પાછી જા ! Pravina Kadakia દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પાછી જા !

શુભમ ફોન પર પુણ્યાને કરગરી રહ્યો હતો. સવારે નોકરી પર જવા નીકળ્યો ત્યારે થોડી રકઝક થઈ હતી. આટલી નાની વાતમાં કોઈ ઘર છોડીને જતું હશે ?

‘તું પાછી આવ. તને કદી વઢીશ નહી. ‘

પુણ્યા એક શબ્દ મોઢામાંથી બોલતી ન હતી. શુભમનો ઉભરો ઠલવાઈ ગયો એટલે ફોન મૂકી દીધો. પુણ્યા દરેકનું કામ પ્રેમથી કરતી. કોઈને ફરિયાદ કરવાનો મોકો છેલ્લા દસ વર્ષમાં આપ્યો ન હતો. સાસુમા અને સસરાજીને માતા અને પિતાથી અધિક ચાહ્યા હતા.

કેટલા પુણ્ય કર્યા હશે ત્યારે અભિ અને આર્યાને ત્યાં પુણ્યાનો જન્મ થયો હતો. એ ભલે ગોરી ચીટ્ટી ન હતી પણ નાજુક અને નજાકતથી છલકાતી હતી. એનું મોહક હાસ્ય રસ્તે જનારનું પણ ધ્યાન ખેંચતું. પુણ્યા બે વર્ષની થઈ અને પાર્થિવનો જન્મ થયો. હટ્ટો કટ્ટો પાર્થિવ અને નાની ઢિંગલી જેવી પુણ્યા સદા સાથે જણાય. પુણ્યા તેના સરળ સ્વભાવને કારણે સહુની લાડલી હતી. તેના વઢવા માટે કોઈ પ્રસંગ દેખાતો નહી. જો કદાચ તેની ભૂલ થઈ હોય તો સામે જઈને માફી માગી આવતી. અહંનો સંપૂર્ણ અભાવ હતો.

નાનપણમાં પુણ્યા માસીના દીકરા, પાવન સાથે ખૂબ રમતી. આમ પાવન માસીનો અને કાકાનો દીકરો ભાઈ થતો હતો. પાર્થિવ નાનો હતો.

પુણ્યા લાડમાં પાવનને ‘લુચ્ચો’ કહેતી. કોલેજ પૂરી કરી અમેરિકા ભણવા ગયો પછી તે ક્યારેય પાછો ન આવ્યો.

પુણ્યામાં અહંકારનો છાંટો પણ ન હતો. કિંતુ જ્યાં પ્રશ્ન આત્મ સન્માન આવ્યો ત્યાં પુણ્યા કોઈપણ રીતે સંમત થવા તૈયાર ન થાય.

શુભમ ને ખૂબ પસ્તાવો થયો. પુણ્યાને પામી તે પોતાની જાતને ખૂબ   ભાગ્યશાળી માનતો હતો. આ પળે પુણ્યા વાત કરવા માંગતી ન હતી. શુભમ કરગરી રહ્યો, ‘પુણ્યા એકવાર મળ તારા બધા પ્રશ્નોના જવાબ આપીશ. તારી ગેરસમજ દૂર કરીશ’.

એવું તું શું બની ગયું કે પુણ્યા કોઈપણ રીતે માનતી ન હતી. તેના હૃદયને એની ઠેસ પહોંચી હતી જે કળ વળવાનું નામ ન લેતી’.

સ્ત્રી ખૂબ સંવેદનશીલ હોય છે. તે જાત ઘસીને પરિવારના સહુનું ધ્યાન રાખે છે. પુણ્યા જેવી સ્ત્રી હંમેશા પ્યારથી પોતાનો ધર્મ બજાવતી હતી. કુટુંબમાં આદર અને પ્રેમથી સહુ તેને ભીંજવતા.

પુણ્યા ક્યારેય તેનો આગ્રહ ન રાખી. સહુના દિલ જીતવામાં  સફળ નીવડી હતી. આજે સવારે એવું તો શું બની ગયું કે પુણ્યા અચાનક આવું પગલું ભરી બેઠી ?

સવારના પહોરમાં સહુ ચા નાસ્તો કરવા ડાઈનિંગ રૂમમાં બેઠા હતાં. સહુ શાંતિથી અને પ્રેમથી નાસ્તો કરવામાં મશગૂલ હતા. બાળકો શાળાએ જવા તૈયાર ઉભા હતા. ક્યારે શુભમ નાસ્તો પૂરો કરે એટલે નીકળવાનું હતું. એટલામાં દરવાજાની ઘંટડી વાગી.

કોઈ ૪૦ વર્ષની આસપાસનો યુવક ઘરમાં આવ્યો અને પુણ્યાને ઉંચકી ફુદરડી ફરવા લાગ્યો. પુણ્યા શરમાઈ ગઈ અને એટલું જ બોલી ‘લુચ્ચા તું ક્યારે આવ્યો”.

સાવ સામાન્ય વાત હતી. શુભમના મમ્મી અને પપ્પા અવાચક થઈ ગયા. શુભમ પૂતળાની જેમ સ્થિર ઊભો હતો. બાળકો બે હાથે તાળી વગાડતા હતા.

‘ મને નીચે મૂકો, લુચ્ચા’.

પુણ્યાના માસીનો દીકરો ૨૦ વર્ષ પછી અમેરિકાથી આવ્યો હતો. બંને નાનપણમાં સાથે મોટા થયા હતા. પુણ્યાથી પાંચ વર્ષ મોટો હતો. પાવનની, પુણ્યા વહાલસોયી બહેન હતી. અમેરિકા ગયો ત્યારે ૧૫ વર્ષની હતી આજે ૩૫ની થઈ હતી. બે બાળકોની મા હતી.

શુભમ ક્યારેય ગુસ્સે ન થાય તે એકદમ બરાડ્યો, ‘આ શું કરે છે’?’

પાવન ઝંખવાણો પડી ગયો.પુણ્યાને ચોંકાવી દેવા કહ્યા વગર આવ્યો હતો. એને જોઈને ભાન ભૂલ્યો.

નાની ઢીંગલી જેવી પુણ્યા આજે આવી જાજવલ્યમાન યુવતી થઈ ગઈ હતી. ધીરેથી પુણ્યાને નીચે મૂકી બે હાથ જોડી બોલ્યો. ” આપ સહુની માફી માગું છું. પુણ્યા મારી નાની વહાલી બહેન છે. ૨૦ વર્ષ પછી તેને મળીને ખુશીના આવેશમાં ઉંચકી લીધી.’

શુભમને માત્ર પાવન વિશે વાત ખબર હતી. આજે પહેલીવાર મળી રહ્યો હતો. શુભમના માતા અને પિતાના ચહેરા પરના ભાવ પુણ્યા કળી ગઈ.

સહુએ સાથે બેસીને ચા નાસ્તો કર્યો. શુભમ ઓફિસે જવા વિદાય થયો. પાવન પણ થોડીવાર બેસી નીકળી ગયો. પુણ્યાએ મનોમન કંઈક નક્કી કર્યું.

‘શું શુભમને મારા પર વિશ્વાસ નથી ?’

આવનાર આંગતુકની સામે રાડ પાડીને અપમાન કર્યું. કોઈ વાત જાણ્યા વગર આવું વર્તન શોભાસ્પદ નથી.

રસોઈ કામ પતાવીને બજાર જવાને બહાને ઘર છોડીને ચાલી ગઈ !સાવ નાની વાતમાં પુણ્યાના અહંને ઠેસ પહોંચી હતી.

પાવનના ગયા  પછી  પુણ્યા પોતાની વાત સમજાવી શકત. ખુશીના આવેગમાં પાવન ભાન ભૂલ્યો હતો. ખબર નહિ કેમ પુણ્યાને પતિના   ગુસ્સામાં શું  અજુગતું જણાયું !

આશા રાખીએ આવી સુંદર વ્યક્તિ, આમ છેલ્લું પગલું ના ભરે !

પુણ્યા, તારા પુણ્ય ઘણા છે. તારા સંસ્કાર સહુને માફી આપે એવા છે. હા, તારું હ્રદય ઘવાયું છે. વિચાર કરજે , પાવન ખૂબ દુઃખી થશે. તને ગમશે ?

અંતમાં “તું શુભમ વગર જીવી નહિ શકે”.

“પાછી જા”!