાગાળી કરવાનું શરૂ કર્યું. રસોડામાં કામ કરતી રંજુએ ઝટ બહાર આવીને જોયું તો દીપક દારૂ પીને આવ્યો હતો.

 

પોતાના ઘરમાં બીડી કે તમાકુની એક પડીકી પણ જેને જોઈ નહોતી એ માસૂમ રંજુ પતિનું આવું રૂપ જોઈને બે પળ ડઘાઈ જ ગઈ. ઘરમાં બધાના ચહેરા જોઈને એને સમજાઈ રહ્યું હતું કે આ બધું પહેલીવાર નહોતું થઈ રહ્યું.

 

"એય વહુ જુઓ શું? આને અંદર લઈ જાવને જમાડી હુવાડી દે જો."

 

રંજુના સાસુએ દૂર ઉભેલી રંજુ તરફ જોતા આદેશ આપ્યો.

 

'હં!' રંજુના મોઢેથી ઉદગાર નીકળી ગયો.

 

"હા, તે ધણી તારો સે તે તારે જ હાચવવનો હોય ને!" સાસુએ ગુસ્સભરી નજરે રંજુ સામે જોતા કહ્યું.

 

રંજુ બાપડી ડરતા પગલે દીપક પાસે ગઈ તો ખરી પણ એના દારૂડિયા પતિએ બધાની સામે એનો હાથ પકડ્યો અને એટલો જોરથી ધક્કો માર્યો કે એનું માથું સીધું  સામે પડેલા લાકડાના હિંચકા સાથે અથડાયું. બાપડી રંજુ ત્યાંને ત્યાં જ હીબકે ચડી. એની આંખોમાંથી અશ્રુધારા વહેવા લાગી પણ અહીંયા હતું કોણ કે એને સાચવે.

 

હીબકા ભરતી રંજુને હાચવવા તો કોઈ આવ્યું નહિ પણ એના સાસુ એને હીબકા ભરતી જોઈ બોલ્યા, "લ્યો હવે એમાં રડે સે હું?  આદમીની જાત છે તે પીવેય ખરી, ને ક્યારેક હાથય ઉપાડે, ઊઠ જા, મારા દીકરાને જમાડી દે.  પહેલીવાર સે એટલે કાઠું પડ્યું, ધીમે ધીમે ટેવ પડી જાહે."

 

રંજુ  ડરતા પગલે રૂમમાં ગઈ અને દીપકને ઊંઘતો જોઈ એણે હાશ થઈ.

 

બીજા દિવસે બધું ભૂલીને રંજુ રોજના કામમાં લાગી ગઈ. સાંજે પાછી ઇ ની ઇ જ રામાયણ થઈ. આજે તો દીપકે નશામાં પત્ની સાથે સંબંધ બાંધવાનો પ્રયાસ કર્યો. રંજુ એ રોક્યો તો એની જોડે બળજબરી કરી ને ધોલધપાટ કરી.હવે આ રોજનું થઈ ગયેલું. દીપકનું દારૂ પી ને આવવું ને રંજુ ને મારવું. ક્યારેક તો લાત પણ મારી દેતો. ખૂણામાં બેઠી હીબકા ભરતી રંજુ હવે એક જ વિચાર કરતી હતી કે ક્યારે મોકો મળે ને પિયર જઈ માં બાપને વાત કરે. શીતળા માં એની માટે એ મોકો બની ને આવ્યા હતા.

 

અઠવાડિયા પછી રંજુના બાપા એને સાતમ કરવા તેડવા આવ્યા. રંજુ હરખાઈ ઊઠી. એણે થયું કે હાશ હવે એને આ નરકમાંથી છુટકારો મળશે. એની ધારણા ખોટી ઠરી. પિયર આવેલ દીકરીની વાત સાંભળીને દેવકીબેને એનો બચાવ કરવાને બદલે કહ્યું,  "જો રંજુડી, સ્ત્રીઓ સાથે તો આવું થાય જ એમાં કઈ પતિને છોડી નોં દેવાય!  બેટા, તું આમ પિયર હાલી આવે તો લોકો હું કહે,  'સોડીને બઉ ભણાવી ઇનું પરિણામ સે. તું સે ને એક કામ કર, એક સોકરું લાવી દે એટલે બધું ઠીક થઈ  જાહે. દેવકી બેન દીકરીના માથે હાથ ફેરવતા બોલેલાં.

 

રંજુને હમજાઈ ગયું હતું કે માં-બાપ પાસેથી એને કોઈ આશરો મળવાનો નહોતો. બાર ધોરણ ભણી હતી એટલે ઘરેલું હિંસા વિશે જાણતી હતી. છતાંય સમાજના ડરે બાકી સ્ત્રીઓની જેમ એનેય સહન કરવાનો નિર્ણય લીધો. પિયરથી ઘરે આવ્યા પછી એને પતિ-પત્નીના સંબંધને કમને પણ આગળ વધાર્યો.  

 

રોજ સવારે પોતાના  ભીના વાળથી ટપકતી પાણીની બુંદો સાથે મસ્તીભરી નજરે દીપકને જગાડતી  અને  પછી કેટલીયે વાર સુધી દીપક એને  પોતાના આલિંગનમાં જકડી રાખતો આ એક પળમાં તો  રંજુને એમ જ થતું કે દીપક  એ જ વ્યક્તિ છે જેને પામવા એણે વ્રત કર્યા હતા પણ બીજી જ પળે..બીજી જ પળે કઈક એવું બનતું કે  રંજુ નો એ ભ્રમ ભાગી જતો.ક્યારેક ગરમ પાણી ના બહાને, તો ક્યારેક ઠંડી થઈ ગયેલી ભાખરીના બહાને રંજુને દીપકની ગાળો સાંભળવી જ પડતીને સાસું-સસરા  સામે પતિના હાથના લાફા પણ ખાવા પાડતા. છતાં રાત્રે એ પતિને રીઝવવામાં કોઈ કસર છોડતી નહોતી.

 

દીપકના મોઢામાંથી આવતી અસહ્ય દારૂની વાસ સહન કરીને પણ રંજુ પૂરેપૂરા તન મનથી દીપકને સમર્પિત થઈ જતી. એના નાકમાં ઘુસી જતી દીપકના શ્વાસની ગંધ એણે  દીપકથી દૂર કરતી અને માએ કહેલી વાત ફરી રંજુને દીપક પાસે લઈ આવતી.

 

એક રાત્રે તો દીપકના વાળમાં પ્રેમથી હાથ ફેરવતાં ફેરવતા રંજુએ દીપકને કહ્યું પણ ખરું, "દીપક તમે આમ રોજ દારૂ પીને આવો સો ઇ મન નથ ગમતું. તમારા મોઢાની વાસથી મારો જીવ રૂંધાય સે, તમ પીવાનું સો'ડી દ્યો ને"

 

રંજુની વાત સાંભળીને દીપકે પ્રેમભર્યા સ્મિત સાથે એના ચહેરા પર હાથ ફેરવ્યો.  "તને મારા મોઢામાંથી વાસ આવે સે? જીવ રૂંધાય સે તારો ઇમ?" બોલતાં-બોલતાં દીપક અટક્યો. રંજુના વાળ ખેંચી જોરથી એણે પલાંગથી દૂર ફેંકીને ગુસ્સામાં એની સામે જોતા બોલ્યો, "નાલાયક, અસ્ત્રી જાત થઈને મને સલાહ આપે સે? હું ધણી સુ તારો, મારે પીવું હશે ઈટલું પીને આવીશ! તું કુણ મને રોકવા વાળી?" દીપક એટલા જોરથી બોલી રહ્યો હતો કે એના અવાજથી ઘરમાં બધા જાગી ગયાં હતાં. કોઈ એકવાર રૂમમાં રંજુ જોવા સુદ્ધાં નહોતું આવ્યું.

 

એ રાત પછી તો દીપક વધારે નશો કરીને આવવા લાગ્યો. રંજુ ને વધારે હેરાન કરવા લાગ્યો હતો. હવસખોરની જેમ નશામાં એના પર તૂટી પડતો. રંજુ  ક્યારેક એને રોકતી તો વધારે જોરથી એ રંજુને દબાવતો. રંજુ દારૂની વાસથી  મોઢું ફેરવી લેતી તો એ જોરથી રંજુના મોઢાને પકડીને પોતાની તરફ ફેરવતો.

 

રંજુ  હવે સાવ તૂટી ગઈ હતી મનથી. એ બસ જીવતી લાશ બની ને રહી ગઈ હતી. 

 

લગ્નના પાંચ મહિના પછી આખરે એ દિવસ આવી જ ગયો જેના માટે રંજુ એ આ બધું સહન કર્યું હતું.

 

"રંજુ વહુ ને હારા દાં'ડા જાય સે લ્યો મીઠાઈ ખાવ!" કહેતા કહેતા રંજુના સાસુએ ગામ આખામાં મીઠાઈ વેચી.

 

"હવે તો ઝટ મહિના પૂરા થાય ને ઝટ સોકરાંનું મોઢું ભાળવા મળે ઇ જ પ્રાર્થના કરુશું  પરભુ ને!" મીઠાઈ  આપતા રંજુની સાસું ગામની સ્ત્રીઓ સાથે વાત કરી રહી હતી.

 

 

 

 

"રંજુ  વહુ હાલ તારે દાક્તરને ન્યાં તપાસ કરાવવા હાટુ જાવાનું સે ને? દીપકે નામ નોધાવી રાખ્યું સે!"

 

હિંચકે બેઠેલા સાસુએ રંજુને બોલાવતા કહ્યું. ડોકટરે સોનોગ્રાફી કરી બધું બરાબર હતું .

 

"રંજુ બેન, તમારા ઘરે લક્ષ્મી આવવાની છે. તૈયારી કરવા માંડો."  સોનોગ્રાફી કરતા ડોકટરે કહ્યું.  "શું...? રંજુ ચોંકી ગઈ હતી. "ડૉક્ટર, મેરબાની કરજો પણ મારા સાસુને આ વાત ખબર ન પડવા દેતા કે મારા પેટમાં સોકરો નહિ પણ સોડી સે. કરગરતા અવાજે હાથ જોડીને રંજુએ ડોકટરને આજીજી કરી. રંજુના કહ્યા મુજબ ડૉકટરે પણ હકીકત છુપાવી રાખી. પરંતુ વિધાતાને કઈ અલગ જ મંજૂર હતું.

 

રાત્રે નશામાં ઘરે આવેલો દીપક  સીધો રંજુ પાસે આવ્યો.

 

"ઊઠ નાલાયક, ગુસ્સામાં દીપકે આરામ કરતી રંજુ પાસે  આવ્યો. અમારી હામે ખોટું બોલે સ, તને હું  લાઈગું? તું ખોટું બોલીને ઘરમાં મહારાણી બનીને ફરીશ અને એમને ખબર નહિ પડે ઈમ?"

 

અચાનક  જાગેલી રંજુને કઈ સમજાયું નહિ.

 

"પણ મને કેવ તો ખરા કે મેં કઇરું હું સે? મા તમ આમને હમજાવો ન પેટમાં કઈ વાગી જાહે તો?  રંજુએ સાસું સામે જોઇને વિનતી કરતા કહ્યું.

 

"હા,  હારું જો મૂઈ મરી જાય તો! ચમ નવાઈ લાગીને મને કેમ ખબર પડી કે પેટમાં સોડી સે? મી તારીને દાક્તરની વાત હાંભળી તી.

 

"તું તારે માર આને સોકરા, ઇટલે બીજી વાર ખોટું બોલતા વચારે!"    સાસુએ દીકરાને ઉશ્કેર્યો. ઉશ્કેરાયેલો દીપક હવે કોઈ રીતે શાંત પડે એમ ન્હોતો. એને એટલો ગુસ્સો હતો કે રંજુને મારી નાખે તો પણ નવાઈ નહોતી. દીપક પલંગની બાજુના ટેબલ પર મુકેલો લેમ્પ ઉઠાવી મારવા જ જતો હતો ત્યારે જ  રંજુએ  લેમ્પ હાથમાં પકડી ને જોરથી ખેંચી લીધો.

 

અને એક જોરદાર થપ્પડ દીપકને લગાવી દીધી.

 

"મને મારવા આવ્યો? તારે દીકરી નથી જોઈતી? નફ્ફટ મારે જોઈએ સે!  ખબરદાર જો મને હાથ લગાવ્યો તો!"

 

વિફરેલી વાઘણ ઘુરકીયાં કરતી રહી.

 

"મને ઢીલી પોચી ના હમજતો! તારી ચામડી ચીરીને સુકવી દઈશ બહાર! ખબરદાર જો આગળ વધ્યો સે કે હાથ પણ અડાડ્યો સે તો આ જ લેમ્પથી તારુ ભોડું ફોડી દઈશ!"

 

રંજુ રુદ્ર સ્વરૂપ ધારણ કરી ચૂકી હતી.

 

"તું મારા પર હાથ ઉપાડ્યો? તુ મારુ ભોડું ફોડીશ ઇમ તને તો....," દીપક ગુસ્સામાં રંજુની જેવો નજીક ગયો કે  દીપકને રંજુએ જોરથી લેમ્પ માર્યો અને એના માથામાંથી લોહી નીકળવા લાગ્યું.

 

"મારા જ મા બાપની ભૂલ હતી તે ઇમને તમારી જમીનને  પૈસા ભાળીને મારા લગન કરાઈવ્યાં. તારા જેવા જાનવરની હારે રેવા કરતાં હું એકલી રેવાનું પસંદ કરીશ ફટ્ ભૂંડા!"

 

રંજુ ગુસ્સામાં બોલી રહી હતી. એની આંખો સળગી ઊઠેલી.

 

" બોઇલી હું ખોટું ખબર સે કેમ? હું જાણતી તી કે મારી   સોડીને તમે જીવવા નઈ દ્યો. બઉ સહન કઇરુ મી! આજ હારું થાય કાલ હારુ થાય!  પણ હવે વાત મારી સોડી પર આવી હું મૂંગી નઈ રહું! જ્યારે વાત સંતાનની હોયને તિયારે હરેક અસ્ત્રીમાં રહેલી 'ચારણ કન્યા' જાગી જાતી હોય સે, વાઘ રૂપે ઇના સંતાનને મારવા આવેલી મુસીબતોને એકલા હાથે ભગાડી દેવાની તાકત રાખે સે! એક  અસ્ત્રી કમજોર નથી  હોતી ભડવા!  બસ ઇ બેઉ પરિવારની આબરૂ બચાવવા હાટુ બધું ભોગવતી હોય સે! પણ બઉ સહન કઇરુ મી! હવે તમ બધાં હાંભળી લ્યો હું જાઉં સું. હું નથ ઇચ્છતી કે મારી આવનાર સોડી આ નરકમાં જન્મ લે. અને કોઈએ મને રોકવાની કોશિશ કરીસેને તો યાદ રાખજો આયાં ને આયાં બધાને પતાવી દેતાં વાર નય લાગે."

 

રંજુએ મનનો બધો આક્રોશ ઠાલવ્યોને પોતાના કપડા ભરેલો થેલો લઈને ઘરેથી નીકળી ગઈ. 

 

આઝાદ જીંદગીની એક નવી શરૂઆત કરવાની નેમ લઈ. એક નવા જન્મને ઉગારવાની વાંચ્છના સાથે!

 

 

 

 

-divyamodh

 

insta. @divyamodh96 (diya's poetry)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED