Featured Books
  • ભાગવત રહસ્ય - 110

    ભાગવત રહસ્ય-૧૧૦   મહાભારતના શાંતિ-પર્વમાં એક કથા આવે છે.વૃંદ...

  • ખજાનો - 77

    " શું થયું મિત્ર...! તમારા ચહેરા પર આ ડર અને ચિંતા કેમ વર્તા...

  • પ્રિય સખી નો મિલાપ

    આખા ઘર માં આજે કઈક અલગ જ વાતાવરણ ઉભુ થયુ છે સામન્ય રીતે ઘરની...

  • ધ્યાન અને જ્ઞાન

        भज गोविन्दम् ॥  प्राणायामं प्रत्याहारं नित्यानित्य विवेक...

  • સંઘર્ષ - પ્રકરણ 11

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

શ્રેણી
શેયર કરો

બર્બરકજિષ્ણુ - જયસિંહ સિદ્ધરાજ - ભાગ 8

મુંજાલે શ્રીગણેશ માંડ્યા

કાળબળ સામે વ્યક્તિની મહત્તા કેટલી ક્ષુલ્લક છે એ જાણવા માટે એક વખતના પાટણના મહાઅમાત્ય સાંતૂની હવેલી પાસે કોઈ આંટો મારી આવે, તો કાં એ  જ્ઞાની થઇ જાય અથવાતો સંસારત્યાગી થઇ જાય. આ એ જ સ્થળ હતું, જ્યાં એક વખત મંડલેશ્વરો, માંડલિકો, સેનાપતિઓ ને દંડનાયકો આંટા મારતા. મહાઅમાત્યની ઝાંખી માટે ચોવીસે ઘડીની તપશ્ચર્યા કરતાં. આજે સમય પલટાયો હતો. તરુણ જયદેવ મહાઅમાત્યનું માન રાખતો. રાજમાતા એને પૂછતાં. એ પોતે હજી મહાઅમાત્ય જ હતો, પણ એની મહત્તા ધીમેધીમે ઘટી ગઈ હતી. એનું સ્થાન હજી ખાલી હતું. એ સ્થાન ઉપર કોઈ આવ્યું ન હતું, કોઈ આવવાનું પણ ન હતું, પણ સ્થાનનું જ જાણે મહત્વ ઘટ્યું હતું.

જયદેવની મહત્વાકાંક્ષાને કોઈ સીમા ન હતી. રાજમંત્રીની સાવધાનતાને પણ કોઈ સીમા ન હતી.

સોલંકી રાજાના ગૌરવને હાનિ થાય એવું કોઈ પગલું જયદેવ સાહસ કરીને ભરી ન બેસે – એટલી તકેદારી જ અત્યારે તો સાંતૂ રાખી રહ્યો હતો. એના દિવસો તો હવે પૂરા થયા હતા. નવા આગંતુકો નવી શક્તિ ધરાવતા હતાં. એક આખી પેઢી પસાર થઇ જતી હતી. સાંતૂ શાંતિથી એ ફેરફાર નિહાળી રહ્યો હતો. એને સત્તા ચાલી જાય એનો શોક ન હતો, પણ આજ દિવસ સુધી જે પ્રણાલિકા હતી, તે પ્રમાણે એણે કોઈને સત્તા સોંપી હોત, તો એને સંતોષ થાત. પણ જયદેવનું ખમીર જુદું જ નીકળ્યું. એની સમજશક્તિ પણ અનોખી નીવડી. એનું માનસ પણ એટલું જ વિચિત્ર નીકળ્યું. એને જાળવવો એ કાંઈ જેવાતેવાનું કામ ન હતું. એક ઘડીએ એ યુદ્ધની કલ્પના કરતો હોય, બીજી પળે કોઈ મહાન ભવ્ય મંદિરની યોજના ઘડતો હોય, ત્રીજી ક્ષણે કોઈ વિદ્વાનને પ્રશ્ન પૂછતો હોય, ચોથી પળે કોઈ સામાન્ય જણ પાસે ઊભો રહીને વટ્ટલક શી રીતે બને એની વાત કરતો હોય! એટલે મુંજાલને પોતાનું સ્થાન પોતા વડે જ પ્રાપ્ત થઇ શકે તેમ હતું. સાંતૂ કાંઈ સોંપી શકે નહિ, મુંજાલ કાંઈ લઇ શકે નહિ, લઇ શકે તો રાખી શકે નહિ. મહાઅમાત્યનું પદ મેળવવાનો અર્થ અત્યારે તો જયદેવની કલ્પનાને પહોંચવું એવો થતો હતો અને જયદેવની કલ્પનાને કોઈ સીમા જ ન હતી. એની બળવાન કલ્પનાને અવંતીનાથ જેવું સહજ લાગતું હતું. રાજમંત્રીઓને એ ગાંડી ઘેલછા જણાતી. ત્રિભુવન જેવાને પણ પોતાનો બહાદુર કાકો જરાક વિચિત્ર લાગતો. રાજમાતા તો પ્રેમથી હસીને કહેતાં: ‘અરે! આને ગાંડું લાગ્યું છે, મહેતા! અવંતીનાથ, અવંતીનાથ! બસ, અવંતીનાથ! પણ થાવું એક કાંઈ સહેલું છે દીકરા? અવંતીમાં તો વીર વિક્રમ જેવાનાં સિંહાસન હતાં કે જેની એકએક પૂતળી પ્રતિમા સરજતાં શિલ્પીઓએ વર્ષોનો હિસાબ રાખ્યો ન હતો અને સિંહાસન ઉપર બેસનારે વિક્રમે દ્રમ્મનો હિસાબ રાખ્યો ન હતો. અને એથી વિશેષ ત્યાં નવ રત્ન હતાં, શિર માટે ન્યાય કરનારા હતા. એ સિંહાસન તો વીર વિક્રમ સાથે ગયું. એ પરાક્રમ પણ ગયું. એ પરદુઃખભંજનપણું પણ ગયું. એ ન્યાય ગયો. એ ધર્મ ગયો. એ પ્રાણન્યોછાવરી ચાલી ગઈ! અવંતીનાથ તો ત્યારે થવાય દીકરા!’

પણ મીનલની વાણી સાંભળ્યા પછી જયદેવને ક્યાંય ચેન ન હતું, એની કલ્પનાને અત્યારે તો જે ઉત્તેજન આપે એ એનો મિત્ર થઇ જતો. એને ડાંભે એ એનો અમિત્ર થઇ રહેતો. માલવનો નરવર્મ કવિતા કરતો એમ એણે સાંભળ્યું હતું. ભોજ પણ કવિ હતો. મુંજ કાવ્ય કરતો. પણ જયસિંહને કલ્પના થઇ – કાવ્ય રચનાની નહિ, આખી ભૂમિને કાવ્યમય કરી મૂકવાની. ગુજરાતને એક છેડેથી બીજે છેડે ઠેરઠેર મહાલયો રચીને, મહાસરોવરો બનાવીને, મહામંદિરો સરજીને, મહાન યશ:સ્તંભો ઊભા કરીને – અર્બુદાચલથી દ્વાર વતી સુધી અને નવસારિકાથી ઠેઠ રણમાં ઊગેલા પુષ્પ જેવા વલ્લમંડલના લુદ્રવા સુધી – એક અને અખંડ ભૂમિકા સરજવાનું એના અંતરમાં મહાસ્વપ્ન જાગ્યું અને રાજાને રાત-દિવસ એ સતાવવા માંડ્યું.

જુવાન કેશવ એની પડખે ચડી ગયો. વીર વિક્રમ ઉજ્જૈન, ભારતવર્ષ અને એવી-એવી મહાન કલ્પના મૂકનારો બીજો મહાદેવ પણ પડખે ચડ્યો. દંડનાયક તો એના પરાક્રમમાં રાચતો અને બને ત્યાં સુધી એના ગાડામાં જ પોતાનું બળ મૂકતો. આ  નવો માણસ આવતો હતો, જગદેવ પરમાર. એ પણ કદાચ એમાં જ ચડી બેસવાનો. મુંજાલે હવે તાત્કાલિક પોતાનો માર્ગ શોધવાનું હિત જોયું.

સાંતૂને કાને રા’નવઘણની વાત હમણાં જ આવી હોય તેમ મુંજાલને લાગ્યું. મુંજાલે પ્રવેશ કર્યો ત્યારે મહાઅમાત્ય ચિંતામાં હતો.

‘મુંજાલ! તેં તો સાંભળ્યું હશે – આ સાંભળ્યું છે નાં – આ રા’ વિષેનું? હવે શું કરવું? એક સળગે છે ત્યાં આ બીજું!’ મુંજાલને તો ખબર હતી. કેશવે એને વાત કરી, પણ અત્યારે એ અજાણ્યો થઇ ગયો.

‘શું છે, પ્રભુ? શાની વાત છે?’

‘મહારાજે વાયુ બાંધ્યો છે – ને વાયુને બાંધવામાં કોઈ ફાવ્યું છે ખરું કે મહારાજ ફાવશે? પવનને કોઈ પૂરી શકે તો રા’ને પૂરી શકે! કેશવનાં કામ લાગે છે! તું તો જાણતો હોઈશ.’ પોતે ના પાડશે તો આ માનશે નહિ, હા પાડશે તો પ્રશ્ન આવશે. એટલે મુંજાલે બંને વાતની વચ્ચે માર્ગ કાઢ્યો.

‘પણ,પ્રભુ! અત્યારે તો ઉપર ગાજે છે બર્બરકનું, ત્યાં આ ઉલળ પાણા પગ ઉપર એના જેવું થાય છે. મહારાજને કહી દ્યોને’ – હજી છોડી મૂકે! આપણે એટલી ઊપાધી આંહીં હમણાં ઓછી.’ મુંજાલે કહ્યું.

‘પણ ભૈ... આ તો જયદેવ મહારાજ... માનશે?’ તેઓ કોઈનું માને? તો અત્યારે આ મૂર્ખાઈ કરે જ શું કરવા?’ મુંજાલને સાંતૂની અસહાયતાનો ધ્વનિ ખૂંચી ગયો. એક વખત આની જ વાત સંભળાતી હતી. હવે આની આસપાસ મહાઅમાત્યના નામનો પડછાયો પણ રહ્યા કરે એ એને પોતાને માટે ખોટું જ હતું; કારણ કે એથી તો બીજા ગમે તે એ પડછાયો અળગો કરવાનું મન કરે. એટલે જયદેવ સાથે સીધા ઘર્ષણમાં આવીને પણ – જો એ જાય, તો એમાં એનું હિત હતું. ઘર્ષણ જમાવવામાં એણે પોતાનો અભ્યુદય દીઠો.

‘પણ પ્રભુ! તમે નહિ કહો, તો કોણ. અમારા જેવા કહી શકશે? અમારું એ ગજું છે? દંડનાયકજી છે, તમે છો...’

‘દંડનાયકની પણ બુદ્ધિ ટૂંકી છે; બહાદુરી હશે. પણ કેટલીક વખત તમારે બહાદુરીને બેસાડી રાખવી પડે છે!’

‘હા પ્રભુ! કેમ નહિ? આપણે ક્યાં વર્ષો સુધી રાહ જોઈ નથી? પણ હવે જો મહારાજને સ્પષ્ટ રીતે કહેવામાં નહિ આવે તો ગમે તે પળે પાટણને પાધર થવાનો વખત આવશે. આ રા’નવઘણ આંહીં પુરાયો છે. ખેંગાર ક્યાંક બેઠો છે. ચંદ્રચૂડ. બર્બરક છે. ને લાટનું હજી તો પૂરું થાળે પડ્યું નથી, એમ દંડનાયક પોતે કહે છે. તમે અત્યારે રાજનીતિને નહિ દોરો, તો-તો પછી થઇ રહ્યું! કોણ મહારાજને કહેશે?’

‘મહારાણીબાને પણ હવે લાગ્યું છે. પહેલાં તો એમને પણ રાજકુમારની કલ્પનાનું ઘેલું લાગ્યું હતું. સૌને મન થાય – અવંતીનાથ થવાનું કોને મન ન થાય? પણ કાંઈ મન એમ માળવે જાય, એટલે માળવા આપણું? આંહીંનું શું?’

‘પણ તો આપણે નિશ્ચય કરો- હવે મહારાજ યુદ્ધમંત્રણા માટે બોલાવે ત્યારે તમે સ્પષ્ટ રીતે રાજનીતિની રેખા દોરો. મહાઅમાત્યનો બોલ આવા વિષયમાં આખરી ગણાશે. વાત ફરીથી નક્કી કરો.’

સાંતૂને ઉત્સાહ આવતો લાગ્યો. મુંજાલે એ જોયું. એણે એમાં પોતાનો વિજય દીઠો. પોતાની નીતિનો માર્ગ પણ એને સ્પષ્ટ થતો લાગ્યો. કાંકરી આ પહેલી ઉડાડી જ મૂકવી પડશે, પછી બીજા ને છેલ્લે મહારાજ.

એ જ્યારે ઊઠ્યો ત્યારે મહાઅમાત્યને એણે લગભગ ખાતરી કરવી દીધી હતી કે એ પોતાની શક્તિ વાપરે તો હજી તંત્ર એમનું જ છે. હજી કાંઈ બગડી ગયું નથી. મનમાં એ સમજી ગયો હતો. જયદેવની કલ્પનાનો પડછાયો પણ આનાથી ઝીલી શકવાનો નથી – અને એમાંથી જ આ પડશે.

‘તો તું દંડનાયકજી ને જરાક ચેતવી દઈશ? તું હો, હું હોઉં, દંડનાયકજી હોય, મહારાણીબા હોય, તો પછી વાત ખીલે બંધાય!’

‘હા, હું જાઉં. પણ મારે એમને કહેવાનું શું?’ મુંજાલે શિખાઉ ઠોઠનિશાળિયાનો પાઠ ભજવવા માંડ્યો: ‘વાતું ઉપાડું શી રીતે? દંડનાયકજીને મહારાજ વિષે ઘણો જ ઊચો મત છે એ તો તમે જાણો છો!’

‘દંડનાયકજીને મહારાણીએ બોલાવ્યા છે... એમાં એક બીજી વાત પણ છે...’

‘હા, એ તો મને ખબર છે.’ મુંજાલે અજ્ઞાન ન દર્શાવવામાં પોતાનો લાભ જોયો. આને ખબર છે એમ ધારીને સાંતૂએ વિશેષ માહિતી આપી.

‘લાટની કન્યા સારી છે...’ સાંતૂએ સામાન્ય વાત કરતો હોય તેમ કહ્યું.

મુંજાલને આશ્ચર્ય થયું. દંડનાયક બર્બરકના પ્રશ્ન અંગે આંહીં આવ્યો હતો એમ એ માનતો હતો, પણ વાત તદ્દન જુદી જ નીકળી પડી. પણ તેણે લેશ પણ ઉતાવળ કે આશ્ચર્ય ન બતાવ્યું, શાંતિથી વાત સાંભળી રહ્યો.

‘કન્યા સારી છે... પણ દંડનાયકજી પોતે માને તેમ નથી. ને મહારાજ પણ માને તેમ નથી!’

‘પણ લાટનો સંબંધ બંધાશે તો પ્રશ્નો પતી જાશે, એનું શું? એ લાભ કાંઈ જેવોતેવો છે?’ મુંજાલે અનુમાનથી કહ્યું.

‘એ તું સમજે છે, હું સમજું છું, મહારાણીબા સમજે છે, પણ દંડનાયકજી સમજશે? ને મહારાજ માનશે?’

‘દંડનાયકજીને શો વાંધો છે?’

‘અરે! એટલા વાંધા કાઢે એટલા, પણ મને તો લાગે છે કે એમની પોતાની સત્તા ઓછી થાય એનો મોટો વાંધો છે. અત્યારે તેઓ ભૃગુકચ્છના રાજા છે. સંબંધ થાય તો પછી એમનો ભાવ કોણ પૂછે?’

‘એ પણ બરાબર...’ મુંજાલ ઓલ્યો. પણ એ દંડનાયકજી ત્રિભુવનપાલને ઓળખતો હતો, પોતાનો ભાવ ઓછો થાય કે વધુ થાય એ વિષે એને થોડી જ દરકાર હતી. એ તો રણરંગી પુરુષ હતો. કારણ કાંઈ બીજું જ હોવુ જોઈએ. એણે અનુમાન કર્યું.

‘પ્રભુ! એ તો તમે પગલું ભરશો અને બધું સમુસૂતર થઇ જાશે. દંડનાયકજીને બીજી ક્યાં ઓછી કામગીરી છે? આ બર્બરકની જ છે.’

‘એટલા માટે તો એ આજે જગદેવને લાવવાના છે. આ કામ જગદેવને સોંપી દેવું એમ મહારાણીબા પોતાની પણ ઈચ્છા છે. પરંતુ મહારાજને એમાં પણ વાંધો છે!’

‘હે! એમાં પણ વાંધો? એમાં વળી શો વાંધો?’

‘ભૈ! એ તો તું સાંભળે તો ઘેલો થઇ જાય. મહારાજ કહે છે, બર્બરકે લોકમાનસમાં એવું સ્થાન પ્રાપ્ત કર્યું છે કે એને હણનારો આ જમાનાનો સર્વોત્તમ વીર ગણાશે!’

‘હા, એ તો ગણાય. એમાં શું?’

‘ત્યારે એ જ વાંધો છે નાં? સર્વોત્તમ વીર કાં તો રાજા જ હોઈ શકે: અથવા તો રાજાએ રાજ્ત્યાગ કરવો ઘટે! આ તો વીર વિક્રમ થવાની વાતું છે!’

‘ઘેલી કલ્પના!’ મુંજાલે ટીકા કરી, પણ મનમાં એ જયદેવની કલ્પનાને સમજી ગયો. જયદેવની કલ્પનાને ન સમજનારો કોઈ પણ એની પડખે ઊભો નહિ રહી શકે એ વસ્તુ પણ એ કળી ગયો. સાંતૂ એની કલ્પનાને સમજ્યો ન હતો – ને હવે સમજવાનો પણ ન હતો – એ વાત પણ સ્પષ્ટ થઇ.

‘ઠીક, એ તો જોઈ લેવાશે. તું દંડનાયકને કહેજે કે અત્યારે રા’ને છોડવામાં ગૌરવ રહ્યું છે! બાકી, અત્યારે એને રાખશો તો માર ખાશો!’

‘બરાબર છે...’ મુંજાલે રજા લીધી. તે દંડનાયકને મળવા માટે જતો હતો.