કલ્મષ - 26 Pinki Dalal દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

  • ખજાનો - 76

    બધા એક સાથે જ બોલી ઉઠ્યા. દરેકના ચહેરા પર ગજબ નો આનંદ જોઈ, ડ...

  • જીવનની ખાલી જગ્યાઓ કોણ પુરશે ?

    આધ્યા અને એના મમ્મી લગભગ પંદર મિનિટથી મારી સામે બેઠેલા હતાં,...

  • ક્રોધ

    क्रोधो मूलमनर्थानां  क्रोधः संसारबन्धनम्। धर्मक्षयकरः क्रोधः...

શ્રેણી
શેયર કરો

કલ્મષ - 26



ન્યુ યોર્કના સૂમસામ પડેલાં રસ્તા પર ટેક્સી દોડી રહી હતી. પણ, એથીય વધુ ગતિએ જો કોઈ દોડી રહ્યું હોય તો તે હતું ઈરાનું મન. ફોર્ટી સેકન્ડ સ્ટ્રીટ પર આવેલી હિલ્ટન હોટેલ તો ન જાણે કેટલીયવાર જોઈ હતી પણ ત્યારે કદી અંદાજ નહોતો કે એક દિવસ પોતે ત્યાં રહેવું પડશે !!
ઈરાના મનમાંથી પોતે જોયેલું દ્રશ્ય ખસતું નહોતું. નીના પોતાની સાથે આવી ગેમ રમી શકે ?

એક બાજુ દિમાગ હતું તો બીજી તરફ દિલ. જે કહી રહ્યું હતું : ના , નીના આવું ન કરી શકે !!

ઉલટું દિલ તો ઈરાને પોતાની કરણી માટે કોસી રહ્યું. પોતે એને એક સફાઈની તક પણ એને ન આપી. એ તો જરા વધુ પડતું કહેવાયને. આમ મધરાતે હોટેલ માટે નીકળી પડવું , જો પોતાની શંકા બેબુનિયાદ પૂરવાર થઇ તો નીનાને કયા મોઢે સામે થવું ?

ઈરાના મનમાં ચાલી રહેલું તોફાન શમવાનું નામ નહોતું લેતું.

રાત્રે ન્યુ યોર્કની ભેંકાર પડેલી ગલીઓને જોઈને ઈરાને હળવી ચિંતા થઇ રહી. ન્યુ યોર્ક જેટલું સવારે ધમધમે તેવું રાત્રે પણ , માત્ર ફર્ક એટલો કે લૂંટાઈ જવાનો ડર પાકો રહે. એમાં પણ મેઈન સ્ટ્રીટને છોડીને બાકીની બધી ગલીઓમાં સૂનકાર અને ગેરસામાજિક તત્વો સિવાય કોઈની ઉપસ્થિતિ ન હોય.

ઈરાના મનમાં ચાલી રહેલી ગડમથલ લાંબી ન ચાલવાની હોય તેમ હિલ્ટન આવી ગઈ. ટેક્સી ડ્રાઈવરને રકમ ચૂકવીને ઇરા રિસેપ્શન કાઉન્ટર પર ધસી ગઈ.
ગણતરીની મિનિટમાં વિધિઓ પતાવી ને ઇરા રૂમમાં પહોંચી ત્યારે સવારના ત્રણ થવા આવ્યા હતા.
ઇન્ડિયામાં સાંજના સાડા પાંચ થયા હશે !! ઇરાએ મનોમન ગણતરી કરી. જે પણ થઇ રહ્યું છે તેની જાણ વિવાનને તો કરવી જ રહી.

ઇરાએ જોયું તો ફોનની બેટરી ડાઉન થવાની અણી પર હતી. છતાં વિવાનને ફોન તો લગાવ્યો પણ ન તો રિંગ જતી હતી ન કોઈ બીઝી ટોન સંભળાતો હતો.


વિવાનનો ફોન કેમ નથી લાગી રહ્યો ? ઈરાને એ વિચારથી પણ ગભરામણ થઇ રહી.

શું થઇ રહ્યું છે પોતાને ? ઇરાએ ફોન બાજુએ મૂકીને આંખો મીંચી પોતાની જાતને પ્રશ્ન કર્યો . વાત એવી નહોતી કે કોઈ હડબડાટમાં ભૂલ થાય તો ચાલે. શાંત ચિત્તે વિચાર જરૂરી હતો.
ઇરાએ સામે રહેલા મિરરમાં પોતાનું પ્રતિબિંબ જોયું.
ટ્રાવેલિંગ અને અપૂરતી ઊંઘ ને થાકને કારણે ચહેરો મ્લાન થઇ ગયો હતો. કપાળ પર ચિંતાને કારણે ખેંચાયેલી ભ્રુકુટી એમાં વધુ વિકાર ઉમેરી રહી હતી.

ઇરાએ બધું કામ પડતું મૂકવું હોય તેમ બેડ પર બેસી ગઈ.
સૌથી પહેલી જરૂર વિવાનની નહીં બલ્કે મનની શાંતિની હતી.

એણે મનોમન કશોક નિર્ધાર કરી લીધો. સૌથી પહેલું કામ કર્યું ફોનને ચાર્જિંગમાં મુકવાનું . પછી શૂઝ કાઢ્યા , પૂરાં બાવીસ કલાકથી ચુસ્ત જકડાયેલી પાનીને મુક્તિનો મહેસૂસ થઇ રહ્યો હતો . હળવે પગલે એ બાથરુમમાં ગઈ. વૉશબઝીન પાસે જઈને એણે ચહેરા પર ઠંડા પાણીની છાલક મારી. વધુ થોડી હળવાશ અનુભવાઈ રહી હતી. બાથટબમાં પાણી ભરવા મૂકી એ બહાર આવી. બેગમાંથી કપડાં લઈને ફરી બાથરૂમમાં આવી. બાથટબમાં હૂંફાળા પાણીમાં નાખેલ સુગંધી સાબુના ફીણ વળતાં હતા. ઇરાએ બાથટબની કિનારી પર બેસીને પગ પાણીમાં બોળી દીધા. પગની પાનીને હૂંફાળા પાણીનો સ્પર્શ શું થયો એ સાથે જ મનમાં અજબ શાંતિનો અનુભવ થઇ રહ્યો.
શરીરના થાક સાથે મનમાં ચાલી રહેલું ઘમાસાણ તોફાનનું જોર પણ ઠંડુ પડી રહ્યું હતું , હવે જે કરવાનું હતું તે શાંતિથી સમજી વિચારીને કરવાનું હતું.
જેમ જેમ થાકેલા તનમનને રાહત મળતી ગઈ વિચાર પણ શાંત થવા લાગ્યા.

નીનાને તો ખબર જ નથી કે પોતે ન્યુ યોર્ક આવી પહોંચી છે. જો ફોન પણ કરે તો પોતે ક્યાં છે એ કહેવાની જરૂર પણ નથી. ખોટું કામ નીનાએ કર્યું હતું અને ગુનાહિત લાગણી પોતે અનુભવી રહી છે એ વાત મનમાં સ્પષ્ટ થઇ પછી ઈરાને રાહત લાગવા માંડી.
લાંબી મુસાફરીને કારણે જકડાઈ ગયેલું શરીર ગરમ પાણીની કરામતથી તાજગી અનુભવી રહ્યું. ઇરાએ કપડાં બદલ્યા , રૂમનું ટેમ્પરેચર સેટ કર્યું અને બેડ પર પડતું મૂક્યું. હવે વહેલી પડે સવાર.

******************

હોલમાં રહેલા કુ કુ કલોકમાં ત્રણ ડંકા થયા ને પંખી ત્રણવાર આવીને કુ કુ કરી ગયું.પથારીમાં ખુલ્લી આંખે સીલિંગ તાક્યા કરતી નીનાએ પડખું ફરીને બાજુમાં જોયું. હળવા પ્રકાશમાં વાસુ તો નસકોરાં બોલાવતો નજરે ચઢ્યો. એ સાથે જ નીનાના મનમાં છે ઉગ્યો : છે કોઈ ફિકર ? પોતે કેમ વાસુ જેવી નથી થઇ શકતી ?

નીનાના મનમાં અજબ કોહરામ મચ્યો હતો.મનમાં. એક તરફ જીગરજાન દોસ્ત, બીજી તરફ માબાપ પરત્વેની જવાબદારી , ત્રીજી બાજુ કારકિર્દી ને આ બધા સામે વાસુ.
પોતે ઈરાને જવાબ શું આપશે એ વાત તો મનમાં કેટલાય દિવસોથી ખૂંચી રહી હતી.

પોતાની લાગણી વાસુ માટે છે એ વાત કહેવા માટે વાસુએ જ ના પાડી હતી. અને પછી જે બધું થયું તે તો ..... !!

નીનાના મનમાં આવેલા એ વિચાર સાથે જ એ બેડમાં બેઠી થઇ ગઈ. હીટરની હુંફમાં એને ગૂંગળામણ થઇ રહી હતી. એને ઉઠીને પોતાનું ડ્રેસિંગ ગાઉન વીંટાળ્યું.
પછી બહાર હોલમાં આવીને બેઠી .

કોઈક અજબ બેચેની મનને ભરડો લઇ રહી હતી. કશુંક વિચારીને એને ફોન હાથમાં લીધો. ઇન્ડિયામાં હજી સાંજ પડી હશે. આ સમય હતો ઈરાને પૂછી લેવાનો કે એ પાછી ક્યારે આવે છે ?

ઈરાના ફોનની રિંગ વાગતી રહી પણ સામે રિસીવ ન થયો એટલે નીનાએ વાત કરવાનો વિચાર માંડી વાળ્યો હોય તેમ સાઈડ ટેબલ પર મુક્યો.

ઇરા પાછી આવે એ પહેલા વાસુએ અહીંથી ચાલી જવું યોગ્ય હતું . નીનાના મનોમન વિચારતી રહી.
મનમાં એક તરફ હતી મિત્ર અને બીજી તરફ હતો પ્રેમી.

ઇરા જો અચાનક આવી ચઢે ને વાસુને આમ અહીં રહેતા જુએ તો કહેવું શું ? નીનાના મનને આ પ્રશ્ન પહેલા પણ કેટલીયવાર મૂંઝવી ચુક્યો હતો.
કેમ , ઇરાને ચોક્કસપણે કહી શકાય કે હું ને વાસુ એકમેકને પસંદ કરીયે છીએ. કોઈને ચાહવું એ કોઈ ગુનો થોડો બને છે ?
દિલે આપેલો જવાબ દિમાગને ન રુચ્યો હોય તેમ નીના વિચારતી જ રહી.

પોતે વાસુને ક્યાં મળી , કેવી રીતે મળી એ વિષે તો પોતે ઈરાને અંધારામાં જ રાખી હતી. એ ઈરાથી જે પોતાથી એક પણ વાત ખાનગી નહોતી રાખતી ને પોતે ?

નીનાને પળવાર માટે તો પોતાની આ હીન વૃત્તિ માટે શરમ ઉપજી પણ વાસુએ આપેલી ટ્રેનિંગ કામ કરતી હોય તેમ મને જવાબ આપ્યો : એ એની મરજી હતી , મેં થોડું કહ્યું હતું કે બધી વાત બે સખીઓ વચ્ચે થવી જરૂરી છે !!
નીનાના મનમાં ચાલતાં વિચારો એને ઘસડી ગયા થોડા મહિના પૂર્વે, જયારે એ વાસુને મળી હતી.

********************

હજી ગયા વર્ષની વાત હતી. જુલાઈનો મહિનો હતો. ન્યુ યોર્કમાં ગરમી માઝા મૂકી રહી હતી. બંને સખીઓ મેટ્રો સ્ટેશનમાંથી બહાર આવી રહી હતી. બંને ભારે ખુશ હતી નવા મળેલાં કોન્ટ્રાકટથી. આ એક કોન્ટ્રાકટ તેમની લાઈફ સ્ટાઇલ બદલી નાખવાનો હતો.

'ઇરા , આપણને આ કોન્ટ્રાકટ મળે એટલે વધુ સારી જગ્યાએ શિફ્ટ થઈશું !! શું કહે છે ?' નીનાએ પૂછ્યું હતું.

'બેશક નીના, સૌથી પહેલું કામ આ બે બેડરૂમ એપાર્ટમેન્ટમાંથી ચાર બેડરૂમમાં શિફ્ટ થઈશું , એટલે એક રૂમ તો ઓફિસ તરીકે વાપરીશું અને બીજા એક રૂમને ગેસ્ટ રમ બનાવીશું. જેથી તારા મમ્મી પપ્પા આવે કે મા આવે તો તકલીફ ન પડે. અને હા, સારો વ્યુ હોય અને પાર્કિંગ હોય ત્યાં ....' ઇરાએ નીનાની વાતને મહોર લગાવતાં કહ્યું હતું।

બંને સખીઓ ભારે મહેનત કરતી હતી. સપનાં તો બહુ મોટા હતા। લાગતું હતું કે બસ, બધું જ હાથવગું છે પણ કોઈને કોઈ એવી વાત બની જતી હતી કે હોઠ સુધી આવેલો પ્યાલો ઢોળાઈ જતો હતો.

બંને સખીઓ ક્લાયન્ટને ત્યાંથી આવી રહી હતી. સામેની પાર્ટી માત્ર મોટી નહીં , મોટા દિલવાળી હતી. નામાંકિત ઇન્ડિયન ગ્રોસરી સ્ટોરમાં પોતાનો સોફ્ટવેર લાગે એ વાત જેવી નહોતી. બંનેના દિલ આશાથી થનગનતા હતા.
'ઇરા, આ એક ક્લાયન્ટ ટેપ થાય તો આપણે સ્મોલ મીડિયમ કહી શકાય તેવા ગ્રોસરી સ્ટોર્સને અપ્રોચ કરીશું જેમને મોંઘીદાટ સેપ સિસ્ટમ ન પોસાય તે સેક્ટરમાં આપણે સર કરી શકીએ ને ?'

'ચોક્કસપણે , નીના , તું તો હવે માર્કેટિંગ વિઝર્ડ પણ થઇ ગઈ ને !! ' ઇરા હસીને બોલી હતી.

'આ વાત પર ચાલ આજે પાર્ટી થઇ જાય ... 'નીના ભારે ખુશ હતી. ચલ , કે ફૂડમાં જઈને વાઈન લઇ આવીએ.
'નહીં, મને ઘરે જવું છે , આજે તો મામાની તિથિ છે. માનો ફોન હતો. આજે ત્રીજીવાર મેં કહ્યું કે શાંતિથી કરું છું ને પછી થયો જ નહીં. મોડું થશે તો આશ્રમમાં જતા રહેશે.

ઈરાની ચિંતા યોગ્ય હતી. સુમનને આટલાં વર્ષોમાં ઈરાન કામકાજના કલાકો સમજવાની ફાવટ નહોતી. એમાં પણ ઈરાના કામના કલાકો એટલા લાંબા રહેતા કે જયારે ફોન આવે દીકરી કામમાં જ હોય એટલે માની ફરિયાદ પણ સાચી હતી.

તો એક કામ કર ઇરા, તું ઘરે પહોંચ , હું થોડી ગ્રોસરી કરીને આવું છું. નીના સામે આવેલા ગ્રોસરી સ્ટોરને જોતાં બોલી.

બંને સખીઓ એકમેકની પૂરક હતી. ઘરકામ ને ઓફિસમાં કામની જવાબદારી પણ સરખીરીતે વહેંચી લીધી હોવાથી એવી નાની નાની વાતો બંને સાંભળી લેતી હતી.
ઈરાને આમ ચાલી જવું યોગ્ય તો ન લાગ્યું પણ મામાજીની તિથિ પર મા થોડી ભાવુક થઇ જતી. એવા સમયે વધુ નહીં તો એક ફોનથી એનું મન રાખી લેવાની વાત પણ ખોટી નહોતી.

સાંજનો સમય હતો અને ન્યુ યોર્કની સ્ટ્રીટ ચક્કાજામ હતી. ઇરાએ ઝડપથી પગલાં ભરવા માંડ્યા।
મેટ્રો સ્ટેશનથી એપાર્ટમેન્ટ ખાસ દૂરી પર નહોતું. ઘર પાસે આવેલા જ સુપરસ્ટોરમાં જવાની વાત પર બે સખીઓ છૂટી પડી.


હે નીના ...
નીના હંમેશની જેમ ઘરનો સામાન ખરીદી રહી હતી અને પાછળથી કોઈક બોલાવી રહી હોય એમ લાગ્યું .
પાછળ ફરીને જોયું તો એની આંખ આશ્ચર્યથી પહોળી થઇ ગઈ.

'અરે વાસુ તું ? અહીં ? વૉટ અ પ્લેઝન્ટ સરપ્રાઈઝ ?' નીનાના અવાજમાં ખુશી છલકાઈ ઉઠી.

આ એ જ વાસુ હતો જે કોલેજમાં સાથે હતો. એ અહીં કઈ રીતે ?
પીચ રંગના ટીશર્ટ અને જીન્સમાં વાસુ સ્માર્ટ લાગી રહ્યો હતો. ઓછી ઊંચાઈ અને શ્યામ વર્ણ સાથે હવે સુમેળ થયો હતો સ્માર્ટનેસનો.
' મેં તને ઓળખી તો કાઢી પણ સાચે તું ઘણી બદલાઈ ગઈ છે.' વાસુ જરા હસીને બોલ્યો।
'ચાલો વાંધો નહીં , ઓળખી નાખી એ જ પૂરતું નથી ? ' નીના પણ હસીને બોલી.
' હા, તને ઓળખી તારા અવાજ પરથી , તું જો ફોનમાં વાત ન કરતી હોત તો મારુ ધ્યાન પણ ન જાત. ' વાસુના કથનમાં નિખાલસતા હતી. એની વાત તો સાચી હતી. વાઈનની પસંદગીમાં એ મૂંઝાઈ હતી એટલે જ એણે ઈરાને ફોન કર્યો હતો.
' તો મેરિડ એન્ડ સેટલ્ડ હિયર ? ' વાસુએ તો માત્ર ઔપચારિકતા જ પૂછ્યું હતું.
'ઓહ નો, સ્ટીલ લોન્ગ વે ટુ ગો ....' નીના હસી પડી હતી.

સુપર માર્કેટમાં ઉભા ઉભા તો કેટલીવાર વાત કરી શકાય ? વાસુએ સુપર માર્કેટમાં જ રહેલા કોફી બારમાં કોફી પીવાનું ઇજન આપી દીધું.
'ના ફરી ક્યારેક , આજે તો હું ઉતાવળમાં છું ....' નીનાએ થોડો હિચકિચાટ અનુભવ્યો હતો.
'અરે ફરી ક્યારે મળીશું ? અને મળીશું કે નહીં એની શું ખબર ? નીના , કાલને કોઈએ જોઈ નથી.
'હા, એ તો ખરું પણ ...'નીના બોલી પણ એના શબ્દમાં વજન નહોતું.

બંને કોફી બારમાં જઈને બેઠા.
વાસુએ જ કોફી લઇ આવ્યો. પોતાને માટે બ્લેક કોફી ને નીના માટે કોલ્ડ કોફી વિથ આઈસક્રીમ.
'ઓહ , કોલ્ડ કોફી અત્યારે ? 'નીના અચરજ પામી રહી હતી.
'હું જો ભૂલતો ન હોઉં તો ત્યારે તારી ફેવરિટ હતી, રાઈટ ? ' વાસુ મલક્યો.
'ઓહ, તને હજી યાદ છે ?'નીનાની વિસ્ફારિત આંખોમાં સ્મિત છલકાઈ રહ્યું હતું।
'મેડમ , મને બધું જ યાદ છે ...' વાસુ આગળ બોલવાને બદલે અચાનક ચૂપ થઇ ગયો.
થોડીવાર મૌનનું સામ્રાજ્ય પડઘાતું રહ્યું.

એક ક્ષણમાં તો નીનાની નજર સામે દાયકો પસાર થઇ ગયો .
નીના અને વાસુ બંને એક કોલેજમાં હતા અને મિત્રોનું જૂથ. સાથે ભણતાં મિત્રો ક્યારેક દુશ્મન કરતાં વધુ ક્રૂર થઇ શકે એનો અનુભવ બંનેને વારે તહેવારે થતો રહેતો. બંને દેખાવમાં સાધારણ હતા. નીનાનો રંગ અને કદ બંને સ્ત્રીસહજ અસલામતી આપવા માટે પૂરતાં હતા. બાકી હતું તેમ નબળી આર્થિક સ્થિતિ સૌથી મોટી દુશ્મન હતી. વાસુ દક્ષિણ ભારતીય હતો એ સહુને ખબર હતી. કેરળના એક નાનાં ગામડામાંથી આવેલો મધ્યમવર્ગીય યુવાન ,જેના સપનાં ખૂબ ઊંચા હતા.
જયારે પણ મોંઘી રેસ્ટોરન્ટમાં કે પિકનિક પાર્ટીની વાત આવતી નીના અને વાસુ બંને કોઈ બહાનાં કાઢી ખસી જતા રહેતા. ગ્રુપમાં સહુને ખબર હોવા છતાં પાશવી મજાક તેમના દેખાવથી લઈને સ્થિતિ પર થતી રહેતી.
એક સમય એવો આવ્યો કે બંને એ ગ્રુપમાંથી ક્યારે ખસી ગયા કોઈને ખ્યાલ જ ન આવ્યો.
હા, પણ એક વાત બની કે બંને વચ્ચેની સામ્યતાએ તેમને જોડી રાખ્યા હતા. જ્યાં સુધી નીના કોલેજમાં હતી ત્યાં સુધી વાસુ સાથે મૈત્રી રહી પણ પછી ગમે તેમ કરીને અમેરિકાનું શમણું સાચું પડ્યું ને વાસુ તો ક્યાંય પાછળ છૂટી ગયો.
મૈત્રી હતી પણ એવી નહીં કે એ સેતુ જળવાયેલો રહે. નીના પોતાની નવી દુનિયામાં સેટ થવાનો પ્રયાસ કરવા લાગી ગઈ હતી ને વાસુનું આમ અચાનક મળી જવું રણમાં મીઠાં પાણીની વીરડી મળી આવે એમ લાગ્યું હતું.

' તો તું કરે શું છે નીના ? ' વાસુએ તોળાઈ રહેલા મૌનને ભંગ કરતાં પૂછ્યું હતું.
નીનાને આ જ ઘડીનો ઇન્તઝાર હતો. એણે તો પોતે શું કરે છે , ક્યાં રહે છે એ તમામ વાતો રસપૂર્વક કરવા માંડી.

વાસુ એને મલકતાં ચહેરે સાંભળતો રહ્યો. નીનાનો પહેરવેશ બદલાઈ ગયો હતો. બોલવા ચાલવાની લઢણમાં પણ પરિવર્તન આવી ગયું હતું. જાણે નીના કોઈક જૂદી જ વ્યક્તિ હતી.
કોફીની ચુસ્કી ને વાતોના વિશ્વમાં બંને ક્યાં સુધી તણાતાં રહ્યા.

નીનાને પણ જાણવું હતું કે આખરે વાસુ શું કરે છે, ક્યાં રહે છે , કઈ રીતે અમેરિકા આવ્યો ?
બંનેએ વાતવાતમાં જાણી લીધું હતું કે બંને અપરિણિત છે. કદાચ એ પણ કારણ હતું વધુ નિકટતા અનુભવવાનું.

વાસુને અમેરિકા આવ્યાને ખાસ સમય નહોતો થયો. ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ બનેલો વાસુ કામ તો કોઈ ઇન્ડિયન કંપની માટે કરતો હતો. વાસુએ તે વિષે ખાસ ખુલી ને વાત કરે એ પહેલા જ નીનાએ રોક્યો હતો.
'વાસુ , આપણે બાકીની વાત આગલી મિટિંગ પર રાખીએ તો ? '
'હા, એ બહેતર છે , અત્યારે તો તને મોડું થઇ રહ્યું છે. ' વાસુ હસીને બોલ્યો હતો.

માત્ર ત્રીસ મિનિટની મિટિંગમાં કશુંક તો બની ગયું હતું. ફરીવાર મળવાનો ઈરાદો બંને પક્ષે હતો.

ફરી મળવાનો વાયદો કરીને નીના છૂટી પડી ને ઝડપભેર પગલાં ભરવા લાગી.ઇરાને નાહકની ચિંતા થશે.
નીનાએ એપાર્ટમેન્ટ પર પહોંચી પોતાની લેચ કીથી બારણું ખોલ્યું.
ઇરા તો હજી મોબાઈલ પર વાત કરી રહી હતી. લાગતું હતું કે મા દીકરી વચ્ચે વાતનો વિકલી ક્વોટા હજી પત્યો નહોતો.
નીનાને એથી હાશકારો થયો હોય તેમ હાથમાં રહેલો સામાન ડાઇનિંગ ટેબલ પર મૂકી પોતાના રૂમ જતી રહી.
અંદર જઈને બારણું લોક કર્યા પછી શાવરમાં ઉભી રહેલી નીનાને મનમાં એક વિચાર જ મૂંઝવી રહ્યો હતો : ઈરાને હમણાં વાસુની વાત કરવી કે ન કરવી ?

ક્રમશ :



--
Pinki Dalal

Author , Novelist, Traveller, Blogger

Director,
ORIOR IT Consulting Pvt Ltd.
127, Parekh Market,
Opera House,
Mumbai 400004

Mobile: 91 9167019000
pinkidalal.wordpress.com
pinkidalal.blogspot.com
Show quoted text