સંબંધની પરંપરા - 1 Dr.Sarita દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સંબંધની પરંપરા - 1



વહેલી સવારનો સૂરજ સંતાકૂકડી રમતો આગમન કરી રહ્યો હતો.પનિહારીઓ પાણી ભરીને આવી રહી હતી.તેના ઝાંઝરના છમ..છમ.. અવાજથી વાતાવરણ જાણે નર્તનમયી લાગતું હતું.આવી એક સવારે પનિહારીનું ટોળું માથા પર રંગબેરંગી માટલા સાથે ગામની ગલીઓમાંથી પસાર થતું અને જેઓના ઘર આવતા જતા તેમ-તેમ આ ટોળું ઓછું થઈ વિખેરાઈ જતું.છેલ્લે માત્ર બે યુવતીઓ બાકી રહે,જે ગામના છેવાડે આવેલા મોટા ડેલાવાળા ખોરડા તરફ જવા લાગી અને એ પણ એવી સિફતાઈથી કે જાણે તેનો નિત્યક્રમ હોય.

ધીરે રહીને આ યુવતી ડેલાની સાંકળ ખોલી અંદર પ્રવેશી...ઓસરીની કોરે પહોંચી માટલા નીચે ઉતારી,ભીના થયેલા કાપડાની કોરને હાથથી નીચોવી, અંદર પ્રવેશવા જતી હતી કે..પાછળથી એક સ્ત્રીનો અવાજ આવ્યો... મી..રું ભરી આવી પાણી ?..હવે ઝટ-ઝટ તૈયાર થઈ જા.તારા સસરા વાળા આવતા જ હશે.આ સાંભળતાં જ લગભગ પાંચેક ફૂટ ઊંચાઈવાળી,મીણના જેવી ચળકતી અને રૂની પૂણી જેવી સફેદ કાયાવાળી એક યુવતી અલ્લડ અદાથી લાંબા ચોટલાને હાથથી ઉછાળતી દરવાજા તરફ ચાલતા ચાલતા બોલી ભલે બા..

મીરાં જ એ યુવતી હતી જે ધરમભાઈની એકની એક લાડકી દીકરી હતી.શાખે ઉચ્ચજ્ઞાતિના હોવાથી સગપણની પ્રથા અગાઉથી જ મામા ફોઈમાં નિશ્ચિત થયેલી હતી.મીરાંનું સગપણ તેના મામાના દીકરા સાથે અગાઉથી જ નક્કી કરેલું હતું.નાનપણમાં તો મીરા વેકેશનના સમયે મામાને ત્યાં જતી ત્યારે તે અને માધવ સાથે જ રમેલા.પરંતુ, જ્યારથી મીરાં દસ વર્ષની થઈ ત્યારથી તેને વધુ અભ્યાસ માટે શહેરમાં મોકલી દેવામાં આવી.બીજી બાજુ માધવ પણ અભ્યાસ માટે કોઇ શહેર તરફ દોડી ગયો.

આજે બીજા દસ વર્ષ પછી જ્યારે આ બાળપણના મિત્રો મળવાના હતા ત્યારે,..તેઓની વચ્ચે દસ વર્ષનો સમયગાળો અને ઉછરતી યુવાનીની અલગ જ યાદો હતી અને સાથે હતો વડીલોએ મહોર મારેલા સગપણનો તકાજો. ઓરડામાં પ્રવેશેલી મીરાં અરીસા સામે જઈ પોતાના હાસ્ય-ભીના ચહેરાને બે ઘડી નીરખી એક અલગ જ યાદમાં ગરકાવ થઈ ગઈ.કેવું અજુગતું થશે!.કે,જ્યાં બાળપણ વિતાવ્યું, તે જ જીવનનો ભાગ બની સાથે રહેશે.પહેલા જે ઘરમાં નિર્દોષ તોફાન-મસ્તીનાં ગાણા હતા!..ત્યાં શરમ અને મૌન સહેવું પડશે.એ સંબંધો પણ કેવા પરિવર્તન પામશે એવા એવા તો અનેક વિચારો તેના માનસપટ પર આવીને વારાફરતી અદ્રશ્ય થવા લાગ્યા અને આ વિચાર હજી પણ ચાલુ રહેત.જો બહારથી આવેલી તેની બહેનપણી સીતાએ તેને સ્વપ્નમાંથી ન જગાડી હોત.

મીરાંને વિચારમાં જોઈને સીતાએ એકદમ ઝડપથી તેના બંન્ને ખભા હચમચાવી નાખ્યા.સ્વપ્નમાંથી બહાર લાવી જાણે,ઉંઘમાંથી ઉઠાડી ન હોય તેમ તે કેહવા લાગી..ચાલ,તને તૈયાર થવામાં મદદ કરું. તે મીરાંની ઓઢણીને પાટલી વાળી ખભે નાખવા લાગી. મીરાં પણ પોતાના વિખરાયેલા વાળને ઠીકઠાક કરવા લાગી. વડીલો સામે જઈ મર્યાદા પૂર્વક રહી શકાય તેવો પરિધાન કરવા લાગી.કોઈ ક્ષત્રિયાણીને છાજે તેવો પોશાક પહેરી તે ફરી કોઈ ગાઢ વિચારમાં ગરક થઈ ગઈ, અને તેના અંતરાત્મામાંથી એક અવાજ ઉઠયો....

"અરે!ક્ષત્રિયાણીના આ શું જીવન ઘડાયા છે?જેની સાથે જીવન ગાળવું એ જીવનસાથી પણ બિનપસંદગીનું અને એ પણ,પરંપરાગત ચાલતી કોઈ કૂટનીતિ જેવો પસંદગીનો કાયદો;જાણે મારે ફરજિયાત પાળવાનો.. વળી,બીજો વિચાર આવ્યો ..."લલાટે લખ્યા લેખ"જે હશે તે ચૂપચાપ નિભાવવું જ ખપે".

આ કોલાહલ ભર્યા વિચાર વચ્ચે બહારથી એક અવાજ આવ્યો...'હે રામ..રામ ધરમભાઇ'
અને આ અવાજ સાથે એક આધેડ ઉંમરની બાઈ સાથે બે યુવાનો અને એક માણસ બધા સાથે પ્રવેશ્યા.અહીં તે યુવતી મીરાંના મામી ગોમતીબાઈ તેના મામા ધનજીભાઈ એક યુવાન મોહન અને તેનો મિત્ર વિનોદ હતા.આ ચારે જણા મોહન અને મીરાંના સગપણને મહોર મારવાનો અર્થાત લગનનું મૂરત નક્કી કરવા આવ્યા હતા.અને આ પ્રસંગે આશ્ચર્યની વાત એ હતી કે...બંને નવયુવાનો મોહન અને મીરાં અભ્યાસ અર્થે શહેરમાં ભણતા હોવાથી દસ વર્ષથી એકબીજાને મળ્યા પણ ન હતા.આ લોકોના આગમન પૂર્વે મીરાં આ અંગેના વિચારથી જ અવઢવમાં હતી.
રામ...રામ...ના એ સાદને પ્રતિસાદ આપતા ધરમભાઇ બે હાથ જોડી ઝડપભેર બહાર આવ્યા અને અગાઉથી યોજનાપૂર્વક ઢાળેલા ખાટલે મહેમાન ને બેસાડી પોતે પણ બેઠા. અને એક મધુર સાદ કર્યો ક્ષત્રિયાણીજી તમારા ભાઈ ભાભી આવી ગિયા જલદી બા‘ર આવો.આ સાંભળી મીરાંને જરૂરી શિખામણના શબ્દો કહી એક સ્ત્રી બહાર આવી પાણીયાળેથી પાણીના લોટા ભરીને મે‘માન તરફ ધરી રામરામ કેતી ઊભી રહી.આ સ્ત્રી તે મીરાંની માં જાનબાઈ હતા.પછી બધા સાથે મળીને વ્યવહારની ને મુરતની વાતો કરવા લાગ્યા એટલામાં જ ગોમતી બાઈએ કહ્યું
"બેન મીરાં ક્યાં છે?કેમ દેખાતી નથી!
"ત્યાં છે“ જાનબાઈએ ઉત્તર વાળ્યો ...અંદર રસોડામાં છે. ચૂલે આંધણ મૂક્યા છે તે,રાંધતી હશે .આટલું બોલી તે ચૂપ થઈ ગયા.
ગોમતીબાઈને મીરાંને મળવાનું મન હતું તેથી,તેણે જાનબાઈ ને કહ્યું
"રાંધવાનું તો પછી પણ થશે.મીરાને બહાર બોલાવો ને એટલે અમે અને ખાસ કરીને મોહન એને મળી લે"
" હા,હમણાં બોલાવું છું" કહીને જાનબાઇ એ સાદ પાડ્યો... "મીરું..એ મીરું...બહાર આવ મામી બોલાવે છે."
"એ..આવી..."ના સાદ સાથે બહાર આવવા તેણે પગ તો ઉપાડ્યો પણ,શરમ અને કંપનથી તેનું ડગલુંય ન ઉપડયું ફરી તેણે હિંમતભેર માથે ઓઢેલું ઓઢણી હાથથી પકડી ગાલ સાથે ટેકવતા પગલું ઉપાડ્યું અને બહાર ઓસરીમાં થાંભલી એ જ અટકી ઉભી રહી ગઈ ..અને ત્યાં જ ખૂબ વિહવળતાથી રાહ જોતા મોહનની બે નેત્રોની તૃષ્ણા તો શાંત થઈ ગઈ.. પણ આ શું! તેને એકદમ અદભુત આશ્ચર્યથી મીરાં સામે જોયું અને તે એક આશ્ચર્ય સાથે ઊંડા વિચારમાં ખોવાઈ ગયો.

તે જ્યારે શહેરમાંથી બે વર્ષ પહેલાં ઘરે આવી રહ્યો હતો અને કોઈ કારણસર તેની બસ ચૂકાઈ ગઈ ત્યારે તે પાછો વળતો હતો.ત્યાં સામેથી એક અલ્લડ છોકરી એક વૃદ્ધાનો હાથ પકડી તેને રસ્તો ઓળંગવામાં મદદ કરી રહી હતી..એટલામાં એક નાનકડું બાળક સાઈકલ લઈને રસ્તામાં વચ્ચે ઉતર્યું ને તે યુવતીના પગ પર સાઇકલ ચલાવી ગયું.મોહન આ બધી વસ્તુનો સાક્ષી બની જોતો હતો પરંતુ,બંને વચ્ચેનું અંતર એટલું હતું કે ત્યાં પહોંચી શકાય અને બચાવી શકાય તેમ ન હતું. આ ઘટના તેની સ્મૃતિમાં સચવાઈ રહી હતી..પરંતુ આ વાતને ઘણા દિવસ વીતી ગયા હતા.આજે આ બંને ચહેરા સામે આવી પસંદગીના પાત્ર માટે વિકલ્પ બની ગયા...

''રમત રમતનાં ઢીંગલી-પોતીયા,
રમતા તા' સહિયારી પ્રીત,
આવી યુવાની ડેલીએ ત્યાં,
બની ગયા એ મનના મિત...''

કદાચ તે અકસ્માત એક-બીજાની ઓળખાણ કરાવવાનાે નિમિત્ત બન્યો હતો.. શું આ સંબંધ જોડાશે.??

(વધુ આવતા અંકમાં....)