સંબંધની પરંપરા - 6 Dr.Sarita દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સંબંધની પરંપરા - 6

મોહને ફરી સીતા દાદી ને કહ્યું "પેલા આંબલીના ઝાડ પર ચડી ગયેલા વાનર જેવા તોફાની બારકસને તમે કેમ ભૂલી શકો?...કોઈનું પણ ન માનનારો તમારા કહેવાથી એકવારમાં જ નીચે આવી ગયો હતો..ખબર છે...ને".

"તમારો પ્રિય વિદ્યાર્થી કે જેને તમે સાચો રસ્તો બતાવી ખરા અર્થમાં પથપ્રદર્શક બન્યા એ તમારા દ્વારા ઘડતર થયેલ તમારા શિષ્યને તમે કેમ ભૂલી શકો..?" તમારા અસંખ્ય વિદ્યાર્થીઓમાં તમારો એક માત્ર પોતીકો લાગતો એ તોફાની બાળક.જેના તોફાનને હંમેશા નિખાલસ માસુમિયતનું નામ તમે જ તો આપેલું...

સીતા દાદી વચ્ચે જ બોલી ઉઠ્યા...."બસ ,તું... તું મોહન ને..? સીતા દાદીના સ્વરમાં ધ્રુજારી આવી ગઈ.તે મોહનને સ્નેહથી ભેટી પડ્યા.મોહને તરત તેમના ચરણ સ્પર્શ કરી આશિર્વાદ લીધા.

બીજી તરફ આ બધાથી અજાણ અને પોતાના કોઈ સ્નેહાળ સબંધની શોધમાં આવેલી મીરાં આ બધી જ ઘટનાની મૂક સાક્ષી બની. બંનેના ચહેરાઓ તરફ વારંવાર જોતી જ રહી.શું થઈ રહ્યું હતું એની કશી સમજ પડતી ન્હોતી.

મોહને સીતા દાદીને કહ્યું... "મેં તમને શોધવા ઘણા પ્રયત્નો કર્યા. છેલ્લા પાંચ વર્ષમાં હું અનેક વાર શાળાએ જઈ તમારી શોધ મેળવવા પ્રયત્ન કરતો. તમારા ઘર વિશે ખબર પૂછવા જતો. પરંતુ, કોઈ પાસેથી મને તમારી માહિતી મળી નહીં. બધા પાસેથી એક જ જવાબ મળતો કે અહીંથી રિટાયર્ડ થયા પછી એમ ના કોઈ સમાચાર નથી અને હું નિરાશ વદને પાછો ફરી જતો.

કોઈ અજાણ વૃદ્ધ જો તમારી પ્રતિકૃતિ જેવા દેખાય તો તેમના ચહેરાઓમાં ઘણીવાર તમને શોધવા પ્રયત્ન કર્યો છે પણ નિષ્ફળ જ ગયો. એતો મીરાંને આમ નિરાશ જોઈ મારાથી ન રહેવાયું એટલે એમના રૂમ પાર્ટનર એમના પ્રિય દાદીની શોધમાં મારે અહીં આવવાનું થયું અને જાણે મારો વર્ષો જૂનો પ્રયાસ સફળ થયો.

સીતા દાદીએ કહ્યું... "હા,બેટા રિટાયર્ડ થયાના છ મહિનામાં જ મેં તો ઘર અને ગામ છોડી દીધા હતા".

મોહને કહ્યું.... "પણ, શા માટે..?માસ્ટરજી અને તમારા પુત્ર મિલન ભાઈ તો હતા. તો પછી તમે અહીં શા માટે..?

સીતા દાદીએ કહ્યું.." બેટા, કહાની તો દુઃખદ અને લાંબી છે હું તને પછી કહું. પણ,પહેલા એ તો કહે કે તું મીરાંને કેવી રીતે ઓળખે?

બીજી તરફ મીરાં હજી આ બધું મૂર્તિવંત બની જોઈ સંબંધને ઉકેલવા મથતી હતી. પણ, કાંઈ સમજ પડતી ન હતી. એ જોઈ મોહને મીરાંનો હાથ પકડ્યો અને સાથે મળી પાછા સીતા દાદીના આશીર્વાદ લીધા અને કહ્યું "મારી અને મીરાંની સગાઈ નક્કી થઈ ગઈ છે".

"આ સંબંધ નક્કી કરતા પહેલા જ્યારે હું અને મીરાં પહેલીવાર મળ્યા ત્યારે તેની આંખોની નિરાશાએ મને પ્રશ્નાર્થ અવસ્થામાં મૂકી દીધેલો. પરંતુ,મારા પૂછવા પર સરળ અને નિખાલસ વ્યક્તિત્વવાળી તેણે મને તમારા પ્રત્યેના લગાવની વાત મને વિના સંકોચે કરી દીધી".

તમારા વિશે ,તમારા કુટુંબ વિશે મેં મીરાંને પૂછ્યું તો કહે.."મને ખબર નથી. દાદીએ મને કયારેય ન કહ્યું અને મે પણ ફરી કયારેય ન પુછ્યું...

"મીરાંને તમે અહીં આશ્રમમાં જ છો એ સરનામું તો ખબર હતી. પણ ,એ તમે હશો એ મને ખબર ન્હોતી".મોહને કહ્યું.

સીતા દાદીએ કહ્યું.." મીરાં એ તો મને ફરી જીવતા શીખવ્યું હતું..પણ,એના ગયા પછી પાછું જીવવુ વ્યર્થ લાગવા માંડ્યું હતું.મારી એવી તો સેવા કરતી અને ધ્યાન રાખતી કે એ જોઈને થતું કે કોઈ ભાગ્યશાળીને જ આવી દીકરી કે પુત્રવધુ મળે..જેના ધરમાં જાય એ ઘર સ્વગૅ સમુ ખુશહાલ લાગે એવી છે. તને આ જીવનસાથી તરીકે મળી તો એ પણ કોઈ ઈશ્વરીય સંકેતથી ઓછું ન કહેવાય.તારું આખું આયખું સુધરી જાય એવી છે મીરું".

એકવાર મીરાં પાસેથી વાતવાતમાં સાંભળેલું કે મીરાંને ઘરમાં બધા વ્હાલથી મીરું કહી બોલાવે છે ત્યારથી દાદી પણ ઘણીવાર મીરાંને 'મીરું'ના નામે સંબોધતા..

મોહને કહ્યું.હા..હા..મને હવે તો જીવનરક્ષક કવચ તરીકે બે-બે નારીશકિતનો સાથ મળી ગયો છે. તમે અને મીરાં...એટલે આજે હું મારી જાતને કૃતજ્ઞ માનું છું..છતાં પણ તમારી આ અવસ્થામાં આ દશા જોઈ ખૂબ જ દુઃખ થાય છે.તમારી આ દશાનું કારણ તો હવે તમારે કહેવું જ પડશે..?મોહને ફરી સીતાદાદીની દુઃખતી નસ પકડી આ સવાલ પૂછી લીધો.

સીતા દાદી આ હકીકત જણાવવા તૈયાર જ ન હતા.મોહન પણ આખરે તો એમનો જ વિધ્યાર્થી ને..!એણે પણ જીદ પકડી લીધી.

વધુ આવતા અંકે...

-ડૉ.સરિતા (જલધિ)


-ડૉ.સરિતા (જલધિ)