પ્રારંભ - 2 Ashwin Rawal દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રારંભ - 2

પ્રારંભ પ્રકરણ 2

જામનગર સ્ટેશનથી જેવી ટ્રેન ઉપડી કે કેતન પોતાના દોઢ વર્ષના ભૂતકાળને યાદ કરીને ખૂબ જ લાગણીવશ થઈ ગયો.

જામનગરમાં પસાર કરેલો દોઢ વર્ષનો સમયગાળો એક માયાજાળ જ હતી અને હકીકતમાં તે જામનગરમાં રહેલો જ નથી એવી જ્યારે ચેતન સ્વામી દ્વારા એને ઋષિકેશમાં ખબર પડી ત્યારે એ ખૂબ જ અપસેટ થઈ ગયો.

દોઢ વર્ષ જેટલો સમય ગાળો નાનો નથી અને એને સંપૂર્ણ પણે ભૂલી જવો પણ શક્ય નથી. જામનગરની યાદોને તાજી કરવા માટે જ એ આજે જામનગર આવ્યો હતો પરંતુ જામનગરમાં એને ઓળખનાર કોઈ જ ન હતું. ગુરુજીએ એના સૂક્ષ્મ શરીર પાસે પ્રાયશ્ચિત કરાવીને આખી માયાજાળ સંકેલી લીધી હતી.

ટ્રેન ઉપડ્યા પછી એ વોશ રૂમમાં ગયો અને ખૂબ જ રડ્યો. રડવાથી એનું મન થોડું હળવું થયું. વાસ્તવિકતાનો એણે સ્વીકાર કરવો જ રહ્યો. મોઢું ધોઈને એ પોતાની સીટ ઉપર જઈને બેઠો. ટ્રેનની સ્પીડ સાથે આજુબાજુનાં દ્રશ્યો ખૂબ જ ઝડપથી પસાર થઈ રહ્યાં હતાં.

એની પોતાની જિંદગીમાં પણ અડધા કલાકમાં દોઢ વર્ષનો સમયગાળો આવી જ રીતે પસાર થઈ ગયો હતો ને !

ભગવાન શ્રીકૃષ્ણે સુદામાને અને ભગવાન વિષ્ણુએ નારદજીને જેવી માયાનો અનુભવ કરાવ્યો હતો એવો જ અદભુત અનુભવ પોતાના સમર્થ ગુરુ સ્વામી અભેદાનંદે પોતાને કરાવ્યો હતો અને પૂર્વ જન્મના પાપનું પ્રાયશ્ચિત કરાવી દીધું હતું.

પરમ દિવસની ઘટનાથી કેતન સ્તબ્ધ હતો, ક્ષુબ્ધ હતો ! સાંજે ૭:૩૦ વાગે સુરેન્દ્રનગર સ્ટેશને વેઇટર જમવાનું પૂછવા આવ્યો ત્યારે પણ પેલાએ બે વાર બૂમ પાડી ત્યારે એણે હોંકારો ભર્યો અને જમવાનો ઓર્ડર આપ્યો.

જમીને એ રાત્રે ૯:૩૦ વાગે સૂઈ ગયો કારણ કે સુરત વહેલી સવારે ૨:૩૦ વાગે આવતું હતું. એણે બે વાગ્યાનું એલાર્મ મૂકી દીધું અને એલાર્મ વાગે એ પહેલાં તો એ ઉઠી ગયો.

અઢી વાગે એ સુરત સ્ટેશન ઉતર્યો. સુરત આટલી રાત્રે પણ ધમધમતું શહેર હતું. કેતને ઘરે કોઈને પણ જાણ નહોતી કરી કે હું આવી રહ્યો છું નહીં તો સિદ્ધાર્થભાઈ પોતે ગાડી લઈને સ્ટેશને આવી જતા.

કેતને સ્ટેશનની બહાર નીકળીને રીક્ષા જ કરી લીધી અને કતારગામ પોતાના બંગલે પહોંચી ગયો. કેતને દરવાજે બેલ માર્યો એટલે રોજ ડ્રોઈંગ રૂમમાં જ પથારી કરીને સૂઈ રહેતા નોકરે દરવાજો ખોલ્યો.

કેતન જરા પણ અવાજ કર્યા વગર પોતાના બેડરૂમમાં જતો રહ્યો. આટલી રાત્રે કોઈને ઉઠાડવું યોગ્ય ન હતું. જો કે વહેલી સવારે ઉઠી જતા નોકરે સૌથી પહેલાં ઉઠેલાં જયાબેનને કહી દીધું કે નાના શેઠ રાત્રે આવી ગયા છે.

" સારુ હમણાં એને ઉઠાડવો નથી. રાત્રે આવ્યો હોય એટલે એને આરામ કરવા દો. મહારાજને કહી દો કે કેતનની પણ ચા મૂકી દે. " જયાબેને કહ્યું.

ટ્રેનમાં ઉજાગરા જેવું જ હતું એટલે કેતન લગભગ સાત વાગે જાગ્યો. એણે પોતાના બેડરૂમના એટેચ બાથરૂમમાં બ્રશ વગેરે પતાવી નાહી લીધું. એ કપડાં પહેરીને નીચે ડ્રોઈંગ રૂમમાં ગયો ત્યારે સવારના પોણા આઠ વાગી ગયા હતા.

" અરે કેતન તું રાત્રે આવી ગયો તો કોઈને ફોન પણ ના કર્યો ? સિદ્ધાર્થ સ્ટેશન ઉપર આવી જાત ને ! રીક્ષામાં આવ્યો ? " પપ્પા જગદીશભાઈએ એક સાથે બે સવાલ કરી દીધા.

" હા પપ્પા. રાત્રે અઢી વાગે સુરત પહોંચવાનો હતો. આટલી મોડી રાત્રે શું કામ કોઈને ડિસ્ટર્બ કરું ? એટલે રીક્ષા જ કરી લીધી. " કેતન બોલ્યો.

" કઈ ટ્રેનમાં આવ્યો તું ? તેં તો ગઈકાલે ત્યાંથી નીકળ્યો ત્યારે પણ પણ ફોન ના કર્યો ! " જગદીશભાઈએ ફરી પૂછ્યું.

" મારે થોડું કામ હતું એટલે જામનગર ગયો હતો પપ્પા. સૌરાષ્ટ્ર મેલમાં આવ્યો. ચા તૈયાર છે કે નહીં ? " કેતને વાત બદલી.

" બધા ચા પીને બેઠા છે. તું એકલો જ બાકી છે. મહારાજ ચા ગરમ કરે છે. " જયાબેન રસોડામાંથી બહાર આવ્યાં.

" આજે મુંબઈની એક પાર્ટી સાથે બપોરે ૧ વાગે આપણી બિઝનેસ મીટીંગ છે. તું હાજર રહે અને થોડો રસ લે તો સારું. " મોટો ભાઈ સિદ્ધાર્થ બોલ્યો.

" આજે નહીં ભાઈ. મુસાફરી ના કારણે આજે મારો મૂડ નથી. આજે હું આરામ જ કરીશ. " કેતન બોલ્યો.

" ઠીક છે. મીટીંગ તો સિદ્ધાર્થ સંભાળી લેશે. તું આજે આરામ કર. પણ હવે તારે ધંધામાં થોડો થોડો રસ લેવો જોઈએ. એક મહિનાથી તું અમેરિકાથી આવ્યો છે પરંતુ હજુ તારું મન ધંધામાં નથી. ખબર નહીં કયા વિચારોમાં ખોવાયેલો રહે છે !! " જગદીશભાઈ બોલ્યા.

" તારા પપ્પાની વાત સાચી છે કેતન. જ્યારથી તું અમેરિકાથી આવ્યો છે તું પહેલાંનો કેતન રહ્યો નથી. હસી મજાક કરતો અને હંમેશા આનંદમાં રહેતો તું વધુ પડતો ગંભીર બની ગયો છે. " જયાબેન બોલ્યાં.

" એવું કંઈ નથી મમ્મી. બે વર્ષ અમેરિકામાં સેટ થઈ ગયા પછી ફરી ઇન્ડિયા આવો તો સેટ થતાં થોડી વાર લાગે જ છે. " કેતને જવાબ આપ્યો.

ચેતન સ્વામીએ અમેરિકામાં કહેલી પોતાના પૂર્વ જન્મની વાત એ કોઈને કહી શકે તેમ ન હતો. જો કે હવે તો પ્રાયશ્ચિત પણ થઈ ગયું હતું છતાં એનું મન ક્યાંય લાગતું ન હતું. અંદરથી એ એક ઓલિયો જીવ બની ગયો હતો.

ચા પી ને એ ઉપર પોતાના બેડરૂમમાં ગયો. આ જ બેડરૂમમાં સોળ શણગાર સજીને જાનકી આવી હતી અને કેટલી અદભુત મધુરજની એની સાથે માણી હતી. એની સાથે કેટલી મસ્તી કરી હતી ! માની જ નથી શકાતું કે એ એક સ્વપ્ન હતું !!

જામનગરના દોઢ વર્ષના એ દિવસો ભલે માયાજાળ હોય છતાં કોઈપણ સંજોગોમાં ભૂલી શકાય તેમ ન હતા. ત્યાં એક સુંદર જીવન એ જીવી ગયો હતો. ચારે બાજુ કેતન શેઠ કેતન શેઠ એનો સ્ટાફ કરતો હતો.

કેતન બેડ ઉપર આડો પડ્યો. ઊંઘ તો અત્યારે આવે તેમ હતી નહીં એટલે એ વિચારે ચડી ગયો.-- હવે સુરતમાં મન નહીં લાગે. ૩૦૦ ૪૦૦ કરોડનો પોતે વારસદાર હતો. સ્થાવર મિલકત વગેરે ગણો તો પોતાના એકલાના ભાગે ૨૦૦ કરોડ આસપાસ આવતા હતા. ડાયમંડ નો ધંધો કરી વધારે કમાઈને શું કરવાનું ?

અને સ્વામીજીએ તો કહ્યું છે કે આવતા જન્મમાં ગુરુજીની ઈચ્છા તને સન્યાસી બનાવવાની છે તો પછી આ જન્મમાં સંસારી સાધુ બનીને કેમ ના રહું ? અને જામનગરમાં માયાવી અવસ્થામાં સૂક્ષ્મ શરીરથી જેમ દાન ધર્મ કર્યાં હતાં એવાં વાસ્તવિક જીવનમાં પણ ફરી કરી શકું ને !!

જો કે સ્વામીજીએ મને સાવધાન પણ કર્યો જ છે કે માયા માંથી સંપૂર્ણ મુક્ત થવું અઘરું છે. કરોડો રૂપિયા આવ્યા પછી ડગલેને પગલે લાલચો પણ આવશે જ ! મનમાં રાગ અને ત્યાગની સંતાકુકડી હંમેશા ચાલતી જ હોય છે !! સાવધાન તો રહેવું જ પડશે.

કેતને નિર્ણય લઈ લીધો. મારે ફરી એ જામનગરને જ મારી કર્મભૂમિ બનાવવી છે. દ્વારકાધીશની છત્રછાયામાં જ રહેવું છે. ફરી ત્યાં જ હું મારું સામ્રાજ્ય ઊભું કરીશ.

નિર્ણય કર્યા પછી એનું મન હળવું થઈ ગયું. હવે જામનગરમાં ફરી એ જ સામ્રાજ્ય કેવી રીતે પેદા કરવું એના પ્લાનિંગમાં એ ખોવાઈ ગયો.

જયેશ ઝવેરી કૉલેજમાં મારો મિત્ર હતો. અત્યારે એ રાજકોટમાં સ્થાયી થયો છે. પેપરમાં જાહેરાત આપીશ. એને ગમે તે ભોગે હું શોધી કાઢીશ. જે પાત્રો જામનગરમાં મારી આસપાસ હતાં એ તમામ પાત્રોને ફરીથી હું જામનગરમાં જીવંત કરીશ.

કોલેજના જૂના પટાવાળા મનસુખ માલવિયાની તપાસ પણ કરવી પડશે. એ ડ્રાઇવિંગ શીખી જાય તો મારો ડ્રાઈવર બની જાય. મોં માગ્યો પગાર મળે તો કોણ ના પાડે ?

પોલીસ સુપ્રીનટેન્ડેન્ટ આશિષ અંકલ જામનગરમાં અત્યારે નહીં હોય તો ચાલશે કારણ કે માયાવી દુનિયામાં આમ પણ એમની બદલી છેલ્લે રાજકોટ થઈ ગઈ હતી.

હા મારે અસલમ શેખને ઉઠાવવો જ પડશે અને રાજકોટમાં એને સ્થાયી કરવો પડશે. પ્રતાપ અંકલ જામનગરમાં હોય કે ના હોય કંઈ ફરક પડતો નથી. એમની દીકરી વેદિકા તો આયુર્વેદ હોસ્પિટલમાં સેટ થઈ ગઈ હતી એટલે એની પણ હવે મારે કોઈ જરૂર નથી.

નીતા મિસ્ત્રી પણ પરણી જવાની હતી એટલે એ પણ મારા જીવનમાં હવે નથી. છતાં એની તપાસ તો હું કરીશ જ. જાનકી સાથે તો હું લગ્ન જ કરવાનો છું એટલે એ તો જામનગરમાં આવશે જ. રસોઈ માટે દક્ષામાસી જેવી બીજી કોઈ વ્યક્તિ શોધી કાઢવી પડશે.

જે માયા ગુરુજીએ રચી હતી એ જ ગુરુજીને સતત પ્રાર્થના કરીને ખોવાયેલાં પાત્રોને મારા જીવનમાં પાછાં લાવીશ. બસ જામનગરમાં મારે ફરીથી જીવન યાત્રા ચાલુ કરવી છે. કેતને ભીષ્મ પ્રતિજ્ઞા લીધી.

કેતને આખો દિવસ આરામ કર્યો અને જામનગર વિશે સતત પ્લાનિંગ કરતો રહ્યો. કોને ક્યાંથી કેવી રીતે શોધવું એનો વિચાર કરતો રહ્યો. પપ્પાને કઈ રીતે સમજાવવા અને શું વાત કરવી એ પણ મનોમન વિચારી લીધું. સત્યને ખાતર કદાચ થોડું ખોટું બોલવું પડે તો પણ એને મંજૂર હતું.

રાત્રે જમ્યા પછી એ પપ્પાના બેડરૂમમાં ગયો. બેડરૂમમાં જગદીશભાઈ એકલા જ હતા. હજુ જયાબેન રસોડામાં જ હતાં. વાત કરવાની અનુકૂળતા હતી.

" પપ્પા મારે તમારી સાથે થોડીક અંગત વાત કરવી છે. જાહેરમાં ચર્ચા કરી શકાય તેમ નથી એટલે અત્યારે રાત્રે બેડરૂમમાં આવ્યો છું. " કેતને બેડની સામે નાનકડા સોફામાં બેઠક લેતા કહ્યું.

" હા હા... બોલને કેતન. તારે રજા લેવાની થોડી હોય ? " જગદીશભાઈ બોલ્યા.

" પપ્પા હું અમેરિકા શિકાગો હતો ત્યારે ત્યાં મને એક સ્વામીજી મળેલા. અને એ સ્વામીજી કોઈ સામાન્ય સાધુ ન હતા. ઘણી બધી સિદ્ધિઓ ધરાવતા એક સિધ્ધ મહાત્મા હતા. એમણે મને કેટલીક એવી વાતો કહેલી છે જે હું જાણતો ન હતો. " કેતન બોલ્યો.

" કઈ વાતો ? તું વિગતવાર વાત કરે તો કંઈ ખબર પડે. " જગદીશભાઈને પણ રસ પડ્યો.

" પપ્પા સ્વામીજીએ મને જોઈને કહ્યું કે તારા દાદા નું નામ જમનાદાસ હતું. " કેતને શરૂઆત કરી.

" એમણે તને દાદાનું નામ પણ કહી દીધું ? " જગદીશભાઈને આશ્ચર્ય થયું.

" હા પપ્પા. સ્વામીજીએ મને એમ પણ કહ્યું કે તારા દાદાજીના માથે કોઈની હત્યા કરાવવાનો મહા અપરાધ થયેલો છે. એમણે હત્યા કરાવીને કરોડોના હીરાની ચોરી પણ કરેલી છે. અત્યારે જે કરોડો રૂપિયાના તમે માલિક છો એના મૂળમાં પાપની કમાણી છે એ તમારે સન્માર્ગે વાપરવી જ પડશે. તારા દાદાના આ પાપના કારણે એમણે એક દીકરો ગુમાવવો પડ્યો છે. કુટુંબ ઉપર ફરી આપત્તિ ના આવે એના માટે તમે બંને ભાઈ છૂટા પડી જાઓ અને અડધી સંપત્તિનું તમે દાન કરી દો." કેતન બોલ્યો અને જગદીશભાઈની સામે જોઈ રહ્યો.

જગદીશભાઈ વિચારમાં પડી ગયા. કારણ કે પોતાના પિતા જમનાદાસે જે ખૂન કરાવેલું હતું તે એમના અને જયાબેનના સિવાય કોઈ જાણતું ન હતું. વર્ષોથી સંઘરી રાખેલું આ રહસ્ય અચાનક બહાર આવ્યું હતું. કેતનને શું જવાબ આપવો એ એમને સમજાતું ન હતું.

" પપ્પા ઘણું વિચાર્યા પછી મેં એક નિર્ણય લીધો છે. તમારા આશીર્વાદ હોય તો હું અડધી સંપત્તિ મારી પોતાની રીતે સત્કર્મોમાં વાપરી નાખવા માગું છું. મને આમ પણ આપણા આ ડાયમંડના બિઝનેસમાં કોઈ જ રસ હવે નથી રહ્યો. હું સુરત છોડી જામનગર જવા માગું છું. " કેતને ધડાકો કર્યો.

" જામનગર ? જામનગર શું કામ ? " જગદીશભાઈ આશ્ચર્યથી બોલ્યા.

"સ્વામીજીનો જ આદેશ છે પપ્પા. એમણે મને ભગવાન શ્રીકૃષ્ણની ભૂમિ દ્વારકાની આજુબાજુ રહીને જ પ્રાયશ્ચિત કરવાનું કહ્યું છે. એમણે મને કહ્યું કે તારો પરિવાર શ્રીકૃષ્ણની ચેતના સાથે જોડાયેલો છે. તમે પણ પપ્પા સ્વામિનારાયણ ધર્મ જ પાળો છો ને ?" કેતન બોલ્યો.

"હમ્... " જગદીશભાઈ બોલ્યા. એ કેતનની જામનગર જવાની વાતથી થોડા ચિંતામાં પડી ગયા હતા.

"મારો એક કોલેજ મિત્ર જામનગરમાં રહે છે અને એના ત્યાં એકવાર હું ગયેલો પણ છું એટલે જામનગર મેં પસંદ કર્યું છે. બને એટલા વહેલા હું જામનગર જવા માગું છું. અને બીજી એક વાત પપ્પા.... " કેતન બોલ્યો.

"હા બોલ. " જગદીશભાઈ બોલ્યા.

" મને ડાયમંડના બિઝનેસમાં કોઈ રસ નથી. અને દાદા વિશેની આ વાત તો તમે જાણતા જ હશો. ભલે તમે અમને ના કહી હોય ! એટલે આપણા કુટુંબ ઉપરનો આ અભિશાપ દૂર કરવા માટે મારી વિનંતી છે કે મારો અડધો ભાગ મારા જે બે ત્રણ બેન્કોમાં એકાઉન્ટ છે એમાં તમે ટ્રાન્સફર કરો. મારે કોઈ જ ઉતાવળ નથી. " કેતન બોલતો હતો.

" અને હું તમારી પાસે મારો કોઈ હક માગું છું એવું જરા પણ ના સમજતા. તમે કંઈ નહીં આપો તો પણ મારો નિર્ણય તો અફર છે. દાદાનું પ્રાયશ્ચિત હું મારી રીતે કરીશ. સ્વામીજીએ બીજી પણ કેટલીક એવી વાતો મને કરેલી છે જેના કારણે દાદાએ મેળવેલી આ સંપત્તિ સારા કામોમાં વપરાઈ જાય એ હું ઈચ્છું છું. અને જામનગર તમે અને મમ્મી પણ મારી સાથે આવીને રહી શકો છો. " કેતન બોલ્યો.

"મને થોડો સમય આપ કેતન. સિદ્ધાર્થ પણ હવે સુરત છોડીને મુંબઈ સેટ થવા માંગે છે. એને પણ ડાયમંડ માર્કેટમાંથી રસ ઉઠી ગયો છે અને સ્ટોક એક્સચેન્જમાં નસીબ અજમાવવા માગે છે. તેં પણ આજે અચાનક એવી વાત કરી છે કે હું પોતે ડિસ્ટર્બ થઈ ગયો છું. તારી આ વાત ઉપર મને શાંતિથી વિચાર કરવા દે. સ્વામીજીએ કહેલી બધી વાત સાચી છે એટલે હું તારા માટે પોઝિટિવલી જ વિચારીશ." જગદીશભાઈ બોલ્યા.

" ભલે પપ્પા... ટેક યોર ટાઈમ. ઘણા સમયથી તમારી સાથે વાત કરવાની ઈચ્છા હતી. ઋષિકેશમાં પણ કેટલાક એવા અનુભવ થયા કે મેં જામનગર જવાનો નિર્ણય લઈ લીધો. આપણા પરિવાર ઉપરના આ અભિશાપને દૂર કરવા માટે મારે જામનગર સેટ થવાનું જરૂરી બન્યું છે. " કેતન બોલ્યો અને બહાર નીકળી ગયો.

એ રાત્રે જ જગદીશભાઈએ જયાબેન સાથે કેતને કહેલી વાતની ચર્ચા કરી.

" કેતનને શિકાગોમાં કોઈ સિદ્ધ મહાત્મા મળ્યા હતા અને એમણે મારા પપ્પા જમનાદાસે કરેલા પાપની વાત કેતનને કરી. જમનાદાસે કરોડોના હીરાની ચોરી કરી અને એના માટે કોઈનું ખૂન પણ કરાવી દીધું એ બધી જ વાત સ્વામીજીએ કેતનને કરી. " જગદીશભાઈ બોલ્યા.

" હોય નહીં !! સ્વામીજીએ આવી વાતો કરી ? " જયાબેનને હજુ માન્યામાં આવતું ન હતું.

" હા જયા. એમણે કેતનને એ પણ કહ્યું કે પાપની કમાણીમાંથી જ આજે આટલી મોટી સંપત્તિ થઈ છે તો એમાંથી અડધી સંપત્તિ સારા કર્મોમાં કે દાનમાં વાપરી નાખવી. અને કેતન આ બધું કરવા માંગે છે. સ્વામીજીએ દ્વારકાની આજુબાજુ એને સેટ થઈ જવાનું કહ્યું છે . કેતન જામનગર સેટ થવા માગે છે." જગદીશભાઈ બોલ્યા.

" એટલે જ છેલ્લા એક મહિનાથી જ્યારથી કેતન અમેરિકાથી આવ્યો છે ત્યારથી ગુમસુમ રહે છે. ધંધામાં પણ એનું મન લાગતું નથી. તમે શું વિચાર્યું પછી ? " જયાબેને પૂછ્યું.

" આટલું જલ્દી હું કેવી રીતે વિચારું ? હજુ હમણાં તો કેતને આ બધી વાત કરી. કેતનનો નિર્ણય તો પાક્કો જ છે એટલે એ તો હવે જામનગર જતો જ રહેશે. ભગવાને આપણને ઘણું આપ્યું છે. ડાયમંડ ના બિઝનેસમાં કરોડોનો ફાયદો થાય છે તો કરોડોનું નુકસાન પણ થાય છે. અને કેતન જો આ રીતે સારા માર્ગે સંપત્તિનો સદુપયોગ કરવા માગતો હોય તો એના ભાગનો હિસ્સો એને આપવામાં મને શું વાંધો હોય ? " જગદીશભાઈ બોલ્યા.

" ઠીક છે તમને જે યોગ્ય લાગે એમ કરો. અડધો ભાગ કેતનને આપવાથી સિદ્ધાર્થને દુઃખ નહીં થાય ? " જયાબેને ચિંતા વ્યક્ત કરી.

"સિદ્ધાર્થ બહુ સમજુ છે. એને હું મારી રીતે સમજાવીશ. કેતન જામનગર જવા માગે છે એટલે એને દુઃખ તો થશે જ પરંતુ સંપત્તિના બે ભાગ કરવામાં સિદ્ધાર્થ જરા પણ નારાજ નહીં થાય. સિદ્ધાર્થ પોતે પણ ડાયમંડ માર્કેટમાંથી છૂટો થવા માંગે છે એટલે મોડા વહેલા બે ભાઈઓ છૂટા પડવાના તો હતા જ." જગદીશભાઈએ વિશ્વાસ વ્યક્ત કર્યો.

" ચાલો જેવી પ્રભુની મરજી. સ્વામીજી આટલું બધું સચોટ જાણે છે તો એમણે જે સલાહ આપી હશે એ આપણા સારા માટે જ હશે. છોકરો સુખી થાય એટલે બસ. " જયાબેન બોલ્યાં.

અને આમ નિયતિએ ફરીથી જામનગરનો માર્ગ કેતન માટે ખોલી નાખ્યો !

કેતને પણ નિર્ણય લઈ લીધો. વહેલામાં વહેલી તકે હવે નવી યાત્રાનો *પ્રારંભ* મારે કરવો જ પડશે !!
ક્રમશઃ
અશ્વિન રાવલ (અમદાવાદ)