Prarambh - 90 books and stories free download online pdf in Gujarati

પ્રારંભ - 90

પ્રારંભ પ્રકરણ 90

રુચિ મખીજાએ પોતાના પ્લૉટ ઉપર પગ મૂક્યો અને પોતાની સામે વિશાળ 'શેઠ જમનાદાસ હોસ્પિટલ' જોઈ. આગળનો આખો પ્લૉટ ગાડીઓથી ભરચક હતો. એક બાજુ બે એમ્બ્યુલન્સ ઉભી હતી. કેતન સરે ઉભા કરેલા આ સામ્રાજ્યને જોઈ એ ચકિત થઈ ગઈ !!

છેલ્લે છેલ્લે જ્યારે એ પ્લૉટ ઉપર આવેલી ત્યારે એણે ગંદી ઝૂંપડપટ્ટી જોયેલી. આજે એની જગ્યાએ પાંચ પાંચ માળનાં સામ સામે બે બિલ્ડિંગો હતાં. એક હોસ્પિટલ અને એક આધ્યાત્મિક કેન્દ્ર ! જો કે એ વખતે રુચિને આધ્યાત્મિક બિલ્ડિંગ વિશે કોઈ માહિતી ન હતી.

"આ ડાબી બાજુ જે છે એ આપણી પાંચ માળની હોસ્પિટલ છે અને તમામ લેટેસ્ટ સુવિધાઓથી સજ્જ છે. આ હોસ્પિટલ અત્યારે આખા મુંબઈમાં પ્રસિદ્ધ થઈ ગઈ છે. સામે જે બિલ્ડીંગ છે એ પણ હું તમને અંદર જઈને બતાવી દઉં છું. ત્યાં પણ ઘણી બધી આધ્યાત્મિક પ્રવૃત્તિઓ ચાલે છે જે તમે કદી વિચારી પણ નહીં હોય. " કેતન બોલ્યો.

એ પછી કેતન રુચિને હોસ્પિટલના બિલ્ડિંગમાં લઈ ગયો અને ગ્રાઉન્ડ ફ્લોરથી શરૂ કરીને છેક પાંચમા માળ સુધી બધું જ બતાવ્યું. ઓપીડી હોલ, ડોક્ટરની ચેમ્બરો, પહેલા માળે પોતાની ચેમ્બર, ઓપરેશન થિયેટર, એમઆરઆઈ, સિટી સ્કેન મશીનો, પેથોલોજી લેબોરેટરી વગેરે બધું ફરી ફરીને બતાવ્યું. બીજા માળે અડધા ભાગમાં કેન્ટીન અને બાકીના અડધા ફ્લોર ઉપર સામસામે સ્ત્રી બાળકોનો વોર્ડ ! ચોથા અને પાંચમા માળે પુરુષો માટે બનેલા વોર્ડ પણ બતાવ્યા.

કેતન જે રીતે બધું સમજાવતો હતો એ બધું જોઈને રુચિ ખરેખર ખૂબ જ ખુશ થઈ ગઈ કે એણે કેતન સરને પ્લૉટની જે ગિફ્ટ આપી છે એ સરે પોતાની આવડત અને શક્તિથી બખૂબી દીપાવી છે !

એ પછી કેતન રુચિને પોતાની ચેમ્બરમાં લઈ ગયો. પાંચ વાગી ગયા હતા અને ચાનો ટાઈમ પણ થઈ ગયો હતો એટલે ત્યાં જઈને બધાં માટે એણે ચા મંગાવી અને બધાએ સાથે પીધી.

ચેમ્બરમાં બેસીને અડધી કલાક થોડી આડીઅવળી વાતો કર્યા પછી કેતન રુચિ અને જાનકીને લઈને સામેના બિલ્ડિંગમાં ગયો અને ત્યાં નીચે હિમાલયની પ્રતિકૃતિ જેવું ધ્યાન કેન્દ્ર બતાવ્યું. રુચિ તો હિમાલયનો અનુભવ કરાવતા આ ધ્યાન કેન્દ્રને જોઈને ગાંડી જ થઈ ગઈ ! એ ૧૦ મિનિટ માટે ધ્યાન કરવા પણ બેઠી. જો કે અત્યારે એને કોઈ ધ્યાન ન લાગ્યું પરંતુ મનને શાંતિ જરૂર મળી.

" મને અહીં વહેલી સવારે ધ્યાન કરવાની ઈચ્છા છે. કાલે સવારે તમે મને લઈ આવશો ? અથવા તો પછી તમારી ગાડી લઈને હું એકલી જ અહીં આવી જઈશ. " રુચિ બોલી

" અરે તમારે એકલા આવવાની જરા પણ જરૂર નથી. ધ્યાન તો મારો રસનો વિષય છે. એલાર્મ મૂકીને વહેલાં ઉઠી જજો. ૪ વાગે નીકળીને આપણે અહીં આવી જઈશું. ધ્યાનમાં બેસવાની ખરી મજા વહેલી પરોઢની જ છે." કેતન બોલ્યો.

એ પછી કેતન એને પહેલા માળે લઈ ગયો જ્યાં એણે જીમ બનાવ્યું હતું. લેટેસ્ટ સાધનોથી સજ્જ જીમ જોઈને પણ રુચિને ખૂબ જ આનંદ થયો.

ખરું આશ્ચર્ય રુચિને જીમની પાછળ બનેલા મંત્ર કેન્દ્ર જોઈને થયું. કારણ કે ૨ વાગ્યા પછી અત્યારે ૨૫ બ્રાહ્મણો એક જ લયમાં સુંદર રાગમાં મહામૃત્યુંજયમંત્રનો જાપ કરી રહ્યા હતા. દિવ્ય આહલાદક વાતાવરણ આખા હોલમાં પેદા થયું હતું. કંઈ પણ બોલ્યા વગર એ લોકો દસેક મિનિટ એ હૉલમાં ઊભાં રહ્યાં અને કર્ણપ્રિય મંત્રોના આંદોલનોનો અદભુત શાંતિ અનુભવ કર્યો.

"આપણી હોસ્પિટલમાં દાખલ થયેલા પેશન્ટો જલ્દી આરોગ્ય પ્રાપ્ત કરે એટલા માટે અહીં વિદ્વાન યુવાન પંડિતો દ્વારા સતત મંત્રોચ્ચારની વ્યવસ્થા મેં કરી છે. સવારે ૬ થી બપોરના ૨ સુધી અહીં ૨૫ પંડિતો ગાયત્રી મંત્ર એક જ સૂરમાં બોલે છે અને બપોરના ૨ થી રાતના ૧૦ સુધી બીજા ૨૫ પંડિતો મહામૃત્યુંજયમંત્રના જાપ કરે છે. " કેતન સમજાવી રહ્યો હતો.

" આ મંત્રોનો સીધો લાભ આપણી હોસ્પિટલમાં દાખલ થયેલા તમામ દર્દીઓને મળે છે. કોઈ પેશન્ટ વધારે સિરિયસ હોય તો એને બચાવવા માટે સ્પેશિયલ એના નામ સાથે પણ જાપ કરવામાં આવે છે." કેતન બોલ્યો.

"વાઉ !! તમારા વિચારો જાણીને ખરેખર તમને સલામ કરવાનું મન થાય છે સર. કેટલી અદભુત હોસ્પિટલ બનાવી છે તમે !! જિંદગીમાં ક્યારે પણ આવો વિચાર કોઈને પણ નહીં આવ્યો હોય કે દર્દીઓ માટે ટ્રીટમેન્ટની સાથેને સાથે આ રીતે મંત્રોની પણ મદદ લેવામાં આવતી હોય ! યુ આર જીનીયસ ઍન્ડ એમેઝિંગ !! " રુચિ બોલી.

"તમે આપેલા પ્લૉટનો મારી પોતાની કલ્પના પ્રમાણે હું એકદમ સદુપયોગ કરી રહ્યો છું મેડમ. આ પૂણ્યમાં તમે પણ એટલાં જ ભાગીદાર છો." કેતન હસીને બોલ્યો.

એ પછી રુચિને ઉપર ભોજનાલયમાં લઈ ગયો. ભોજનાલય જોઈને પણ રુચિ ખુશ થઈ ગઈ. અત્યારે કિચનમાં સાંજની રસોઈ બની રહી હતી અને કામવાળી ચાર સ્ત્રીઓ સવારનાં બધાં વાસણો માંજી રહી હતી.

"હોસ્પિટલમાં દાખલ થયેલા તમામ દર્દીઓનાં સગાં વહાલાંને આપણે અહીંયાં મફત ભોજન પૂરું પાડીએ છીએ. રસોઈ પણ દિલથી બનાવીએ છીએ. એક પણ પાઈ પૈસો કોઈની પણ પાસેથી લેવામાં નથી આવતો. બે ટાઈમ જમવાનું ફ્રી જ આપીએ છીએ. હોસ્પિટલનો સ્ટાફ પણ જો ઈચ્છે તો અહી મફત જમી શકે છે. " કેતન બોલ્યો.

" બહુ સુંદર કામ કરી રહ્યા છો કેતન સર. મારી પાસે કોઈ શબ્દો જ નથી. આજે સાંજે મારે ભોજન અહીંયા જ લેવાની ઈચ્છા છે. આજે આપણે સાંજે અહીં જ જમીશું. બધાની સાથે એક જ પંગતમાં આ આનંદ લેવાની મારી ઈચ્છા છે. " રુચિ બોલી.

"માય પ્લેઝર. આપણે ત્રણેય અહીં જ જમીશું. હું ઘરે કહી દઉં છું ચિંતા ન કરો. " કેતન બોલ્યો અને એણે ઘરે સૂચના આપી દીધી.

એ પછી રુચિ અને જાનકી કંઈક વાતો કરી રહ્યાં હતાં ત્યારે કેતન બે મિનિટ માટે કિચનમાં જઈને મહારાજને કોઈ સૂચના આપી આવ્યો.

ભોજનાલયમાંથી કેતન રુચિને ઉપર ત્રીજા માળે લઈ ગયો જ્યાં સાધુ સંતોને ઉતરવાની વ્યવસ્થા કરી હતી. આગળનો અડધો ફ્લોર સાધુ સંતો માટે હતો જ્યારે પાછળનો અડધો ફ્લોર વાનપ્રસ્થાશ્રમ માટે રાખેલો હતો. સાધુ સંતોવાળી રૂમો લગભગ ખાલી જેવી જ હતી કારણ કે માત્ર ચાર સાધુ સન્યાસી ત્યાં આવેલા હતા. સાધુ સંતોની આવન જાવન મોટાભાગે ચાતુર્માસમાં વધારે રહેતી.

પાછળના અડધા ફ્લોરમાં બનાવેલી વાનપ્રસ્થાશ્રમની રૂમો ફૂલ હતી. ત્યાં દરેક રૂમમાં બે પલંગમાં બે સિનિયર સિટીઝનો રહેતા હતા. એક તરફ પુરુષો હતા એક તરફ સ્ત્રીઓ હતી.

ચોથો અને પાંચમો માળ પણ સંપૂર્ણપણે પૅક થઈ ગયેલો હતો અને ત્યાં ઘણી ભીડ જોવા મળતી હતી. તમામ રૂમો ફૂલ હતી અને દરેક રૂમમાં બે પુરુષો અથવા બે સ્ત્રીઓ રહેતી હતી. રૂમમાં તમામ પ્રકારની ફેસિલિટી હતી. સેવા માટે નર્સોની વ્યવસ્થા પણ હતી અને વૃદ્ધોની સેવા કરવાવાળા યુવાન યુવતીઓ પણ ત્યાં આવન જાવન કરતા હતા. આ બધી જ વ્યવસ્થા ખૂબ જ સરસ રીતે ચાલી રહી હતી - એ પણ રુચિએ માર્ક કર્યું.

"ખરેખર સર તમે આ જે વૃદ્ધોની સેવા માટે લગભગ ત્રણ માળ ફાળવ્યા એ પણ બહુ જ મોટું કાર્ય થઈ રહ્યું છે. એકલા પડી ગયેલા સિનિયર સિટીજનોને વૃદ્ધાવસ્થામાં અહીં આટલી બધી સેવા મળે છે. યુવાન સેવાભાવી સ્વયંસેવકો એમના પગ દબાવે છે અને ફૂલ મેડિકલ ફેસીલીટી છે. આનાથી વધારે જિંદગીમાં શું જોઈએ ? ખૂબ જ ઉત્તમ કાર્ય અહીં થઈ રહ્યું છે. મને ખૂબ જ આનંદ થયો છે. જો હું અમેરિકાથી આવી ન હોત તો મને ક્યારે પણ તમારી આ ઉમદા પ્રવૃત્તિઓની જાણ ન થાત !" રુચિ બોલી. એની આંખોમાં પાણી આવી ગયાં.

કેતન રુચિ અને જાનકીને લઈને નીચે ઉતર્યો ત્યારે સાંજના સાડા છ વાગી ગયા હતા.

એ પછી કેતને પ્લૉટનો આગળનો ભાગ બતાવ્યો. જ્યાં ડાબી બાજુ શેડ કરીને એમ્બ્યુલન્સ તથા ગાડીઓનું પાર્કિંગ કરાવેલું હતું. જમણી બાજુનો ખુલ્લો પ્લૉટ ટુ વ્હીલર્સ માટે રિઝર્વ રાખ્યો હતો.

પ્લૉટમાં એન્ટર થતાં જમણી બાજુએ જ્યાં બેસીને જયેશ ઝવેરી સાઈટની દેખરેખ રાખતો હતો ત્યાં અત્યારે સિક્યુરિટી માટે બે રૂમો બનાવી દીધી હતી. જ્યારે ડાબી બાજુ મેન ગેટ પાસે સિક્યુરિટીની કેબિન હતી.

જયેશ ઝવેરી માટે કેતને ઓપીડીના હૉલમાં જ એક ખૂણામાં સરસ ચેમ્બર બનાવી આપી હતી અને જયેશને હોસ્પિટલનો જનરલ મેનેજર બનાવ્યો હતો. એ જ પ્રમાણે હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડેન્ટ અને એડમિનિસ્ટ્રેટર શાહસાહેબ માટે પણ જયેશની ચેમ્બરની બાજુમાં જ બીજી મોટી ચેમ્બર બનાવી આપી હતી. જ્યાં ક્યારેક ડોક્ટરોની મીટીંગ પણ થતી.

હોસ્પિટલની સામે ભાઉની જે નાની હોટલ હતી એ હવે મોટી બની ગઈ હતી. કારણ કે આ હોસ્પિટલનો સૌથી મોટો ફાયદો ભાઉને જ થયો હતો. એણે હવે ચાની સાથે ગરમ વડાપાઉં સેન્ડવીચ જેવા નાસ્તાની વ્યવસ્થા પણ રાખી હતી. જેથી બહારથી આવતા લોકો એનો લાભ લઇ શકે.

કેતને ભાઉની આ હોટલ પણ રુચિને બતાવી.

"રુચિ તમને ખબર છે ? આ હોટેલ પણ મારા માટે એક વાર લકી બની ગઈ હતી. આ જ હોટલના બાંકડા ઉપર બેસીને એકવાર હું ચા પીતો હતો અને અચાનક મારો મિત્ર જયદેવ ઠાકર મને મળી ગયો. એના દ્વારા જ લલ્લન પાંડેનો પરિચય મને થયો. અને આખી ગેમ બદલાઈ ગઈ. ઈશ્વર ક્યારે કોને ક્યાં નિમિત્ત બનાવે છે આપણને ખબર જ નથી પડતી. આ ભાઉને એની હોટલ વ્યવસ્થિત બનાવવા માટે તમામ ખર્ચો મેં જ આપ્યો છે. હું નાનામાં નાના માણસને પણ ભૂલતો નથી. " કેતન હસીને બોલ્યો.

"એ જ તો તમારી સફળતા છે. એક માણસની સફળતા પાછળ અનેક માણસોની લાગણીઓ, શુભેચ્છાઓ અને આશીર્વાદ હોય છે. " રુચિ બોલી.

અત્યારે સાંજે ૪ થી ૭ સુધી ઓપીડી ચાલુ થઈ ગઈ હતી એટલે ઘણા બધા દર્દીઓની અને એમની સાથે આવનારાં સ્વજનોની આવન જાવન ચાલુ હતી એ પણ રુચિએ જોયું.

કેતન અને રુચિ હોસ્પિટલની બહાર ચક્કર મારી રહ્યાં હતાં ત્યારે અચાનક ઓપીડી હૉલમાંથી મોટે મોટેથી અવાજ આવવા લાગ્યો. જાણે કે કોઈ બૂમો પાડતું હોય અથવા ધમાલ કરતું હોય એવું લાગ્યું. સિક્યુરિટી સ્ટાફ પણ દોડતો અંદર ગયો. હોસ્પિટલમાં પહેલીવાર જ આવું બન્યું હતું.

કુતૂહલ ખાતર કેતન પણ રુચિ અને જાનકીને લઈને ઓપીડી હૉલમાં ગયો. એણે જોયું કે માનસિક રોગોના ડોક્ટર વૈદ્ય સાહેબની ચેમ્બર બહાર લોકોનું ટોળું ભેગું થયું હતું. માનસિક રોગનો કોઈ દર્દી ચેમ્બરમાં અચાનક ભારે તોફાને ચડી ગયો હતો. એણે ડોક્ટરના ટેબલ ઉપર પડેલું કાચનું પેપર વેઇટ જોરથી જમીન ઉપર પછાડીને તોડી નાખ્યું હતું જેની કરચો આજુબાજુ વેરાયેલી હતી.

ડોક્ટરે જો કે દર્દીને ઇન્જેક્શન આપીને શાંત કરવા વોર્ડમાં ઉપર ફોન કરી જ દીધો હતો પરંતુ નર્સ આવે ત્યાં સુધીમાં તો આ દર્દીએ ઘણું મોટું તોફાન મચાવી દીધું હતું. એ દિવાલ સાથે જોરથી માથું પછાડતો હતો જેના કારણે થોડું લોહી પણ નીકળ્યું હતું. એ બેફામ ગાળો પણ બોલતો હતો !

કેતનને પોતાની શક્તિઓ યાદ આવી ગઈ. એ દોડતો ચેમ્બરમાં ગયો અને એણે પેશન્ટને જોયો. એ બધું જ સમજી ગયો કે આ કોઈ પાગલપણાનો કે ડિપ્રેશનનો કેસ છે જ નહીં. કોઈ પ્રેતાત્મા એના શરીરમાં ધમાલ કરી રહ્યો હતો. તત્કાલ સિદ્ધ ગાયત્રીમંત્ર બોલીને એણે પેશન્ટને સ્પર્શ કર્યો અને એની આંખોમાં આંખો પરોવી. સાવ ગરીબ ગાય જેવો બનીને પેલો ખુરશી ઉપર બેસી ગયો. ત્યાં સુધીમાં રુચિ અને જાનકી પણ ત્યાં પહોંચી ગયાં હતાં.

"એને ઇન્જેક્શનની કોઈ જરૂર નથી. એને ઉપર વોર્ડમાં લઈ જઈને સુવડાવી દો. હું ઉપર આવું છું." કેતને નર્સને કહ્યું.

" આ પેશન્ટની સાથે કોણ છે ? " કેતને પૂછ્યું.

" જી સાહેબ એ મારો મોટો ભાઈ છે. ખબર નહીં છેલ્લા ત્રણ મહિનાથી ક્યારેક ક્યારેક આ રીતે તોફાને ચડી જાય છે અને આખા ઘરની પથારી ફેરવી નાખે છે. એ વખતે એને અમે પકડી શકતા પણ નથી. ખબર નહીં એ કયા ડિપ્રેશનમાં આવી ગયો છે ! મને કોઈએ સલાહ આપી એટલે આજે આ હોસ્પિટલમાં લઈ આવ્યો છું. " પેશન્ટનો ભાઈ બોલ્યો.

"એને કોઈ જ ડિપ્રેશન નથી. તમે પણ મારી સાથે ઉપર આવો. " કેતન બોલ્યો.

એ પછી કેતન રુચિ અને જાનકીને લઈને ઉપર પુરુષોના વોર્ડમાં ગયો. પેશન્ટ પણ જાણે સાવ નોર્મલ હોય એ રીતે એના ભાઈની સાથે વોર્ડમાં આવ્યો અને જે પલંગ એને બતાવવામાં આવ્યો એના ઉપર સૂઈ ગયો. રુચિ અને જાનકી કેતનની બાજુમાં જ ઊભાં હતાં. રુચિની આંખોમાં નાના બાળક જેવી કુતૂહલતા હતી.

કેતન પેશન્ટની સામે જોઈ રહ્યો અને પછી ઉભા ઉભા જ બે મિનિટ માટે આંખો બંધ કરીને ધ્યાનમાં ઊંડો ઉતરી ગયો. ધ્યાનમાં એ સૂક્ષ્મજગતના લેવલ સુધી પહોંચી ગયો અને બધું જ એણે જોઈ લીધું. પેશન્ટની બાજુમાં જ એણે એક પ્રેતાત્માને ઊભેલો પણ જોયો.

" કોણ છે તું અને શા માટે આ વ્યક્તિની પાછળ પડ્યો છે ? " કેતન બોલ્યો. આજુબાજુ ઉભેલા લોકોને એમ જ લાગ્યું કે કેતન સર જાણે હવામાં વાતો કરે છે.

"મારું નામ મૂળજી. ગયા વર્ષે જ અકસ્માતમાં મારું મૃત્યુ થયું છે. આ કેશાજી મારો સગો થાય છે. કેશાએ કાવાદાવા કરી મારી લાખો રૂપિયાની જમીન હડપ કરી લીધી છે. મારાં બૈરી છોકરાં એના કારણે રસ્તા ઉપર આવી જશે. હું હવે એને છોડીશ નહીં. મારે બદલો લેવો છે. " મૂળજીનો આત્મા બોલ્યો.

" તારી જમીન કઈ જગ્યાએ છે ?" કેતને પૂછ્યું.

" વિરારમાં. " પ્રેતાત્મા બોલ્યો.

"હું તારી જમીન તને પાછી અપાવી દઈશ તું એને છોડી દે. અને તું આગળ ગતિ કરી દે. તારી વેરની ભાવનામાંથી તું બહાર આવી જા નહીં તો ફરી અહીં જનમ લેવો પડશે. તેં હવે શરીર છોડી દીધું છે એટલે કુટુંબ પરિવાર બધું ભૂલી જા. તું તારી આગળની ગતિ વિશે વિચાર." કેતન બોલ્યો.

" તમે મારી જમીન પાછી અપાવી દેશો ? " પ્રેતાત્મા બોલ્યો.

" હા હું ચોક્કસ અપાવી દઈશ. તું મારી ઉપર વિશ્વાસ રાખી શકે છે. જો તારી પાછળ એક સજ્જન પુરુષ ઊભા છે. એમની સાથે તું નીકળી જા અને ફરી પાછો તારા ઘરે આંટા મારતો નહીં. તારા આવા તો અનેક જન્મો થઈ ચૂક્યા છે. માયામાંથી બહાર આવી જા. " કેતને આદેશ આપ્યો એ એ સાથે જ પ્રેતાત્મા અદ્રશ્ય થઈ ગયો.

એ પછી કેતને પેશન્ટ સામે જોયું અને બોલ્યો.

" તમારું નામ કેશાજી છે ? " કેતન બોલ્યો.

" હા સાહેબ. " પેશન્ટ અને એનો ભાઈ બંને આશ્ચર્ય પામી ગયા.

"કોઈ મૂળજીભાઈ નામની વ્યક્તિની જમીન તમે હડપ કરી લીધી છે ? મારે એમાં પડવું નથી. સાચું ખોટું જે હોય તે. પરંતુ એ જમીન એની પત્નીને પાછી આપી દો નહીં તો તમારે ઉપર જવાનો વખત આવી જશે. તમે બચી નહીં શકો. એ મૂળજીભાઈ સાથે હું વાત કરતો હતો. " કેતને આક્રોશ સાથે કેશાજી સાથે વાત કરી.

બંને જણા એકદમ સડક થઈ ગયા. કેશાજી તો ડરી જ ગયો. કેતનની વાત સાચી જ હતી. કેશાજીએ પૈસાનો વ્યવહાર કરી ૭/૧૨ ના ઉતારામાં ફેરફાર કરાવી પોતાના પિતરાઈ ભાઈ મૂળજીની મોટી જમીન પડાવી લીધી હતી.

" ભલે સાહેબ. તમે કહો છો તો હું એની જમીન એની બૈરીના નામે લખી આપીશ. પણ પછી મને કંઈ થશે નહીં ને ? " કેશાજી બોલ્યો.

" તમે જ્યાં સુધી જમીન નહીં લખી આપો ત્યાં સુધી મૂળજી તમારી સાથે જ રહેશે. જેવી જમીન લખાઈ જશે કે મૂળજી કાયમ માટે તમને છોડી દેશે અને તમારો વાળ પણ વાંકો નહીં થાય. " કેતને થોડો ભય પણ બતાવ્યો અને ખાત્રી પણ આપી.

કેશાજીએ સોગંદ ખાઈને કેતનને ખાતરી આપી. કેતને પેશન્ટના કપાળમાં થોડું લોહી નીકળ્યું હોવાથી ત્યાં ડ્રેસિંગ વગેરે કરીને એને ઘરે મોકલી દેવાની સૂચના નર્સને આપી.

આ આખીય ઘટના જોઈને ત્યાં ઊભેલી નર્સ અને રુચિ ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગયાં. કેતન સર કેટલી બધી શક્તિઓ ધરાવે છે !! જાનકીને કેતનની આ શક્તિની થોડી ઘણી ખબર તો હતી જ પરંતુ આજે એણે પ્રત્યક્ષ આ બધું જોયું.

" તમે હવામાં કોની સાથે વાતો કરતા હતા ? " રુચિએ પૂછ્યું.

" એક પ્રેતાત્મા સાથે. હકીકતમાં આ દર્દી કોઈ પાગલ ન હતો. પરંતુ એક પ્રેતાત્મા એના શરીરમાં આવી ગયો હતો. મેં એને સમજાવીને આગળ ગતિ કરાવી દીધી. " કેતન બોલ્યો.

" વાઉ ! ગજબ છો તમે કેતન સર. " રુચિ બોલી.

" બધી ગાયત્રી મંત્રની અને ગુરુજીની કૃપા છે. હવે સાડા સાત વાગવા આવ્યા છે. જો તમારી ઈચ્છા હોય તો અત્યારે આપણે ભોજનાલયમાં જઈને જમી જ લઈએ. " કેતન રુચિ સામે જોઈને બોલ્યો.

"હા ચાલો જમી લઈએ. નહિ તો પછી ઘરે જવાનું બહુ મોડું થઈ જશે. કાલે અહીં આવવા માટે વળી પાછું વહેલા પણ ઉઠવાનું છે. " રુચિ બોલી.
ક્રમશઃ
અશ્વિન રાવલ (અમદાવાદ)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED