સંબંધની પરંપરા - 8 Dr.Sarita દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સંબંધની પરંપરા - 8

સીતા દાદીની આ દુઃખદ વાત સાંભળી મોહન અને મીરાની આંખોમાં પણ આ ઝળઝળિયાં આવી ગયા. છતાં, તેઓ પ્રશ્નાર્થ નજરે સીતા દાદીને જોઈ રહ્યા હતા. પણ, સીતા દાદી હવે ચૂપ થઈ ગયા હતા.

મોહને કહ્યું "પરિસ્થિતિ ગમે તેવી વિપરીત હોત તો પણ, ગામ લોકો તમને સપોર્ટ તો કરત જ.... તમે અહીં શા માટે આવ્યા..? તમારા પૅન્શનથી તમારું ગુજરાન તો ચાલત જ.... અને કોઈ મદદની જરૂર હોય ત્યારે આખું ગામ તમારી સાથે જ હોત.

સીતા દાદીએ કહ્યું "હું ગામમાં રહું એમાં તો મારી પણ પ્રતિષ્ઠા હતી. પણ, તમારા સાહેબના ઈલાજ પાછળ મેં મારી બધી જ મૂડી ખર્ચી નાખી... ત્યાં સુધી કે, મારું પેન્શન પણ એમાં ખર્ચાઈ ગયેલું....એટલે શેના આધારે જીવવું...?

તમારા સાહેબ જીવતા હતા ત્યાં સુધી તેમને પણ આ વાતની જાણ થવા ન દીધેલી નાહક ના ચિંતા કરે. એટલે ...એમના મૃત્યુ પછી હું શેના આધારે જીવું? એ વાત જ તેમને આધાત આપી જાત...

મિલન પાસેથી તો આવકની કે તેના આવવાની કોઈ આશા જ નહોતી. કેમ કે, તે પોતાના બીમાર પિતાની ખબર પૂછવા કે તેમના મૃત્યુ પર પણ ન આવ્યો. એટલે હવે મારા માટે તો એ કયાંથી આવત..!

મારો સંબંધ પરનો વિશ્વાસ ઉઠી ગયો. પણ, એક બાજુ એ સંતોષ તો હતો જ કે... સારું થયું, જ્યાં સુધી શાળામાં નોકરી કરી ત્યાં સુધી આ સ્વાર્થી સંબંધની સ્થાને મેં મારા વ્યવસાયને જ પ્રાથમિકતા આપી .... એ વાત જ આજે પણ મને દિલાસો આપી જાય છે અને મારી અંદરની જીજીવિષા જાગી જાય છે.

મોહને કહ્યું.... "તો પણ, તમે ગામ શા માટે છોડ્યું...? અમારા ઘરે વાત કરવી હતી ને...? મારા બાપુજીને તમે ક્યાં નથી ઓળખતા.... એ તમને ક્યારેય દુઃખી ન થવા દેત.

આપણા ગામના જમનાબા અને ગોમતીમાંને કોઈપણ પ્રકારના સંબંધ વિના મારા બાપુજીએ રાખ્યા જ હતા ને....? તો... તમે તો, મારા પોતાનાં હતા. મારા પરમ પૂજનીય ગુરુ હતા. તમને તો ખૂબ જતનથી રાખત.
એક વખત વાત તો કરવી હતી ને......!

સીતા દાદીએ કહ્યું.... "તારી વાત તો સાચી છે. માત્ર તમારું જ ઘર નહીં ગામના પ્રતિષ્ઠિત ગણાતા કોઈ પણ ઘરમાંથી મને મીઠો આવકારો જ મળત.... જો કહીને નીકળું તો મને કોઈ જવા પણ ના દેત... પણ, મારા સ્વાભિમાન નું શું....?

જે ગામમાં લોકોની વચ્ચે સ્વાભિમાનથી ઊંચું માથું કરી જીવી ગઈ ત્યાં કોઈના આશ્રયે જઈ રહેવું મનને બોજ જેવું લાગત....એટલે જ ગામમાં કોઈપણને જાણ કર્યા વિના માત્ર ખપ પૂરતી વસ્તુઓ લઈ મીઠી યાદગીરી સમૂં મકાન એમ જ બંધ કરી ચાલી નીકળી હતી.

ક્યાં જવું ...?એનો વિચાર પણ, ત્યારે મારા મનમાં સ્પષ્ટ નહોતો. જો નજીકની કોઈ જગ્યાએ રહું તો ગામના લોકો મને શોધી લે.... એટલે એવો વિચાર જરૂર કરેલો કે દૂર શહેરમાં ક્યાંક જઈ વસવાટ કરીશ.

અહીં વૃદ્ધાશ્રમ આવવાનો તો મેં સ્વપ્નેય પણ વિચાર નહોતો કર્યો. હું તો કોઈ કામ કરી સ્વાભિમાનની જિંદગી જીવવા ઈચ્છતી હતી..

શહેરમાં ઊતરી કોઈ વસવાટની શોધમાં જઈ રહી હતી ...ત્યાં રસ્તા પર એક વૃદ્ધ પીડિત સ્ત્રીને ભિક્ષા માગતા જ જોઈ હૃદય દ્રવી ઉઠ્યું ...થયું ....જ્યારે મારા પણ હાથ-પગ કામ નહીં કરે ..કે કોઈ બીમારી ઘેરી વળશે ત્યારે,હું કોના આશરે...? એટલે અહીં આશ્રમમાં આવી ગઈ.

અહીં આવીને પણ, મેં મારું કામ નથી છોડ્યું .....

મીરાંએ મોહનને કહ્યું .."હા ,દાદીની વાત સાચી છે .દાદી અહીં પણ બધી સ્ત્રીઓને લખતા વાંચતા શીખવે,સવાર-સાંજ રામાયણ ગીતાના પાઠ સંભળાવે.વળી, આશ્રમના બગીચા પાછળ તો જાણે તેમનો આખો દિવસ ખર્ચાય જાય.ખૂબ જતનથી ફૂલછોડના ઉછેર પાછળ મહેનત કર્યા કરે .

મોહને કહ્યું હા... "તમને ફૂલ-ઝાડનો તે પહેલેથી જ લગાવ હતો ને ....દાદીએ હળવું સ્મિત આપી હકારમાં માથું ધુણાવ્યું.

મોહને મીરાંને કહ્યું.."મીરા તને ખબર છે તેઓ અમને અમારા જન્મદિવસે અમને શું ભેટ આપતા .....?

મીરાંએ કહ્યું ...."શું...?"

મોહને કહ્યું..." અમારો કોઈપણ જન્મ દિવસ એમના આપેલા ફૂલછોડ વગર અધુરો... એમના તરફથી એ દીવસે દર વર્ષે નવો ફુલછોડ મળે... સાથે ગીફટ મળ્યાનો એક અદ્ભુત આનંદ પણ મળતો .....

અને હા.... તેમના જન્મદિવસે પણ તેઓ અમારા આખા ક્લાસ પાસે શાળાના મેદાનમાં એક એક નવા ફૂલ છોડ રોપાવતા અને આખું વર્ષ તેનું જતન થતું. આના કારણે અમારી શાળાની શોભા કોઈ બગીચાથી ઓછી ન લાગતી.. જાણે કોઈ સહેલાણીઓના આકર્ષણનું કેન્દ્ર એવો બગીચો અમારી શાળાના મેદાનમાં હતો.. જેને જોઈને તું આધુનિક ગાર્ડન પણ ભૂલી જાય...

મીરાં કુતુહલવશ બધું સાંભળતી હતી.ત્યાં જ એને પેલો મુખ્ય સવાલ યાદ આવી ગયો ..દાદી માટે હવે શું કરવું...?તેને ઘરે જવા માટે કઈ રીતે તૈયાર કરવા અને કયાં રાખવા....?

વધુ આવતા અંકે....

-ડૉ.સરિતા (જલધિ)