जिंदगी मौत ना बन जाए संभालो यारो Dr Hiral Brahmkshatriya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

जिंदगी मौत ना बन जाए संभालो यारो

ઊર્જા નામની એક ગૃહિણી, બારમું ધોરણ પાસ કર્યું અને તરત જ લગ્ન નક્કી થઈ ગયા, લગ્ન કરીને સાસરે એવી પરોવાઈ ગઈ કે એને કોઈ ભાન જ ના રહ્યું , સંસારમાં ગોઠવાયેલી ઊર્જા જાતને ભૂલીને લગ્ન જીવનમાં જોતરાઈ ગઈ, બે વર્ષ પછી ઊર્જા અને ઉમંગને ત્યાં ટવીન્સ બાળકો જનમ્યાં જેનું નામ વિભા અને વિલાસ રાખવામાં આવ્યું.
ઊર્જાનું જીવનચક્ર એનું એ જ ચાલતું, સવારે 6 વાગ્યાથી શરૂ કરીને રાત્રે કામ પતે ત્યાં સુધી ઊર્જા ઘરના દરેક સભ્યોની ઈચ્છાઓનું લીસ્ટ પૂરું કરતી, સવાર દૂધ અને છાપું ઘરની અંદર લેવાનું અને રાત્રે કચરો ઘરની બહાર મૂકવાનું, સાસુ - સસરાની દવાઓ અને પતિનો નાસ્તો અને ટિફિન, બાળકોને સમયસર જમાડવાનું અને પ્લે હાઉસમાં લેવા - મૂકવા જવાનું, ચોવીસ કલાકમાંથી જેટલો સમય ઊર્જા સુવે અને દૈનિક કાર્ય કરે એટલો સમય પોતાના માટે કાઢે બાકીનો સમય ઘર પર ન્યોછાવર. ઊર્જાને એવું લાગતું હતું કે આ લોકો મારી જવાબદારી છે અને મારે એને સારી રીતે નિભાવવાની છે.
ઉમંગ ઘણીવાર કહેતો કે તું તારી માટે સમય કાઢ, તું બધાને બધું પીરસીને ન આપ, અમે લોકો થોડું મેનેજ કરી લઈશું પણ ઊર્જા બહુ કંઈ ધ્યાન ન આપતી.
એક દિવસ ઊર્જા વિભા અને વિલાસને પ્લે હાઉસમાંથી તેડવા જતી હતી ત્યાં એનો અકસ્માત થયો, હાથ અને બંને પગમાં ઘા વાગ્યો હતો છ મહિના સુધી તે પથારીમાં રહી અને આ છ મહિનામાં તેણે જિંદગીને એક નવા ચશ્માથી જોઈ, શરૂઆતમાં ઘરમાં બહુ મિસમેન્જમેન્ટ ચાલ્યું પણ સમય જતાં બધું વ્યવસ્થિત ગોઠવાય ગયું. સવારની ચા ઊર્જાના સસરા બનાવી લેતા અને નાસ્તો ઉમંગ બનાવી લેતો, રસોઈનું કામ સાસુજી એ સંભાળી લીધું, બાળકોની જવાબદારી પણ ત્રણેય વારાફરતી વહેંચી લીધી.
ઊર્જાનો અકસ્માત એના માટે સમય લઈને આવ્યો, વિચારવા માટેનો સમય, બધું જોતાં અને ઓબઝરવેશન કરતા ઊર્જાને સમજાયું કે, "મને લાગતું હતું કે આ લોકો મારા પર dependent છે પણ ખરેખર તો હું આવેગિક રીતે એમના પર dependent છું, ઘરમાં કોઈ એક વ્યક્તિને પણ જમવામાં મજા ન આવે તો દુ:ખી હું થઈ જાઉં, ઉમંગ લેટ જાગ્યો હોય તેમ છતાં એને ઓફિસ જવામાં મોડું થઈ જાય તો ગિલ્ટ મને થાય, મારી જાત માટે સમય મળતો જ ન્હોતો કેમ કે શરૂઆતથી મેં જ બધાને મારી ખોટી આદત પાડી દીધી હતી, નાની મોટી દરેક વસ્તુ હું જ કરી આપું એવા મારા દુરાગ્રહના કારણે બધાને બધું સમયસર તો મળી રહેતું પણ મને મારી જાત માટે સમય જ ન્હોતો મળતો અને એના કારણે હું ગુસ્સે થઈ જતી, મારો સ્વભાવ ચીડચીડ્યો બની ગયો , અને હમેંશા એ વાતનું ગુમાન કરતી કે મારી વગર મારા પરિવારને એક દિવસ પણ ન ચાલે પણ ક્યારેય આ રીતે તો વિચાર્યું જ નહિ, કે સતત Yes women બનવામાં ,મારી અંદરની women મારી રહી છું."
ઊર્જાના હાથ અને પગના પાટા સાથે કેટલાક સંવેદનોના પાટા પણ ખુલ્યા, ઊર્જા હવે રોજ સવારે ઘરના કામ પાછળ ફૂટબોલના દડાની જેમ ઉછળકૂદ નથી કરતી પણ પરિવારની સાથે બેસીને સસરાના હાથની બનાવેલી ચા પીવે છે. સાંજે મ્યૂઝિક ક્લાસ જાય છે અને પોતાનો આર્ટ અને ક્રાફ્ટનો એક નાનો બિઝનેસ પણ સંભાળે છે. ટુંકમાં એ બધા માટે સમય કાઢે છે જે કરવામાં તેને નિજાનંદ આવે છે.
“આ તો હું છું એટલે ઘર સચવાયેલું છે.”
“હું ના હોત તમારું શું થાત!”
“મારા વગર એમને કંઈ ન જડે.”
“બે – પાંચ દીનું બધું ગોઠવીને નીકળવું પડે, તમારા ભાઈને બાકી કંઈ સુઝકો જ ન પડે.”
આવા કેટલાય ડાયલોગ આપણે ગૃહિણીના મોઢેથી અવારનવાર સાંભળીએ છીએ, ઘરની અંદર એક સ્ત્રીની ગેરહાજરી આખા ઘરને ઉથલપાથલ કરી શકે અને એના વિશે બહુ ચર્ચા પણ થઈ, સ્ત્રીઓના ઘણા વખાણ પણ થયા અને એક સ્ત્રીની મહાનતા પણ આપણે બધા એ મળીને સાબિત કરી. પણ આ ઘરની ઉથલપાથલમાં સ્ત્રીના મનની ઉથલપાથલનું શું ?
ઊર્જાના ઉદાહરણ મુજબ આપણે સ્ત્રીને આવેગિક અને આર્થિક બંને રીતે dependent બનાવી દઈએ છીએ, મેડિકલ પોલિસી હોય કે શેરમાં રોક્યેલા પૈસા, આપણે ક્યારેય ચર્ચા કરીએ છીએ ઘરની સ્ત્રી સાથે ? કમાતી સ્ત્રી પણ રોકાણ તો પતિ કહે એમાં જ કરે અથવા તો પતિશ્રીઓ જ એના નામે બધું સંભળાતા હોય,(ગામડાઓની અંદર જે રીતે મહિલા સરપંચની સ્થિતિ હોય એ રીતે) અને જ્યારે આકસ્મિક સંજોગો ઊભા થાય ત્યારે આવા ડાયલોગ મારતી સ્ત્રીઓ કેટલી લાચાર થઇ જતી હશે ?
આપણા ઘરની કોઈ પણ વ્યક્તિ જો આ codependencyનો શિકાર હોય તો એને કહેવાની જરૂર છે કે live your life & feel your own feelings.
Codependency ધરાવનાર વ્યક્તિને એવું જ લાગે છે કે આ બધી મારી જ જવાબદારી છે અને એ પૂરી કરવામાં એ જાતથી બહુ ઘસાતી હોય છે અને આવા ઘર્ષણ લાંબે ગાળે ડિપ્રેશન, હૃદયરોગ, ચિંતા, હાઈ બ્લપ્રેશર જેવા કેટલાય નાના મોટા રોગોને જાણેઅજાણે આમંત્રણ આપતા હોય છે.
થોડા સમય પહેલા Tripling season 3 વેબ સિરીઝ જોઈ હતી જેમાં આપેલ સંદેશ ઘણા અંશે આના જેવો જ છે, આ જીવન માતા પિતા પોતાના સંતાનો માટે સગવડ ઊભી કરવામાં વ્યતીત કરી દે અને અંતે બાકીની ઉંમર બીમારીના લક્ષણો સાથે વિતાવી દે, તો એમના અંગત જીવનનું શું ? આવા પ્રકારની Codependency આપણને મુક્ત રીતે જીવતા અટકાવે છે.
#છેલ્લોકોળિયો : મેં તારા માટે આ કર્યું અને મેં તારા માટે તે કર્યું અને તું જો કેવી રીતે વર્તે છે આ બધું કહીને જો સંબંધોમાં સફાઈ ન આપવી હોય તો જલ્દી જ સ્વીકારી લો કે તમને સુખ આપનાર કે દુ:ખી કરનાર એકમાત્ર વ્યક્તિ તમે જ છો, તો સૌથી પહેલો સમય એના માટે કાઢજો અને હા, બધાને ખુશ કરવાની જવબદારી તમારી નથી.
– ડૉ. હિરલ બ્રહ્મક્ષત્રિય