પ્રારંભ - 98 Ashwin Rawal દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રારંભ - 98

પ્રારંભ પ્રકરણ 98

કેતન હસમુખભાઈના આગ્રહથી જૂનાગઢ આવ્યો હતો અને અહીં આવ્યા પછી હસમુખભાઈ ઠાકર એને ગિરનારના જંગલોમાં લઈ ગયા હતા. ત્યાં એમના ગુરુ ગિરનારી બાપુની ગુફામાં બંને જણા આવ્યા હતા.

ગિરનારી બાપુ અત્યારે હયાત ન હતા છતાં એમણે સૂક્ષ્મ સ્વરૂપે કેતનના ધ્યાનમાં આવીને એને વરદાન આપ્યું હતું. એ વરદાનથી કેતન જે પણ ઈચ્છા હોય તે વસ્તુ કલ્પના કરીને પેદા કરી શકતો હતો.

કેતને સૌ પ્રથમ પ્રયોગ કરીને બાપુ માટે ગુલાબનાં તાજાં ફૂલ અને પ્રસાદમાં જલેબી માંગી હતી અને એ બંને વસ્તુઓ એના હાથમાં આવી ગઈ હતી. એ પછી બંનેએ ગરમા ગરમ જલેબીનો રસાસ્વાદ માણ્યો હતો !

"એકવાર હું મુંબઈથી જામનગર જઈ રહ્યો હતો ત્યારે સુરેન્દ્રનગર સ્ટેશન પહેલાં તંદ્રાવસ્થામાં કેટલાક સાધુઓને મારા ડબ્બામાં બેઠેલા મેં જોયા હતા. એમાં જે મુખ્ય સન્યાસી હતા તે આ રીતે બધા સાધુઓને પતરાળીમાં માલપૂડા અને ગાંઠિયા પોતાના કમંડળમાં પેદા કરીને આપતા હતા. મને પણ એક પતરાળીમાં જલેબી આપી હતી. હવે મને સમજાયું કે એમણે પણ આ વિદ્યા પ્રાપ્ત કરી હશે." કેતન બોલ્યો.

" હા. આ બહુ મોટું વરદાન છે અને ભાગ્યે જ કોઈને પ્રાપ્ત થાય છે તમે ખરેખર ખૂબ જ નસીબદાર છો. અષ્ટ સિદ્ધિ તો તમને મળી જ ગઈ છે ઉપરાંત તમને આ સિદ્ધિ પણ આજે મળી ગઈ. " હસમુખભાઈ બોલ્યા.

"નસીબદાર તો છું જ. જીવનમાં જે પણ મેં માગ્યું છે તે મને મળ્યું છે. પૈસાની કોઈ તકલીફ નથી. સારો પરિવાર મને મળેલો છે. સાવ સાચું કહું વડીલ તો આ બધી સિદ્ધિઓમાં મને કોઈ જ રસ નથી. જન સેવા એ પ્રભુ સેવા એ જ મારો મંત્ર છે. " કેતન બોલ્યો.

"તમને આ બધી સિદ્ધિઓ ઈશ્વરે આપી છે તો એનો કોઈક તો ઉપયોગ ઈશ્વરે વિચાર્યો હશે. લોક કલ્યાણના માર્ગે તમે આગળ વધી રહ્યા છો તો આ સિદ્ધિઓ ક્યારેક કામમાં આવશે. ચાલો હવે આપણે નીકળીએ." હસમુખભાઈ બોલ્યા અને ગિરનારી બાપુને માનસિક વંદન કરીને બંને બહાર નીકળ્યા.

એ પછી બીજા રસ્તે હસમુખભાઈ કેતનને સેસાવનના જંગલમાં છેક ઊંડે સુધી લઈ ગયા. ત્યાં જઈને એક છોડ પાસે એ ઊભા રહ્યા અને એ છોડના ત્રણ ચાર પાન કેતનને ચાવી જવાનું કહ્યું. હસમુખભાઈએ પોતે પણ ત્રણ ચાર પાન ચાવી લીધા.

" હવે માત્ર પાંચ મિનિટમાં આ પાનની અસર જુઓ. સ્ટીરોઈડનું ઇન્જેક્શન લીધું હોય એમ તમારો બધો જ થાક ઉતરી જશે. અને હવે છેક જૂનાગઢ સુધી તમે કોઈપણ જાતના થાક વગર ચાલી શકશો. એક નવી સ્ફૂર્તિ અને તરવરાટનો તમે અનુભવ કરશો. " હસમુખભાઈ બોલ્યા.

અને બન્યું પણ એવું જ. કેતન જાણે આખી રાત આરામ કરીને સવારે ઉઠ્યો હોય એટલી સ્ફૂર્તિ એનામાં આવી ગઈ. પગમાં લાગેલો બધો જ થાક ઉતરી ગયો.

" ચાલો હવે આપણે આવ્યા હતા એ રસ્તે પાછા જૂનાગઢ જઈએ. " કહીને હસમુખભાઈ આગળ થયા. હવે બંનેની ચાલવાની સ્પીડ પણ વધી ગઈ હતી. ત્રણ કલાકમાં બંને જણા લાલ ઢોરી પહોંચી ગયા.

" બપોરનો એક વાગી ગયો છે એટલે અત્યારે આપણે સીધા ડાઇનિંગ હોલમાં જઈને જમી લઈએ." કહીને હસમુખભાઈ ત્યાં પાર્ક કરેલી ગાડીમાં બેસીને કેતનને પટેલ ડાઇનિંગ હોલમાં લઈ ગયા.

" આ ડાઇનિંગ હોલમાં પણ જમવાનું સારું મળે છે એટલે તમને અત્યારે અહીં લઈ આવ્યો. " હસમુખભાઈ બોલ્યા અને બંને જણા જમવા માટે ડાઇનિંગ હોલમાં દાખલ થયા.

જમીને હસમુખભાઈ કેતનને લઈને પોતાના બંગલે ગયા અને અમૃત રસ તથા સંજીવની રસની બે બોટલ કેતનને શુભેચ્છાઓ સાથે અર્પણ કરી.

" આ જે લીલો રસ છે એ સંજીવની રસ છે. મૃત્યુ પામેલી વ્યક્તિને પણ સજીવન કરવાની એમાં તાકાત છે પરંતુ મૃત્યુ પછીના એક કલાક સુધી જ એની અસર થઈ શકે છે. સિલ્વર કોડ તૂટી જાય પછી વ્યક્તિ સજીવન થઈ શકતી નથી. ગમે તેવી ગંભીર બીમારી હોય એને પણ સાજા કરવાની આ રસમાં તાકાત છે. માત્ર એક જ બુંદ રસ આપવાનો હોય છે. " હસમુખભાઈએ કહ્યું.

" આ જે ઓરેન્જ કલર જેવો રસ છે તે અમૃત રસ છે. પારામાંથી સોનું બનાવવાની એની તાકાત છે. એ ઉપરાંત આ રસનું એક ટીપુ નવ યૌવન આપી શકે છે. તમે ઘરે જઈને એક ટીપું લઈ લેજો. તમારા પરિવારને પણ આપી શકો છો. આ રસ વૃદ્ધાવસ્થાને દૂર રાખે છે. બંને બોટલ ઉપર મેં લેબલ લગાવેલું જ છે એટલે ભૂલ નહીં થાય.
હવે મારું કાર્ય પૂરું થયું. તમને આ બંને રસ આપીને મને સંતોષ થયો કે એ એક યોગ્ય વ્યક્તિ પાસે જઈ રહ્યા છે. " હસમુખભાઈ બોલ્યા.

"જી આપનો ખૂબ ખૂબ આભાર કે તમે મને એના માટે યોગ્ય ગણ્યો. " કેતન બોલ્યો.

"તમને યોગ્ય ગણવા જ પડે કારણ કે તમે તમારી મરજીથી નહીં પણ ગુરુજી ની ઈચ્છાથી જામનગર આવ્યા હતા અને ત્યાં આપણી મુલાકાત થઈ હતી. મને પણ જામનગર જવાની પ્રેરણા ગિરનારી બાપુ તરફથી મળી હતી જેથી તમને આ રસ પ્રાપ્ત થાય. બેટ દ્વારકા મોકલવાની પ્રેરણા પણ તમારા ગુરુજીની હતી. ગુરુજીનો પ્લાન તમે કદી નહીં સમજી શકો." હસમુખભાઈ બોલ્યા અને કેતન અવાક થઈ ગયો.

"હવે તમે એકવાર મુંબઈ આવો. મારા ધ્યાન કેન્દ્રમાં તમને બહુ જ મજા આવશે. " કેતને આમંત્રણ આપ્યું.

" ચોક્કસ આવીશ. તમારી હોસ્પિટલ જોવાની અને ધ્યાન કેન્દ્ર જોવાની મારી પ્રબળ ઈચ્છા છે. ચાલો હવે તમને હું હોટલ ઉપર મૂકી જાઉં. " કહીને હસમુખભાઈ કેતન સાથે બહાર નીકળ્યા અને ગાડીમાં મેગનમ હોટલ પહોંચી ગયા.

" હવે તમારે મુંબઈ જવા માટે આજે તો કોઈ ટ્રેઈન નથી. કાલે બપોરે એક વાગે તમને ટ્રેઈન મળી શકે. બીજો રસ્તો તમે રાજકોટ પહોંચી જાઓ તો રાજકોટથી રાત્રે ૯ વાગ્યા આસપાસ બે ટ્રેઈન છે. " રૂમ ઉપર આવીને હસમુખભાઈ બોલ્યા.

" તો તો પછી હું થોડો આરામ કરીને ટેક્સી પકડી લઉં અને રાજકોટ પહોંચી જાઉં એ જ ઠીક રહેશે. " કેતન બોલ્યો.

" હા મારું પણ એ જ સજેશન છે. ચાલો હવે હું રજા લઉં. થોડો આરામ કરી લો. મુંબઈ આપણે ફરી મળીશું." કહીને હસમુખભાઈએ રજા લીધી.

એ ગયા પછી કેતને ગુગલમાં સર્ચ કર્યું. દુરન્તો એક્સપ્રેસ રાત્રે ૮:૪૫ વાગે ઉપડતો હતો જ્યારે હમસફર રાત્રે ૯:૧૫ વાગે. બંને ટ્રેનોમાં રિઝર્વેશનની શક્યતા એણે તપાસી. હમસફરમાં તો કોઈ ચાન્સ ન હતો. પરંતુ દુરન્તોમાં એને થ્રી ટાયર એસી કોચમાં એક બર્થ મળી ગઈ.

ટ્રેન છેક રાત્રે ૮:૪૫ની હતી. હજુ તો બપોરના અઢી વાગ્યા હતા. સાંજે ચાર વાગે અહીંથી ટેક્સી કરું તો પણ સાંજે સાત વાગે પહોંચી જવાય એટલે એકાદ કલાક આરામ કરી લઉં. - કેતને વિચાર્યું અને એ એલાર્મ મૂકીને સૂઈ ગયો.

બરાબર ચાર વાગ્યે કેતન ઉભો થઈ ગયો. સવારે હસમુખભાઈ સાથે ચા પીધી હતી એ રેકડી તો એને યાદ ન હતી એટલે બહાર બીજે ક્યાંક ચા પી લેવાનું નક્કી કર્યું અને એ બેગ લઈને નીચે રિસેપ્શન કાઉન્ટર પાસે આવ્યો.

" મને અહીં રાજકોટ જવાની ટેક્સી ક્યાંથી મળશે ?" કેતને પૂછ્યું.

" તમે જોષીપુરા વયા જાઓ. ત્યાંથી હંધીય ટેક્સીયું મળી જાહે" ક્લાર્ક બોલ્યો.

" ઓકે. થેન્ક્યુ ભાઈ." કહી બિલ ચૂકવીને કેતન બહાર આવ્યો અને ત્યાંથી જોષીપુરાની રીક્ષા કરી લીધી.

જોષીપુરા ઉતરીને એણે એક નાની હોટલમાં ચા પી લીધી અને ત્યાંથી એને રાજકોટ જવા માટેની ટેક્સી પણ મળી ગઈ.

ગણતરી પ્રમાણે સાંજે ૭ વાગે કેતન રાજકોટ પહોંચી ગયો. અત્યારથી સ્ટેશન ઉપર જઈને બેસવાનો કોઈ જ મતલબ ન હતું એટલે એણે ટેક્સીને સીધી યાજ્ઞિક રોડ ઉપર રામકૃષ્ણ આશ્રમ લેવડાવી.

એ સમયસર જ પહોંચ્યો હતો. એ વખતે મંદિરમાં આરતી ચાલતી હતી. તેણે આરતીનાં દર્શન કર્યાં અને આરતી પતી ગયા પછી મંદિરના હોલમાં ઠાકુરની સામે અડધી કલાક ધ્યાન કર્યું.

દર્શન કરી બહાર નીકળ્યો ત્યારે આઠ વાગી ગયા હતા. હવે સ્ટેશન જવામાં કોઈ વાંધો ન હતો એટલે એણે બહારથી જ રીક્ષા પકડી લીધી અને સીધો સ્ટેશન પહોંચી ગયો.

૧૫ મિનિટ પછી પ્લેટફોર્મ ઉપર દુરન્તો એક્સપ્રેસ મુકાઈ ગઈ. એમ-૩ એનો કોચ હતો. એ પાછળના ભાગમાં જઈને એના કોચમાં ચડી ગયો અને પોતાની બર્થ ઉપર બેસી ગયો. ૮:૩૦ વાગી ગયા હતા. જમવાનો ટાઈમ થઈ ગયો હતો. ટ્રેનમાં જમવાનું કદાચ મળતું જ હશે છતાં બીજા પેસેન્જર આવે એ પહેલાં ગિરનારી બાપુએ આપેલા વરદાનથી જામનગરવાળાં સુધામાસી જેવાં સ્વાદિષ્ટ થેપલાં, દહીં અને બટેટાની સૂકી ભાજી જમી લઉં.

એણે મનોમન કાગળની ડીશમાં સુધા માસી જેવાં પાંચ થેપલાં, એક પડિયામાં દહીં અને બીજા પડિયામાં બટેટાની સૂકી ભાજી એને મળે એની સતત કલ્પના કરવા લાગ્યો. પરંતુ બે ત્રણ મિનિટ થઈ હોવા છતાં એના હાથમાં કોઈ ભોજન આવ્યું નહીં. આવું કેમ બન્યું ?

પછી એને યાદ આવ્યું કે આ બધી વસ્તુઓ માત્ર દિવસ દરમ્યાન સૂર્યનાં કિરણોમાંથી જ બનતી હોય છે. જ્યારે અત્યારે તો રાતના ૮:૩૦ વાગ્યા છે. તો પછી ભાવતાં ભોજન કેવી રીતે મળે ? એને મનમાં હસવું આવ્યું.

એના સમય પ્રમાણે ટ્રેઈન બરાબર ૮:૪૫ કલાકે ઉપડી. એણે ગુગલમાં સર્ચ કર્યું તો આ ટ્રેઈનમાં પેન્ટ્રી કાર ન હતી. એટલે જમવાનું પૂછવા માટે કોઈ આવે એવી કોઈ શક્યતા ન હતી. એણે રાજકોટ સ્ટેશનથી જ કંઇક નાસ્તો લઈ લેવાની જરૂર હતી.

થોડીવાર પછી એક વેન્ડર વડાપાઉં લઈને કોચમાં આવ્યો. કેતને એક વડાપાઉં લઈ લીધું. એણે વડાપાઉં ખોલ્યું ત્યાં બીજો એક વેન્ડર ઉપમા લઈને પસાર થયો. કેતને એની પાસેથી ઉપમા પણ લઈ લીધી. હવે આખી રાત કોઈ વાંધો નહીં આવે.

વિન્ડો પાસે જ એ બેઠેલો હતો એટલે આરામથી એણે જમી લીધું અને બોટલમાંથી પાણી પી લીધું. એની સામે ત્રણ જણનું જે ફેમિલી બેઠેલું હતું એ પણ ઘરેથી લાવેલો નાસ્તો જમી રહ્યું હતું. એની બાજુમાં એક મુસ્લિમ ચાચા બેઠેલા હતા. એના પછી કોઈ યુવાન હતો.

રાત્રે ૧૦ વાગે વચ્ચેની બર્થ ઉંચી કરીને બધા સૂઈ ગયા. કેતનની બર્થ નીચેની જ હતી પરંતુ એણે મુસ્લિમ ચાચાને નીચે સૂવા દીધા અને પોતે ઉપરની બર્થ ઉપર ચઢીને સૂઈ ગયો.

ટ્રેનમાં ઉપરની બર્થ ઉપર ધ્યાન કરવાનું ફાવતું નથી એ કેતનને ખબર હતી એટલે એ પાંચ વાગે જ ઉઠ્યો અને સૂતાં સૂતાં જ ગાયત્રી મંત્રની પાંચ માળા કરી.

સવારે ૮ વાગે મુંબઈ સેન્ટ્રલ ઉતરીને એણે વિરાર જતી ફાસ્ટ પકડી લીધી અને બાંદ્રા ઉતરીને રીક્ષા કરી નવ વાગ્યે ખારના પોતાના બંગલે પહોંચી ગયો.

"આ વખતે તો બહુ રોકાણ થયું તારું ! " જયાબેન બોલ્યાં.

" મમ્મી જામનગરથી પછી બેટ દ્વારકા અને દ્વારકા પણ ગયેલો. એ પછી જૂનાગઢ ગિરનારની તળેટીમાં પણ જઈ આવ્યો. દ્વારકામાં ચાર દિવસની શિબિર હતી." કેતને જયેશે આપેલા જવાબને ધ્યાનમાં રાખીને વાત કરી.

"ચાલો એ બહાને તારે બધે યાત્રા થઈ ગઈ. " જયાબેન બોલ્યાં.

એ પછી કેતન બેગ લઈને ઉપર ગયો કારણ કે એ બંગલાના ઉપરના ભાગમાં રહેતો હતો.

" આવી ગયા ? હું તમારી જ રાહ જોતી હતી. હવે તમે નાહી લો. જમીને તરત આપણે માટુંગા જઈ આવીએ. ગઈ કાલથી મમ્મીની તબિયત સારી નથી. " જાનકી બોલી.

" મમ્મીને શું પ્રોબ્લેમ થયો છે ?" કેતને પૂછ્યું.

" એમને એડમીટ કર્યાં છે. છાતીમાં દુખાવો ઉપડેલો. ડોક્ટરને ઘરે બોલાવ્યા હતા તો એમણે એડમીટ કરવાની સલાહ આપી. ડોક્ટરનું કહેવું છે કે એમને માઈલ્ડ એટેક આવ્યો હતો. હું રાત્રે જ જવાની હતી પરંતુ તમારો રાત્રે ફોન આવી ગયો એટલે પછી આપણે સાથે જ જઈએ એવું મેં નક્કી કર્યું." જાનકી બોલી.

"ઠીક છે કોઈ ચિંતા નહિ કર. એમને કંઈ નહીં થાય. હું ન્હાઈ ધોઈને તૈયાર થઈ જાઉં છું. " કેતન બોલ્યો અને સીધો બાથરૂમમાં ગયો.

અડધી કલાકમાં જ કેતન તૈયાર થઈ ગયો.

" હું તો તૈયાર જ છું. આપણા મમ્મી પપ્પાને વાત કરી છે ? " કેતન બોલ્યો.

"હા એમને તો કહેવું જ પડે ને ! પપ્પાએ મારા પપ્પા સાથે વાતચીત કરી લીધી હતી પણ એમણે માટુંગા આવવાની ના પાડી. કારણ કે હોસ્પિટલમાં દાખલ થયા પછી હવે મમ્મીને સારું છે. પરંતુ મમ્મીને મળવા જવાની આપણી તો ફરજ બને છે." જાનકી બોલી.

" આપણે બાર સાડા બાર સુધી રાહ જોવાની જરૂર નથી. મોટાભાગની રસોઈ તો બની જ જતી હોય છે. તું મહારાજને કહી દે આપણને ૧૦:૩૦ વાગે જમવા બેસાડે. " કેતન બોલ્યો.

" ઠીક છે હું મહારાજને કહી આવું. " જાનકી બોલી.

"એક કામ કર. પપ્પા સાથે જરા વાત કરી લે. એમનું જમવાનું કઈ રીતે છે ? કારણ કે મમ્મી જ એડમિટ છે એટલે રસોઈ કોણ બનાવે ?બહારનું ખાવું એના કરતાં આપણે અહીંથી બંનેનું ટિફિન લઈ જઈએ. " કેતન બોલ્યો.

જાનકીને કેતનની વાત સ્પર્શી ગઈ. કેટલું બધું વિચારે છે કેતન !! એણે પપ્પાને ફોન લગાવ્યો.

" પપ્પા હું અને કેતન માટુંગા આવવા માટે નીકળીએ છીએ. તમારા બંને માટે ટિફિન લઈને આવીએ છીએ એટલે તમે બહારથી જમવાનું મંગાવતા નહીં." જાનકી બોલી.

"મમ્મીને તો હોસ્પિટલમાંથી જ થાળી આવશે. અને હું તો મારી રીતે જમી આવીશ. તમે લોકો કોઈ તકલીફ ના લેશો. " દેસાઈ સાહેબ બોલ્યા.

" અરે પપ્પા અમે ઘરનાં જ છીએ. કોઈ પારકાં નથી. બાર વાગ્યા સુધીમાં આવી જઈશું. " કહીને જાનકીએ ફોન કટ કર્યો.

"મમ્મીને તો હોસ્પિટલમાંથી જમવાનું મળવાનું છે એટલે પપ્પાનું એકલાનું જ ટિફિન હું પેક કરાવી દઉં છું. " જાનકી બોલી અને નીચે મહારાજ પાસે ગઈ.

બંને જણાં સાડા દસ વાગે જમવા માટે બેસી ગયાં અને અગિયાર વાગે મમ્મી પપ્પાને કહીને કેતન માટુંગા જવા માટે ગાડી લઈને નીકળી ગયો. પપ્પાનું ટિફિન પણ સાથે લઈ લીધું હતું.

કીર્તિબેનને માટુંગા વેસ્ટમાં સરસ્વતી નર્સિંગ હોમમાં એડમિટ કરવામાં આવ્યાં હતાં એટલે કેતને ગાડી સીધી ત્યાં જ લઈ લીધી અને ૧૨ વાગે બંને જણાં હોસ્પિટલ પહોંચી ગયાં.

કીર્તિબેનને ૩ નંબરના સ્પેશિયલ રૂમમાં એડમિટ કરવામાં આવ્યાં હતાં. કેતન અને જાનકી સીધાં ત્યાં ગયાં. દેસાઈ સાહેબ ત્યાં જ બેઠેલા હતા. કેતન અને જાનકીને જોઈને એ ઊભા થઈ ગયા.

"કેમ છે તબિયત હવે મમ્મી ? " સ્પેશિયલ રૂમમાં જઈને જાનકીએ મમ્મીની ખબર પૂછી.

"આજે તો ઘણું સારું છે બેટા. " ગઈકાલે તો છાતીમાં એટલો બધો દુખાવો પડ્યો હતો કે સહન જ ના થાય ! ડાબો ખભો પણ આખો તૂટી પડતો હતો. " કીર્તિબેન બોલ્યાં.

"હવે તમને કંઈ નહીં થાય. આયુષ્ય તમારું લાંબુ છે. ગોળી હવે રેગ્યુલર લેવી પડશે. બે નળીઓમાં થોડા બ્લોકેજ છે પણ એ ઓગળી જશે. " કહીને કેતને કીર્તિબેનના માથા ઉપર હાથ ફેરવ્યો.

કીર્તિબેનના આખા શરીરમાંથી જાણે કે હળવો કરંટ પસાર થયો હોય એવી અનુભૂતિ થઈ પરંતુ એ કંઈ સમજી શક્યાં નહીં. કેતન વિશે એ કંઈ પણ જાણતાં ન હતાં.

"ડોક્ટરે પણ એવું જ કહ્યું છે કે બે નળીઓ બ્લોક છે. પણ તમને કેવી રીતે ખબર પડી કુમાર ? " કીર્તિબેન બોલ્યાં.

"તમને જે દુખાવો ઉપડ્યો એના ઉપરથી અનુમાન કરું છું. પરંતુ તમારી નળીઓ ક્લિયર થઈ જશે. જરા પણ ચિંતા નહીં કરો. " કેતન બોલ્યો.

જાનકી સમજી ગઈ કે કેતને મમ્મીના માથા ઉપર હાથ ફેરવીને કંઈક જાદુ કર્યો છે.

" કેતનકુમાર તમે બેસો. હવે આજે તો એને ઘણું સારું છે. ગઈકાલે તો ઘણું ટેન્શન થઈ ગયું હતું. એકવાર તો તમારી જ હોસ્પિટલનો વિચાર આવ્યો હતો પણ અહીંથી એ બહુ દૂર પડે એટલે પછી અહીં નજીકમાં જ એને એડમીટ કરી. " દેસાઈ સાહેબ બોલ્યા.

"હું જૂનાગઢ ગયેલો હતો. આજે સવારે જ મુંબઈ આવ્યો. " કેતન બોલ્યો.

" હા એ મને જાનકીએ વાત કરી. હવે તો કાલે સવારે એને રજા આપી દેશે." દેસાઈ સાહેબ બોલ્યા.

"તમે હવે જમી લો પપ્પા. " જાનકી બોલી અને એ ઘરેથી જે સ્ટીલની થાળી વાડકી લેતી આવી હતી એમાં પપ્પા માટે ટિફિનમાંથી જમવાનું કાઢ્યું. સાથે પાણીનો ગ્લાસ ભરીને મૂક્યો.

એ પછી કેતન અને જાનકી ત્યાં રાખેલા સોફા ઉપર બેઠા.

એ પછી પાંચ જ મિનિટમાં કીર્તિબેન માટે હોસ્પિટલની કેન્ટીનમાંથી પેશન્ટનું જમવાનું આવી ગયું. જમવામાં દૂધીનું શાક ત્રણ રોટલી એક વાડકી ભાત અને મગની દાળ હતાં.

દૂધીના આટલા બધા ફાયદા હોવા છતાં પણ બહુ ઓછા લોકોને દૂધીનું શાક ભાવતું હોય છે ! કેતન અને કીર્તિબેન પણ એમાંનાં જ એક હતાં.

" લો બોલો આજે પણ દૂધીનું શાક ! કાલે સાંજે ખીચડી સાથે પણ આ જ શાક હતું. આ લોકોને બીજાં શાક મળતાં જ નહી હોય ? અને પાછું એટલું ફિક્કું બનાવે છે કે કોઈ મસાલા જ નહીં. " શાકને જોઈને કીર્તિબેન બોલ્યાં.

" આપણે ડાઇનિંગ હોલમાં જમવા નથી આવ્યા. અત્યારે તું પેશન્ટ છે. તેલ મરચું ઓછું જ હોય. " દેસાઈ સાહેબ બોલ્યા.

છતાં જાનકીએ ઉભા થઈને ટિફિનમાં થોડું ફ્લાવર બટેટાનું શાક વધ્યું હતું એ મમ્મીને આપી દીધું. ગમે તેમ તોય એ દીકરી હતી ને !
ક્રમશઃ
અશ્વિન રાવલ (અમદાવાદ)