પ્રારંભ - 8 Ashwin Rawal દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રારંભ - 8

પ્રારંભ પ્રકરણ 8

મનાલી ફર્સ્ટ ક્લાસના કોચમાં બેસી તો ગઈ પરંતુ કેતનના વિચારોમાંથી એ બહાર આવી શકતી ન હતી. કેટલી સરસ રીતે આ માણસે મને બચાવી લીધી. કેટલા આત્મવિશ્વાસથી એ કહી રહ્યા હતા કે નિશા કોઈપણ જાતના પુરાવા વગર જ એને બ્લેકમેલ કરી રહી હતી. અને એક લાખ પડાવવાનો ત્રાગડો રચ્યો હતો. નિશાની વાતો ઉપર આંધળો વિશ્વાસ મૂકીને હું પણ કેટલી મૂર્ખ બની ગઈ હતી !

પોલીસ સબ ઇન્સપેક્ટરે લીધેલા પાંચ લાખમાંથી મને બે લાખ અપાવ્યા. પોતે એક રૂપિયો પણ રાખ્યો નહીં. આ જમાનામાં આટલા દિલદાર વ્યક્તિઓ મળવા મુશ્કેલ છે.

ટ્રેન જામનગર પહોંચી ત્યારે રાતના અઢી વાગ્યા હતા. જો કે આટલી મોડી રાત્રે પણ સ્ટેશન ધમધમતું હતું. મનાલી રીક્ષા કરીને આરામથી ઘરે પહોંચી ગઇ.

મનાલીના પિતા મનોજ ભાઈ ભાયાણી રિટાયર્ડ બેંક મેનેજર હતા. છેલ્લે છેલ્લે સેન્ટ્રલ બેંકની ગ્રેઈન માર્કેટ બ્રાન્ચ માંથી ૩ વર્ષ પહેલાં રિટાયર થયા હતા. રિટાયરમેન્ટ ફંડ અને થોડી બેંક લોન લઈને એમણે આ મકાન ખરીદ્યું હતું. મનાલી એમની એકની એક દીકરી હતી.

" આટલી મોડી રાત્રે એકલા અવાય ? અને આવવું જ હતું તો રાત્રે તારા પપ્પાને ફોન કરી દેવાય ને ? સ્ટેશન સુધી તને લેવા આવત. " રાત્રે ૩ વાગે દરવાજો ખોલતી વખતે મંજુલાબેને મીઠો ઠપકો આપ્યો.

" જામનગર દિલ્હી જેવું અસલામત નથી મમ્મી. આ આપણું ગુજરાત છે. બેન દીકરીઓ સલામત છે ! " મનાલી હસીને બોલી.

" સારું સારું હવે સુઈ જાઓ. " મમ્મી બોલી.

મનાલીએ સુરત જતી વખતે મમ્મી પપ્પાને કહેલું કે હોસ્પિટલના એક કામથી એને સુરત જવું પડે તેમ છે. જવા આવવાની ટિકિટ અને હોટલની વ્યવસ્થા પણ હોસ્પિટલ તરફથી છે.

સવારે ચા પીતી વખતે પપ્પાએ એ જ વાત કાઢી.

" કેવી રહી તારી સુરતની સફર ? કામ થઈ ગયું ? " પપ્પા મનોજભાઈએ પૂછ્યું.

" હા પપ્પા મારે તો એક ફાઈલ આપી દેવાની હતી અને ત્યાંના સર્જનને અહીંના ડોક્ટર સાથે વાત કરાવી દેવાની હતી. એટલે એ કામ તો અડધા કલાકમાં જ પતી ગયેલું. બાકીનો સમય તો હોટલમાં આરામ કર્યો. " મનાલી બોલી.

એની પાસે બીજો કોઈ જવાબ પણ ન હતો. બે લાખ વાળી વાત પણ એ મમ્મી પપ્પાને કહી શકે તેમ ન હતી. હજાર સવાલો ઊભા થઈ શકે. હાલ પૂરતા આ પૈસા પોતાના બેંક એકાઉન્ટમાં જમા કરવાનું એણે નક્કી કર્યું. પોતાની પાસે ખાસ કોઈ બચત હતી જ નહીં. કેતન સરના કારણે જ આ બે લાખ પણ મળ્યા.

" પપ્પા મને રાજકોટથી જ એક સરસ વ્યક્તિની કંપની મળી ગઈ હતી. એ સર ખૂબ જ ખાનદાન હતા. પ્લસ પોઈન્ટ એ હતો કે એ પણ સુરતના જ હતા. સુરત હું પહેલીવાર જઇ રહી હતી એટલે એમણે મને ખૂબ જ હેલ્પ કરી. છેક હોસ્પિટલ સુધી કંપની આપી." મનાલી બોલી.

" બેટા તારી આ ઉંમરે કોઈના ઉપર આટલો બધો વિશ્વાસ ન કરવો જોઈએ. તું ખૂબ જ રૂપાળી છે એટલે તારે વધુ સાવધાન રહેવાની જરૂર છે. બધા માણસો શરૂઆતમાં સારો વ્યવહાર જ કરે. " મનોજભાઈ બોલ્યા.

" પપ્પા હું વ્યક્તિને ઓળખી શકું છું. જેમણે સુરતમાં મને હેલ્પ કરી એ કેતન સરે આપણાથી ત્રીજા નંબરનો જયરામ અંકલવાળો બંગલો ખરીદી લીધો છે. અને એકાદ મહિનામાં આપણા પડોશમાં રહેવા આવે છે. શ્રીમંત વ્યક્તિ હોય એવું લાગે છે. અને હા, મમ્મી તારે એમનું એક કામ કરી આપવાનું છે." મનાલી બોલી.

" મારે એમનું કામ કરી આપવાનું છે ?" મંજુલાબેન આશ્ચર્ય પામીને બોલ્યાં.

"હા મમ્મી. એ એકલા જ આવવાના છે. એટલે બે ટાઈમ રસોઇ કરવા માટે તારે કોઈ રસોઈવાળાં બેન શોધી આપવાનાં છે. એમણે કહ્યું છે કે જે ભાવ ચાલતા હોય એનાથી ડબલ આપીશ પણ રસોઈ એકદમ સરસ થવી જોઈએ. " મનાલી બોલી.

" એ પણ મારી જેમ ખાવાપીવાના શોખીન લાગે છે ! " મનોજભાઈ હસીને બોલ્યા.

" કેટલી ઉંમરના છે એ કેતનભાઈ ?" મંજુલાબેને પૂછ્યું.

"ઉંમર તો ૨૮ ૨૯ જેટલી જ હશે મમ્મી " મનાલી બોલી.

" અહીં જામનગરમાં બંગલો કેમ ખરીદી લીધો ? માણસની ટ્રાન્સફર થાય તો મકાન ભાડે રાખે. એકદમ અજાણ્યા શહેરમાં કોઈ મકાન ખરીદ ના કરે. " મંજુલાબેને પૂછ્યું.

" આ બધી આપણે શું પંચાત ? હશે કોઈ કારણ ! અહીં રહેવા આવવાના જ છે તો પછી પૂછી લેજે ને ?" મનોજભાઈ બોલ્યા.

" ના રે ના. મારે કંઈ જ પુછવું નથી. આ તો અમસ્તો વિચાર આવ્યો. " મંજુલાબેન બોલ્યાં અને ત્યાં સંવાદ પૂરો થઈ ગયો.

દિવસો પસાર થતા ગયા. કેતન જામનગર જઈને આવ્યો એ વાતને ૧૨ દિવસ થઈ ગયા. આ ૧૨ દિવસમાં જયરામભાઈએ પટેલ કોલોનીનું મકાન સંપૂર્ણ ખાલી કરી દીધું હતું. કેતને જયેશના કહેવાથી બીજો ૨૫ લાખનો ચેક કુરિયરથી મોકલી આપ્યો હતો. પાકો દસ્તાવેજ બાકી રાખ્યો હતો.

જયરામભાઈએ ગુલાબનગર એરિયામાં ૨૭ લાખમાં બીજું મકાન ખરીદી લીધું હતું અને પટેલ કોલોનીના મકાનની ચાવી પણ જયેશને આપી દીધી હતી.

જયેશે માવજીભાઈ મિસ્ત્રીને મકાન બતાવીને તૈયાર ફર્નિચર એમના શો રૂમમાંથી જ ખરીદી લીધું હતું અને બાકીનું નાનું-મોટું ફર્નિચર બનાવવાનો ઓર્ડર પણ આપી દીધો હતો. એ દરમિયાન જયેશે કલર કામ પણ ચાલુ કરાવી દીધું હતું. કલરની પસંદગી માટે એણે કેતન સાથે ફોન ઉપર વાતચીત પણ કરી લીધી હતી.

બીજા વીસ દિવસમાં બંગલો એકદમ તૈયાર થઈ ગયો. એ.સી. ટીવી, ફ્રીઝ વગેરેની પણ વ્યવસ્થા કરી દીધી હતી.

મનસુખ માલવિયા પણ અઠવાડિયા પહેલાં જામનગર પરિવાર સાથે શિફ્ટ થઇ ગયો હતો. કેતને એને ખાસ કહ્યું હતું કે બને ત્યાં સુધી પટેલ કોલોની બાજુ ભાડાનું મકાન શોધી કાઢજે. અને એણે મનસુખને જયેશ ઝવેરીનો નંબર પણ આપી દીધો હતો જેથી મકાન શોધવામાં જયેશ મદદ કરી શકે !

જયેશ ઝવેરીએ મનસુખ માલવિયાને પટેલ કોલોની શેરી નંબર ૩ માં મકાન ભાડે અપાવી દીધું. જયેશે પોતે પણ પવનચક્કી રોડ ઉપર એક સરસ લક્ઝુરિયસ ફ્લેટ પોતાના માટે ભાડે લઇ લીધો. કેતનની સૂચના મુજબ જયેશે વેગનઆર ગાડી પણ છોડાવી દીધી.

હવે જયેશ કેતન માટે મોટી ઓફિસ શોધવામાં લાગી ગયો. એણે પોતાના રિયલ એસ્ટેટના જુના સંબંધોનો સંપર્ક કરીને નવા કોમ્પ્લેક્સો ઉપર નજર દોડાવી. ત્રણેક દિવસ ચક્કર માર્યા પછી એસ.ટી બસ સ્ટેન્ડ એરિયામાં એક નવું જ બનતું મારુતિ કોમ્પલેક્ષ એને ગમી ગયું. ૩૨૦૦ ચોરસ ફૂટનો અડધો ફ્લોર પહેલા માળે મળતો હતો.

જયેશે કેતનનો સંપર્ક કરીને એ કોમ્પલેક્સમાં ઓફિસનું ફાઇનલ કરી દીધું અને ટોટલ કિંમતનો સોદો કરીને ચેક પણ મંગાવી લીધો. એણે બિલ્ડરને પણ સૂચના આપી કે ટોપ પ્રાયોરિટી ઉપર આ ઓફિસ તૈયાર કરવામાં આવે.

ઓફિસનો સોદો થઈ ગયા પછી એણે માવજીભાઈને પણ ઓફિસ બતાવી દીધી જેથી માપ લઈને ફર્નિચરનું અમુક કામ એ પોતાની ફેક્ટરીમાં કરી શકે.

જામનગરમાં મકાન તૈયાર થઈ ગયું હતું. જયેશ અને મનસુખ માલવિયા પણ ત્યાં સેટ થઈ ગયા હતા. કેતને હવે સારો દિવસ જોઈને જામનગર પ્રયાણ કરવાનું નક્કી કરી દીધું.

મમ્મી પપ્પાને એકાદશી બહુ જ પ્રિય હતી એટલે ૨૧મી મે નો દિવસ એણે નક્કી કર્યો. એ દિવસે વૈશાખ સુદ એકાદશી હતી. કેતને મમ્મી-પપ્પાને વાત કરી.

" પપ્પા અઠવાડિયા પછી એકાદશીનો દિવસ આવે છે તો મારી ઈચ્છા એ દિવસે જ જામનગર શિફ્ટ થઈ જવાની છે. " કેતન સાંજે જમતી વખતે બોલ્યો.

" ભાઈ મારે અત્યારે વેકેશન ચાલે છે તો હું પણ તમારી સાથે આવું ?" નાની બેન શિવાની બોલી.

" હા લઈ જા એને કેતન. હજુ તો કોલેજો ૧૫મી જૂન પછી ખુલશે એટલે વીસેક દિવસ તો ત્યાં રહી શકશે. તને પણ કંપની રહેશે અને તમારી બે ભાઈ બેન પુરતી રસોઈ પણ એ કરી લેશે. " જયાબેન બોલ્યાં.

" શિવાની આવતી હોય તો મને વાંધો નથી. હાલ પૂરતો રસોઈનો પ્રોબ્લેમ નહીં રહે પરંતુ રસોઈ માટે ત્યાં કાયમી ધોરણે કોઈ બેનની વ્યવસ્થા તો કરવી જ પડશે. " કેતન બોલ્યો.

" ભાઈ જાનકીને સાથે લઈ જઈશું ? અમારે બંનેને બહુ સારી કંપની રહેશે." શિવાની અચાનક બોલી.

" તું ચૂપ થઈ જા શિવાની. બોલ્યાં જાનકીને લઇ જઇશું ! ક્યા સંબંધથી લઈ જાઓ ? લગ્ન થયાં છે હજુ ? અરે વેવિશાળ થયું હોય તો પણ આપણે કહી શકીએ. એનાં મા-બાપ કેવી રીતે મોકલે ? અને હજુ કેતને ક્યાં લગ્ન માટે હા પણ પાડી છે ?" જયાબેને મીઠો ઠપકો આપ્યો.

" સોરી મમ્મી. જાનકી સાથે મારે સારું બને છે એટલે મેં કહી દીધું. ભાઈ તમે હા પાડી દો ને એના માટે ! દેખાવે પણ સરસ જ છે ને ? " શિવાની બોલી.

" શિવાની શાંતિ રાખ બેટા. લગ્નનો નિર્ણય એણે લેવાનો છે. હજુ હમણાં તો અમેરિકાથી આવ્યો છે. અને એના માટે બીજાં પણ બે ત્રણ માગાં છે ! જાનકી આપણી બધાંની પહેલી પસંદગી છે એ વાત સાચી છતાં એને બીજી છોકરીઓ પણ જોવા દે. " જગદીશભાઈ બોલ્યા.

કેતન માટે આ સમાચાર નવા હતા. કોલેજકાળથી એ તો જાનકીને જ પસંદ કરતો હતો. પોતે અમેરિકા રહ્યો એ દરમિયાન બીજા કોઈએ પણ પોતાની દીકરી માટે વાત નાખી હોય એવું બને. ગમે તેમ તોય અબજોપતિ બાપનો દીકરો હતો ! શ્રીમંત પરિવારો શ્રીમંત મુરતિયા જ શોધતા હોય છે.

" બીજી વળી કોની વાત આવી છે પપ્પા ? " કેતને પૂછ્યું.

" જો ભાઈ સમાજમાં આપણું ઘર આગળ પડતું છે. તું પણ આટલો દેખાવડો છે તો બધાંની નજર આપણા ઘર ઉપર હોય જ. એક માગું તો જામનગરમાં જ ધરમશીભાઈ એ પોતાની દીકરી નીતા માટે નાખ્યું છે. બીજી વાત મારા એક મુંબઈના ધંધાદારી મિત્ર તરફથી છે. ત્રીજી વાત સુરતની જ એક પાર્ટી તરફથી છે. એમણે તો ગઇકાલે પણ મને ફોન કર્યો હતો મીટીંગ ગોઠવવાનો. " પપ્પા બોલ્યા.

" અત્યારે તો કન્યાઓ જોવાનો કોઈ મૂડ નથી. એકવાર જામનગર જઈને સેટ થઈ જાઉં પછી કન્યાઓ જોઈશું." કેતન બોલ્યો. ફરી પાછી કોઈ નીતાને વાસ્તવિક જીવનમાં પણ મળવાનું થશે હવે !

" મારે કોઈ ઉતાવળ નથી તને જ્યારે ઈચ્છા થાય ત્યારે. પણ હવે તું એકલો જામનગર રહે એના કરતાં લગ્નનો નિર્ણય લઈ લે તો તારો સંસાર ત્યાં શરૂ થઈ જાય અને અમને પણ તારી કોઈ ચિંતા ન રહે. " જગદીશભાઈ બોલ્યા.

" જાનકીના પપ્પા પણ છ મહિના પહેલાં આપણા ઘરે આવ્યા હતા અને પૂછતા હતા. એ પણ દીકરીના બાપ છે. એકની એક દીકરી છે. યુવાન દીકરી થાય એટલે એનાં પણ માગાં ચાલુ થઈ જાય. અત્યારે તું જામનગર સેટલ થઈ જા પરંતુ ચાર છ મહિનામાં કોઈ કન્યા હવે ફાઇનલ કરી દે. " જયાબેન બોલ્યાં.

" અને સાંભળ આપણા આ મહારાજ કહેતા હતા કે એનો નાનો ભાઈ રસોઈ ખુબ સરસ બનાવે છે અને રસોડાં કરવા પણ જાય છે. વિસનગર રહે છે અને ઉત્તર ગુજરાતના બ્રાહ્મણો રસોઈ ખૂબ જ સારી કરે છે. વર્ષોથી ઉત્તર ગુજરાતના સારા રસોઈયા મુંબઈમાં પણ સેટ થઈ ગયા છે. તારે જો કોઈ બાઈ ના રાખવી હોય તો એને તારી સાથે લઈ જા. બે ટાઈમ તને સારી રસોઈ કરીને જમાડશે. " જયાબેને કહ્યું.

" તારી મમ્મીની વાત સાચી છે. ઉત્તર ગુજરાતની રસોઈ તો વખણાય જ છે. વિચારી જો. તને જેમ ઠીક લાગે તેમ. મહારાજ હશે તો ચોવીસ કલાક ઘરમાં જ રહેશે અને નાનું-મોટું બીજું ઘરનું કામ પણ કરશે. " જગદીશભાઈ બોલ્યા.

" ઠીક છે પપ્પા. અત્યારે તો હું અને શિવાની બંને જામનગર જઈએ છીએ. થોડા દિવસ ત્યાં રહીશું એટલે ખ્યાલ આવી જશે કે શું કરવું . " કેતન બોલ્યો અને એ દિવસે વાતચીત ત્યાં જ અટકી.

મમ્મી પપ્પાની સંમતિ મળી ગઈ એટલે શિવાની ખૂબ જ ખુશ હતી. કેતન સાથે એને નાનપણથી જ ખૂબ સારું બનતું. આખું વેકેશન હવે જામનગરમાં ભાઈ સાથે રહેવા મળશે.

એણે પોતાના બેડરૂમમાં જઈને જાનકીને ફોન લગાવ્યો.

" જાનકી હું શિવાની બોલું. "

" ઓહો આજ તો મારાં ઉઘડી ગયાં !! મારી યાદ આવી ખરી ! શું સમાચાર છે ? થોડા દિવસો પહેલાં કેતનનો ફોન હતો મારી ઉપર. એ અમેરિકાથી આવી ગયા એ ખબર પડી. " જાનકી બોલી.

" શું વાત છે ? ભાઇએ તમને સામેથી ફોન કરેલો ? તમે લોકો હજુ એક બીજાના ટચમાં છો ? " શિવાનીએ આશ્ચર્યથી પૂછ્યું.

" ના શિવાની. અત્યારે તો એવું કંઈ જ નથી. અમેરિકાથી આવ્યા પછી એમણે મને એક જ વાર ફોન કરેલો બસ હાય હલો કરવા ! " જાનકી બોલી.

" હમ્... તમને ખબર છે ? હું અને ભાઈ જામનગર જઈ રહ્યાં છીએ. ભાઈ સુરત છોડીને કાયમ માટે જામનગર સેટલ થવા માગે છે. એમને ડાયમંડના ધંધામાં કોઈ રસ નથી. મારે વેકેશન છે એટલે હું કંપની આપવા જાઉં છું. " શિવાનીએ બધી વાત કરી દીધી.

" કેમ આટલે દૂર જામનગર સેટલ થવા માગે છે ? મુંબઈ પણ આવી શકતા હતા ! " જાનકી થોડી ચિંતામાં બોલી.

" તમે તો ભાઈને વર્ષોથી ઓળખો છો. એ નિર્ણય લે એટલે પથ્થરની લકીર ! પપ્પાએ એમને એમનો અડધો ભાગ પણ આપી દીધો. ભાઈ જામનગર કેમ જાય છે એ તો મને પણ કંઈ ખબર નથી. એમની સાથે હું ત્યાં જાઉં પછી ખબર પડશે ! " શિવાની ભોળાભાવે બોલી.

" સારુ. તમે જામનગર પહોંચી જાઓ એટલે મને ફોન કરજો. બનશે તો કેતન સાથે વાત કરવા પ્રયત્ન કરીશ. જાણું તો ખરી કે એમના મનમાં શું ચાલે છે ? બીજી કોઈ વાત થાય છે અત્યારે ઘરમાં ? " જાનકી બોલી.

" ના જાનકી. ભાઈ તો આવીને પહેલાં ઋષિકેશ ગયેલા પછી જામનગર પણ જઈ આવ્યા. ઘરમાં બીજી કોઈ ચર્ચા થતી નથી. મેં જ આજે ભાઈને બધાંની વચ્ચે કહી દીધું કે જાનકીને હા પાડી દો ને ! " શિવાની બોલી. એ સમજી ગઈ હતી કે જાનકી શું કહેવા માગે છે.

" પછી શું કહ્યું એમણે ? " જવાબ સાંભળવા માટે જાનકી આતુર થઈ ગઈ.

" ભાઈએ કહ્યું કે એકવાર જામનગર જઈને સેટલ થઈ જાઉં પછી વાત. જે પણ હશે એ હું તમને અપડેટ કરતી રહીશ. ચાલો બાય. " શિવાની બોલી અને એણે ફોન કટ કર્યો.

કેતન સુરતની જાહોજલાલી છોડી કાયમ માટે જામનગર શું કામ જઈ રહ્યા હશે ? - જાનકી માટે આ સવાલ એક કોયડો હતો.
ક્રમશઃ
અશ્વિન રાવલ (અમદાવાદ)