ગતાંકથી...
અરે જવા દો એ વાત .એના કરતાં પણ વધારે અગત્યની વાત તો નવાબ અલ્લીની છે. આપણે જે કામ સ્વીકાર્યું છે તે પૂર્ણ થયા બાદ નવાબ અલ્લી મને પોતાના દેશમાં લઈ જવાનો છે."
હવે આગળ...
"તમારી મરજી હશે ને!"
જુલી એક અનોખું જ લટકું કરી બોલી: "ના મેં તેને સાફ ના પાડી દીધી છે. તે મારી સાથે લગ્ન કરવા પણ તૈયાર હતો, છતાં મેં તેને એ કામમાં સંમતિ આપી નથી. મારી ના સાંભળ્યા બાદ તેણે ગુસ્સાથી અંધ બની શાં વેણ ઉચ્ચાર્યા છે એ તમને ખ્યાલમાં પણ આવે તેવા નથી. તેણે કહ્યું કે : " તું ઋષિકેશના પ્રેમમાં આંધળી બની મને ઈગ્નોર કરતા શીખી છે ! "
આ શબ્દો સાંભળી દિવાકરની આંખો ચમકી ગઈ તેને આ વાતની શંકા તો હતી જ પરંતુ આજે જુલીના મુખે સ્પષ્ટ ભાષામાં આ વાત સાંભળી તે સ્તબ્ધ બની ગયો . જુલી ને તે બહુ સારી રીતે ઓળખતો હતો .તેના જેવી લાગણીશીલ અને હઠીલી છોકરી તેણે બીજી જોઈ નહોતી .તે પોતાની જાતને કોઈ પણ ભયંકર સાણસામાં સપડાયેલો જોવા લાગ્યો.
તેને મૂંગે મોઢે ઉભેલો જોઈ જુલી એ કહ્યું : "ઋષિકેશ ,તમે કેમ કંઈ બોલતા નથી?"
દિવાકરે અતિશય કષ્ટભર્યા અવાજે કહ્યું : " તમે...તમે... આશ્ચર્યકારક છોકરી છો ....જુલી !"
તેના શબ્દો સાંભળી જુલી ખુશ થઈ. તે સ્વપ્ન વિહવળ અવાજે કહેવા લાગી : "ઋષિકેશ, હું તમને પહેલા દિવસથી જ ચાહવા લાગી છું અને તે ખાતર જ તમારા વખાણ કરી ,મારી બધી લાગવગ વાપરી મેં તમને ગેંગ ના સભ્ય બનાવડાવ્યા છે .હું ન હોત તમે કદી આ ગેંગના સભ્ય બની શકત નહીં. પરંતુ હવે તમે બહુ સાવચેત રહેજો. ડૉ.મિશ્રા ભયંકર માણસ છે .હું અત્યારે તો જોઉં છું... જાઉં છું , મારા વહાલા ઋષિકેશ !"
જુલી ગઈ એટલે દિવાકર ધીરે ધીરે રૂમની બહાર નીકળ્યો તે વખતે રાતના દસેક વાગવાનો સમય થયો હતો. મકાન માલિક તે વખતે કદાચ ખાઈ પીને પોતાના બેડરૂમમાં જઈ સુતો હશે ! અહીં આવ્યા બાદ દિવાકરે તેને જોયો નહોતો.
વિશાળ હવેલી સમાન મકાનમાં એકદમ નિરવ શાંતિ હતી. ક્યાંય પણ કોઈ જ માણસો દેખાતા ન હતા .રૂમની બારી બહાર નજર કરતા તેને આ ઘોર અંધારી રાત કોઈ અનિચ્છનિય ઓછાયા જેવી ભાસતી હતી.કોઈ જ ચહલપહલ માલુમ પડતી ન હતી.
ડૉ.મિશ્રા અને સિમ્બા ઉપરના તરફ પશ્ચિમ બાજુના રૂમમાં હતા. તેઓ પણ ખાઈ પીને આરામ લેતા હોય એમ જણાતું હતું .જુલી અને ડેન્સી પોતાના રૂમમાં આરામ ફરમાવતા હતા.
ફરતો ફરતો દિવાકર લાઇબ્રેરીના રૂમમાં આવી પહોંચ્યો. તે આજે પોતાના રૂમમાં ન સુતા આ રૂમમાં પડેલા સિંગલબેડ પર સૂવાનો વિચાર કરતો હતો. પોતાના રૂમ કરતા આ રૂમ તેને વધારે સુરક્ષિત લાગતો હતો.
લાયબ્રેરીના રૂમમાં પ્રવેશી લાઈટ ચાલુ કર્યા વગર અંધારામાં ને અંધારામાં તે બેડ પર બેઠો .ખુલ્લી બારીમાંથી ચંદ્રના કિરણો અંદર આવતા હતા .એ પ્રકાશને લીધે ઓરડો સહેજ પ્રકાશિત થઈ રહ્યો હતો.પરંતુ દિવાકર ના મનને અંધારી રાતનો કોઈ ઓછાયો ગરકાવ કરી રહ્યોં હતો.ડૉ.મિશ્રા ને તેના પ્લાન ને હજુ સુધી તે પુરેપુરો સમજી શક્યો ન હતો.બારી માંથી આવતો ઠંડો પવન પણ તેને ટાઢક આપી નહોતો રહ્યો.
બેડ પર સૂતા સૂતા તે ઊંઘવાનો પ્રયત્ન કરતો હતો. તેવામાં તેને કોઈ માણસનો પગરવ થતો માલૂમ પડ્યો. આટલી રાતે કોણ ફરતું હશે ? કદાચ તે માણસ આ રૂમમાં પ્રવેશ કરશે ! કદાચ...શંકા જેવું લાગતા તે તુરંત જ દિવાકર બેડ પરથી ઉઠી પાસે પડેલા પુસ્તકના કબાટની પાછળ છુપાઈ ગયો.
ક્ષણવાર પછી જ એક માણસ બારણું ખોલી અંદર આવ્યો. તેણે લાઈટ કરી દિવાકરે જોયું કે આ ભાઈ સાહેબ તો આ મકાનનો નોકર છેદીરામ હતો. તેના હાથમાં જમવાની પ્લેટ હતી.
રૂમમાં આવ્યા બાદ તેણે ચોમેર નજર કરીને પ્રથમ બારણું અંદરથી બંધ કર્યું. ત્યારબાદ તે રૂમના બીજા છેડે ખુણામાં પડેલા કબાટ પાસે જઈ પહોંચ્યો. ત્યાં રાખેલા એક જુનવાણી ઢબના કબાટ નું બારણું ખોલ્યું.
દિવાકરે જોયું કે તે કબાટના બારણા ખોલી તે ત્યાં ઊભો હતો. પરંતુ કબાટ ખાલી હતો. તેણે સ્પષ્ટ જોયું કે કબાટમાં કોઈ એક તરફ કોઈ સ્વિચ જેવું કંઈક લાગતું હતું. છેદીરામે પોતાના હાથની તર્જની દ્વારા એ બટન દબાવ્યું કે કબાટનું તળિયું નીચે તરફ ખસી જઈ દિવાલમાં મળી ગયું .અને તે કોણ જાણે ક્યાં અદ્રશ્ય થઈ ગયો. ત્યારબાદ નીચલું પાટિયું પાછું હતું ત્યાં આવી ગયું.
દિવાકર આભો બની આ ચમત્કાર નિહાળતો રહ્યો. તે સમજી ગયો કે ત્યાં જરૂર કંઈ ભોંયરા જેવું હોવું જોઈએ .અને એ ભોંયરામાં કોઈ છુપાઈને રહેતું પણ હોવુ જોઈએ નહીં તો છેદીરામ આમ જમવાની પ્લેટ કોને માટે લઈ જાય ! એ છુપા રૂમમાં કોણ છે ? તેમની બાતમી મેળવવી જ જોઈએ. કદાચ એ ભેદી રૂમમાં પુરાયેલ માણસ પાસેથી કોઈ અગત્યની ખબર પણ મળે.....
થોડીવાર પછી છેદીરામ બહાર આવ્યો અને લાયબ્રેરીના રૂમની લાઈટ બંધ કરી. બારણું ખોલી ને ચાલ્યો ગયો.
દિવાકરે કાન માંડી સાંભળ્યું કે છેદીરામનો અવાજ ધીમે ધીમે દૂરનો દૂર જતો જાય છે. છેવટે તે ઘણે દૂર ચાલ્યો ગયો એવી તેને ખાતરી થઈ કે તરત તે પહેલા કબાટ પાસે આવી પહોંચ્યો . રૂમની બહાર નજર કરી કોઈ છે નહીં એની તપાસ કરી તેણે કબાટનું બારણું ખોલ્યું તરત જ તેની નજરે એક સ્વીચ દેખાણી.તેણે ચોમેર નજર ફેરવતાં તે સ્વીચ દબાવી .તેના આશ્ચર્ય વચ્ચે એ કબાટનુ નીચલું પાટિયું નીચે તરફ ખસી ગયું ને ત્યાં નીચે ઉતરવા માટે ની નિસરણી દેખાણી તેના હ્દયના ધબકાર ની ગતિ વધવા લાગી તે ફટાફટ સાવચેતી સાથે એ નીસરણી વાટે નીચે ઊતર્યો.
દિવાકરનું હૈયુ એકદમ ફાસ્ટ ધડકતું હતું .કોણ જાણે કયા ભેદી મહેલમાં તે ઘસડાતો જતો હતો તેનું તેને જ્ઞાન નહોતું કે ન કોઈ જ વસ્તુ સમજાય રહી હતી.દરેક વખતે અકલ્પનીય ચમત્કારીક વસ્તુઓ તેની સામે આવી જતી હતી.
અંધારા રસ્તા પર થોડા દૂર ગયા બાદ દિવાકરને ખબર પડી કે અંદર જતા આ ભોંયરામાં જાણે વિશાળ મહેલ હોય એવો ઠાઠ રચેલો છે. રસ્તાની બન્ને બાજુએ રૂમ આવેલા છે. થોડેક દૂર ગયા હશે કે એને લાગ્યું કે એક રૂમમાંથી ઝાંખો પ્રકાશ બહાર આવે છે .દિવાકર તરત જ ધીમે પગલે તે રૂમના બારણા પાસે જઈ ઉભો રહ્યો. બારણા પર એક મોટી તરડ હતી. તેમાંથી તેને અંદર જોયું. વિશાળ ઓરડામાં અંદર એકદમ ઝાંખી લાઈટ પડતી હતી. અને ઓરડાના વચ્ચોવચ એક માણસ માથે હાથ મૂકી નિરાશ વદને બેઠો હતો તેને જોતાં જ લાગતું હતું કે તે કોઈ ઊંડી ચિંતામાં મગ્ન થઈ બેઠો છે. તેની સમક્ષ ટેબલ પર પીરસાયેલી થાળીમાં કેટલી જમવાની વસ્તુઓ પડી હતી.
આ દુઃખી માણસ કોણ હશે ? તે ડૉ. મિશ્રાના પક્ષનો તો નહીં જ હોય ! તેમ હોય તો તેને આમ બંદીવાન બનાવવાનું કારણ ન જ હોય. નક્કી કોઈ મિશ્રાનો શત્રુ હોવો જોઈએ કે જેને ડૉ.મિશ્રાએ આમ કેદ કરી મરવા છોડી દિધો છે.
હિંમત રાખી દિવાકરે એ તરડ પાસે મોં રાખી ઉધરસ ખાધી.
ઉધરસ સાંભળી એ માણસ ચમક્યો : મોઢું ઊંચું કરી બારણા તરફ જોવા લાગ્યો. પણ .... આ શું...!!!! તેનુ મોં જોતા દિવાકર સડક બની ગયો. તેણે વિસ્મય પામી વિચાર્યું કે આ ચહેરો ! આ ચહેરો તો મેં જોયો છે.!!! દિવાકર ને યાદ આવ્યું કે રાજશેખર સાહેબને ઘેર પહેલીવાર આ સજ્જનની મુલાકાત થઈ હતી !હા આ તો એ જ છે પ્રખ્યાત સાયન્ટિસ્ટ આદિત્ય વેંગડું.તેણે તરડ માંથી ફરીથી એ ચહેરો ઝીણવટપૂર્વક જોતા તેને ખાતરી થઈ ગઈ કે આ પ્રખ્યાત સાયન્ટિસ્ટ આદિત્ય વેંગડું હતો.
શું દિવાકર આદિત્ય વેંગડુંને આ કેદમાંથી છોડાવી શકશે???
જાણવા માટે વાંચતા રહો આગળનો ભાગ..
. ક્રમશઃ....