પ્રારંભ - 99 Ashwin Rawal દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રારંભ - 99

પ્રારંભ પ્રકરણ 99

પપ્પા અને મમ્મી જમી રહ્યા એટલે જાનકીએ પપ્પાનાં વાસણ બાથરૂમમાં જઈ વોશબેસિનમાં ધોઈ નાખ્યાં. મમ્મીની પ્લાસ્ટિકની પ્લેટ હોસ્પિટલની હતી એટલે એને સાઈડમાં મૂકી દીધી. મમ્મીને હાથ ધોવડાવી દીધા અને પાણી આપ્યું.

" ચાલો હવે અમે નીકળીએ મમ્મી. પપ્પા તમે મમ્મીનું ધ્યાન રાખજો. એને ઘરે લઈ જાવ એટલે મને જાણ કરી દેજો. હું એકાદ અઠવાડિયા પછી ફરી આંટો મારી જઈશ. " જાનકી બોલી.

એ પછી કેતન અને જાનકી નીચે ઉતર્યાં અને હોસ્પિટલમાંથી બહાર આવ્યાં. મનસુખ માલવિયાની તબિયત આજે બરાબર ન હતી એટલે કેતન પોતે જ ગાડી ચલાવીને માટુંગા આવ્યો હતો.

"આપણે ગોરેગાંવ હોસ્પિટલમાં જઈ આવીએ. અઠવાડિયાથી હું બહાર હતો એટલે હોસ્પિટલમાં જઈ શક્યો નથી. આપણી હોસ્પિટલ છે એટલે આપણે ધ્યાન તો રાખવું જ જોઈએ." ગાડીમાં બેઠા પછી કેતન બોલ્યો.

"હું પણ તમને એ જ કહેવાની હતી. તમે હોસ્પિટલમાં જજો. હું આજે સામેના બિલ્ડિંગમાં વાનપ્રસ્થાશ્રમમાં જઈશ. આમ તો નેહાબેન બધું સરસ રીતે સંભાળે જ છે છતાં વડીલોની ખબર આપણે પણ લેવી જોઈએ. " જાનકી બોલી.

" મને તારી આજની વાત બહુ ગમી. હોસ્પિટલ પણ આપણી છે અને વાનપ્રસ્થાશ્રમ તથા ભોજનાલય પણ આપણાં જ છે. તો તારે પણ રસ લેવો જોઈએ. તારો સમય પણ પસાર થાય." ગાડી સ્ટાર્ટ કરીને કેતન બોલ્યો.

"હા ગાડી તો મને આવડે જ છે. તમે એક નાની ગાડી મને લઈ આપો એટલે હું મને જ્યારે પણ અનુકૂળતા હશે ત્યારે ગોરેગાંવ આવતી જતી રહીશ" જાનકી બોલી.

" ઠીક છે એક વીકમાં તારા માટે હું આઈ-૨૦ સ્પોર્ટ્ઝ લઈ આપીશ. એ ગાડી સારી આવે છે. " કેતન બોલ્યો.

" ઓકે. એ ગાડીના રિવ્યુ પણ સારા છે." જાનકી ખુશ થઈને બોલી.

લગભગ બે કલાક પછી એ લોકો હોસ્પિટલ પહોંચી ગયાં.

"તમે હોસ્પિટલમાં બેસો. હું સામેના બિલ્ડિંગમાં વાનપ્રસ્થાશ્રમ આશ્રમમાં જઈ આવું. સીનીયર સીટીઝનો સાથે એક દોઢ કલાક ગાળી આવું." જાનકી બોલી અને એ સામેના બિલ્ડીંગમાં ગઈ. કેતન હોસ્પિટલમાં દાખલ થયો કે બધા સાવધાન થઈ ગયા અને સિક્યુરિટીએ સલામ મારી. આજે એ અઠવાડિયા પછી હોસ્પિટલમાં આવ્યો હતો. જયેશ પણ પોતાની ચેમ્બરમાંથી બહાર નીકળીને મળવા આવ્યો.

"તમારી જૂનાગઢની ટ્રીપ કેવી રહી ?" જયેશ બોલ્યો.

" અદભુત ! કલ્પના કરતાં પણ ઘણી સરસ. ગિરનારની તળેટીના જંગલમાં પણ અમે લોકો જઈ આવ્યા. અહીં બધુ બરાબર ચાલે છે ને ? કોઈ તકલીફ તો નથી ને ? " કેતને જયેશને પૂછ્યું.

"હા કેતનભાઇ હોસ્પિટલ સરસ રીતે ચાલી રહી છે અને કોઈ જ પ્રોબ્લેમ નથી. " જયેશ બોલ્યો.

એ પછી કેતન પાંચમા માળે ગયો અને દરેક વોર્ડમાં દર્દીઓની ખબર પૂછી પૂછીને નીચે આવતો ગયો. ત્રીજા માળે આવ્યો તો ત્યાં નર્સો અને ડોક્ટર દોડાદોડી કરી રહ્યા હતા.

એણે નર્સને ઉભી રાખી અને આ દોડાદોડી નું કારણ પૂછ્યું.

" સર ૧૧ નંબરના બેડ ઉપર પેશન્ટને હાર્ટ એટેક આવી ગયો છે. હૃદય બંધ પડી ગયું છે અને અત્યારે એક ડોક્ટર સીપીઆર આપી રહ્યા છે. ૩૯ વર્ષનો યુવાન છે. " નર્સ બોલી.

કેતન તરત જ ૧૧ નંબરના બેડ ઉપર ગયો. ત્યાં ઊભેલી બે ત્રણ નર્સ અને સીપીઆર આપતો ડોક્ટર પણ સાવધાન થઈ ગયાં. જો કે એણે સીપીઆર આપવાનું ચાલુ રાખ્યું.

કેતને હવે તો સમાધિ અવસ્થા પ્રાપ્ત કરી લીધી હતી એટલે એણે એ યુવાનના પ્રેતાત્માને બેડની ઉપરની છત ઉપર હવામાં તરતો જોયો. એ સમજી ગયો કે યુવાન મૃત્યુ પામી ગયો છે.

"એનો શ્વાસ બંધ થઈ ગયાને કેટલો સમય થયો ? " કેતને ડોક્ટરને પૂછ્યું.

"લગભગ ૧૦ થી ૧૨ મિનીટ સર. " ડૉક્ટર બોલ્યો.

"તમે સીપીઆર ચાલુ રાખો. હું દસેક મિનિટમાં આવું છું." કેતન બોલ્યો અને એણે એ યુવાનના આત્મા તરફ નજર કરી અને મંત્ર શક્તિથી એને પોતાની સાથે આવવાનો આદેશ આપ્યો.

કેતન ઝડપથી નીચે પોતાની ચેમ્બરમાં ગયો. પ્રેતાત્મા પણ એની સાથેને સાથે ચેમ્બરમાં આવ્યો. કેતને ચેમ્બરનો દરવાજો અંદરથી બંધ કરી દીધો જેથી કોઈ આવે નહીં.

" તમારું નામ શું ? "

" નરેન્દ્ર " આત્મા બોલ્યો.

"તમે મૃત્યુ પામી ચૂક્યા છો. તમને કેવો અનુભવ થાય છે ?" કેતને પૂછ્યું

" મને ખબર પડતી નથી. મને મારું શરીર દેખાય છે અને ડોક્ટર મારી છાતી દબાવી રહ્યા છે. મને અત્યારે કોઈ જ વેદના નથી અને હું હવામાં તરી રહ્યો છું. મારું કદાચ મૃત્યુ થઈ ગયું હોય એવું લાગે છે. મારી પત્ની ઘરે ગઈ છે એ હવે પાંચ વાગે આવશે. એને પણ કંઈ ખબર નથી. મને એની પણ ચિંતા થાય છે. " આત્મા બોલ્યો.

" તમને મૃત્યુ વખતે કેવો અનુભવ થયો ? " કેતને પૂછ્યું.

"એ સમયે મારી છાતી અને મારા ડાબા ખભા ઉપર જાણે કે હાથીએ પગ મૂક્યો હોય એટલું બધું જોરદાર પ્રેશર થઈ રહ્યું હતું. મારું હૃદય વલોવાઈ જતું હતું. ભયંકર પીડા થતી હતી. ખભો પણ ભયંકર તૂટી પડતો હતો. માથું પણ ફાટફાટ થતું હતું. આટલી બધી વેદના મારી આખી જિંદગીમાં મેં ક્યારેય પણ અનુભવી ન હતી." આત્મા બોલી રહ્યો હતો.

" એ પછી અચાનક જ મારું આખું શરીર નીચેથી ઉપર તરફ ખેંચાઈ રહ્યું હોય એવો અનુભવ થયો. એક આંચકા સાથે જાણે કે મને કોઈએ શરીરની બહાર ખેંચી લીધો. મારા મ્હોંના બધા સ્નાયુઓ ખેંચાઈ ગયા અને હું ઝાટકા સાથે શરીરની બહાર આવી ગયો. પછી મેં મારી જાતને હવામાં તરતી જોઈ. " આત્મા બોલ્યો.

" સારું હવે તમે મારી સાથે તમારા શરીર પાસે આવી જાઓ. અને અંદર પ્રવેશ કરવાનો પ્રયત્ન કરો હું તમને મદદ કરીશ. " કહીને કેતન ઉભો થઈને બહાર નીકળ્યો અને ઝડપથી ત્રીજા માળે પુરુષોના વોર્ડમાં ૧૧ નંબરના બેડ ઉપર ગયો. નરેન્દ્રનો આત્મા એના કરતાં વહેલો પહોંચી ગયો હતો.

"ડૉક્ટર હવે મને એક મિનિટ ચાન્સ લેવા દો." કેતન બોલ્યો. ડૉક્ટરે એને જગ્યા આપી.

કેતન બે મિનિટ માટે એ યુવાનના શરીરની નજીક ગયો અને એના માથા ઉપર હાથ મૂક્યો. ત્રણ વાર મનમાં ગાયત્રી મંત્ર બોલીને એ બે મિનિટ માટે ઊંડા ધ્યાનમાં સરકી ગયો. એણે ગુરુજીને પ્રાર્થના કરી અને પોતાની સિદ્ધિનો ઉપયોગ કર્યો.

માત્ર બે જ મિનિટમાં ધીમે ધીમે યુવાનના શરીરમાં ચેતના પાછી આવતી ગઈ. મોનિટર માં હાર્ટ બીટ પાછા શરૂ થયા. ૨૦ ૩૦ ૪૦ ૫૦ એમ વધતા ગયા અને નોર્મલ બ્લડપ્રેશર આવી ગયું. ડૉક્ટર અને નર્સો તો આ જોઈ જ રહ્યાં. આ સરે તો યુવાનને બે મિનિટમાં જીવતો કરી દીધો !!

ડોક્ટરે કેતન સામે જોયું. " સર યુ આર ગ્રેટ ! હું તો સમજી જ શકતો નથી કે સંપૂર્ણપણે મૃત્યુ પામેલો આ પેશન્ટ તમારા સ્પર્શ માત્રથી કેવી રીતે જીવતો થઈ ગયો !! "

" બસ ઈશ્વરની એના ઉપર કૃપા થઈ ગઈ. " કેતન બોલ્યો.

એ પછી એણે યુવાન સાથે વાત કરી.

" હવે તમને કોઈ પીડા થાય છે ? તમને કેવું લાગે છે ?" કેતન બોલ્યો.

" સાહેબ અત્યારે મને કોઈ જ પીડા નથી. શરીરમાં એકદમ શાંતિ અને સ્ફૂર્તિ પાછી આવી છે. " યુવાન બે હાથ જોડીને બોલ્યો.

"હવે તમારું બીપી પણ નોર્મલ રહેશે અને જિંદગીમાં ફરી હાર્ટ એટેક નહીં આવે. એન્જોય યોર લાઈફ." કહીને કેતન તરત જ ત્યાંથી નીકળી ગયો અને પોતાની ચેમ્બરમાં ગયો.

એ પછી કાનોકાન હોસ્પિટલમાં ચારે બાજુ કેતનના આ ચમત્કારની ચર્ચા થઈ.

કેતન ચેમ્બરમાં દસેક મિનિટ બેઠો હશે ત્યાં જ એની સામે સૂક્ષ્મ સ્વરૂપમાં હસમુખભાઈ ઠાકર હાજર થયા.

" શું વાત છે વડીલ !! તમે ધ્યાનમાં બેસીને તમારા આત્માને પણ શરીરથી અલગ કરી શકો છો ? " કેતને હસીને પૂછ્યું.

અષ્ટ સિદ્ધિ પ્રાપ્ત થઈ હોવાથી અને સમાધિ અવસ્થા પણ પ્રાપ્ત થઈ હોવાથી કેતન હવે કોઈ આત્મા એની સામે આવે તો જોઈ શકતો હતો.

"ના કેતનભાઇ મેં ઈચ્છા મૃત્યુથી મારો દેહ છોડી દીધો છે. મેં આગ્રહ કરીને મારા ગુરુ ગિરનારી બાપુ પાસેથી આ વરદાન મેળવી લીધું હતું. મહાપરાણે એ તૈયાર થયા હતા. મેં બનાવેલા અમૂલ્ય રસ માટે હું કોઈ યોગ્ય વ્યક્તિની શોધમાં હતો અને એક મહિના પહેલા મેં સંકલ્પ કર્યો હતો કે મારે હવે શરીર છોડી દેવું છે તો મારી આ અમાનત માટે કોઈ યોગ્ય વ્યક્તિ પ્રાપ્ત થાઓ. એના માટે મેં મારા ગુરુજીને પણ પ્રાર્થના કરી હતી. " હસમુખભાઈ નો આત્મા બોલી રહ્યો હતો જે માત્ર કેતન જ સાંભળી શકતો હતો.

" સૂક્ષ્મ જગતમાં રહેલા મારા સમર્થ ગિરનારી બાપુએ જ તમારી શોધ કરી હતી અને એમણે તમારા ગુરુજીને વાત કરી હતી. સૂક્ષ્મ જગતમાં દિવ્ય આત્માઓ આ રીતે સંકલ્પ માત્રથી એકબીજાનો સંપર્ક કરી શકતા હોય છે. તમારા ગુરુજીએ થોડા દિવસોમાં જ તમને જામનગર જવાની પ્રેરણા આપી અને બેટ દ્વારકા જવાનું પણ કહ્યું. બેટ દ્વારકામાં જે સંત મહાત્મા પધાર્યા હતા એ પણ તમારા ગુરુજીએ જ ત્યાં મોકલ્યા હતા. હું આ બધું જ જાણતો હતો. તમે જામનગર આવ્યા ત્યારે હું તમને ઓળખી ગયો હતો." હસમુખભાઈ બોલી રહ્યા હતા.

" એટલા માટે જ મેં તમને જૂનાગઢ આવવાનું આમંત્રણ આપ્યું હતું જેથી હું તમારી અમાનત તમને સોંપીને મુક્ત થઈ જાઉં અને પછી જીવનમુક્ત પણ થઈ જાઉં. તમને ગઈ કાલે બંને રસ સોંપીને આજે અડધી કલાક પહેલાં જ મેં દેહ છોડી દીધો. મને હવે સંસારમાં કોઈ જ રસ રહ્યો નથી."

" મારી પત્ની માટે મેં ઘણી બધી વ્યવસ્થા કરી દીધી છે અને પાવર ઓફ એટર્ની પણ વકીલ દ્વારા લખાવી દીધી છે. મારી તમામ સ્થાવર જંગમ મિલકતની વારસદાર મારી પત્ની છે એવું વીલ પણ બનાવી દીધું છે. અને આ બધું જાણ કરતી એક ચિઠ્ઠી પણ લખી દીધી છે જેથી મારા મૃત્યુ પછી એને કોઈ જ તકલીફ ના પડે." કેતન સાથે હસમુખભાઈ વિગતવાર વાત કરી રહ્યા હતા.

" મને લેવા માટે મારા ગુરુજી પોતે આવ્યા છે અને સાથે એમનો એક પાર્ષદ આવ્યો છે જે મારો પોતાનો ગાઈડ છે. મારી જ ઈચ્છાથી ઉપર જતાં પહેલાં એ મને અહીં લઈ આવ્યા છે. અમે ૧૫ મિનિટથી અહીં આવી ગયા છીએ. અત્યારે એ બંને તમારા હિમાલય ધ્યાન કેન્દ્રમાં બેઠા છે. એમને કોઈ જોઈ શકતું નથી કે સ્પર્શી શકતું પણ નથી. તમારું ધ્યાન કેન્દ્ર ખૂબ જ સુંદર છે એનો મેં પણ અનુભવ કર્યો. તમે જે સતત ગાયત્રી મંત્ર અને મહામૃત્યુંજય મંત્ર નું વિદ્વાન પંડિતો દ્વારા કાયમી આયોજન કર્યું છે એ પણ અતિ સુંદર છે. ગિરનારી બાપુ ખૂબ જ ખુશ થઈ ગયા છે." હસમુખભાઈ બોલ્યા.

"હવે હું રજા લઉં છું. મારા ગુરુજીએ કહ્યું કે તેઓ મને ચોથા લોક સુધી લઈ જશે. ત્યાં થોડાં વર્ષો સુધી સાધના કરીશ તો જ મને પાંચમા લોકમાં જવાની અનુમતિ મળશે. ગુરુજીએ કહ્યું કે -- ' ચિત્રગુપ્તનો મને આ આદેશ છે. તમારા કર્મોનો હિસાબ ચિત્રગુપ્ત પાસે છે અને એ જોઈને એમણે મને તમને લઈ આવવા આદેશ આપ્યો છે. તમારાં કર્મો પ્રમાણે તમને અત્યારે ચોથા લોકમાં પ્રવેશ મળશે." હસમુખભાઈ બોલ્યા.

" તમારી વાતો સાંભળીને મને ખરેખર ખૂબ જ આશ્ચર્ય થયું છે. ઈચ્છા મૃત્યુ જેવી સિદ્ધિ પણ તમારી પાસે છે. મને મળ્યા પછી બીજા દિવસે એટલે કે આજે તમે દેહ છોડી દીધો એ પણ મારી કલ્પના બહારની વાત છે. તમારા ગુરુ પણ ખરેખર એક દિવ્ય આત્મા છે. તમારા માટે વધારે તો હું શું કહી શકું? તમને પ્રણામ કરું છું બસ. તમે મને આશીર્વાદ આપતા જાઓ. " વાત કરતાં કરતાં કેતનની આંખો ભીની થઈ ગઈ.

" જતાં જતાં તમારા વિશે મને જે પણ દેખાય છે એને થોડીક માહિતી આપતો જાઉં છું. અત્યારે તમને ૩૩ વર્ષ થયાં છે અને તમારું આયુષ્ય ૭૬ વર્ષનું છે. તમારો જન્મ લોક સેવા માટે જ છે અને લોકોને તમે ઘણી સેવા કરવાના છો. તમારી હોસ્પિટલ ખૂબ જ પ્રસિદ્ધ થઇ જશે. તમારે બે સંતાનો થશે અને એ પણ તમારું નામ રોશન કરશે." હસમુખભાઈ બોલતા હતા.

"તમે અને તમારી પત્ની અમૃત રસનું એક એક ટીંપુ જીભ ઉપર મૂકી દેજો. એનાથી તમારી રોગ પ્રતિકારશક્તિ એકદમ બળવાન થઇ જશે અને એજીંગ પ્રોસેસ ઘણી ધીમી થઈ જશે. જેથી વૃદ્ધાવસ્થાને તમે દૂર ધકેલી શકશો. દર પૂર્ણિમાએ આ બંને રસની બોટલ ખોલીને તમારા બંગલાના ધાબામાં મૂકી દેજો. જેથી આખી રાત ચંદ્રના કિરણો બંને રસ ઉપર પડે. ચંદ્રનો પ્રકાશ એ હકીકતમાં તો સૂર્યનો જ પરાવર્તીત થયેલો શીતલ પ્રકાશ છે. એનાથી આ રસની શક્તિ વધી જશે.
ચાલો હવે હું રજા લઉં"હસમુખભાઈ બોલ્યા અને અદ્રશ્ય થઈ ગયા.

કેતન માટે આ એક અદભુત અનુભવ હતો. એણે કલ્પના પણ કરી ન હતી કે હસમુખભાઈ આ રીતે સૂક્ષ્મ આત્મા સ્વરૂપે ૧૫ મિનિટમાં એને મળવા માટે મુંબઈ આવશે ! ગિરનારી બાપુનાં પગલાં પણ એમના કારણે મારી આ જગ્યા ઉપર થયાં !! કેતનને આ મુલાકાતથી ખૂબ જ આનંદ થયો.

આ ઘટના એકદમ સત્ય હોવા છતાં પણ ખાતરી કરવા માટે કેતને જામનગર ધરમશીભાઈને ફોન લગાવ્યો.

" અંકલ હું મુંબઈથી કેતન બોલું છું. જૂનાગઢમાં માંગનાથ રોડ ઉપર રહેતા મારા એક મિત્રનો ફોન આવ્યો કે તમારા ત્યાં જે હસમુખભાઈ ઠાકર આવ્યા હતા એમનું આજે અવસાન થયું છે. મને સમાચાર મળ્યા એટલે મેં તરત તમને જાણ કરી. તમે જરા કન્ફર્મ કરી લો ને ! " કેતન બોલ્યો.

"શું વાત કરો છો કેતનભાઇ ? તમે હસમુખભાઈ ને ઓળખો છો ?" ધરમશીભાઈ આશ્ચર્ય અને આઘાતથી બોલ્યા.

"ના તમારા ઘરે જ પરિચય થયો. હું અંગત રીતે એમને ઓળખતો નથી. હસમુખભાઈનો ફોન નંબર પણ મારી પાસે નથી " કેતને જવાબ આપ્યો.

હસમુખભાઈ સાથેની એની મુલાકાત એકદમ અંગત હતી એટલે ધરમશીભાઈને કહેવાની કોઈ જરૂર ન હતી.

"ઠીક છે હું જૂનાગઢ ફોન કરી દઉં છું અને તમને પણ જાણ કરું છું. " ધરમશીભાઈ બોલ્યા.

અને દસેક મિનિટ પછી ધરમશીભાઈ નો કેતન ઉપર ફોન આવી ગયો.

" કેતનભાઇ તમારી વાત એકદમ સાચી છે. હમણાં અડધી કલાક પહેલાં જ એમણે દેહ છોડી દીધો. તમને આટલા જલ્દી સમાચાર મળી ગયા એ બહુ કહેવાય." ધરમશીભાઈ બોલ્યા.

"હા અંકલ મારો મિત્ર એમના ઘરની આસપાસ જ ક્યાંક રહે છે એવું એણે કહ્યું. એટલે મેં તમને ખાલી જાણ કરી" કેતને વાર્તા કરી અને ફોન કટ કર્યો.

એ પછી ૧૫ મિનિટમાં જાનકી કેતનની ચેમ્બરમાં આવી ગઈ. કેતને એના એટેન્ડન્ટને બોલાવી કેન્ટીનમાંથી બે ચા લાવવાનો ઓર્ડર આપ્યો.

" બધા વડીલોને ભેગા કરીને એમની સાથે થોડી ગોષ્ટી કરી. એમને બહુ સારું લાગ્યું. મેં બધાની ખબર પૂછી. અહીં આવીને બધા ખૂબ જ ખુશ છે." જાનકી બોલી.

" એટલે જ મેં તને કહ્યું કે હું તને ગાડી લઈ આપું છું. તું પણ અઠવાડિયામાં બે ત્રણ દિવસ અહીં આવતી જતી રહે" કેતન બોલ્યો.

"મને ખરેખર આનંદ આવશે અને મારો સમય પણ પસાર થઈ જશે. " જાનકી બોલી.

" જાનકી હવે મારી વાત ધ્યાનથી સાંભળ. મારા જીવનમાં ઘણી ઘટનાઓ બની છે જેની તને ખબર નથી. મારી ગાયત્રી ઉપાસનાના કારણે અને મારા ગુરુજીના આશીર્વાદથી મને ઘણી બધી સિદ્ધિઓ પ્રાપ્ત થઈ છે જેના વિશે આપણી વચ્ચે ક્યારેય પણ વાત થઈ નથી. " કેતન બોલ્યો.

"એક બે સિદ્ધિ વિશે તો હું જાણું છું. તમે ઘણી બધી ભવિષ્યવાણી કરો છો. તમે ભાભીને પણ દીકરો જ આવશે એમ એક મિનિટમાં કહી દીધેલું. તે દિવસે હોસ્પિટલમાં પેલા કોઈ પેશન્ટને કોઈ પ્રેતાત્મા હેરાન કરી રહ્યો છે એવું પણ તમે કહીને એનો વળગાડ દૂર કર્યો હતો. બાકીની સિદ્ધિઓ વિશે મને જાણ નથી. " જાનકી બોલી.

"ઠીક છે હમણાં બે મિનિટમાં ચા આવી જાય એ પછી આપણે વાત કરીએ. કારણ કે વાત કરતી વખતે કોઈ આવી જાય તો મજા નહીં આવે." કેતન બોલ્યો.

એ પછી બે ત્રણ મિનિટમાં જ કેતનનો એટેન્ડન્ટ બે કપ રકાબીમાં ચા લઈને આવ્યો. કેતને કેન્ટીનમાં એક ડઝન સારી કપ રકાબીનો સેટ આપી રાખ્યો હતો અને સૂચના પણ આપી રાખી હતી કે -- ' આ કપ રકાબી મારા માટે અલગ રાખવા અને મારી ચેમ્બરમાં કોઈ ગેસ્ટ આવે તો પણ ચા આ કપ રકાબીમાં જ મોકલવી. '

બંને પતિ પત્નીએ ચા પી લીધી એટલે એટેન્ડન્ટને બોલાવી કપ પાછા આપ્યા અને પછી એણે ઊભા થઈ દરવાજો અંદરથી બંધ કર્યો. કાચની જે મોટી બારી હતી એના ઉપર પણ પડદો પાડી દીધો જેથી અંદર કોઈ જોઈ ના શકે.

"જો હવે તારી આંખો સામે હું અદ્રશ્ય થઈ જાઉં છું." કહીને ગુપ્ત મંત્ર બોલી કેતન બે મિનિટ માટે અદ્રશ્ય થઈ ગયો.

" જો હું તને દેખાઉ છું ? છતાં મારી વાતચીત તું સાંભળી શકે છે ને ? તારી સામે જ હું હાજર છું. " કેતન બોલ્યો.

" વાઉ ! કેતન આ તો ગજબની સિદ્ધિ છે તમારી ! માન ગયે જનાબ !! " જાનકી બોલી.

ફરી પાછો કેતન પોતાના અસલ સ્વરૂપમાં આવી ગયો.

" તે દિવસે હું મારા બેડરૂમમાં જ હતો છતાં તું મને જોઈ શકી ન હતી. તું મને શોધવા છેક નીચે સુધી ધક્કો ખાઈ આવી. હું પણ તારી પાછળને પાછળ છેક નીચે આવ્યો છતાં ઘરના કોઈ પણ સભ્ય મને જોઈ ના શક્યા" કેતન બોલ્યો.

" અચ્છા અચ્છા ! મને યાદ આવ્યું. તે દિવસે તમે બેડરૂમમાં જ અદ્રશ્ય થઈ ગયા હતા એમને ? વાઉ. મને દોડાદોડી કરાવી હતી. મને પણ એમ થયેલું કે કેતન બેડરૂમમાં હતા અને અચાનક ગયા ક્યાં !" જાનકી બોલી.

' એ દિવસે હું આ સિદ્ધિનો ટેસ્ટ કરી રહ્યો હતો. આવો પ્રયોગ હું કોઈને પણ તકલીફમાં મૂકવા માટે કે કોઈની ખાનગી વાતો સાંભળવા કરતો નથી. હોસ્પિટલમાં શું ચાલી રહ્યું છે એ જોવા માટે એકવાર આ સિદ્ધિ વાપરી હતી. એકવાર જયેશ સાથે પણ મજાક કરી હતી. " કેતન બોલતો હતો.

"બીજી એક સિદ્ધિથી હું મૃત્યુ પામેલી વ્યક્તિને એક કલાકની મર્યાદામાં બેઠો કરી શકું છું. એના આત્માને પાછો શરીરમાં લાવી શકું છું. કોઈ પણ વ્યક્તિને કેન્સર હોય કે ભયંકર રોગ થયો હોય તો પણ એ રોગને હું દૂર કરી શકું છું. પરંતુ એની મર્યાદા ૧૦ વ્યક્તિ માટેની છે. ૧૦ થી વધારે વ્યક્તિઓ ઉપર આ સિદ્ધિ કામ ના કરે. બે વ્યક્તિઓને મેં જીવતી કરી છે." કેતન બોલ્યો.

" ખરેખર ઈશ્વરના તમારા ઉપર બહુ જ આશીર્વાદ છે. આ એક વરદાન જ કહી શકાય. " જાનકી બોલી.

" એક સિદ્ધિ એવી છે કે હું ગમે એટલો નાનો પણ થઈ શકું છું અને ધારું તો હનુમાનજીની જેમ મારી કાયાને વિશાળ પણ બનાવી શકું છું. એ સિદ્ધિ પણ હું તને બતાવું છું. તને કદાચ હસવું પણ આવશે." કેતને કહ્યું.

અને મનમાં સંકલ્પ કરીને કેતન માત્ર એક ફૂટનો થઈ ગયો. કેતનને આટલા નાનકડા વામન સ્વરૂપમાં જોઈને જાનકી પોતાનું હસવું રોકી શકી નહીં. એ પછી કેતન ઉપરની છતને અડી જાય એટલો મોટો પણ થઈ ગયો. જાનકી કેતનના આ સ્વરૂપને જોઈ જ રહી. એક મિનિટ પછી એ પાછો નોર્મલ બની ગયો.

"આ જ પ્રમાણે હું એકદમ હલકો થઈને આકાશમાં ઉડી પણ શકું છું પરંતુ મેં એનો પ્રયોગ કર્યો નથી અને કરવાની ઈચ્છા પણ નથી. હું ધારું તો કોઈના પણ વિચારો જાણી શકું છું. અને કોઈના પણ ભૂતકાળને જોઈ શકું છું." કેતન બોલતો હતો

" મેં તને જામનગરથી ફોન ઉપર એવું કહ્યું હતું કે હું દ્વારકામાં ૪ દિવસ ધ્યાન શિબિરમાં ગયો હતો પણ હકીકતમાં બેટ દ્વારકામાં એક સંત મહાત્મા મને સમાધિમાં લઈ ગયા હતા અને ચાર દિવસ સુધી હું સમાધિમાં જ રહ્યો હતો. ફોન ડિસ્ચાર્જ થઈ ગયો હતો. એમણે જ મને અષ્ટ સિદ્ધિ આપી છે. તું ઘરમાં કોઈની પણ સાથે મારી આ સિદ્ધિઓ વિશે વાત ના કરીશ. કારણ કે આ બધી ગુપ્ત સિદ્ધિઓ છે અને તું મારી જીવનસાથી છે એટલા માટે તારી સાથે આજે શેર કરી. " કેતન બોલ્યો.

આ બધું સાંભળીને જાનકીને પોતાના આ મહાન પતિ વિશે બહુ જ ગર્વ થયો કે પૂર્વ જન્મમાં શિવજીને પાંચે આંગળીએ પૂજ્યા હશે ત્યારે જ આવા દેવપુરુષ પતિ તરીકે મળ્યા !

" તું શું એમ માને છે કે કે મારી પાસે પૈસા છે એટલા માટે આ હોસ્પિટલ, આ ધ્યાન કેન્દ્ર, આ મંત્ર કેન્દ્ર અને સિનિયર સિટીઝન માટે વાનપ્રસ્થાશ્રમ મેં બનાવ્યો ? ના જાનકી આ બધું મારા ગુરુજીએ જ કર્યું છે. મેં તો માત્ર પૈસા જ ખર્ચ્યા છે. હું માત્ર એક યંત્ર છું. યંત્રને ચલાવનાર તો મારા ગુરુ છે" કેતન એકદમ ભાવ અવસ્થામાં આવી ગયો હતો.

"કરોડો રૂપિયાનો આ પ્લૉટ મને રુચિએ ભેટ આપ્યો એ કોઈ માની શકે ? આ બંગલો આ ગાડી એણે મને મફતના ભાવે આપી દીધાં. મારા ગુરુજીએ જ એને પ્રેરણા આપી. મારા જીવનમાં ગુરુજીનું બહુ જ ઊંચું સ્થાન છે. ઈશ્વરની મારા ઉપર કેટલી બધી કૃપા છે જાનકી ! " કહેતાં કહેતાં કેતનનું દિલ ભરાઈ આવ્યું અને એ નાના બાળકની જેમ જાનકીની સામે રડી પડ્યો.

જાનકી કેતનની સામે જ જોઈ રહી. ગુરુજી પ્રત્યે એમની કેટલી બધી ભક્તિ છે ! એમને યાદ કરીને સાવ નાના બાળકની જેમ રડે છે. !!
ક્રમશઃ
અશ્વિન રાવલ (અમદાવાદ)