Featured Books
  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

  • ખજાનો - 85

    પોતાના ભાણેજ ઇબતિહાજના ખભે હાથ મૂકી તેને પ્રકૃતિ અને માનવ વચ...

શ્રેણી
શેયર કરો

બર્બરકજિષ્ણુ - જયસિંહ સિદ્ધરાજ - ભાગ 9

મુંજાલે દંડનાયકને શું કહ્યું?

દંડનાયક, ત્રિભુવનપાલની અસમાન્ય લોકપ્રિયતા મુંજાલને જાણીતી હતી. અને જયદેવ મહારાજથી બીજે જ સ્થાને એનું નામ લોકમાનસમાં નિશ્ચિત થઇ ચૂક્યું હતું. લોકોને ત્રિભુવનપાલ દંડનાયકની રાજભક્તિમાં દેવપ્રસાદનો પડધો દેખાતો. એની રાજભક્તિએ એને દેવ જેવો શ્રેષ્ઠ અને નરોત્તમ બનાવ્યો હતો. એને સ્થાનભ્રષ્ટ કરવો એ કામ સહેલું ન હતું. એ રાજમંત્રીઓનો દેખીતો મિત્ર હતો, પણ અંદરખાનેથી રજપૂતી ખમીરનો પરમ ઉપાસક હતો. એ જગદેવ પરમારને આંહીં લાવતો હતો એમાં પણ એની ઈચ્છા કાંઇક આવી હતી. મુંજાલ મળવા ગયો હતો ત્યારે દંડનાયક એની સામે બેઠેલા કોઈ પુરુષ સાથે વાત કરી રહ્યો હતો. મુંજાલને આવતો જોયો એટલે એ અજાણ્યો માણસ ઊભો થઇ ગયો. તેણે દંડનાયકની રજા લીધી. ‘આવજો ત્યારે – ચોક્કસ હોં! મેં કેશવને તો કહી રાખ્યું છે. ને જુઓ, રજપૂતી ખમીર ખરું તો આ કે જે કોઈનું પણ સંકટ જુએ ને પછી વિચાર કરવા ન થોભે. વિચાર કરવા થોભે, સરવાળા ગણે, બાદબાકી કરે, આંકડા માંડે ત્યારે સમજવું કે એ દૂધમાં ફેર! આવજો. અમે રાહ જોશું. મહારાજને પણ વાત થઇ ગઈ છે! ભલે તમતમારે, તમે કહો છો તેમ, બર્બરકનું પતે એટલે જાત્રાએ પાછા નીકળી જજો. સોમનાથ જવું છે નાં? હું પણ ભેગો આવીશ.

દંડનાયક કોઈ ઊંચો ખમીરવંતો ક્ષત્રિય જોતો કે તરત એનામાં સંપૂર્ણ વિશ્વાસ મૂકી દેતો. એને ખોળે માથું મૂકવામાં એ પાછું વાળીને જોતો નહિ. એણે જગદેવ સાથે પણ એમ જ કર્યું લાગતું હતું. મુંજાલ આવી રહ્યો હતો, તેણે આ સાંભળ્યું ને વિચારમાં પડી ગયો. કોઈક દિવસ આ વિશ્વાસ એને ભારે પડી જશે એમ એને લાગ્યું. તે ધીમેથી આગળ વધ્યો. જગદેવનો જવાબ પણ એને સંભળાયો.

‘ન આવવાનો હોત તો-તો હું તમને ના જ પાડી દેત. મારે તો જ્યાં બે ઘડી આ મારું જીવનવ્રત નભે ત્યાં થોભવું છે. તમારું આ બર્બરકનું સાંભળ્યું ને હવે જો હું એમ ને એમ ચાલ્યો જાઉં, તો મારી ઉપાસનાને કાળી ટીલી ચોંટી જાય. એટલે મારે કહ્યા વિના છૂટકો જ નથી. પછી તો જ્યાં કંઠીરવ લઇ જાય ત્યાં જવું જ છે નાં!’ તેણે હાથ જોડ્યા ને તે જવા માટે બહાર નીકળ્યો. દંડનાયક પણ તેની સાથે બહાર આવ્યો હતો. એને અને એના ઘોડાને એ જતા જોઈ રહ્યો.

‘આ ગયો એ – મુંજાલ! જોયો?’ દંડનાયકે મુંજાલને આવતો દીઠો ને કહ્યું: ‘જો તો, બેમાંથી કોને વખાણવા – ઘોડાને કે સવારને? બેયની છાતી નરી લોહવજ્જરની છે. કંઠીરવ – ખરેખર કંઠીરવ છે. ને આણે કાલીની ઉપાસનાની વાત કરી – આપણી તો છાતી બેસી જાય!’

‘કોણ એ, પ્રભુ?’

‘નથી ઓળખતો? એ જ જગદેવ પરમાર!’

‘એમ અદભુત લાગે છે. હું તો એનો ઘોડો જ જોઈ રહ્યો હતો!’

‘છે નાં ત્યારે? અસલ રજપૂતી ખમીર છે! આજે સાંજે આવવાનો છે, મળવા. એને વળી નવી જ વાત કરી?’

‘શી?’

‘મા કાલીની ઉપાસના એ કાંઈ ભૂતપ્રેત માટે જ નથી; એ તો છાતીને વજ્જર જેવી બનાવવા માટે પણ છે!’

‘જબરો!’

‘બોલ, શીદ આવ્યો છે?’

‘હું તો એમ આવ્યો છું, પ્રભુ! કે આપણું વાજું ઠેકાણે નથી એ તો તમે આંહીં રહ્યા એટલે જોયું જ હશે નાં? એને એમ ને એમ રાખીને તમે તો પાછા ભૃગુકચ્છ ભેગા થઇ જાશો, પછી આંહીં નહિ કોઈ ધણી કે નહિ કોઈ ધોરી. સાંતૂ મહેતા મહારાજની કલ્પનાને પહોંચી શકતા નથી...’

‘ત્યારે, ભૈ! હું એ જ વાત કરું છું.’ દંડનાયકે પ્રેમથી એનો હાથ ઝાલ્યો. ‘તું અંદર આવ અંદર. મારી વાતને એક તું જ સમજ્યો લાગે છે. નથી મીનલબા સમજતા, નથી તમારા આ સાંતૂ મહેતા સમજતા.’

દંડનાયકને પોતાના કાકા પ્રત્યે અનહદ માન હતું. એ એને દેવાંશી ગણતો, એટલે એનું કોઈ ઘસાતું બોલે તો એ ઝીલી શકતો નહિ. મુંજાલે વાત કરી એ એને ગમી ગઈ.

‘મહારાજની કલ્પનાને પહોંચવાની કોઈનામાં શક્તિ નથી.’ મુંજાલે ભૂમિકા તૈયાર કરવા માંડી. એને દંડનાયકનું મન માપવું હતું: ‘મહાઅમાત્ય... એમને ગમે તેમ પણ હવે થાક લાગ્યો છે. કેશવ – એ તો  યોદ્ધો છે. એક આ... મહાદેવ છે, પણ એને હજી કોઈનો સાથ નથી. મેં તો કહ્યું મહારાજને કે પ્રભુ! મહાઅમાત્યને લાવો, પછી મહારાજ્યની કલ્પના કરો!’

‘એ તો તારી સાવ સાચી વાત...’

‘દાદાક નાગર છે... પણ તેઓ વૃદ્ધ રહ્યા! મહાદેવનું જો આપણે સૌ નામ મૂકીએ, મહારાણીબા પાસે... આજે જ મૂકીએ, જો તમે ઉત્તેજન આપો તો...’

‘અરે! એ તો થઇ રહેશે બધું...’ દંડનાયકે હાથથી વાતને રોળીટોળી નાખી. મુંજાલનું અંતર આનંદથી ડોલી ઊઠ્યું. દંડનાયકની લોકપ્રિયતા જો  મહાદેવના ત્રાજવામાં પડે, તો પછી સામે ઊભું રહેવું ભારે પડે તેમ હતું. પાટણમાં હવે પછી મહાઅમાત્ય કાં એ પોતે હોય... ને કાં કોઈ જ ન હોય – એ એનો સંકલ્પ વધારે દ્રઢ થયો.

દંડનાયકની આંખમાં હજી જગદેવની મૂર્તિ રમી રહી હતી.

‘આ ગયો નહિ... જોયો નાં?...’

મુંજાલ પામી ગયો. દંડનાયક તો જેવો અવ્યવહારુ ગણાતો હતો, એવો જ હજી પણ રહ્યો હતો. આ એક આજે ચાલ્યો આવતો પરદેશી – પટ્ટણીઓ એને એક ઘડી પણ મહામાત્યપદે રહેવા દે? પણ એણે દંડનાયકને એની મનોભૂમિમાં રાચવા દીધો.’

‘એ... એ તો અદભુત છે...’

‘આવા બે-ચાર હોય મહારાજની પડખે, તો લાગે કે ના, સોલંકીઓનો પણ રાજા છે! મહારાજ પાસે તો આવા શોભે!’

‘ને આવા જાતા વહાણને ભેખડે ભરાવે તે દી શું?’ મુંજાલે મનમાં એ પ્રશ્ન કર્યો. મોટેથી એ બોલ્યો: ‘પ્રભુ! તો-તો હમણાં થોભી જવું એ બરાબર છે. આની પ્રતિષ્ઠા જામશે... મહારાજ પણ એને માનશે... પછી તો એને આવતાં શી વાર? ને ત્યાં લાટનો પ્રશ્ન પતી ગયો હોય તો પ્રભુ પોતે પણ ક્યાં નથી?’ મુંજાલે વાત જ બદલી કાઢી હતી, પણ એવી કુદરતી રીતે કે દંડનાયક એ કળી શક્યો નહિ.

‘લાટનો પ્રશ્ન? અરે ગાંડા ભાઈ! આંહીં હજી તમે સૌ માનો છો કે લાટનો પ્રશ્ન એમ પતી જાશે!’

‘ત્રિવિક્રમ ગયો... એટલે વખતે પતી જાય. હવે તો રહ્યું કોણ? એક રાજકુમારી છે.’

ત્રિભુવન હસ્યો: ‘રાજકુમારી છે એટલે થઇ રહ્યું, એમ? તમે પણ કોણ જાણે સૌ કઈ ધરતીમાં વસતા લાગો છો! સાંતૂ મહેતાને મેં કહ્યું, એમને વાત ગળે ન ઊતરી. મહારાજને કહ્યું, એમને કાંઈ ગળે વાત ઊતરે? આ લાટની રાજકુમારી છે નાં... એ પેલી મરી ગઈ નાં પ્દ્માક્ષી એની ભત્રીજી ને ફોઈ પાછળ ભત્રીજી – ફોઈ જેવી જ હોય. એ તો આખી દુનિયા જાણે છે. રાજકુમારીમાં પણ એવું બળ છે. જ્યાં પ્રેમ આપે ત્યાં પ્રાણ આપે. આ રાજકુમારીને તેં જોઈ નથી. એટલે તને શું ખ્યાલ આવે? પણ એ આ પૃથ્વીની નથી. લાટ ઉપર એને પ્રેમ છે. એનો એ પ્રેમ જો એવો જ રહેશે, તો જયદેવ મહારાજ રાજ કરી રહ્યાં ને હું દંડનાયકપણું કરી રહ્યો! ઓહોહો! મુંજાલ! આપણો તો આ શો જમાનો છે? આ લાટની જ વાત લે ને, ત્રણ ત્રણ પેઢી થઇ ગઈ; કોઈ હારી બાજી લેવાની વાત કરે છે? આ રા’ એ પરાજય પામે, એમ? ભગવાન-ભગવાન કરો! અને પેલો માલવરાજ... મહારાજ પાસે સારું છે કે કલ્પના છે, નહિતર તો એમને ભેખનું ખપ્પર ધરવું પડત... ને તમને મંત્રીઓને મહારાજની કલ્પના ગમતી નથી!’

‘પણ ત્યારે, પ્રભુ! એવું જ કરો ને, લાટ ને પાટણ એક થાય!’

‘એ બળથી ન થાય...’

‘તો કળથી કરો. રાજકુમારી છે, મહારાજ છે...’

‘મેં તને શું કહ્યું? તું સમજ્યો લાગતો નથી. પેલી પ્દ્માક્ષીની આ ભત્રીજી સ્વર્ગગંગાનાં કમળ લાવીને અર્પનારા ઉપર પ્રાણ ન્યોછાવર કરી નાખે. બીજી વાતમાં માલ નહિ. એ શક્તિ પાટણમાં છે? જુઓ હવે, તમે સૌ કેમ તોડ લાવો છો તે!’

એટલામાં એક નાનકડો છોકરો દોડતોદોડતો આવીને ત્રિભુવનપાલના ખોળામાં આવીને બેસી ગયો. ‘કેમ, રાજમહાલય જોયો? કેવો સરસ! કુમાર! ત્યાં મારા બાપુ પણ રહેતા, હોં!’ ત્રિભુવને હેતથી કહ્યું.

‘તમારા બાપુ? તેઓ પણ ત્યાં રહેતા? મહેલ તો બહુ સરસ... મહારાજના મહેલમાં એક ધુનુષ્ય છે – મોટું બધું! ને મહારાજનો હાથી...’

‘કેવડો મોટો છે!’

‘બહુ મોટો... આવડો બધો!’ કુમારપાલે હાથથી નિશાની કરી.

‘ઘોડો ફેરવો ત્યારે... આજે સવારી નથી કરી, કાં? અરે ભિલ્લુ!’

ભિલ્લુ દોડતો આવ્યો. ‘કુમારને આજે સવારી નથી કરાવી કે? આજ તું હવે એની પાસે રહીશ મા. એને એકલાને જાવા દે. પાછળ રહેજે...’

‘હું તો એકલો ચડું છું!’ કુમારપાલે ગર્વથી કહ્યું. મુંજાલ એની મજબૂત કાયા તરફ જોઈ રહ્યો. તેણે ઊઠીને એના બે હાથ પકડ્યા. જોરથી આંચકો મારી કુમારપાલે હાથ છોડાવી નાખ્યા ને હે હસતો-હસતો બહાર દોડી ગયો.

‘પ્રભુ! પણ આ ભારે થઇ છે. રા’ને ઊઠીને મહારાજે અત્યારે બંધનમાં નાખ્યા છે... એ અત્યારે તો...’

દંડનાયક પણ વાત તો જાણતો લાગ્યો: ‘તો ત્યારે તમારે એમ કે મહારાજ એની પૂજા કરે?’ મુંજાલ પામી ગયો. દંડનાયક પણ મહારાજની સાથે જ હતો.

‘પણ બર્બરકનું માથે ગાજે છે એનું શું?’

‘એ તો ગાજે! સાંતૂએ કહેવરાવ્યું હશે?’

‘હા, પ્રભુ! મેં તો એમને કહ્યું, હવે રા’ હદ કરે છે.’

‘અરે, હદ કરે છે: તમે સાવધ નહિ રહો તો કાલ ઊઠીને પાટણનું નાક કાપી જશે! ને તમે જોતા રે’શો!’

‘અત્યારે બે વેર થાશે – એકસાથે...’

‘થાય એ તો. પ્રતિષ્ઠાનો સવાલ હોય ત્યારે કેટલાં વેર એ ગણવા બેસાય? મહારાજે જે કર્યું તે બરાબર છે. તું શું કહે છે?’

‘હું તો આમ કહું કે આમાં મહારાજ શું કરવાના હતાં? કેશવ સેનાનાયકને ઠીક લાગ્યું તે તેણે કર્યું, એમાં મહારાજને શું? રા’એ સભા છોડી. સેનાનાયકનું કામ સેનાનાયકે કર્યું. હવે રા’ને છૂટવું હશે તો છૂટશે. મહારાજ ન્યાય આપશે. આમાં મહારાજને શું લાગેવળગે? મહારાજ આવી નાનકડી વાત શું કરવા માથા ઉપર જ લ્યે? લ્યો, હું તો એમ કહું!’

‘તારી વાત તો, અલ્યા મુંજાલ! નવી જ લાગે છે. એ પણ ઠીક છે. મહારાજને શું?...’ દંડનાયકને આ તોડ ગૌરવભર્યો લાગ્યો.

એમાં રાજાનું ગૌરવ હતું. એને એ વાત એકદમ રૂચી. મુંજાલ સમજી ગયો.

‘એતો એમ છે, પ્રભુ! મહારાજ એ તો મહારાજ. અમારા-તમારા જેવા ક્યાં નથી તે મહારાજ આવું બધું માથા ઉપર લેતા ફરે?’

દંડનાયકને મહારાજના ગૌરવની આ વાત ગળે ઊતરી ગઈ. મુંજાલને એમાં પોતાનો વિજય દેખાયો. એક વખત તરુણ રાજા આ વાત જાણશે, એટલે પછી પોતાનો માર્ગ સરળ થઇ રહેશે. તેણે પોતાની વાત ધીમેથી શરુ કરી દીધી હતી. 

એ સાંજે રાજમહાલયમાં જતાં પહેલાં સાંતૂ મુંજાલની રાહ જોતો ઊભો હતો. 

તેણે મુંજાલ આવ્યો ને તરત કહ્યું:

‘મુંજાલ! દંડનાયકજી સાથે તારે વાત થઇ ગઈ? શું કહ્યું એમણે?’

‘પ્રભુ! દંડનાયકજીને મારી વાત ગમી તો છે!’ મુંજાલે દ્વિઅર્થી ઉત્તર વાળ્યો.

વધારે એ કાંઈ બોલ્યો નહિ.

‘એમ? ગમી?’

‘હા, પ્રભુ!’

‘થયું ત્યારે – આપણું અરધું કામ થઇ ગયું. ચાલો ત્યારે.’ સાંતૂએ ઉતાવળે પ્રત્યુત્તર વળ્યો. મુંજાલ તેની સાથે રાજમહાલયમાં જવા ઊપડ્યો.