પ્રારંભ પ્રકરણ 89
કેતનને ડૉ. મલ્હોત્રા ઉપર ખૂબ જ ગુસ્સો આવ્યો. લોકોની સેવા કરવા માટે તો એણે પોતાની આ હોસ્પિટલ ઉભી કરી હતી અને અહીંયા આવા લાલચુ ડોક્ટરોને કેવી રીતે સહન કરી શકાય ? અઠવાડિયામાં માત્ર ૪ દિવસ ઓપીડી કરવાના એ બે લાખ રૂપિયા ચૂકવતો હતો. અને ઓપરેશનના અલગ. મુંબઈના બીજા ડોક્ટરો પણ આ હોસ્પિટલની ભલામણ કરતા હોય ત્યારે મારો પોતાનો જ ડૉક્ટર મારી હોસ્પિટલ વિશે આવો હલકો અભિપ્રાય આપી રહ્યો છે !! ધીસ ઈઝ ટુ મચ !!!
કેતન પોતાની ચેમ્બરમાં આવીને ગુપ્ત મંત્રો બોલી પોતાના મૂળ સ્વરૂપમાં આવી ગયો અને એણે જયંત વસાણીને ફોન કર્યો. જયંતને ઓપીડી રૂમમાં જઈ કોમ્પ્યુટરમાંથી કિશનદાસ લાલવાણીનો મોબાઇલ નંબર શોધી તાત્કાલિક પોતાને આપવાની વાત કરી. જયંતે લાલવાણી શેઠના છોકરાનો જે નંબર કોમ્પ્યુટરમાં હતો એ કેતન સરને લખાવ્યો.
કેતને તરત જ લાલવાણીના દીકરાનો સંપર્ક કર્યો. હજુ તો લાલવાણી એના પપ્પાને ગાડીમાં પાછળની સીટમાં બેસાડીને પોતે ડ્રાઇવિંગ સીટ ઉપર બેસી રહ્યો હતો.
"મિ. લાલવાણી... હું કેતન સાવલિયા બોલું છું. શેઠ જમનાદાસ હોસ્પિટલ મારી પોતાની છે. તમે ઘરે જતાં પહેલાં બે મિનિટ માટે જરા પહેલા માળે આવેલી મારી ચેમ્બરમાં આવી શકશો ? " કેતન બોલ્યો.
લાલવાણીને આશ્ચર્ય થયું. એણે પોતે પણ કેતન સાવલિયાનું નામ સાંભળ્યું જ હતું. અને આ હોસ્પિટલના એ મેનેજિંગ ડાયરેક્ટર હતા એ પણ એને ખબર હતી. એણે તરત જ હા પાડી અને પપ્પાને ગાડીમાં બેસાડી રાખી એસી ચાલુ કરી પોતે પહેલા માળે કેતનની ચેમ્બરમાં આવ્યો.
"સોરી મિસ્ટર લાલવાણી.. મારે તમને તકલીફ આપવી પડી. પરંતુ તમને બોલાવવા પાછળનું કારણ અલગ જ છે. આ હોસ્પિટલ મેં પૈસા કમાવા માટે બનાવી નથી માત્ર અને માત્ર પેશન્ટોના આશીર્વાદ લેવા માટે જ બનાવી છે. મારી આ હોસ્પિટલમાં ડૉ. મલ્હોત્રા જેવા કેટલાક ડોક્ટરો બેસી ગયા છે જે મારી હોસ્પિટલમાં બેસીને હોસ્પિટલ વિશે દર્દીઓને પોતાના પ્રાઈવેટ નર્સિંગ હોમ તરફ ખેંચી રહ્યા છે." કેતન આક્રોશથી બોલતો હતો.
"મને એમના વિશે બહુ જ ફરિયાદો આવી છે. તમે તમારા પપ્પાને અહીંયાં જ પરમ દિવસે એડમીટ કરાવી દો. બીજા સારામાં સારા સર્જન હું અહીં ગોઠવી દઈશ. અહીં જે તમને ટ્રીટમેન્ટ મળશે એ કદાચ કોઈ જગ્યાએ નહીં મળે એની ખાતરી આપું છું. અહીં અમે દર્દીઓને નર્સોના હવાલે નથી કરતા. દર્દી માટે મહામૃત્યુંજયના મંત્રો કરીને શિવજીના આશીર્વાદ પણ લઈએ છીએ. મલ્હોત્રાએ તમને ઘણા કન્ફ્યુઝ કરી દીધા છે એ મને ખબર પડી છે. એટલા માટે મારે તમને ખાસ ફોન કરીને બોલાવવા પડ્યા. તમે વિશ્વાસ રાખો. જો તમારા પપ્પાનું આયુષ્ય હશે તો અહીંથી એ સો ટકા હસતા હસતા ઘરે જશે." કેતન હસીને બોલ્યો.
"જી સર..થેન્ક યુ સો મચ. હું દુબઈથી મારા પપ્પાની સારવાર માટે જ મુંબઈ આવેલો છું. આજે ખરેખર એડમિટ કરાવવા માટે જ અહીં આવ્યો હતો. તમારા વિશે અંધેરીના ડૉ. ગોહિલે ખૂબ જ સારો અભિપ્રાય મને આપ્યો પરંતુ આ મલ્હોત્રા સાહેબે મને ખરેખર કન્ફ્યુઝ કરી દીધો. હવે મને તમારી વાત સમજાય છે. બસ હવે હું ખરેખર નિશ્ચિત થઈ ગયો છું. પરમ દિવસે ચોક્કસ પપ્પાને એડમીટ અહીંયાં જ કરાવી દઈશ." લાલવાણી બોલ્યો.
લાલવાણી ગયા પછી કેતને અંધેરીના ડૉ. ગોહિલનો સામેથી સંપર્ક કર્યો.
"ગોહિલ સાહેબ હું શેઠ જમનાદાસ હોસ્પિટલમાંથી કેતન સાવલિયા બોલું છું. બે મિનિટ વાત થઈ શકશે ? " કેતન બોલ્યો.
"અરે સર તમારું નામ કોણ નથી જાણતું? તમારા ફોનથી મને ખરેખર આશ્ચર્ય થયું છે. તમે મને સામેથી ફોન કર્યો એ મારા માટે ગૌરવની વાત છે. બોલો સાહેબ...હું શું સેવા કરી શકું ?" ગોહિલ બોલ્યા.
"મારી હોસ્પિટલમાં આવતા કેન્સર પેશન્ટો માટે મારે તમારા જેવા હોંશિયાર ડૉક્ટરની સેવાઓની તાત્કાલિક જરૂર છે. તમારું નામ મુંબઈમાં ખૂબ જ જાણીતું છે. તમે અઠવાડિયામાં ૪ દિવસ ઓપીડીમાં સેવાઓ આપી શકો તો તમારી મોટી મહેરબાની રહેશે. એડમિટ થયેલા પેશન્ટનું ઓપરેશન પણ તમારે જ કરવાનું રહેશે." કેતન બોલતો હતો.
"દર મહિને બે લાખ રૂપિયા તમને ઓપીડીના મળી જશે. ઓપરેશનના જે પણ તમે કહેશો એ અલગ મળશે. મારા માટે થઈને તમે જો આટલી સેવાઓ આપી શકો તો હું તમારો આભારી રહીશ. તમે કાલથી જ જોઈન કરી શકો છો. " કેતન વિનમ્ર ભાવે બોલ્યો.
"ઈટ વુડ બી માય પ્લેઝર સર. આઈ એમ ઓબલાઈઝડ. મને આપની હોસ્પિટલમાં સેવાઓ આપવાનું ગમશે." ડૉ. ગોહિલ બોલ્યા.
"બસ તો પછી આવતીકાલથી જ તમે મારી હોસ્પિટલની પેનલમાં આવી જાઓ છો. કાલે પ્રથમ દિવસે સવારે ૯:૩૦ વાગ્યે આપ ડ્યુટી જોઈન કરી શકો છો. ઓપીડી સવારે ૧૦ વાગે ચાલુ થઈ જશે. તમારા ૪ દિવસ તમે જાતે નક્કી કરી શકો છો. " કેતન બોલ્યો.
"જી સર. થેંક્યુ વેરી મચ" ડૉ. ગોહિલ બોલ્યા.
એ પછી તરત જ કેતને આજનો દિવસ કેન્સર પેશન્ટોના નવા કેસ કાઢવાની ઓપીડીમાં ના પાડી દીધી. એક કલાક પછી મલ્હોત્રાની લાઈનમાં બેઠેલા ૬ પેશન્ટો પતી ગયા પછી એણે મલ્હોત્રાને ફોન કરી પોતાની ચેમ્બરમાં બોલાવ્યો.
" અંદર આવું સર ?" ડૉ. મલ્હોત્રા બોલ્યા.
" જી આવો. મેં જ તમને બોલાવ્યા છે. " કેતન બોલ્યો.
ડૉ. મલ્હોત્રા કેતનની સામે બેઠા. કેતન સરે એને કેમ બોલાવ્યા એની એને હજુ કંઈ જ ખબર ન હતી.
"મલ્હોત્રા સાહેબ.. મારી હોસ્પિટલ માત્ર નર્સોના ભરોસે ચાલે છે એટલે તમે કરેલાં ઑપરેશનની પછી કોઈ કીંમત રહે નહીં. ઉપરથી હોસ્પિટલ બદનામ થાય. એના કરતાં તમારી સેવાઓ જ તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવે છે. મારે તમને કંઈ પણ કહેવું નથી. એક કલાકમાં જ તમારા આજ સુધીના તમામ પેમેન્ટની હું વ્યવસ્થા કરાવું છું. તમે નીચે તમારી ચેમ્બરમાં બેસી શકો છો. પેમેન્ટ તમને મળી જાય પછી તમે જઈ શકો છો. અત્યાર સુધી જે પણ સેવાઓ આપી એ બદલ તમારો આભાર માનું છું. " કેતન બોલ્યો.
ડૉ. મલ્હોત્રા તો કાપો તો લોહી પણ ના નીકળે એવો ફિક્કો પડી ગયો. એને એક ધ્રુજારી આવી ગઈ. એને કલ્પના પણ ન હતી કે પોતાની હોસ્પિટલના પેશન્ટોને ખેંચી લેવાની આ રમત બહાર આવી જશે અને છુટ્ટા થઈ જવું પડશે. મહિનાની લગભગ ત્રણ લાખની આવક એક ઝટકામાં ગુમાવી દીધી.
કંઈ પણ બોલ્યા વગર મલ્હોત્રા નીચે જઈને માથે હાથ દઈ પોતાની ચેમ્બરમાં બેસી ગયો. જો કે એને કેતન સરનો કોઈ વાંક લાગ્યો નહીં. નક્કી પેલા લાલવાણીએ જ સરને જઈને બધી જ વાતો ફરિયાદ રૂપે કરી દીધી છે ! એને લાલવાણી ઉપર જ ગુસ્સો ચડ્યો.
અને બીજા દિવસથી જ કેતનની શેઠ જમનાદાસ હોસ્પિટલમાં કેન્સર પેશન્ટો માટે ડૉ. ગોહિલની સેવાઓ શરૂ થઈ ગઈ. પોતાનું પ્રાઇવેટ નર્સિંગ હોમ હોવા છતાં પણ ડૉ. ગોહિલે પોતાની પાસે આવેલા કિશનદાસ લાલવાણી આગળ જમનાદાસ હોસ્પિટલની ખૂબ પ્રશંસા કરી હતી. એ વાતથી પ્રેરાઈને જ એણે ડૉ. ગોહિલને નિયુક્ત કરી દીધા હતા.
કેતનના નિર્ણયથી એટેન્ડન્ટ ચૌહાણ ખૂબ જ ખુશ થઈ ગયો હતો. જયંત વસાણી પણ સમજી ગયો હતો કે કંઈક નવાજૂની તો થઈ છે. એને પૂરી વાતની કોઈ ખબર ન હતી.
૧૦ એપ્રિલના દિવસે રેવતીએ પોતાની પ્રેગ્નન્સીના સમાચાર સવારે ચા પીતાં પીતાં પરિવારને આપ્યા હતા.
૧૪મી જાન્યુઆરીએ મકરસંક્રાંતિના દિવસે જ સવારે રેવતીને પ્રસૂતિ પીડા ઉપડી. સિદ્ધાર્થ અને કેતન જાનકીને સાથે લઈને તાત્કાલિક પોતાની હોસ્પિટલમાં જ રેવતીને ગાયનીક વોર્ડમાં લઈ ગયા અને ત્યાં એડમિટ કરી દીધી. ફોન કર્યો હોવાથી ડોક્ટર હાજર જ હતા. એને તરત જ ઓટીમાં લઈ જવામાં આવી.
સવારે લગભગ ૧૦:૩૦ વાગે રેવતીએ નોર્મલ ડિલિવરીથી સુંદર પુત્રને જન્મ આપ્યો. આમ તો આખો પરિવાર જાણતો જ હતો કે રેવતીને પુત્રનો જ જન્મ થવાનો છે છતાં પુત્ર જન્મ થયા પછીનો આનંદ કંઈક અલગ જ હોય છે. કેતને જયંત વસાણીને મોકલીને આખી હોસ્પિટલ માટે પેંડા મંગાવ્યા અને દિલથી વહેંચ્યા. આજે શેઠ જમનાદાસની પેઢી આગળ ચાલી હતી !
" દીકરો નસીબદાર તો છે હોં ! એ જ્યારથી પેટમાં હતો ત્યારથી આપણી હોસ્પિટલની સતત પ્રગતિ જ થઈ છે. પૂણ્યશાળી આત્મા હોય તે જ આવા ઘરમાં જન્મે ! " રાત્રે જમતી વખતે જગદીશભાઈ બોલ્યા.
"નસીબદાર તો હોય જ ને. તૈયાર ભાણે જમવા માટે આવ્યો છે. કાકાએ બધું તૈયાર કરી દીધું છે. " જયાબેન બોલ્યાં.
હોસ્પિટલનું ઉદઘાટન થયું ત્યારે એના બે ત્રણ વિડિયો કેતને એ સમયે રુચિ મખીજાને ન્યૂયોર્ક ફોરવર્ડ કર્યા હતા. કેતને એને એકવાર ઇન્ડિયા આવીને હોસ્પિટલ જોઈ જવાનું ભાવ ભર્યું આમંત્રણ પણ આપ્યું હતું. રુચિ પોતાના પ્લૉટ ઉપર થયેલા આટલા બધા અદભુત ડેવલોપમેન્ટથી ખૂબ જ ખુશ થઈ ગઈ હતી. એને તો કલ્પના પણ ન હતી કે પોતાના આ પ્લૉટ ઉપર આટલી સુંદર હોસ્પિટલ બનશે !!
કેતને એને એ પણ આગ્રહ કર્યો હતો કે ન્યૂયોર્કથી મુંબઈ સુધીની ફ્લાઈટની આવવા જવાની ટિકિટની વ્યવસ્થા પોતાના તરફથી થશે.
રુચિએ પોતાની વ્યવસ્થા પ્રમાણે એક દિવસે કેતનને ફોન કરીને ઇન્ડિયા આવવા માટે અનુકૂળતા બતાવી. રુચિએ જે તારીખો આપી એ પ્રમાણે કેતને ત્રણ દિવસ ફેરની આવવા જવાની ટિકિટ બુક કરાવી દીધી અને રુચિને ફોરવર્ડ પણ કરી.
ફેબ્રુઆરીની પાંચ તારીખે રુચિ મખીજા મુંબઈના એરપોર્ટ ઉપર પહોંચી ગઈ. કેતન પણ વહેલી સવારે મનસુખ માલવિયાને લઈને રુચિને વેલકમ કરવા એરપોર્ટ પહોંચ્યો.
"વેલકમ ટુ ઇન્ડિયા રુચિ ! મુંબઈમાં આ વખતે હું પોતે જ તમારું હાર્દિક સ્વાગત કરું છું. તમારે બીજે ક્યાંય પણ જવાનું નથી. સીધા મારા એટલે કે તમારા પોતાના ઘરે જ ઉતરવાનું છે." કેતને બહાર નીકળેલી રુચિ સાથે હાથ મિલાવતાં કહ્યું.
" મને મારા ઘરે જવાનું ગમશે. " રુચિ પણ હસીને બોલી.
એકાદ કલાકમાં જ રુચિ અને કેતન ઘરે આવી ગયાં. જાનકીએ પહેલા માળે જ એક અલગ બેડરૂમ રુચિ માટે તૈયાર કરી દીધો હતો. મનસુખ રુચિનો સામાન એ બેડરૂમમાં જ લઈ ગયો.
રુચિ આવવાની હતી એટલે ઘરના બધા જ સભ્યો જાગી ગયા હતા. સમગ્ર પરિવારે રુચિનું પ્રેમથી સ્વાગત કર્યું. સહુ જાણતા હતા કે આ બંગલો રુચિનો જ છે અને આ પ્લૉટ પણ રુચિએ જ કેતનને ગિફ્ટ કરેલો છે એટલે બધાના મનમાં રુચિ માટે એક અહોભાવ હતો !!
આવીને તરત જ સૌથી પહેલાં તો રુચિએ બ્રશ કરીને કેતનના ઘરે ચા નાસ્તો કરી લીધો અને પછી તરત જ ન્હાવા માટે ચાલી ગઈ. એકાદ કલાક બરાબર ફ્રેશ થઈને એ બહાર આવી અને તૈયાર થઈ ગઈ. ઉજાગરા જેવું તો હતું જ એટલે બહાર આવ્યા પછી મોબાઈલમાં એલાર્મ મૂકીને બપોરના ૧૨ વાગ્યા સુધી એણે એક ઊંઘ ખેંચી લીધી. કોઈએ એને ડિસ્ટર્બ કરી નહીં.
૧૨ વાગ્યા પછી રુચિ જાતે જ બેડરૂમમાંથી બહાર આવી અને નીચે મોટા હોલમાં જઈને સોફા ઉપર બેઠી.
"તમે અમારા પરિવાર ઉપર બહુ જ મોટો ઉપકાર કર્યો છે. તમે જે લાગણી બતાવી છે, કેતન તરફ તમે જે પ્રેમ બતાવ્યો છે એના માટે સમગ્ર પરિવાર તરફથી હું તમારો ખૂબ ખૂબ આભાર માનું છું. તમે આપેલી જગ્યા આજે આખા મુંબઈમાં પ્રસિદ્ધ થઈ ગઈ છે અને કેતન પણ હવે ઘરે ઘરે જાણીતો થઈ ગયો છે. આ બધાના મૂળમાં તમે છો એટલે મારે આટલું કહેવું પડ્યું." જગદીશભાઈ બોલ્યા.
"અરે નહીં નહીં વડીલ.. ગયા જન્મના કોઈ સંબંધો હશે, કોઈ ઋણાનુબંધ હશે એટલે જ આ બધું થયું છે. મેં કર્યું છે એવું હું માનતી જ નથી. કેતનભાઇ તરફથી મને ઘણું બધું જાણવા મળ્યું છે. એમના થોડા પરિચયમાં ઘણું બધું શીખવા પણ મળ્યું છે. એમની પાસે તો એટલી બધી સિદ્ધિઓ છે કે એમને આ બધું ના મળે તો જ નવાઈ ! હું તો મારી જગ્યા ઉપર જે હોસ્પિટલ બની છે એ જોવા માટે જ ખાસ કેતન સરના આગ્રહથી ઇન્ડિયા આવી છું." રુચિ નમ્રતાથી બોલી. જગદીશભાઈને રુચિનો આટલો સરળ સ્વભાવ ખૂબ જ ગમી ગયો.
"એ તમારી મોટાઈ છે. બાકી તમારો આ ઉપકાર અમારો પરિવાર ક્યારે પણ નહીં ભૂલી શકે. હવે જમવાનું તૈયાર છે. તમને જ્યારે પણ ઈચ્છા હોય ત્યારે બેસી શકો છો. તમારું જ કિચન છે અને તમારો જ ડાઇનિંગ હોય છે." જયાબેન હસીને બોલ્યાં.
"ના માસી હવે જમી જ લઈએ. સાડા બાર વાગવા આવ્યા છે. જમીને પછી કેતન સર જોડે હોસ્પિટલ ચક્કર મારવાની ઈચ્છા છે. " રુચિ બોલી.
" બસ તો પછી હાથ મ્હોં ધોઈ લો. જમવાનું તૈયાર જ છે." જાનકી બોલી.
એ પછી કેતન, રુચિ, સિદ્ધાર્થ જયાબેન અને જગદીશભાઈ સાથે જ જમવા માટે બેસી ગયાં. રેવતી અને જાનકી પીરસવામાં લાગી ગયાં.
જમવામાં આજે રુચિ ખુશ થઈ જાય એવી ઘણી બધી વાનગીઓ મહારાજે બનાવી હતી. ઉત્તરાયણ હમણાં જ ગઈ હતી એટલે જલેબી, લચકો મોહનથાળ, પૂરી, ઉંધીયું, રસાવાળા ચણા, મેથીના ગોટા, દાળ, ભાત, તળેલા પાપડ અને છાશ હતાં. આ લોકોનો પ્રેમ જોઈને રુચિ પણ અભિભૂત થઈ ગઈ ! જમવાની એને ખરેખર બહુ જ મજા આવી.
"સર હું એકાદ કલાક હજુ થોડો આરામ કરી લઉં. પછી આપણે હોસ્પિટલ જવા નીકળીએ તો વાંધો નથી ને ? " રુચિ બોલી.
"અરે રુચિ... તમે જ્યારે કહો ત્યારે આપણે જઈશું... તમે પૂરતો આરામ કરી લો. લાંબી ફ્લાઈટનો થાક લાગતો જ હોય છે... એકના બદલે બે કલાક સૂઈ જાઓ. જમ્યા પછી તરત જ નીકળવામાં આમ પણ મજા નહીં આવે." કેતન બોલ્યો.
રુચિ ફરી ઉપર પોતાના બેડરૂમમાં ગઈ અને આરામ કરીને બપોરે ત્રણ વાગે એ હોસ્પિટલ જવા માટે તૈયાર થઈ ગઈ.
"સર.. નાઉ આઈ એમ રેડી. તમે જ્યારે કહો ત્યારે આપણે નીકળીએ." રુચિએ બહાર આવીને કેતનને કહ્યું. રુચિ આવી હોવાથી અત્યારે કેતન બેડરૂમમાં સૂવાના બદલે સોફા ઉપર જ આડો પડ્યો હતો !
"બસ તો ૧૦ મિનિટમાં હું તૈયાર થઈ જાઉં છું." કેતન બોલ્યો અને પોતાના બેડરૂમમાં જઈને હાથ મ્હોં ધોઈ ફ્રેશ થઈ ગયો. એ પછી એણે જાનકીને પણ સાથે લીધી અને હોસ્પિટલ જવા માટે મનસુખને બોલાવીને રવાના થઈ ગયો
કેતન ગાડીમાં આગળ બેઠો હતો. ત્યાં બેઠા પછી રસ્તામાં એને એક વિચાર આવ્યો કે ગુપ્ત મંત્રો બોલીને પોતે અચાનક અદ્રશ્ય થઈ જાય તો !! પરંતુ મુશ્કેલી એ હતી કે આ સિદ્ધિની જાનકીને પણ ખબર ન હતી કે મનસુખ પણ એના વિશે જાણતો ન હતો ! એટલે જો એવું કરવા જાય તો બાકીનાં ત્રણે ત્રણ જણાં ચમકી જાય. કદાચ બૂમાબૂમ પણ કરી બેસે. એટલે એ વિચાર પડતો મૂક્યો.
દોઢેક કલાકમાં કેતનની ગાડી એની હોસ્પિટલના આગળના ખુલ્લા પાર્કિંગમાં એમ્બ્યુલન્સની બાજુમાં જઈને ઉભી રહી. આ કેતનની ગાડી માટેનું કાયમી રિઝર્વ પાર્કિંગ હતું !!
રુચિ દરવાજો ખોલીને ગાડીની બહાર આવી અને પોતાના પ્લૉટમાં પગ મુક્યો.
"વાઉ ! કેતન સરે તો અહીં સ્વર્ગ જ ઊભું કરી દીધું છે ! અમેઝિંગ .... અનબીલીવેબલ !! " રુચિથી બોલાઈ ગયું.
ક્રમશઃ
અશ્વિન રાવલ (અમદાવાદ)