Prarambh - 7 books and stories free download online pdf in Gujarati

પ્રારંભ - 7

પ્રારંભ પ્રકરણ 7

પોતાની માયાવી અવસ્થામાં કેતન જામનગરની પટેલ કોલોનીમાં રહેતો હતો અને એના બંગલાથી ત્રીજા બંગલામાં નીતા મિસ્ત્રી રહેતી હતી.

કેતન જ્યારે સૂક્ષ્મજગતની માયાવી અવસ્થામાં હતો ત્યારે નીતાની બેન જલ્પાને આત્મહત્યા કરતી બચાવી લીધી હતી અને એના મંગેતર પાસેથી દહેજ પેટે લીધેલા બે લાખ રૂપિયા પણ પાછા અપાવ્યા હતા. જલ્પાના પપ્પાને પણ પોલીસ કેસમાંથી કેતને બચાવ્યા હતા એટલે નીતા કેતનથી ખૂબ જ અંજાઈ ગઈ હતી અને એને પોતાનો હીરો માનતી હતી. નીતા કેતનના પ્રેમમાં પડી ગઈ હતી.

આજે મનાલી પણ એવી જ વાતો કરતી હતી અને એ પણ કેતનને પોતાનો હીરો માનવા લાગી હતી. કેતનને આશ્ચર્ય એ વાતનું થયું કે જે મકાનમાં નીતા રહેતી હતી એ જ મકાનમાં આ મનાલી રહેતી હતી. આવું કઈ રીતે બની શકે ? પાત્ર જાણે કે એનું એ જ હતું પણ નામ બદલાયું હતું !

મનાલીએ જમતાં જમતાં કેતનના હાથ ઉપર હાથ મૂકીને કહ્યું કે તમે મને જીતી લીધી છે. હું તમારા પ્રેમમાં પડી ગઈ છું. તમે મારા હીરો બની ગયા છો.

બે મિનિટ માટે આ શબ્દો સાંભળીને કેતન વિચલિત થઈ ગયો. ગમે તેમ તોય એ એક પુરુષ હતો અને સામે ૨૩ ૨૪ વર્ષની ભર યુવાન ખૂબસૂરત યુવતી પોતાને પ્રપોઝ કરી રહી હતી !!

કેતન બીજા યુવાનો જેવો છેલબટાઉ કે છીછરો ન હતો. કોલેજ લાઇફમાં ઘણી બધી છોકરીઓ એની ફ્રેન્ડશીપ માટે તરસતી હતી. કેતનથી આકર્ષાયેલી હતી છતાં કેતનની એક જ પસંદગી હતી - જાનકી દેસાઈ.

કેતન એની કોલેજ ફ્રેન્ડ જાનકીને છેલ્લાં ચાર વર્ષથી પ્રેમ કરતો હતો. અમેરિકામાં હતો ત્યારે પણ એ જાનકીને જ વફાદાર રહ્યો હતો. યુવાન ઉંમરે પ્રલોભનો ઘણાં આવતાં હોય છે પરંતુ આજ સુધી કેતન વિચલિત થયો ન હતો.

" જો મનાલી તારી લાગણી હું સમજી શકું છું. તારી આ ઉંમરે આ જાતનું આકર્ષણ પેદા થવું એ બહુ સામાન્ય બાબત છે. પરંતુ મારી લાઇફમાં કોઈ છે અને અમારા સંબંધો છેલ્લા ચાર વર્ષ જૂના છે. એટલે હું તારી પ્રપોઝલનો સ્વીકાર ના કરી શકું પરંતુ આપણે સારા મિત્રો ચોક્કસ બની શકીએ. " કેતને સ્પષ્ટ જવાબ આપ્યો.

" અને તને બીજા પણ એક ખુશ ખબર આપવા માગું છું. " કેતને કહ્યું.

કેતનનો જવાબ સાંભળીને મનાલી થોડી અપસેટ તો થઈ જ ગઈ પરંતુ કેતનની વાત પણ સાચી હતી. એ એની રિલેશનશિપમાં પ્રમાણિક હતો.

" હા બોલો શું ખુશખબર આપો છો ?" મનાલી બોલી.

" ટૂંક સમયમાં હું તારો નવો પડોશી બનવાનો છું. " કેતન બોલ્યો.

" એટલે ? હું સમજી નહીં. " મનાલી બોલી.

" તારી પડોશમાં જે મકાનમાં જયરામભાઈ રહે છે એ બંગલો મેં ખરીદી લીધો છે અને એકાદ મહિનામાં હું ત્યાં શિફ્ટ થઈ જવાનો છું. " કેતને મનાલીને સુખદ આંચકો આપ્યો.

" વાઉ... આ તો ખુબ સરસ સમાચાર આપ્યા. તો તમે હવે મારા પડોશી થશો એમ ને ? " મનાલી ખુશ થઈને બોલી.

" જી... બિલકુલ. એકાદ મહિનામાં હું ત્યાં રહેવા આવી જઈશ. " કેતન બોલ્યો.

" તારે મારું એક કામ કરવું પડશે મનાલી. મારું આવવાનું ૧૫ દિવસ પછી ગમે ત્યારે થઇ શકે છે. વધુમાં વધુ એક મહિનાની અંદર તો આવી જ જઈશ. મારે એક સારી રસોઈ કરનારાં બેનની જરૂર પડશે. કાયમ માટે તો હું હોટલનું ખાઈ ના શકું. " કેતન બોલ્યો.

" તારે આવતી કાલથી જ આ દિશામાં તપાસ ચાલુ કરવી પડશે. એમને રસોઈ સારી આવડવી જોઈએ અને સ્વભાવ પણ સારો હોવો જોઈએ. પૈસાનો કોઈ પ્રોબ્લેમ નથી. એ જે કહેશે એનાથી ડબલ આપવા તૈયાર છું. તું કોઈ રસોઈ કરનારાં બેનને શોધી રાખ. " કેતને પોતાની વાત પૂરી કરી.

" અરે સર પણ મારું ઘર છે જ ને ? તમે થોડા દિવસ મારા ત્યાં જ જમજો. તમે ત્યાં શિફ્ટ થઈ જાઓ પછી શોધી કાઢીશ. મારા મમ્મી પપ્પાનો નેચર બહુ જ સરસ છે. તમને કોઈ જ સંકોચ નહીં થાય. " મનાલી બોલી.

" મનાલી એવું ના થઈ શકે. આવીને સીધો તમારા ઘરે ધામા નાખું એ મારા લોહીમાં નથી. ક્યારેક તું મારા ઘરે સારી આઈટમનો વાટકી વ્યવહાર કરે એ વાત જુદી છે પરંતુ રસોઈ તો બે ટાઈમ મારા ઘરે બનવી જ જોઈએ." કેતન બોલ્યો.

" ઠીક છે સર. આજુબાજુ બધે જ તપાસ ચાલુ કરી દઈશ. બીજું બધું કામ છોડીને આ કામની પાછળ લાગી જઈશ. હવે બીજી કોઈ સેવા ? " મનાલી બોલી.

" હાલ પૂરતું આટલું જ બસ છે. હવે અત્યારે ત્રણ વાગે સૌરાષ્ટ્ર એક્સપ્રેસ આવે છે તો તારે અહીં બીજું કોઈ કામ ના હોય તો તું જામનગર જવા નીકળી જા. " કેતન બોલ્યો.

" હા તો પછી હું હવે નીકળી જ જાઉં. મારે બીજું કંઈ કામ નથી. તમે પણ આવોને સ્ટેશન સુધી ? " મનાલી બોલી.

અને કેતન જમવાનું બીલ ચૂકવીને મનાલીને લઈ યુવરાજ હોટલ ઉપર ગયો. ત્યાં પણ હિસાબ કરી દીધો અને ત્યાંથી ચાલતાં જ બન્ને સામે રેલવે સ્ટેશન પહોંચી ગયાં. કેતને ટિકિટ વિન્ડો ઉપરથી ફર્સ્ટ ક્લાસની ટિકિટ લઈ લીધી અને મનાલીને આપી.

" મનાલી જતાં જતાં એક છેલ્લો સવાલ પૂછું ? " અચાનક કેતનના મનમાં એક વિચાર આવ્યો એટલે એણે પૂછ્યું.

" અરે સર પુછો ને !! રજા લેવાની થોડી હોય હવે ? " મનાલી બોલી.

" તું જામનગરમાં શું કરે છે ? આઈ મીન કોઈ જોબ કરે છે અત્યારે ? " કેતન બોલ્યો.

" હા સર. હું ત્યાં એક હોસ્પિટલમાં રિસેપ્શનિસ્ટ છું. " મનાલી બોલી.

" ઓકે. મને પણ એવું લાગ્યું એટલે પૂછ્યું. " કેતને હસીને કહ્યું.

" જાઓ હવે. મારા માથા પર ક્યાંય લખેલું છે ? " મનાલી લાડથી બોલી. એને તો કેતન ખૂબ જ ગમી ગયો હતો.

" મજાક કરું છું. હવે હું રજા લઉં. સાથે પર્સમાં બે લાખ છે એટલે જરા ધ્યાન રાખજે. હવે જામનગર આવું ત્યારે તારા ત્યાં ચા પીવા આવીશ. " કહીને કેતન નીકળી ગયો.

યુવરાજ હોટલ આગળ ગાડી પાર્ક કરી હતી એટલે ચાલતો જ ત્યાં ગયો અને ત્યાંથી ગાડી લઈને ઘરે જવા નીકળી ગયો.

પાછા ફરતી વખતે આ જ બધા વિચારોમાં એ ગૂંચવાઈ ગયો. મારા માયાવી જીવન દરમ્યાન જે ઘટનાઓ બની હતી એ જ ઘટનાઓ, એ જ સ્થળો અને પાત્રો રીપીટ કેમ થાય છે ? નીતાની જગ્યાએ મનાલી ગોઠવાઈ ગઈ. નીતા મિસ્ત્રી હોસ્પિટલમાં નોકરી કરતી હતી. મનાલી પણ હોસ્પિટલમાં જ રિસેપ્શનિસ્ટ છે. પ્રતાપભાઈની જગ્યાએ ધરમશીભાઈ વ્રજભૂમિ બંગલોઝમાં રહે છે !

ચાલો જે થશે તે જોયું જશે. એના ઉપર અત્યારે ચિંતન કરવાનો કોઈ જ મતલબ નથી. કારણ કે ગુરુજીએ રચેલી માયાને એટલી સરળતાથી સમજી નહીં શકાય ! બની શકે કે મને ફરી જામનગરમાં જ સેટ થવાનો જે વિચાર આવ્યો એની પાછળ પણ ગુરુજીની જ પ્રેરણા હોય !!

રસ્તામાંથી એણે જયેશને ફોન કર્યો.

" જયેશ કેતન બોલું. હું સુરત પહોંચી ગયો છું. હવે સાંભળ તું બને એટલો વહેલો બે-ત્રણ દિવસમાં જ જામનગર જતો રહે. આપણે જયરામભાઈને એક મહિનાનો ટાઇમ આપ્યો છે છતાં તું એમના ટચમાં રહેજે. મહિના સુધી રાહ જોવાની જરૂર નથી. જેટલું વહેલું મકાન ખાલી થાય એટલું સારું. " કેતન બોલ્યો.

"એ ખાલી કરે એટલે તું આખું મકાન સાફ કરાવીને ફરીથી કલર પણ કરાવી દે અને જે જે ફર્નિચર તૈયાર મળતું હોય એ લાવીને ત્યાં ગોઠવી દે. તારી ચોઇસ બેસ્ટ હોવી જોઈએ. બાકીનું ફર્નિચર તારા માવજીભાઈને કહીને બનાવવાનું ચાલુ કરાવી દે. એ.સી. પણ મારા બેડરૂમમાં ફીટ કરાવી દે. નવું ફ્રીજ અને ટીવી ખરીદી લેજે. મકાનમાં કંઈ રીપેરીંગ જરૂરી હોય તો રીપેરીંગ પણ કરાવી દેજે." કેતન બોલ્યો

" મારે મકાન એકદમ અપટુડેટ જોઈએ. જે પણ પૈસા ખર્ચ થાય એ મને કહી દેજે. એડવાન્સમાં તારા ખાતામાં ટ્રાન્સફર થઇ જશે. " કેતને વાત પૂરી કરી.

" તમે ચિંતા નહીં કરો કેતનભાઇ. હું બે ત્રણ દિવસમાં જ જામનગર જતો રહીશ. કાલે સ્કૂલમાં જઈને મારી બેબીનું સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ લઈ લઉં છું.. મકાન તમારું હું અપટુડેટ કરી દઈશ. " જયેશ ઝવેરી બોલ્યો.

જયેશની વાતથી કેતનને સંતોષ થઇ ગયો. માયાવી જગતમાં જેવો જયેશ મળ્યો હતો એવો જ આજ્ઞાંકિત અને કાબેલ આ જયેશ પણ છે.

કેતન ઘરે પહોંચ્યો ત્યારે બપોરના ત્રણ વાગવા આવ્યા હતા.

" અરે કેતન અત્યાર સુધી તું ક્યાં હતો બેટા ? જમવાના ટાઈમે તો હાજર રહેતો હો !! " જયાબેન બોલ્યાં.

" મમ્મી એક કામમાં જરા બીઝી થઈ ગયો હતો અને હું બહાર જમીને જ આવ્યો છું. મારે તમને લોકોને ફોન કરવો જોઈતો હતો. આઈ એમ સોરી મમ્મી." કેતન બોલ્યો. મનાલીની દોડાદોડીમાં એ ઘરે ફોન કરવાનું જ ભૂલી ગયો હતો

" તું બહાર જમી લે એનો પણ કોઈ વાંધો નથી પણ રસોઈ પકડીને મહારાજ બિચારા ક્યાં સુધી બેસી રહે ? " જયાબેને મીઠો ઠપકો આપ્યો.

કેતન પોતાના રૂમમાં ગયો અને એ.સી. ચાલુ કરીને થોડો આરામ કરવાનું નક્કી કર્યું.

ગરમીના દિવસોમાં કેતન એ.સી. માં આજે લાંબો સમય સૂઇ જ ગયો હોત પરંતુ અચાનક આશિષ અંકલના ફોને એને જગાડી દીધો !

ફોનની રીંગ તો ક્યારની ય વાગતી હતી પરંતુ કેતન ભર ઊંઘમાં હતો. બીજી વાર રીંગ વાગી ત્યારે એ જાગી ગયો અને ફોન હાથમાં લીધો.

" કોણ ? " કેતને ઊંઘમાંથી જાગીને પૂછ્યું.

" આશિષ અંકલ બોલું કેતન. ક્યાં છે તું અત્યારે ? બબ્બે વાર રીંગ વગાડી ત્યારે તેં ફોન ઉપાડ્યો. " આશિષ અંકલ બોલ્યા.

" ઘરે જ છું અંકલ. સૂઇ ગયો હતો. " કેતન હવે સ્વસ્થ થઈ ગયો હતો.

" થોડા દિવસો પહેલાં તેં મને ફોન કર્યો હતો યાદ છે ? તને કોઈએ કહેલું કે હું જામનગર છું. આ વાત તને કોણે કરેલી ? કોણે તને સમાચાર આપેલા કે હું જામનગર છું ? " આશિષ અંકલ બોલ્યા.

" મને તો કોઈએ કહ્યું નહોતું અંકલ. બસ મને એમ થયું કે તમે જામનગરમાં છો એટલે કન્ફર્મ કરવા માટે મેં તમને ફોન કરેલો. " કેતન બોલ્યો.

" ખરેખર તને કોઈએ નહોતું કહ્યું ? " આશિષ અંકલે આશ્ચર્યથી પૂછ્યું.

" ના અંકલ સિરિયસલી. મને પોતાને જ એમ ફીલ થયું કે તમે જામનગરમાં છો. " કેતને નિખાલસતાથી કહ્યું.

" ત્યારે તો તું હવે જ્યોતિષી બની ગયો છે !! મારી ટ્રાન્સફર સાચે જ જામનગર થઈ ગઈ છે અને મારે પરમ દિવસે ત્યાં સુપરિન્ટેન્ડેન્ટ તરીકે હાજર થવાનું છે !" આશિષ અંકલ બોલ્યા.

હવે આશ્ચર્ય પામવાનો વારો કેતનનો હતો !!

" એનીવેઝ... મને એમ કે તને કોઈએ મારી ટ્રાન્સફરની ઇન્ફર્મેશન એડવાન્સમાં આપી દીધી હશે. ઘણીવાર આવા સમાચારો લીક થઇ જતા હોય છે. " આશિષ અંકલ બોલ્યા.

" ના અંકલ મને તમારી ટ્રાન્સફર વિશે ખરેખર કોઇ જ માહિતી નથી. બસ મને અંદરથી એમ લાગ્યું એટલે મેં તમને ફોન કરેલો. બીજા પણ એક સમાચાર તમને આપું છું અંકલ. હું પોતે પણ એક મહિનામાં જામનગર શિફ્ટ થઈ જાઉં છું. " કેતન બોલ્યો.

" કેમ ? ડાયમંડની બ્રાન્ચ જામનગર ખોલે છે ? કે પછી બીજો કોઈ ધંધો વિચાર્યો છે ? " આશિષ અંકલે આશ્ચર્યથી પૂછ્યું.

" નહીં અંકલ. ડાયમંડના બિઝનેસમાં મને કોઈ જ રસ નથી. જામનગર ગયા પછી વિચારીશ કે મારે શું કરવું છે. ઘણાં કામ કરવાં છે પણ નકશો હજુ તૈયાર નથી. " કેતન બોલ્યો. વધારે લાંબી ચર્ચા કરવાની અત્યારે એની ઈચ્છા ન હતી.

" ઠીક છે ભાઈ. તું પણ જામનગર આવી જા. ત્યાં આવીને મને મળજે. હું તો આવતીકાલે જ જઈ રહ્યો છું. " કહીને આશિષ અંકલે ફોન કટ કર્યો.

સાંજે મોટાભાઈ અને પપ્પા ઓફિસેથી આવી ગયા પછી કેતને એમની સાથે પણ ચર્ચા કરી કે આશિષ અંકલની પણ જામનગરમાં પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ તરીકે ટ્રાન્સફર થઈ છે.

" આ તો તેં બહુ સારા સમાચાર આપ્યા કેતન. આશિષ ઘરનો માણસ છે. આશિષ જામનગરમાં હોય એટલે તારે પછી કોઈ જાતની ચિંતા નહીં. એ મારા જેટલુ જ તારું ધ્યાન રાખશે. મેં એને કરેલી મદદ એ ક્યારેય ભુલી શકવાનો નથી. ચાલો હવે મારું અડધું ટેન્શન દૂર થઈ ગયું. " જગદીશભાઈ બોલ્યા.

આશિષ અંકલ પણ સુપરિન્ટેન્ડેન્ટ તરીકે જામનગર જઈ રહ્યા હતા. જયેશ પણ બે-ત્રણ દિવસમાં જામનગર પહોંચી જવાનો છે. મનસુખ માલવિયા પણ ત્યાં હાજર હશે. નીતા ને બદલે મનાલી મારું ધ્યાન રાખવા ત્યાં પહોંચી ગઈ છે. વ્રજભૂમિ બંગલોઝમાં પપ્પાના મિત્ર ધરમશીભાઈ પણ પ્રતાપ અંકલની જેમ મારું સ્વાગત કરશે. અને બાજુમાં દ્વારકાધીશ તો છે જ પાછા !!

સોગઠાબાજીનાં સોગઠાં ફરીથી ગોઠવાઈ રહ્યાં હતાં. એક નવા જીવનનો પ્રારંભ થઈ રહ્યો હતો ! વિધાતા હવે જામનગરમાં મને કઈ રમત રમાડશે કંઈ જ ખબર નથી -- કેતન વિચારી રહ્યો.
ક્રમશઃ
અશ્વિન રાવલ (અમદાવાદ)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED