પ ની પદયાત્રા Pravina Kadakia દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ ની પદયાત્રા

*********

વર્ણમાલાનો ‘૨૦મો અક્ષર છે પ” પણ રૂઆબ તો ‘ક’ કરતાં પણ વધારે રાખે છે. કેમ ન રાખે તેની આગવી ‘પ્રતિભા’ તો જુઓ ! કિંતુ એ થાપ ખાઈ જાય છે કે આ કશું , આ જગે કોઈનું ટક્યું નથી અને ટકવાનું પણ નથી.

સદા ઘુમતી, બદલાતી આ પૃથ્વી પર ફેરફાર નિરંતર ચાલ્યા કરે છે. કશું કાયમ ટકતું નથી તો પછી ગર્વ શાને ?

‘પદ’ ની શુભ શરૂઆત ‘પ’થી થઈ . આ પદ કેટલું ટકવાનું ? તો પછી પામ્યા  તો તેનો સહી ઉપયોગ કરો ? જેથી પદ છૂટે તો પણ તે પદને શોભાવનારની ચર્ચા ટુંકા યા લાંબા ગાળા સુધી રહે ! પદનો ગેર ઉપયોગ કરી  લાંછન તો ન લગાવો !

‘પદ’ નાનું હોય કે મોટું, શાળાના શિક્ષક કે આચાર્ય ? સફળ શિક્ષક જ્યારે પોતાના પદનું ગૌરવ જાળવી, કેળવણીના ક્ષેત્રમાં નામના મેળવીને તો આચાર્ય પદે પહોચે છે.

‘પ્રતિષ્ઠા’, તેની પાછળ પાગલ માનવીએ આંધળી દોટ મૂકી છે. ઝાંઝવાના જળ જેવા પ્રતિષ્ઠા છે. જેટલી દોટ લગાવશું એટલી એ દૂર જતી જણાશે. કાળા માથાનો માનવી વગર વિચાર્યે કાળા કૃત્ય કરે છે. બસ તેના દ્વારા પ્રતિષ્ઠા પામવા પાગલ બન્યો છે. પ્રતિષ્ઠા પામવા કામ પ્રત્યેની નિષ્ઠા, વફાદારી, સત્યનો આગ્રહ આ બધું સંકળાયેલું છે. ચોરી ચપાટી, ઘાલમેલ કે લફંગા ગીરી કરીને મેળવેલી પ્રતિષ્ઠા પત્તાના મહેલની જેમ  જમીનદોસ્ત થાય છે. તેનું ભાન પણ રહેતું નથી.

‘પદવી’ તેના મહત્વ કોણ અજાણ છે. કિંતુ એ પ્રાપ્ત કરવા યોગ્યતા  સિદ્ધ કરવી આવશ્યક છે. બાકી, ‘ના હું તો ગાઈશ’ની માફક કદાચ પ્રાપ્ત થાય, તો તેને ટકાવી રાખવા બેહુદા કૃત્ય કરી શકવા પણ તે સક્ષમ છે.

પદવીથી, વ્યક્તિની પ્રતિભાને ચાર ચાંદ લાગી શકે, નહીં કે અયોગ્ય વ્યક્તિ પદવીને પામીને કોઈ ‘ધાડ’ મારી શકે !સમાજમાં હાંસીનું પાત્ર થાય તે નફામાં. તેના માટે યોગ્યતા હોવી આવશ્યક છે. પદવીનું ગૌરવ ત્યારે જળવાય છે, જ્યારે તેના દ્વારા લોક હિતના કાર્ય થયા હોય. યા તો કોઈ સિદ્ધિ હાસિલ કરી હોય. પાંચ માણસમાં પુછાય તેવા કોઈ કાર્યમાં સફળતા મેળવી હોય !

‘પ્રારંભ’ જાણી જોઈને આ શબ્દથી લેખનો પ્રારંભ નથી કર્યો. ‘પ્રારંભે શૂરા જેવી’ કફોડી હાલત ન થાય તેનું ધ્યાન રાખ્યું ? પ્રારંભ કરવામાં આપણે સહુ શૂરા છીએ. કિંતુ કાર્ય પ્રત્યે નિષ્ઠા અને ઉમંગ જારી રાખવામાં સાવ કાચા.

ડગલું ભર્યું તે ના હટવું એવો મક્કમ નિર્ણય જોઈએ. શરૂઆત કરી કરીને અધવચ્ચે છોડી દેવું. માર્ગમાં આવતી અડચણોથી ગભરાવવું એ બધા સારા લક્ષણ નથી !

‘પ્રગતિ’ ને પંથે પ્રયાણ જારી રાખવું. કાર્ય તેના ધ્યેય સુધી પહોંચાડવામાં સહાય કરશે. ગતિ જગતનો નિયમ છે. પ્રગતિ કરવી એ મનુષ્ય માટે જરૂરી  છે. પ્રગતિ સતત અભ્યાસ માગે છે. દૃઢ નિશ્ચય, મક્કમતા તેનો માર્ગ સરળ બનાવે છે.

‘પ્રમાણિકતા’ ‘પ’નું ગૌરવ વધારનાર મસાલો. પ્રામાણિક વ્યક્તિ ભલે કોઈ વાર સમાજમાં શિકાર બને પણ અંતે ‘સત્યમેવ જયતે’ જ થાય. માનો યા ના માનો, પ્રમાણિકતા સાથે બાંધછોડ ન કરવી હિતાવહ છે.

પ્રેમ, પ્રણય, પ્રતિક્ષા, પ્રયોજન, પ્રભાત, પ્રકાશ, પ્રતીક, પ્રવાહ, પ્રયોજન, પ્રયાસ, પ્રથમ,  કેટલા જણને પદયાત્રામાં સામેલ કરું ? આ તો પદયાત્રાને બદલે સરઘસ થઈ ગયું.

ચાલો પદયાત્રા નિર્ધારિત સ્થાને પહોંચે તેવી પ્રાર્થના.