પ્રારંભ - 91 Ashwin Rawal દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભીતરમન - 41

    મેં ખૂબ જ હરખાતા મારા રૂમમાંથી સીધી બહારના ગેટ તરફ દોટ મૂકી...

  • મારા જીવનના અનુભવો - 2

    જય માતાજી હું કંઈક જાણી ગયો છું હું કંઈક જ્ઞાની પુરુષ છું બધ...

  • ખુશી

    “વિહાભાઈ ખુશીની ઉંમર તો નાની કહેવાય. તેની આગળ તો હજુ આખી જિં...

  • હમસફર - (અંતિમ ભાગ)

    બીજી તરફરુચી : ના.... બેસ્ટ ફ્રેન્ડ ક્યારેય ન લડે બંને ની ડ્...

  • ખજાનો - 43

    આપણે જોયું કે ચારેય મિત્રો રાજા સાથે કોટડીમાંથી બહાર નીકળવાન...

શ્રેણી
શેયર કરો

પ્રારંભ - 91

પ્રારંભ પ્રકરણ 91

" હવે સાડા સાત વાગવા આવ્યા છે. જો તમારી ઈચ્છા હોય તો અત્યારે આપણે ભોજનાલયમાં જઈને જમી જ લઈએ. " કેતન રુચિ સામે જોઈને બોલ્યો.

"હા ચાલો જમી લઈએ. નહિ તો પછી ઘરે જવાનું બહુ મોડું થઈ જશે. કાલે અહીં આવવા માટે વળી પાછું વહેલા પણ ઉઠવાનું છે. " રુચિ બોલી.

એ પછી કેતન રુચિ અને જાનકીને લઈને હોસ્પિટલની સામેના બિલ્ડીંગમાં બીજા માળે ભોજનાલયમાં લઈ ગયો. રસોઈયા સાથે વાતચીત થઈ ગઈ હતી એટલે એણે કિચન પાસેનાં બે ટેબલ કેતન સર માટે રિઝર્વ રાખેલાં જ હતાં.

કેતન લોકો વોશ બેસિનમાં હાથ મ્હોં ધોઈને ટેબલ ઉપર ગોઠવાઈ ગયા એટલે પીરસનારા લોકો તરત જ આવીને થાળી વાટકા ગ્લાસ વગેરે મૂકી ગયા.

સૌ પ્રથમ ત્રણેયની પ્લેટમાં ચાર ગરમા ગરમ બટેટાવડા અને એક ડીશમાં કઢી આવી ગઈ.

" અમારો આ રસોઈયો બટેટાવડા જબરદસ્ત બનાવે છે. તમે ખાશો એટલે તમને પોતાને સમજાઈ જશે. આમ તો આ બટેટાવડા માત્ર રવિવારે જ આપવામાં આવે છે પરંતુ મેં સવારે એને સૂચના આપી હતી કે સાંજે થોડા બટેટાવડા અમારા માટે તું બનાવજે." કેતન બોલ્યો.

" હા રુચિ બેન. એકવાર કેતન અહીંથી બટેટાવડા ઘરે લઈને આવેલા. ખરેખર મજા આવી ગઈ. " જાનકી બોલી.

" અચ્છા ? ચાલો હું પણ એનો સ્વાદ માણી લઉં. " રુચિ બોલી.

"મહારાજનો હાથ કમાલનો છે. દરેક રસોઈયાની પોતપોતાની આવડત હોય છે. બટેટાના માવામાં આદુ, આખા ધાણા, થોડોક આમચૂર પાઉડર, ખાંડ, તજ પાવડર, દાડમના દાણા અને દ્રાક્ષ નાખીને એકદમ સ્વાદિષ્ટ બટેટા વડા બનાવે છે. " જાનકી બોલી.

અને ખરેખર બટેટાવડા ચાખ્યા પછી રુચિને પણ કબૂલ કરવું પડ્યું કે આવા બટેટાવડા જિંદગીમાં કદી ચાખ્યા નથી.

એ પછી ભાખરી, રીંગણ પાપડીનું સરસ શાક, ઘીથી ભરપૂર ખીચડી અને કઢી પીરસાઈ ગયાં. સાથે ગ્લાસમાં ગાઢી છાશ પીરસવામાં આવી. ખીચડી ખૂબ જ સ્વાદિષ્ટ બની હતી.

" તમારું આ મફત ભોજન પીરસતું ભોજનાલય ખૂબ જ સરસ છે કેતન સર. પૈસા ખર્ચ્યા પછી પણ મુંબઈમાં આટલું સ્વાદિષ્ટ અને સુંદર ભોજન ના મળી શકે. " જમ્યા પછી રુચિ બોલી.

" તમને જાણીને આશ્ચર્ય થશે પરંતુ અહીંયા રસોઈ માટે ગેસનો ઉપયોગ કરવામાં આવતો નથી. કોલસાના મોટા મોટા સગડા અમે વસાવ્યા છે. એની જે ફ્લેવર રસોઈમાં ભળે છે એ સ્વાદ ગેસની રસોઈમાં ના આવે ! કોલસામાં ફુલાવેલી રોટલીનો સ્વાદ જ અલગ હોય છે. " કેતન બોલ્યો.

" તમારી વાત તો સાચી જ છે કારણ કે રસોઈ ખરેખર સ્વાદિષ્ટ હતી." રુચિ બોલી.

જમીને બહાર નીકળ્યા ત્યારે રાત્રિના સવા આઠ વાગી ગયા હતા એટલે કેતન લોકો તરત જ સીધા ગાડીમાં બેસી ગયા અને ટ્રાફિકના કારણે રાત્રે ૧૦ વાગ્યે ખાર બંગલે પહોંચી ગયા.

સવારે વહેલા ઊઠવાનું હતું એટલે ઘરે પહોંચીને રુચિ સીધી પોતાના બેડરૂમમાં જ ચાલી ગઈ. કેતને પોતાના પરિવાર સાથે અડધો કલાક વિતાવ્યો અને પછી એ પણ સૂઈ ગયો. કારણ કે સવારે ચાર વાગે ઉઠી જવાનું હતું.

કેતન અને રુચિ બંનેએ પોતપોતાના બેડરૂમમાં એલાર્મ મૂકેલું હતું એટલે બંને જણાં ૪ વાગે ઉભાં થઈ ગયાં. ફટાફટ બ્રશ કરી હાથ મ્હોં ધોઈ રુચિ ૪ અને ૧૦ મિનિટે બેડરૂમમાંથી બહાર આવી ત્યારે કેતન પણ તૈયાર જ હતો.

" ચાલો આપણે નીકળીએ. " કહીને કેતન આગળ થયો. અત્યારે મનસુખને ડિસ્ટર્બ ના કર્યો. ગાડી કેતને પોતે જ ચલાવી લીધી. અત્યારે પરોઢનો ટ્રાફિક ઘણો ઓછો હતો. સવા પાંચ વાગે તો કેતને ગાડી હોસ્પિટલના પાર્કિંગમાં લાવી દીધી.

બંને જણાએ હિમાલય ધ્યાન કેન્દ્રમાં પ્રવેશ કર્યો અને અદભુત શીતળતાનો અનુભવ કર્યો. અહીં ઘણાં બધાં એસી ફીટ કરીને ૮ ડિગ્રી જેટલું ટેમ્પરેચર રાખવામાં આવ્યું હતું. બંને જણાંએ પોતપોતાની રીતે જગ્યા સેટ કરી દીધી અને ધ્યાનમાં બેસી ગયાં.

કેતનને તો વર્ષોનો અનુભવ હતો એટલે એ તો એટલો બધો ઊંડો ધ્યાનમાં ઉતરી ગયો કે જાણે સમાધિ લાગી ગઈ ! અને આજે આ ઊંડા ધ્યાનમાં સામેથી જ એને ચેતન સ્વામીએ દર્શન આપ્યાં.

" તારી પ્રવૃત્તિઓથી આપણા ગુરુજી ખૂબ જ પ્રસન્ન છે. ઘણું સારું કાર્ય થઈ રહ્યું છે. માનવ સેવા કરવાનો મોકો તને મળ્યો છે અને એનો તેં સારો લાભ પણ લીધો છે. હવે મારી વાત ધ્યાનથી સાંભળ. થોડા દિવસોમાં જ તારે જામનગર જવાનું થશે. એ વખતે તું બેટ દ્વારકા ખાસ જજે. ત્યાં એક સિદ્ધ સન્યાસી રોકાયેલા છે. " સ્વામીજી કહી રહ્યા હતા.

"હનુમાનગઢી રોડ ઉપર એક સજ્જને એમને થોડા દિવસ રહેવા માટે ઓરડીની વ્યવસ્થા કરી આપી છે. એ મોટાભાગે તો સમાધિ અવસ્થામાં જ રહે છે. એ ચિંથરેહાલ અવસ્થામાં હશે એટલે અહીંથી તું એમના માટે નવાં ભગવાં વસ્ત્રો લઈ જજે. એ જ્યારે સમાધિમાંથી બહાર આવે ત્યારે એમને તારા હાથે સ્નાન કરાવીને પહેરાવજે. એમના માટે દૂધ ફળ વગેરેની વ્યવસ્થા કરજે. બે દિવસ રોકાઈને એમની સેવા કરજે. એ અંતર્યામી છે. તને ઘણું બધું પ્રાપ્ત થશે. " ચેતન સ્વામી બોલ્યા.

" જી સ્વામીજી આપનો આદેશ માથા ઉપર. આપની મારા ઉપર કૃપા છે એટલા માટે જ મને એમનાં દર્શનનો લાભ તમે આપી રહ્યા છો. " કેતન બોલ્યો પછી સ્વામીજી અદ્રશ્ય થઈ ગયા.

લગભગ ૭ વાગ્યે કેતને પોતાની આંખો ખોલી. એણે જોયું કે રુચિ પણ હજુ ધ્યાનમાં જ બેઠી હતી. એને સંતોષ થયો. પરંતુ હકીકતમાં રુચિને ધ્યાનની કોઈ પ્રેક્ટિસ હતી જ નહીં એટલે એ આંખો બંધ કરીને ધ્યાન કરવા પ્રયત્ન કરતી હતી અને વચ્ચે વચ્ચે નામ સ્મરણ કરતી હતી. છતાં એને ખૂબ જ મજા આવી. દિવ્ય શાંતિનો અનુભવ એને પણ થયો.

કેતન ઉભો થયો એ એને ખબર પડી કારણ કે અંદરથી એ જાગૃત હતી. એ પણ ઊભી થઈ અને કેતનની પાછળ પાછળ બહાર આવી.

" સર ખરેખર તમે અહીં તો સાક્ષાત હિમાલયનું જ વાતાવરણ ઊભું કરી દીધું છે. હું તો પહેલી વાર જ આજે ધ્યાન કરતી હતી છતાં પણ અડધો કલાક તો ધ્યાનમાં ખોવાઈ જ ગઈ હતી ! ધ્યાનખંડમાં એટલી બધી શાંતિ મળી છે કે એનું વર્ણન કરી શકતી નથી." રુચિ બોલી.

"તમારી વાત સાવ સાચી છે રુચિ. કારણ કે આ હિમાલય કેન્દ્રમાં સાક્ષાત મારા ગુરુજીના આશીર્વાદ પણ છે જેમણે તમારા ઓશિકા ઉપર મોગરાનાં ફૂલ મૂક્યાં હતાં. યાદ છે ને ?" કેતન બોલ્યો.

" એ તો કેમ કરીને ભૂલાય ! તમારા એ ગુરુજીએ જ મને પૂર્વ જન્મની વાતો કહી હતી અને આ પ્લૉટ તમને આપવાનો આદેશ પણ આપ્યો હતો. એ પછી જ મેં નિર્ણય લીધો હતો કે મારે આ પ્લૉટ તમને ગિફ્ટ આપી દેવો. મને તો આ પ્લૉટ ક્યારેય પણ મળવાનો જ ન હતો. મેં તો હાથ ધોઈ જ નાખ્યા હતા." રુચિ બોલી.

"બધું ઉપરવાળાની ઈચ્છા પ્રમાણે જ થાય છે. આપણે તો માત્ર નિમિત્ત બનીએ છીએ. " કેતન બોલ્યો.

"ચાલો. આજે આપણે સામે ભાઉની હોટલમાં જ ચા પીએ. " કેતને કહ્યું અને બંને જણાં ચાલતાં ચાલતાં ભાઉની હોટલમાં ગયાં.

"ગુડ મોર્નિંગ ભાઉ ! કૈસા ચલ રહા હૈ ?" કેતન બોલ્યો.

"આઈયે આઈયે સર. બસ આપકી મહેરબાની હૈ. " સવાર સવારમાં ભાઉ કેતનને પોતાની હોટલમાં જોઈને ખુશ થઈ ગયો. જાતે જઈને ટેબલ સાફ કર્યું અને કેતન લોકોને બેસવાનું કહ્યું.

"દો બઢીયા ચાય બના કર ભેજો. મેરે સાથ મહેમાન હૈ." કેતન બોલ્યો.

" જી સર. બસ દસ મિનિટ." ભાઉ બોલ્યો.

ગલ્લા ઉપર બેઠેલા ભાઉએ પોતાના કારીગરને બે સ્પેશિયલ ચા બનાવવાનું કહ્યું.

દશેક મિનિટમાં આદુ ઈલાયચી વાળી ચા આવી ગઈ. કેતન અને રુચિએ શાંતિથી ચા પી લીધી.

" તમને વાંધો ના હોય તો અડધો કલાક હું જીમમાં જઈ આવું ? યુ.એસ હતી ત્યારે શરૂઆતમાં રેગ્યુલર હું જીમમાં જતી હતી. હવે તો બધું બંધ કરી દીધું છે. " રુચિ બોલી.

"ઓફ કોર્સ ! ચાલો તમારી સાથે હું પણ થોડી એક્સરસાઇઝ કરી લઉં." કેતન બોલ્યો અને બંને જણાં ૭:૩૦ વાગે જીમમાં ગયાં.

ટ્રેઈનર્સ તો પોતાના માલિકને આવેલા જોઈને એકદમ એલર્ટ થઈ ગયા અને એક બાજુ ઉભા રહ્યા.

"યુ કંટીન્યુ યોર જોબ. હું પોતે પણ આજે એક્સરસાઇઝ માટે જ આવેલો છું." કેતન બોલ્યો અને ટ્રેડ મિલ તરફ આગળ વધ્યો.

૧૫ મિનિટ સુધી ત્યાં એક્સરસાઇઝ કરીને કેતન સ્ટેર ક્લાઇમ્બર પાસે ગયો. ત્યાં પણ દશેક મિનિટ પગથિયાં ચડવાની એક્સરસાઇઝ કરી.

રુચિએ પણ પોતાની રીતે અડધો કલાક એક્સરસાઇઝ કરી. પછી નેપકીનથી પરસેવો લૂછીને બંને જણાં જીમમાંથી બહાર આવ્યાં.

"આજનો દિવસ મને કાયમ માટે યાદ રહી જશે. ખરેખર આજની સવાર ખૂબ જ એક્સાઈટિંગ રહી." રુચિ બોલી.

"મારું પણ તમારા જેવું જ છે. હું મુંબઈમાંજ રહુ છું છતાં જીમનો અને હિમાલય કેન્દ્રનો લાભ રેગ્યુલર લઈ શકતો નથી." કેતન બોલ્યો.

એ પછી બંને જણાં ગાડીમાં ગોઠવાઈ ગયાં અને ખારના બંગલે જવા માટે રવાના થઈ ગયાં. ઘરે પહોંચ્યાં ત્યારે સવારના સવા નવ વાગી ગયા હતા. નહાવાનું બાકી હોવાથી રુચિ સીધી પોતાના બેડરૂમમાં ગઈ.

કેતન પણ ન્હાઈ ધોઈને તૈયાર થઈ ગયો. રુચિનો કેતનના બંગલે આજે બીજો દિવસ હતો. રુચિએ આજે આખો દિવસ બંગલામાં કેતનના ફેમિલી સાથે પસાર કર્યો.

કેતન હવે રેગ્યુલર થોડા કલાકો માટે સમય પસાર કરવા માટે હોસ્પિટલમાં હાજરી આપતો હતો. હોસ્પિટલ નું સંચાલન શાહ સાહેબ અને જયેશ ઝવેરી સરસ રીતે કરી રહ્યા હતા એટલે કેતનને કંઈ કરવાનું હતું જ નહીં છતાં પણ એક મેનેજિંગ ડિરેક્ટર તરીકે એની પોતાની હોસ્પિટલમાં એની હાજરી રહે એ હોસ્પિટલ માટે પણ સારું હતું.

જો કે આજે રુચિ આવેલી હોવાથી કેતન પછી હોસ્પિટલ ગયો જ નહીં. આખો દિવસ એણે પણ રુચિ તેમજ પરિવાર સાથે જ વિતાવ્યો.

ત્રીજા દિવસે રુચિ કેતનની સાથે હોસ્પિટલમાં ગયેલી અને ત્રણ ચાર કલાક એની સાથે જ ચેમ્બરમાં બેઠેલી.

"કેવિન સાથે પછી તમારું કેવુંક ચાલી રહ્યું છે ? ક્યારે લગ્ન કરો છો ?" કેતને પૂછ્યું.

"તમે કહ્યું પછી મારે બીજું વિચારવાનું હોય જ નહીં. અમારી ફ્રેન્ડશીપ હવે ઘણી આગળ વધી ગઈ છે અને કદાચ બે ત્રણ મહિના પછી લગ્નથી જોડાઈ જઈશું. " રુચિ હસીને બોલી.

"ચાલો મને આનંદ થશે. સ્ત્રી ગમે એટલી મનની મજબૂત હોય છતાં જીવન એકલા પસાર કરી શકાતું નથી. યુવાનીમાં તો બહુ વાંધો નથી આવતો પરંતુ પાછલી જિંદગીમાં કોઈ સહારાની જરૂર પડે જ છે. એકલવાયા જિંદગી ક્યારેક બોરિંગ થઈ જતી હોય છે ! " કેતન બોલ્યો.

"તમારી વાત સાચી છે. મમ્મી છે પરંતુ મમ્મીની હવે કંપની રહી નહીં નથી. તમે કહેલું જ છે કે આ વર્ષમાં જ મમ્મી મને છોડી દેવાની છે. તમારી વાત કદાચ સાચી પડશે કારણ કે મમ્મીની તબિયત અત્યારે ખૂબ જ ખરાબ છે. અત્યારે પણ એક બાઈને ગોઠવીને જ હું અહીં આવી છું." રુચિ બોલી.

સાંજે ૪ વાગે કેતન રુચિને લઈને હોસ્પિટલની બહાર નીકળ્યો અને પોતાના બંગલે જવા માટે નીકળી ગયો કારણ કે આજે રાત્રે ૧ વાગ્યાનું રુચિનું રિટર્ન ફ્લાઇટ હતું. રાત્રે ૧૧ વાગે એરપોર્ટ પહોંચી જવાનું હતું.

"તમે ઇન્ડિયા આવ્યાં એ અમને બહુ જ સારું લાગ્યું. આ તમારું પોતાનું જ ઘર છે અને તમારો પોતાનો જ પરિવાર છે. જ્યારે પણ મન થાય ત્યારે અમારા ઘરે તમે આવી શકો છો." વિદાય વખતે જગદીશભાઈ બોલ્યા.

"હા રુચિબેન. તમારા આવવાથી ઘરમાં રોનક આવી ગઈ હતી. ત્રણ દિવસ ક્યાં પસાર થઈ ગયા ખબર જ ના પડી. " જાનકી બોલી.

" તમે લોકો પણ એક વાર અમેરિકા આવો. હવે તો તમારું પણ ત્યાં એક ઘર છે. " રુચિ બોલી.

"બસ તમારા લગ્ન વખતે ચોક્કસ હાજરી આપીશું. એ બહાને જાનકી અમેરિકા જોઈ લેશે. " કેતન હસીને બોલ્યો.

રાત્રે ૧૦ વાગે મનસુખ માલવિયાને ડ્રાઇવિંગ સોંપી કેતન રુચિ સાથે એરપોર્ટ જવા માટે નીકળી ગયો. એક કલાકનો જ રસ્તો હતો.

ફરી પાછી વિદાયની ઘડી આવી ગઈ. સુંદર મહેમાનગતિ માટે રુચિએ કેતનનો દિલથી આભાર માન્યો અને એને દિલથી ભેટી પડી. એ પછી એ અંદર સિક્યુરિટી માટે આગળ વધી ગઈ. વિદાય વખતે કેતનને ખ્યાલ આવી ગયો કે રુચિની ભારતની આ છેલ્લી મુલાકાત હતી !!

કેતન ધીમે ધીમે એરપોર્ટમાંથી બહાર આવ્યો અને ગાડીમાં બેઠો. વિદાય કોઈની પણ હોય, વિદાય હંમેશા વસમી જ હોય છે !

ઘરે આવીને એ સૂઈ ગયો અને બીજા દિવસથી વળી પાછો એ જ નિત્યક્રમ ચાલુ થઈ ગયો.

બીજા ચાર દિવસનો સમય પસાર થઈ ગયો ત્યાં એક દિવસ જામનગરથી એના ઉપર ધરમશી અંકલનો ફોન આવ્યો.

" કેતનભાઇ ધરમશી બોલું જામનગર થી"

"બોલો અંકલ... શું ખબર ? " કેતન બોલ્યો

" ૧૬ ફેબ્રુઆરીએ નીતાની સગાઈ ગોઠવી છે. તમારે આવવાનું જ છે. આપણી સ્કીમ પણ પૂરી થઈ ગઈ છે એટલે એ માટે પણ મળવું જરૂરી છે." ધરમશીભાઈ બોલ્યા.

"જી અંકલ. અભિનંદન. જામનગરમાં જ સંબંધ કર્યો કે ક્યાંય બહાર ? શું કરે છે છોકરો ? " કેતને સહજ પૂછ્યું.

"ના એ લોકો રાજકોટ રહે છે. આમ તો દૂર દૂરના કુટુંબના જ કહેવાય. છોકરો સોફ્ટવેર એન્જિનિયર છે અને ૭ વર્ષથી કેનેડામાં જ સેટ થયેલો છે. બે મહિના માટે ઇન્ડિયા આવેલો છે. બંને એકબીજાને પસંદ કરે છે એટલે હવે નીતાના હાથ પીળા કરી દઈએ. લગ્ન હજુ આવતા ડિસેમ્બરમાં ગોઠવીશું. " ધરમશી અંકલે વિગતવાર માહિતી આપી.

"ચાલો એ હિસાબે તમારી ઘણી ચિંતા ઓછી થઈ ગઈ. હું ચોક્કસ આવીશ" કેતન બોલ્યો.

"ફોન જરા પપ્પાને આપો. એમને પણ સારા સમાચાર આપી દઉં. " અંકલ બોલ્યા.

" ઠીક છે અંકલ." કહીને કેતને ફોન પપ્પાને આપ્યો.

૧૬ તારીખે સગાઈનો પ્રસંગ હતો એટલે કેતને ૧૫ તારીખે જ ફ્લાઈટમાં જામનગર પહોંચી જવાનું નક્કી કર્યું.

કોઈના ઘરે ઉતરવા કરતાં હોટલમાં ઉતરવું વધારે સારું. અને હોટલમાં જ ઉતરવું હોય તો કોઈની કંપની હોય તો મજા આવે એટલે કેતને જયેશ ઝવેરીને પણ સાથે લઈ જવાનું નક્કી કર્યું.

૧૫ તારીખે સવારની ફ્લાઈટમાં બંને મિત્રો સાન્તાક્રુઝ એરપોર્ટથી જામનગર જવા માટે રવાના થઈ ગયા.

એરપોર્ટ ઉતરીને કેતન જયેશને લઈને બેડી રોડ ઉપર હોટલ આરામ પહોંચી ગયો. આ ૩ સ્ટાર હોટલ જામનગરમાં સારી ગણાતી હતી.

બપોરનો એક વાગી ગયો હતો અને જમવાનો ટાઈમ પણ થઈ ગયો હતો એટલે હોટલના ડાઇનિંગ હોલમાં જ બંને મિત્રોએ જમી લીધું.

જમ્યા પછી થોડો આરામ કરવાની કેતનની રોજની આદત હતી એટલે બે વાગે રૂમ ઉપર આવીને બંને મિત્રોએ લંબાવી દીધું.

ચાર વાગે ઊઠીને કેતને બંને માટે ચા મંગાવી. ધરમશીભાઈના ત્યાં આવતી કાલે પ્રસંગ હતો ત્યાં સુધી તો માત્ર સમય જ પસાર કરવાનો હતો.

ચેતન સ્વામીએ એને કહેલું કે - 'તારે થોડા દિવસમાં જામનગર જવાનું થશે. એ વખતે તારે બેટ દ્વારકા જઈને એક સિદ્ધ સંન્યાસીને મળવા જવાનું છે.' એટલે કેતનને નીતાની સગાઈ કરતાં પણ સંન્યાસીની સેવામાં વધારે રસ હતો. છતાં હજુ આવતીકાલનો દિવસ અહીં જ પસાર કરવો પડશે !

પરંતુ આવતીકાલના દિવસે કેતને કલ્પના પણ ન કરી હોય એવી ઘટના બનવાની હતી !!
ક્રમશઃ
અશ્વિન રાવલ (અમદાવાદ)