એક સામાજિક પ્રસંગમાં હાજરી આપવા ગયેલી અને ત્યારે એક ઘટના બની, વાત જાણે એમ હતી કે, રૈના નામની એક છોકરીએ તેના મિત્ર એટલે ઋષભ નામના છોકરાને ચુંબન (Lip kiss) કર્યું, આ વાત બહુ સહજ અને સ્વાભાવિક લાગે પણ વાતનો વિવાદ એટલા માટે થયો કેમ કે રૈનાની ઉંમર 5 વર્ષ અને ઋષભની ઉંમર 6 વર્ષની હતી. બંને મિત્રો હતા અને સાથે રમતા હતા, જ્યારે ચુંબન કરી રહ્યા હતા ત્યારે કોઈ વડીલ વ્યક્તિ તે બંનેને જોઈ ગયા અને પછી આખો પ્રસંગ સંસ્કાર અને સભ્યતાની વાટાઘાટોમાં પલટાઈ ગયો. બંને બાળકોના માતા પિતાએ ઝઘડો કર્યો, બાળકો પર હાથ ઉપાડ્યો અને રૈના અને ઋષભની દોસ્તી તોડાવીને પોતપોતાને ઘરે ગયા.
૧૪ વર્ષથી નાની વયની વ્યક્તિને આપણે બાળક તરીકે ઓળખીએ છીએ, એ આપણે સૌ જાણીએ છીએ, અહીં જ્યારે ઘટના બની ત્યારે બે પ્રશ્નો સામે આવે છે.
1) શું આપણે જાતીય જીવન જેટલું બાળકોથી છુપાવીને રાખીએ છીએ એટલું આક્રમક જીવન છુપાવીએ છીએ ?
2) શું આપણે બાળકના હાથમાં 4×6 ઇંચની સ્ક્રીન પકડાવીને તેને જે જોવું હોય તે જોવાની મોકળાશ બહુ જલ્દી આપી દીધી છે ?
પહેલા પ્રશ્નનો જવાબ મોટાભાગના કિસ્સાઓમાં ' ના ' મળશે, ખરેખર આપણે કેટલી કાળજી રાખીએ છીએ ! આપણી અંગત અને રોમાંટિક ક્ષણોને છુપાવીને રાખવાની જેટલી તસ્દી લઈએ છીએ એટલી કાળજી આપણે આક્રમક થવામાં કે આક્રમકતા છતી કરવામાં રાખતા નથી. કોઈ દિવસ આપણે સહકુટુંબ ફિલ્મ જોવા બેઠા હોઈએ, અને ભૂલથી પણ કોઈ કિસ કરતો સીન આવે કે અશ્લીલ દ્રશ્ય આવે તો આપણે ચેનલ બદલી નાખીએ છીએ કાં પછી બાળકોને આખા પાછા કરી દઈએ છીએ પણ શું એ જ વસ્તુ આપણે મારધાડ કે હત્યાના દ્ર્શ્યો આવે ત્યારે કરીએ છીએ ? આપણું બાળક ઉછેરીએ છીએ ત્યારે તેના દરેક આવગોની જવાબદારી આપણી છે, જેટલું સહજતાથી આપણે લઈએ છીએ એટલું જ સહજ અને સરળ એને પણ એ વસ્તુ કે ઘટના લાગે છે, મારવું અને મારી નાખવું એ બહુ સામાન્ય છે એવું બતાવનાર અસંખ્ય ફિલ્મો, અગણિત સિરીઝો ઉપલબ્ધ છે ત્યારે શું આપણા બાળકમાં એ સમજ રોપી છે કે કોઈને મરજી વગર હાથ લગાડવો ગુન્હો છે એ જ રીતે કોઈની પર હાથ ઉપાડવો કે તેને તકલીફ થાય તેવું કોઈ પણ વર્તન કરવું એ પણ એક પ્રકારનો ગુન્હો છે! કિસ કરવી અને યૌન સંબંધ બાંધવા માટે એક ચોક્કસ ઉંમર છે એવું આપણે બાળકને સમજાવીએ છીએ ! કે માત્ર TV ના એક સીનની જેમ સહેલાઈથી બદલાવી નાખીએ છીએ! બાળકોની અંદર વધી રહેલી આક્રમકતા અને નાની ઉંમરમાં થઈ રહેલા શારીરિક બદલાવો ક્યાંક ઇન્ડીકેશન તો નથી ને ! આપણી બદલાઈ ગયેલી જીવનશૈલી અને મોર્ડન ઉછેર પ્રક્રિયાનો. દીકરીઓનો માસિકસ્ત્રાવનો સમય બદલાઈને આશરે 5-7 વર્ષ વહેલો થઈ ગયો છે, અભ્યાસો મુજબ 70% છોકરાઓ 10 વર્ષની ઉંમરથી પોર્ન કે બ્લુ ફિલ્મ જોવાનું શરૂ કરે છે. આપણી પાસે એવો કોઈ આધાર નથી કે આપણા બાળકો ક્યારે અને ક્યાંથી આક્રમકતા જોવાનું શરૂ કરે છે અને આપણે એ વાતથી પણ અજાણ જ છીએ કે આક્રમક ગેમ્સ અને મારધાડથી ખચાખચ ભરેલા પ્લોટના કન્ટેન્ટ જોતાજોતા આપણું બાળક ક્યારે આક્રમક વ્યક્તિ થઈ જાય છે અને ગુન્હાહિત વર્તન કરી બેસે છે. જુવેલાઈન ક્રાઇમ કેસોની સંખ્યામાં દર વર્ષે વધારો થઈ રહ્યો છે. 2021માં કુલ 31170 કેસોની નોંધણી થઈ હતી અને જે 2020ની સરખામણી એ 4.7% વધારે છે.જેમાં હત્યા અને બળાત્કાર જેવા ગંભીર ગુન્હાઓ પણ સામેલ છે.
સવાલ નંબર 2 નો જવાબ લગભગ લગભગ ' હા ' હશે, આપણે જલ્દી નહીં પણ બહુ જ જલ્દી આપણા બાળકને એક વળગણે લગાવી દઈએ છીએ, અને એ છે આ નાનકડાં મોબાઈલ ફોનનું વળગણ. તમારા કામની ગોઠવણી કરવા માટે અને બાળકો સાથે બેસીને થોડા પ્રયત્નો અને થોડા વિચારપૂર્વક રમવામાં આવતી રમતો, બાળવાર્તાઓ, બાળગીતો અને તેની સાથે રમાતી દરેક આઉટડોર અને ઇનડોર રમતો રમવાનું છોડીને આપણે એક વર્ષના બાળકને શું આપ્યું આ એક ગેજેટ અને હવે એની આદત એવી લાગી છે કે બાળક ધાવણ (બ્રેસ્ટ ફીડિંગ) છોડી દે છે પણ મોબાઈલ છોડતું નથી. બાળક શાંતિથી બેઠું રહે એવા હેતુથી શરુ થતી આ મોબાઈલની પરંપરા ઘણીવાર બહુ મોટી પરાકાષ્ઠા પહોંચે છે અને જેનું પરિણામ બહુ ખરાબ આવતું હોય છે. બાળકો જેટલું સાંભળીને અનુકરણ નથી કરતું એટલું વધારે જોઈને કરે છે, તો માતા, પિતા, સખીઓ અને સખાઓ આપ સૌને વિનંતી છે કે નવરા પડીને તમે ફોન લઈને બેસી જતા હશો તો તમારું બાળક પણ તમારી બાજુમાં બેસીને એ જ કરશે, તો મોરલ ઓફ ધ સ્ટોરી એ છે કે ' બાળકને ગોળ ખાતા અટકાવું હોય તો તમારે પણ અટકવું પડશે.'
ઘરની અંદર કેટલીક વસ્તુઓ ફર્નિચરની જેમ ફીટ કરાવવાની તાતી જરૂરિયાત છે :
🌸 બે - ત્રણ દિવસે એકવાર ઘરસભા ગોઠવો. (સભ્યોને સમજો અને એના ભાવોને સમજવાનો પ્રયત્ન કરો)
🌸 બાળકને ફોનથી જેટલું આકર્ષણ થાય છે એટલું આકર્ષણ તમારાથી થાય એવો માહોલ અને કુતુહલતા ઊભી કરો.
🌸 બાળકને સેકસ અને વાયોલેન્સ શું છે તેની યોગ્ય ઉંમરે સાચી સમજ આપો.
🌸 બાળકની કલ્પના શકિત વધે તેના માટે નવી નવી વાર્તા કહો
🌸 પુસ્તકો તમે પણ વાંચો અને બાળકોને પણ આ ટેવ વારસામાં આપો.
🌸 બાળકના મનની જિજ્ઞાસાને તમારી રાડ અને આળસમાં દબાવ્યા વગર, એના કુતુહલતાના કોયડાનો ઉકેલ આપો અથવા સાથે મળીને શોધો.
છેલ્લો કોળિયો : સંતાનો માટે પૈસા પાછળ જે દોડ માંડી છે એમાં ક્યાંક આપણા સંતાનો (માનસિક સ્વાસ્થ્ય) જ આપણા પગ નીચે દબાઈ નથી ગયાને! જરાક જોઈ લેજો.
- ડૉ. હિરલ બ્રહ્મક્ષત્રિય