ધરમભાઈ બહેનને ત્યાં ગયા છે. બહેને તો ભાઈને આમ ઓચિંતા આવતા જોયા એટલે થોડું અજુગતું તો લાગ્યું. પણ... બહેનને આંગણે એનો વીરો ક્યાંથી...!એ તો રાજી થતા આવકારવા લાગ્યા. ધરમભાઈ અંદર આવી, રામ...રામ... કરી, બુટ ઉતારવા લાગ્યા.
ગોમતીબાઈએ ઓસરીમાં ખાટલો ઢાળી દીધો. ફળિયામાં તડકો આવી ગયો હતો. કાનજીની વહુ દોરીએ કપડાં સૂકવતી હતી. એટલે ગોમતીબાઈએ જાતે જ પાણી ભરી આપ્યું... અને મોહનના બાપુને સાદ દીધો.
મોહન,ધનજીભાઈ અને સીતા મેડમ સવારમાં સાથે એના રૂમમાં જ ગીતા પાઠ કરતા... એટલે પાઠ પૂરો કરી બધા ત્યાં જ વાતે વળગ્યા હતા. ગોમતીબાઈના સાદે બાપ દીકરો બંને સાથે બહાર આવ્યા. ધનજીભાઈએ ધરમભાઈને રામરામ કર્યા... અને મોહને પગે પડી એના આશીર્વાદ લીધા. એકબીજાની તબિયત વિશે ખુશી સમાચાર પૂછી બધા એમ જ સામાન્ય વાતો કરવા લાગ્યા.
ધરમભાઈ બહેન બનેવી પાસે પોતાની મૂંઝવણ કહેવા આવ્યા હતા. પણ, મોહન અને હવે તો સીતાબેન પણ ત્યાં જ આવીને બેઠા હતા... એટલે વાત કેમ કરવી...?
મોહનને મામાનું ઓચિંતું આવવું પ્રશ્નાર્થ લાગ્યું હતું. પણ, આ કોઈ મોબાઈલ કે ટેકનોલોજી નો તો જમાનો ન્હોતો કે નંબર ડાયલ કરી મીરાંને પૂછી, મનનું સમાધાન કરી શકાય. એ તો એમ જ વડીલોની વાતો સાંભળતો બેઠો છે. એટલામાં મોહનને યાદ આવ્યું એને શહેરમાં જવા માટે થોડી વસ્તુ લેવા બજારમાં જવું હતું એટલે એ રજા લઈ બજાર તરફ વળ્યો અને સીતા મેડમ મંદિરના ચબૂતરે ચણ નાખવા ચાલ્યા.
ધરમભાઈને જે લાગ જોતો હતો એ મળી ગયો... એણે મીરાંને એ વાતની ખબર પડી ગઈ છે, એ બહેન બનેવીને જણાવી દીધું. હવે શું નિર્ણય કરવો...? તે અંગે પણ પોતાની વાત એમની સમક્ષ મૂકી. થોડો સમય વિચાર વિમર્શ કર્યા બાદ,એ નિર્ણય ઉપર આવ્યા કે બને તેટલા ઝડપી લગ્ન કરાવી દેવા. નહીં તો જો બાળપણનું સત્ય જાણશે તો, વગર વાંકે એકબીજાના મનમેળ શંકાને કારણે તૂટી જશે તો...?
ધરમભાઈએ જો શક્ય હોય તો અત્યારે જ બ્રાહ્મણને બોલાવી મુરત જોવાનું સૂચવ્યું. પણ,ધનજીભાઈએ કહ્યું "છોકરાઓની સંમતિ રાખીએ તો વધારે સારું રહેશે."
આમ પણ, જાનબાઈ સાથે ન્હોતા તો એકલા તો આવો નિર્ણય કેમ લેવો ? ભલે એ તેઓના નિર્ણય પર પ્રશ્ન ન કરે પણ સામેલગીરી તો એમની પણ હોવી જોઈએ ને...? એટલે અત્યારે આ વાત આટલે જ અટકાવી. મોહન અને મીરાંને વાત કરી પછી જ કોઈ નિર્ણય લઈએ...એવું નક્કી કર્યું.
ગોમતીબાઈ : "એમાં છોકરાઓની મંજૂરીની શું જરૂર છે...?આપણે વડીલો તો એમનુ હિત જ ઈચ્છતા હોઈએ છીએ.."
ધનજીભાઈ : "તો પણ જેને સાથે રહેવાનું છે એની સંમતિ તો હોવી જ જોઈએ."
આખરે બધા એ જ નિર્ણય પર આવીને અટકી ગયા.મોહન પણ હજી આવ્યો ન્હોતો. ધરમભાઈ બેનને ત્યાં જમી પરવારી ઘરે આવવા નીકળી ગયા . મોહનને શહેરમાં જવું હતું એટલે એને તો જલ્દીમાં જલ્દી આ વાત કહેવી જરૂરી હતી. એ જેવો બજારમાંથી આવ્યો કે તરત બધાએ સાથે બેસી તત્કાલ લગ્ન મંજૂરી માટે કહ્યું...
મોહન : "આટલો ઉતાવળો નિર્ણય શા માટે...? એમ નહિં પૂછું .મારે માટે તો વડીલોની આજ્ઞા શીરોધાર્ય. પણ જો મીરાંની અને તેના કુટુંબીજનોની જે ઈચ્છા હોય તે પ્રમાણે કરો. બાકી મને તમારા નિર્ણય પર કોઈ વાંધો નથી. પણ, બધાને જે યોગ્ય લાગે તે કરો."
બીજી તરફ ધરમભાઈ ઘરે પહોંચ્યા. માં દીકરી બંનેના ચહેરા પર પ્રશ્નાર્થભાવ હતો. એમને જોઈ બંન્નેને એ વાત પૂછવાનું મન થઈ આવેલું... પણ,કેમ પૂછવું...?બંને નિરાશ અને આતુર ચહેરે જોયા કરે.એકાદવાર તો પૂછવા પણ ગયા પણ હોંઠ અધખુલા રહી ગયા. આખરે ધરમભાઈએ જાતે જ એ વાત રજૂ કરી દીધી.
મીરાંને મોહન ઉપર તો પૂરો ભરોસો હતો. પણ, એકવાર તો એને મોહનને મળવું જરૂરી લાગ્યું... પણ, કેવી રીતે ? એ તો શહેરમાં જઈએ રહ્યો હતો. એકવાર મળવાનો હક તો હોવો જોઈએ ને...? પછી જ કોઈ નિર્ણય પર પહોંચી શકાય.
મોહનને પણ અહીં એવો જ વિચાર આવ્યો...પણ, મળવાનું કોઈ કારણ તો મળવું જોઈએ ને..?બીજી બાજુ મીરાં પણ એજ મૂંઝવણમાં હતી કે કેવી રીતે મળી શકાય કે સ્પષ્ટતા માટે અવકાશ મળે તેવું કરી શકાય..?
શું થશે આગળ..?
વાંચો આવતા અંકે